15-02-2026_06 Jan Fariyad_New-1
ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો
[3/6, 10:58 AM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતનું ગ્રીન મોડેલ: ડીસાના ડાવસ ખાતે 13 એકર વિસ્તારમાં રૂ.3.5 કરોડના ખર્ચે બનશે રાજ્યની પ્રથમ હાઇટેક નર્સરી*
_____________
*પર્યાવરણના જતન માટે ડાવસ ખાતે વાર્ષિક 10 લાખ રોપાઓના ઉછેર સાથે લુપ્ત થતી વનસ્પતિઓનું થશે સંવર્ધન*
______________
*વૈજ્ઞાનિક પદ્ધતિથી દુર્લભ બીજનું થશે જતન, સીડ બેંક અને પ્રોસેસિંગ યુનિટથી વનીકરણને મળશે નવો વેગ*
_____________
(માહિતી બ્યુરો, પાલનપુર)
સમાચાર સંખ્યા:- ૧૫૪/૦૭
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના માર્ગદર્શન અને પ્રેરણાથી ગ્રીન કવર વધારવા અને દુર્લભ વનસ્પતિઓના સંરક્ષણ માટે અનેક નવીન પહેલો કરવામાં આવી રહી છે. મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ બનાસકાંઠા પર્યાવરણ સંરક્ષણ અને આધુનિક કૃષિ ટેકનોલોજીનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાકાર કરવા જઈ રહ્યું છે. ડીસા તાલુકાના ડાવસ ગામ ખાતે આશરે 13 એકર જેટલા વિશાળ વિસ્તારમાં રૂપિયા 3.5 કરોડના ખર્ચે અદ્યતન ‘હાઇટેક નર્સરી’નું નિર્માણ કરાશે. આ નર્સરી સમગ્ર ગુજરાત રાજ્ય માટે એક પ્રેરણાદાયક મોડેલ સાબિત થશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ અત્યાધુનિક ટેકનોલોજી, નિયંત્રિત વાતાવરણ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા, રોગમુક્ત અને મજબૂત છોડ તૈયાર કરવાનો છે, જેથી વનીકરણ અને પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને વધુ મજબૂત બનાવવામાં આવી શકે.
આ હાઇટેક નર્સરીની એક ખાસ વિશેષતા એ રહેશે કે અહીં દર વર્ષે આશરે 10 લાખથી વધુ રોપાઓનું ઉત્પાદન કરવામાં આવશે. છોડના ગુણવત્તાયુક્ત વિકાસ માટે નર્સરીમાં મીસ્ટ ચેમ્બર, જર્મિનેશન ચેમ્બર, પોલી હાઉસ અને નેટ હાઉસ જેવી અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેના કારણે પ્રતિકૂળ આબોહવામાં પણ છોડનું સુરક્ષિત અને ઝડપી વિકાસ શક્ય બનશે. ખાસ કરીને ગુજરાતની એવી વનસ્પતિ પ્રજાતિઓ જે લુપ્ત થવાના આરે છે, તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે અહીં ‘સોઇલ-લેસ મીડિયા’ એટલે કે માટી વગરના આધુનિક માધ્યમનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેકનિકના ઉપયોગથી છોડનો વિકાસ વધુ ઝડપી, સ્વસ્થ અને ગુણવત્તાસભર બનશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત એક સુસજ્જ સીડ બેંક અને સીડ પ્રોસેસિંગ એરિયા પણ વિકસાવવામાં આવશે, જ્યાં દુર્લભ અને મૂલ્યવાન બીજને લાંબા સમય સુધી વૈજ્ઞાનિક રીતે સંગ્રહિત કરી શકાય. ઉપરાંત, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે અહીં ‘નર્સરી ઇન્ફોર્મેશન સેન્ટર’ પણ કાર્યરત કરવામાં આવશે, જ્યાં વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પર્યાવરણપ્રેમીઓને વનસ્પતિ, વનીકરણ અને કુદરતી સંરક્ષણ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. નર્સરીમાં વર્મી કમ્પોસ્ટિંગ યુનિટ દ્વારા ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામાં આવશે, જે છોડના સ્વસ્થ વિકાસ માટે ઉપયોગી સાબિત થશે. સાથે સાથે ‘ઊંચી હાઇટ વાળા વૃક્ષો’ એટલે કે લાંબા અને મજબૂત રોપા તૈયાર કરવાની પદ્ધતિ અપનાવવામાં આવશે, જે મોટા પાયે વૃક્ષારોપણ અને વનીકરણ કાર્યક્રમોને વધુ અસરકારક બનાવશે.
આ હાઇટેક નર્સરી પ્રોજેક્ટ ભવિષ્યમાં ગુજરાત રાજ્યના ગ્રીન કવર વધારવા, પર્યાવરણીય સંતુલન જાળવવા અને દુર્લભ વનસ્પતિઓના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપશે. સાથે જ, આ નર્સરી પર્યાવરણ સંરક્ષણ, આધુનિક કૃષિ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક વનીકરણના ક્ષેત્રમાં એક ઉત્તમ ઉદાહરણ બનીને રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ માર્ગદર્શક સાબિત થશે.
***
[3/6, 1:41 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિજ્ઞાન ફલક પર વિદ્યાર્થીનીઓનો દબદબો*
———————————————–
*ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી એ વિજ્ઞાન ક્ષેત્રે નારી શક્તિને કરી રહી છે વધુ સશક્ત; યુનિવર્સિટીના અનેકવિધ સંશોધન – સિદ્ધિઓ નારી શક્તિના નામે*
———
*GBUની વિદ્યાર્થીનીઓએ સાબિત કર્યું કે વિજ્ઞાનના સમીકરણોમાં પણ’નારી શક્તિ’નું સૌથી મહત્વનું પ્રદાન*
———————-
ગત એક દાયકાથી સંશોધન અને નવીનતા પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા સતત મજબૂત બની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સંશોધન, વિકાસ અને નવીનતા યોજના અંતર્ગત ફાળવવામાં આવેલું રૂ. ૧ લાખ કરોડનું સંશોધન ભંડોળ દેશના સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમના નિર્માણ તરફનું એક ઐતિહાસિક પગલું છે. તેમના ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન,જય અનુસંધાન’ના મંત્રને ગુજરાત ખરા અર્થમાં આત્મસાત કરી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શન હેઠળ તાજેતરમાં જ રાજ્ય દ્વારા સાયન્સ ટેકનોલૉજી એન્ડ ઈનોવેશન પોલિસી ૨૦૨૬-૩૧ જાહેર કરવામાં આવી છે.
દર વર્ષે તા. ૦૮ માર્ચના રોજ ‘વિશ્વ મહિલા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી -GBUમાં પણ સેવારત મહિલાઓ આ જ્ઞાનયજ્ઞમાં સમર્પિત પ્રયાસો થકી રાજ્યના મહિલા સશક્તીકરણના ઉદ્દેશને સાર્થક કરી રહી છે.GBUની વિદ્યાર્થીનીઓએ સાબિત કર્યું કે, વિજ્ઞાનના સમીકરણોમાં પણ’નારી શક્તિ’ સૌથી મહત્વનું પ્રદાન આપી રહી છે.
*WDC: મહિલાઓના સપનાને પાંખો આપતું માધ્યમ*
વર્ષ ૨૦૨૩માં સ્થાપિત GBUનું મહિલા વિકાસ સેલ આજે યુનિવર્સિટીનો મજબૂત આધારસ્તંભ બન્યો છે. અહીં મુખ્ય માળખાગત સુવિધાઓમાં આંતરિક ફરિયાદ સમિતિ, કાઉન્સેલિંગ સેવાઓ અને કાર્યરત માતાઓ માટે કેમ્પસમાં ઘોડિયાઘરની સુવિધા પૂરી પાડી GBU એ સાબિત કર્યું છે કે, મહિલાઓ માટે GBUમાં માત્ર લેબ નથી, પણ એક સમગ્ર સપોર્ટ સિસ્ટમ છે. GBU જાણે છે કે, જ્યારે એક મહિલા પ્રયોગશાળામાં હોય છે, ત્યારે તે સમગ્ર સમાજનું ભવિષ્ય લખી રહી હોય છે.
દર વર્ષની જેમ આગામી ૯ માર્ચ, ૨૦૨૬ના રોજ, “નવોચાર અને ઉદ્યોગસાહસિકતા” વિષય પર આયોજિત વ્યાખ્યાન દ્વારા GBU આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવા જઈ રહી છે, જેમાં IKP નોલેજ પાર્ક-હૈદરાબાદના અધ્યક્ષ ડૉ. દીપન્વિતા ચટ્ટોપાધ્યાય માર્ગદર્શન આપશે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, લેબમાં વપરાતી એક નાનકડી ટેસ્ટ-ટ્યુબ દુનિયા બદલી શકે છે ? ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના કેમ્પસમાં આજે આ જ સવાલનો જવાબ ગુંજી રહ્યો છે. અહીં માત્ર પ્રયોગો નથી થતા, અહીં ‘મહિલા વૈજ્ઞાનિકો’ વિજ્ઞાન ક્ષેત્રે નવા કિર્તિમાન સ્થાપિત કરી રહી છે. હૃદયરોગથી લઈને કેન્સર અને પર્યાવરણ સુધીના જટિલ વિષયો પર આજે GBUની મહિલા ફેકલ્ટી અને વિદ્યાર્થીનીઓ સંશોધન કરી રહી છે.
*ફેકલ્ટી શ્રેષ્ઠતા: વૈશ્વિક સ્તરે ઓળખ*
GBUની મહિલા ફેકલ્ટી વૈશ્વિક સ્તરે પ્રભાવ પાડતા સંશોધનોનું નેતૃત્વ કરી રહી છે. મહિલાઓનું આ પ્રેરક યોગદાન વિજ્ઞાન ક્ષેત્રમાં અદભૂત સમર્પિતતા દર્શાવે છે.
• ડૉ. સૂર્યા રામચંદ્રન: તેમને “પ્રો. ઈન્દિરા પરીખ – ૫૦ વુમન ઇન એજ્યુકેશન લીડર્સ એવોર્ડ” અને કાર્ડિયોવાસ્ક્યુલર વિજ્ઞાન માટે IACS-ઇન્ડિયા તરફથી એક્ઝેમ્પ્લરી સર્વિસિસ એવોર્ડ મળ્યો છે.
• ડૉ. કાંતિ કિરણ: તેમનું નામ ભારતમાંથી ‘ઇન્ડો-જર્મન WISER ગ્રાન્ટ’ માટે પસંદગી પામેલી ૧૦ મહિલાઓની યાદીમાં સામેલ છે.
• ડૉ. રોહિણી નાયર: તેમણે ‘હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ’ પર સંશોધન માટે ગેટ્સ ફાઉન્ડેશન તરફથી રૂપિયા એક કરોડથી વધુની નોંધપાત્ર નાણાકીય સહાય મેળવી છે.
• ડૉ. નિશા સિંહ: ૮૦થી વધુ પ્રકાશનો અને ૩ પેટન્ટ ધરાવતા ડૉ. નિશાને SERB વુમન એક્સેલન્સ એવોર્ડ ૨૦૨૪ અને INSA-મેડલ ફોર યંગ સાયન્ટિસ્ટથી નવાજવામાં આવ્યા છે, જે એક આગવી સિદ્ધિ છે
• ડૉ. ગુંજન શર્મા, ડૉ. નીલમ કુંગવાણી અને ડૉ. અર્ચના કુમારી: દરિયાઈ પ્રદૂષણ અને પ્લાન્ટ જેનેટિક્સમાં DBT, GSBTM અને ANRF દ્વારા ભંડોળ પ્રાપ્ત મોટા રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરી રહ્યા છે.
*સુવર્ણ સફળતા: ગોલ્ડ મેડલથી ગ્લોબલ રિસર્ચ સુધી*
GBUમાં M.Sc.ની પ્રથમ બેચ-૨૦૨૫ એ અસાધારણ પ્રતિભા પ્રદર્શિત કરી છે, જેમાં ૫માંથી ૪ બાયોટેકનોલોજી વિભાગોમાં વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આ ઉપરાંત અન્ય નોંધપાત્ર સિદ્ધિઓ નીચે મુજબ છે:
• સંશોધન ભંડોળ: ૫૦ વિદ્યાર્થીનીઓને સ્વતંત્ર સંશોધન પ્રોજેક્ટ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP)ની ગ્રાન્ટ હેઠળ રૂ. ૨.૫ લાખ એનાયત કરવામાં આવ્યા છે.
• નવોન્મેષ એવોર્ડ: કલ્યાણી વિખેની આગેવાની હેઠળની ટીમે BIOQUEST હેકાથોન અને સંસ્કૃતિની આગેવાની હેઠળની ટીમે mRNA થેરાપી પરના કાર્ય માટે WAAH સાયન્સ લોરિયેટ એવોર્ડ્સમાં ટોચનું સન્માન મેળવ્યું છે.
• સ્પર્ધાત્મક સફળતા: અનેક વિદ્યાર્થીનીઓએ પ્રતિષ્ઠિત DBT-JRF અને CSIR-UGC, JRF ફેલોશિપ માટે ક્વોલિફાય કર્યું છે.
• વૈશ્વિક પદચિહ્ન: અનેક સ્નાતક વિદ્યાર્થીનીઓની UKની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાં અદ્યતન સંશોધન કાર્ય માટે પસંદગી કરવામાં આવી છે.
યુનિવર્સિટીના પ્રવક્તા જણાવ્યા મુજબ, GBUમાં મહિલા સશક્તીકરણ એ માત્ર સમાનતા વિશે નથી, પરંતુ વૈજ્ઞાનિક નવોન્મેષની આગામી લહેરને વેગ આપવા વિશે છે. NBECઅને IIT બોમ્બેના GENVISION 2025 જેવા વૈશ્વિક મંચ પર GBUની વિદ્યાર્થીનીઓની સિદ્ધિ આ વિઝનનો પુરાવો છે.
આ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે’,વિજ્ઞાન જગતની આ ‘સુપરવુમન્સ’ને કોટિ કોટિ વંદન!
———————
હરેશ્વરી રાબા
[3/6, 4:20 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડોદરામાં ખાટૂ શ્યામ, સાંવરીયા શેઠ અને ભારત માતા મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ*
*****
*દરેક પરિવારે દર મહિને દાન આપીને કરેલો મંદિરનો જીર્ણોદ્ધાર સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ: નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવી*
*****
*દીકરીઓની સુરક્ષા માટે માતા-બહેનોને ‘રાણી લક્ષ્મીબાઈ’ બનવા નાયબ મુખ્યમંત્રીશ્રીનું આહ્વાન*
*****
*પોતાની ઓળખ છુપાવી દીકરીઓને ફસાવનારા ગુનેગારો સામે રાજ્ય સરકાર કડક હાથે કામ લેશે: નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવી*
*****
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રેલવે કોલોનીના ‘ડી’ કેબીન ખાતે આવેલા અતિ પ્રાચીન શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મૂર્તિ આયોજીત પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહી અખંડ જ્યોત અને ભવ્ય કળશ યાત્રામાં સહભાગી થઈ આસ્થાના આ કેન્દ્ર ખાતે શીશ નમાવ્યું હતું. આ મહોત્સવ અંતર્ગત મંદિરમાં ખાટૂ શ્યામ, સાંવરિયા શેઠ અને ભારત માતાની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિશાળ જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, શ્રી રામેશ્વર મહાદેવ મંદિર વડોદરાની આસ્થાનું પ્રાચીન અને અત્યંત પવિત્ર કેન્દ્ર છે. અહીં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગ રેલવેના અસ્તિત્વ પૂર્વેથી પેઢીઓ સુધી નગરજનોને આશીર્વાદ આપી રહ્યું છે. મંદિરના જીર્ણોદ્ધારની વિશિષ્ટતા અંગે તેમણે ગૌરવભેર જણાવ્યું હતું કે, આસપાસની કોલોનીના દરેક પરિવારે દર મહિને દાન થકી રકમ એકત્રિત કરીને આ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. આ આર્થિક સહયોગ કોઈ મોટા દાતાના દાન કરતા પણ અનેકગણો વિશેષ છે, કારણ કે તેમાં અતૂટ શ્રદ્ધા અને સામાજિક એકતાના દર્શન થાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મહિલા સુરક્ષા અને સામાજિક જવાબદારી અંગે ભાર મૂકતા શ્રી હર્ષભાઈ સંઘવીએ અત્યંત સંવેદનશીલ અપીલ કરતા આહ્વાન કર્યું હતું કે, જો સમાજની કોઈ ભોળી દીકરી અજાણતા કોઈ દુષ્ટ તત્વોનો શિકાર બને, તો સમાજે તેની ટીકા કરવાને બદલે સહાનુભૂતિ દાખવી તેને માનસિક અને સામાજિક ટેકો આપવો જોઈએ. તેમણે ઉપસ્થિત માતાઓ અને બહેનોને દીકરીઓના રક્ષણ માટે ‘રાણી લક્ષ્મીબાઈ’ બનવા આહ્વાન કર્યું હતું.
રાજ્ય સરકારની ગુનેગારો સામેની કડક નીતિ સ્પષ્ટ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ મક્કમ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જે કોઈ ઈસમ પોતાની ઓળખ છુપાવી, ખોટું નામ ધારણ કરી દીકરીઓને ષડયંત્રમાં ફસાવશે અથવા બળપૂર્વક લગ્ન કરશે, તો તેમની સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અત્યંત કડક કાયદાકીય પગલાં ભરશે. આવા ગુનેગારોને જિંદગીભર જેલની સજા થાય તેવી જોગવાઈ સાથે સરકાર મજબૂતાઈથી કામ કરી રહી છે. છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા અને સુરત જેવા જિલ્લાઓમાં પોલીસ તંત્રએ અનેક દીકરીઓને આવા વિષચક્રમાંથી મુક્ત કરાવી સુરક્ષિત રીતે પરત લાવવામાં સફળતા મેળવી હોવાનો તેમણે સહર્ષ ઉલ્લેખ કર્યો હતો.
શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ભાવિ વિકાસ માટે સૂચન કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે, જો મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ નવો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરી રજૂ કરવામાં આવશે, તો રાજ્ય સરકારના ‘પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ’ દ્વારા રૂ. ૨૫ લાખ સુધીની તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવશે. આ પ્રાચીન સ્થળ વધુ સુવિધાયુક્ત બને તે માટે સરકાર હકારાત્મક અભિગમ ધરાવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુક્લ, મેયર પિન્કીબેન સોની, સંગઠનના પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, ધારાસભ્યશ્રી કેયુર રોકડીયા, શહેરની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, નિત્યાનંદ પ્રભુજી, ૧૦૮ પંકજકુમાર ગોસ્વામી તથા આચાર્ય અરવિંદાચાર્ય સહિત સનાતન ધર્મના પ્રખર આધ્યાત્મિક વ્યક્તિત્વો, કોર્પોરેટરશ્રીઓ, મંદિરના ટ્રસ્ટીઓ, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
*૦૦૦૦*
[3/6, 4:20 PM] Dilip Gajjar.Mahiti.Press: *જિલ્લા આયોજન મંડળના રૂ. ૧૬ કરોડના વિકાસ કામોને મંજૂરી આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી*
*આયોજન મંડળના કામો ગુણવત્તાયુક્ત અને નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય એ બાબત ઉપર ભાર મૂકતા શ્રી સંઘવી*
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લાના વિકાસ આયોજનને મંજૂરી આપવામાં આવી હતી. પ્રભારી મંત્રી શ્રી સંઘવી દ્વારા આયોજન હેઠળ લેવામાં આવેલા કામોની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓને ફાળવવામાં આવતી ગ્રાન્ટનું નિયમન કરવા માટે જિલ્લા આયોજન મંડળનું ગઠન કરવામાં આવ્યું છે. પ્રભારી મંત્રીશ્રી હોદ્દાની રૂએ તે આયોજન મંડળના અધ્યક્ષ હોય છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપરાંત કલેક્ટરશ્રી આયોજન મંડળના અનુક્રમે ઉપધ્યાક્ષક અને સહઉપાધ્યક્ષ હોય છે.
સામાન્ય રીતે સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી દ્વારા તેમની ગ્રાંટમાંથી સૂચવવામાં આવતા વિકાસ કામો આયોજન મંડળની પ્રક્રીયા થકી જ જાય છે. આ કામોને તાલુકા આયોજન મંડળની બહાલી મળી હોય છે. જેથી વિકાસની પ્રક્રીયામાં લોકપ્રતિનિધિશ્રીઓને સઘન ભાગીદારી સુનિશ્ચિત થાય છે.
આયોજન મંડળમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન ઉપરાંત એટીવીટી અને ૧૫ ટકા વિવેકાધીન ગ્રાંટમાં કરવાના થતાં વિકાસ કામોને મંજૂરી આપવામાં આવે છે. આ ઉપરાંત પાછલા વર્ષોમાં થયેલા મંજૂર થયેલા વિકાસ કામોની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવે છે.
વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા ૧૫ ટકા વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂ. ૧૬ કરોડ તથા નગરપાલિકા માટે રૂ. ૨.૫ કરોડના આયોજનને મંજૂરી આપવામાં આવી હતી.
આયોજન મંડળની ઉક્ત મંજૂરીમાં ગ્રામ્ય માર્ગોના ૬૯, પેવર બ્લોકના ૮૬, પાણી પુરવઠાના ૬૩, સ્થાનિક વિકાસના ૪૦, ભૂમિ સંરક્ષણના ૮૩, વસવાટના ૯૪૯૪, પ્રાથમિક શિક્ષણના ૧૨, પોષણના ૨૭ સહિતના કામોનો સમાવેશ થાય છે.
શ્રી સંઘવીએ આયોજન મંડળના કામો ગુણવત્તાયુક્ત અને નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય એ બાબત ઉપર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં રાજ્ય મંત્રી શ્રી મનિષાબેન વકીલ, દંડક શ્રી બાળકૃષ્ણભાઇ શુક્લ, સાંસદ ડો. હેમાંગભાઇ જોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા, મહિડા ધારાસભ્ય સર્વ શ્રી યોગેશભાઇ પટેલ, શ્રી શૈલેષભાઇ મહેતા, શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી ચૈતન્યભાઇ દેસાઇ, શ્રી કેયુરભાઇ રોકડિયા, કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. એસ. પટેલ સહિત પંચાયતો અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
[3/6, 4:20 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડોદરામાં “એમપી ઓફિસ ઈ-પોર્ટલ” લોન્ચ : નાગરિકોને હવે મોબાઈલથી મળશે સાંસદ કાર્યાલયની સેવાઓ*
*અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે પોર્ટલનું વિધિવત લોન્ચિંગ*
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપતા સાંસદ ડો. હેમાંગભાઇ જોશીના એક નવતર પ્રયોગના ભાગરૂપે એમપી ઓફિસ ઈ-પોર્ટલનું આજે વડોદરામાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અટલ સાંસદ જનસેવા કેન્દ્ર, વડોદરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે આ પોર્ટલનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું.
આ પોર્ટલ દ્વારા નાગરિકોને હવે સાંસદ કાર્યાલય સંબંધિત વિવિધ સેવાઓ અને માહિતી પોતાના મોબાઈલના ફિંગરટિપ્સ પર ઉપલબ્ધ થશે. ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહેલા દેશમાં નાગરિકોને નાની નાની બાબતો માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે હેતુસર આ ઈ-પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.
આ પોર્ટલના માધ્યમથી નાગરિકો સાંસદ સાથે મુલાકાત માટે અપોઇન્ટમેન્ટ માંગણી કરી શકશે, આગામી કાર્યક્રમો અને ઇવેન્ટ્સનું શેડ્યૂલ જાણી શકશે તેમજ એમપી લેડ્સ (MP-LADS) હેઠળના વિકાસકાર્યોની માહિતી પણ મેળવી શકશે. સાથે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી પણ સરળતાથી ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત નાગરિકો ઘરે બેઠા જ પોર્ટલ મારફતે પોતાની રજૂઆતો અને સૂચનો પણ સાંસદ કાર્યાલય સુધી પહોંચાડી શકશે, જેના પરિણામે સમય અને ખર્ચ બંનેની બચત થશે. લોકસભા સત્ર દરમિયાન સાંસદ દિલ્હી ખાતે હોય ત્યારે પણ નાગરિકોની રજૂઆતો સીધી પોર્ટલ મારફતે પ્રાપ્ત થઈ શકશે અને તેને ઇમેઇલ અથવા ટેલિફોનિક સંદેશ દ્વારા યોગ્ય પ્રતિસાદ આપી શકાશે.
નાગરિકો 95127 69834 નંબર પર “Namaste” લખીને સંદેશ મોકલશે તો તરત જ એમપી ઓફિસ પોર્ટલનું મુખ્ય મેનુ તેમના મોબાઈલ પર ઉપલબ્ધ થશે. આ મેનુ મારફતે સાંસદનો સંપર્ક, સોશિયલ મીડિયા લિંક્સ, અપોઇન્ટમેન્ટ રિક્વેસ્ટ, એમપી લેડ્સના કાર્યોની માહિતી સહિત વિવિધ સેવાઓનો લાભ મેળવી શકાશે.
હાલમાં પોર્ટલ અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે, પરંતુ આગામી સમયમાં તેને ગુજરાતી અને હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આ પહેલ વડોદરા જિલ્લામાં ઈ-ગવર્નન્સને વધુ મજબૂત બનાવશે અને નાગરિકો તથા જનપ્રતિનિધિઓ વચ્ચે ઝડપી અને પારદર્શક સંવાદ સુનિશ્ચિત કરશે.
આ વેળાએ રાજ્ય મંત્રી શ્રી મનિષાબેન વકીલ, દંડક શ્રી બાળકૃષ્ણભાઇ શુક્લ, સાંસદ ડો. હેમાંગભાઇ જોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા, મહિડા ધારાસભ્ય સર્વ શ્રી યોગેશભાઇ પટેલ, શ્રી શૈલેષભાઇ મહેતા, શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી ચૈતન્યભાઇ દેસાઇ, શ્રી કેયુરભાઇ રોકડિયા, શ્રી કેતનભાઇ ઇનામદાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
[3/6, 6:05 PM] Dilip Gajjar.Mahiti.Press: *મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ‘ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઇન ગુજરાત’ વિષય પર રાષ્ટ્રીય બેઠકનું આયોજન*
—–
*આપત્તિ વ્યવસ્થાપન હવે માત્ર રાહત-પુનઃવસન પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં નિવારણ, જાગૃતિ અને સર્વગ્રાહી આયોજનનો પણ સમાવેશ: અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ*
—–
*આપત્તિ સમયે સૌથી અગત્યનું પાસું સામુદાયિક સ્વયંસેવકોની ભૂમિકા: NDMAના સચિવ શ્રી મનીષ ભારદ્વાજ*
—–
ગુજરાત રાજ્ય હંમેશા આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે, ત્યારે રાજ્યની આ સજ્જતાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે ‘ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઇન ગુજરાત’ વિષય પર એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ કહ્યું હતું કે, આપત્તિ વ્યવસ્થાપન હવે માત્ર રાહત અને પુનઃવસન પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તેમાં નિવારણ, જાગૃતિ અને સર્વગ્રાહી આયોજનનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન કેન્દ્રના માળખા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન-DRRના ૧૦ મુદ્દાના એજન્ડા સાથે સંપૂર્ણપણે સુસંગત છે, જે શહેરોથી લઈને ગ્રામીણ સ્તર સુધી વિસ્તરેલો છે.
તેમણે જણાવ્યું હતું કે, આપત્તિ સમયે SEOC દ્વારા તમામ જિલ્લાઓ અને તાલુકાઓ સાથે સંકલન સાધવામાં આવે છે. રાજ્યમાં ભૂતકાળમાં આવેલા વાવાઝોડા તથા પૂર જેવી કુદરતી આપત્તિઓ દરમિયાન થયેલા અનુભવો અને મોકડ્રીલ થકી તૈયારીઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. જેમાં ઓઈલ અને ગેસ ઈન્સ્ટોલેશન તથા ન્યુક્લિયર કેન્દ્રો પર કરવામાં આવેલી સુરક્ષા કવાયતો પર ખાસ ભાર મૂકવામાં આવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાના નેતૃત્વમાં રાજ્ય સરકારે અનેક પહેલ શરૂ કરી છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નવીનતમ પહેલ તરીકે ‘સજ્જ સમૂદાય, સુરક્ષિત ગામ’ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં BISAGના માધ્યમથી ગામડાઓ અને તાલુકા સ્તરના લાખો નાગરિકોને સતત ઓનલાઇન અને હાઇબ્રિડ તાલીમ આપવામાં આવે છે. આપત્તિ વ્યવસ્થાપન ભંડોળનો મહત્તમ ઉપયોગ કરીને વીજળીના ટાવરોની મજબૂત કનેક્ટિવિટી, અવિરત ઇલેક્ટ્રિસિટી જેવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરે ૧૮ હજારથી વધુ ગ્રામ પંચાયતોને પ્રાથમિક સાધનોની કિટ આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-NDMAના સચિવ શ્રી મનીષ ભારદ્વાજે જણાવ્યું હતું કે, આપત્તિ સમયે સૌથી અગત્યનું પાસું સામુદાયિક સ્વયંસેવકોની ભૂમિકા છે. કોઈપણ આપત્તિ સમયે સૌથી પહેલો પ્રતિસાદ સ્થાનિક નાગરિકો જ આપે છે. જેથી સામાન્ય નાગરિકો, ડ્રાઈવરો અને વેપારીઓને પણ સીપીઆર અને પ્રાથમિક સારવાર જેવી તાલીમ આપવી જોઈએ. સરકારી અને ખાનગી શાળાઓમાં અગ્નિ સુરક્ષાના કડક ધોરણોનું પાલન થવું જોઈએ. જો આ પ્રકારના વ્યાપક કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવે તો તે સમગ્ર દેશ માટે એક આદર્શ મોડેલ બની શકે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્યના કોઈપણ ખૂણે આગ લાગવાની ઘટના બને ત્યારે ફાયર બ્રિગેડનો પ્રતિસાદ સમય ૫ મિનિટથી ઓછો હોવો જોઈએ. આ ઉપરાંત, જંગલમાં લાગતી આગ જેવી ઘટનાઓને રોકવા માટે વન વિભાગોને પણ આધુનિક ટેકનોલોજી, સાધનો અને પ્રોજેક્ટ્સથી સજ્જ કરવાની જરૂરિયાત પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.
શ્રી ભારદ્વાજે કહ્યું હતું કે, સમગ્ર દેશના શહેરોએ પૂર અથવા વાદળ ફાટવા જેવી કુદરતી આપત્તિઓ સામે ૧૦૦ ટકા સક્ષમ બનવું જોઈએ. જ્યારે પણ આવી કટોકટી સર્જાય, ત્યારે શહેર-ગ્રામીણ વિસ્તારની વીજળી, નિકાસ સુવિધાઓ અને પરિવહન જેવી આવશ્યક સેવાઓમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. જે માટે સરકારના તમામ વિભાગોએ સાથે મળીને કામ કરવું જોઈએ.
આ પ્રસંગે NDMAના સભ્ય ડૉ. દિનેશકુમાર અસવાલે જણાવ્યું હતું કે, આપત્તિ વ્યવસ્થાપન એ માત્ર હોનારત પછીની પ્રક્રિયા નથી, પરંતુ તે અગાઉથી કરેલી તૈયારી અને તેના જોખમોને ઘટાડવાની વ્યૂહરચના છે. ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં કેમિકલ ઉદ્યોગોનું પ્રમાણ વધુ છે, ત્યાં અકસ્માતો ઘટાડવા માટે સજ્જતા અને વૈજ્ઞાનિક ડેટા આધારિત આયોજન અત્યંત અનિવાર્ય છે.
તેમણે ‘રિસ્ક મેપિંગ’ અને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકતા કહ્યું હતું કે, દરેક વિભાગે પોતાની શક્તિ અને નબળાઈઓ ઓળખીને એક સક્ષમ ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવો જોઈએ. સ્થાનિક યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓની મદદ લઈને ડેટા તૈયાર કરવો જોઈએ જેથી વિકાસલક્ષી કાર્યક્રમોમાં સુરક્ષાની ખાતરી કરી શકાય. આધુનિક સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને અનિયમિત વરસાદને કારણે આવતા નવા જોખમો જેવા કે શહેરી પૂર અને હીટવેવ સામે લડવા માટે પૂર્વ તૈયારી અને પ્રારંભિક ચેતવણી પ્રણાલી વિકસાવવી ખૂબ જરૂરી છે.
તેમણે નાણાકીય પાસાઓની ચર્ચા કરતા જણાવ્યું હતું કે ૧૬મા નાણા પંચ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન માટે માતબર રકમ ફાળવવામાં આવી છે. આ ભંડોળનો લાભ લેવા માટે દરેક વિભાગે પોતાના મિટિગેશન પ્રોજેક્ટ્સ તૈયાર કરવા પડશે અને તેને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોર્ટલ સાથે જોડવા પડશે. ગુજરાત માટે પણ ભંડોળમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે કરી શકાશે.
આ પ્રસંગે શાબ્દિક સ્વાગત કરતાં GSDMAના સીઇઓ શ્રી આલોકકુમાર પાંડેએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-NDMA અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-GSDMA દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે આજે ‘ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઇન ગુજરાત’ વિષય પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં સંભવિત કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સામે રક્ષણ મેળવવા માટેની તૈયારીઓની સમીક્ષા, આપત્તિ વ્યવસ્થાપનમાં ફોરેન્સિક સાયન્સ અને આધુનિક તકનીકોના ઉપયોગ, NDMA અને રાજ્ય સરકાર વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવી આપત્તિ સમયે ન્યૂનતમ નુકસાન થાય તેવું માળખું તૈયાર કરવું જેવા વિવિધ વિષયો પર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિન્દ તોરવાણે, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન શ્રી રમ્યા મોહન, PCCF અને ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન શ્રી જયપાલસિંઘ, પ્રો. પૂજા સકશેના, સીની. કન્સલ્ટન્ટ ડૉ. વિનોદ કૌશિક, SDRFના એડીજીપી શ્રી વિશાલ વાઘેલા, SEOC ના ડાયરેક્ટર શ્રી સુભાષ સાવલિયા, GIDMના ડાયરેક્ટર શ્રી નિસર્ગ દવે, BISAGના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ખાલિદ મહેમૂદ, ISR ના સાયન્ટિસ્ટ શ્રી સંતોષકુમાર સહિત NDRF, SDRF, BSF, IMD, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, એનિમલ હસબન્ડરી, એગ્રીકલ્ચર, ફાયર, સેફટી અને હેલ્થ સહિતના વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
—–
જીગર બારોટ
[3/7, 10:24 AM] Dilip Gajjar.Mahiti.Press: *પોક્સોના ગુનાઓમાં આણંદ પોલીસની દાખલારૂપ કામગીરી: વધુ બે કેસના ગુનેગારોને આજીવન કેદની સજા*
*સગીરા પર દુષ્કર્મના ૭ કેસોમાં ૧૦૦ ટકા સજાનો દર, ૬ કેસોમાં ગુનેગારોને આજીવન કેદની ઐતિહાસિક સજા*
*તમામ ૭ કેસોમાં ગુનો નોંધાયાના મહત્તમ ૪૫ દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી: મહત્તમ કેસમાં માત્ર ૮ થી ૯ મહિનાના ટૂંકા ગાળામાં ચુકાદાઓ આવ્યા*
*ગુજરાત પોલીસની આ સજ્જતા અને સંવેદનશીલતા રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
*આણંદ જિલ્લાના તપાસ અધિકારી તત્કાલિન સીપીઆઈ તથા તેમની ટીમ દ્વારા આ તમામ કેસની કરવામાં આવેલી બારીક પરિણામલક્ષી તપાસ બદલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદન*
…..
ગુજરાત સરકાર મહિલા સુરક્ષા અને સગીરા પર દુષ્કર્મના ગુનેગારો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે મક્કમતાથી કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દીકરીઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે, ત્યારે આણંદ જિલ્લામાં ગઈ કાલે પોક્સોના ગુનામાં વધુ બે ચુકાદા આવ્યા છે જે બંને કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ બંને કેસની તપાસ કરીને આરોપીઓને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરનાર તપાસ અધિકારીએ પોક્સોના સાત કેસમાં ૧૦૦ ટકા સજાનો દર મેળવ્યો છે જે પૈકી છ આરોપીઓને આજીવન કેદની સજા થઈ છે.
આણંદ જિલ્લા પોલીસ વડા શ્રી જી.જી.જસાણીના સીધા માર્ગદર્શન હેઠળ, તત્કાલીન સી.પી.આઈ. (પેટલાદ ડિવિઝન) અને હાલ બોરસદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા માર્ચ ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન નોંધાયેલા પોક્સોના ગુનાઓમાં ‘ટોપ ટુ બોટમ’ ઇન્વેસ્ટિગેશન પદ્ધતિ અપનાવવામાં આવી હતી. આ સચોટ તપાસના પરિણામે તમામ ૭ કેસોમાં ૧૦૦% સજાનો દર હાંસલ થયો છે અને આણંદ જિલ્લા પોલીસની ટીમે આ ગંભીર ગુનાઓમાં દાખલારૂપ કામગીરી કરી નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.
નોંધનીય બાબત છે કે, તમામ ૭ કેસોમાં ગુનો નોંધાયાના મહત્તમ ૪૫ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ ૭ પૈકી ૬ કેસોમાં આરોપીઓને ૨૦ વર્ષની કેદ (આજીવન કેદ) અને દંડની સજા ફટકારવામાં આવી છે. ઝડપી તપાસને કારણે માત્ર ૮ થી ૯ મહિનાના ટૂંકા ગાળામાં કોર્ટના ચુકાદાઓ આવ્યા છે. ગઈકાલે જ બે મહત્વના કેસોમાં કોર્ટે કડક વલણ દાખવી આજીવન કેદની સજા ફટકારી છે.
આ તપાસમાં પરંપરાગત પદ્ધતિઓની સાથે આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવ્યો હતો. ‘ઇ-સાક્ષ્ય’ એપ્લિકેશન દ્વારા સાક્ષીઓના નિવેદનો અને પંચનામાનું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું, જેથી ન્યાયિક પ્રક્રિયામાં પુરાવા નબળા ન પડે. આ ઉપરાંત, ક્રાઈમ સીન મેનેજર અને FSL ની મદદથી મેળવેલા વૈજ્ઞાનિક અને મેડિકલ પુરાવાઓએ આરોપીઓને સજા અપાવવામાં પાયાની ભૂમિકા ભજવી છે.
આણંદ પોલીસની આ સંવેદનશીલ અને ત્વરિત કામગીરીની નોંધ લેતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. ચૌધરી અને તેમની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાત પોલીસની આ સજ્જતા અને સંવેદનશીલતા રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે. રાજ્ય સરકારની સ્પષ્ટ નીતિ છે કે મહિલાઓ અને સગીરાઓ વિરુદ્ધના ગુનાઓમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં અને ગુનેગારોને કાયદાના કડક પાઠ ભણાવવામાં આવશે.
….
[3/7, 11:09 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૭૨ ટકાથી વધુ*
………………………….
*ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ*
……………………….
*ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં ૭૪ ટકાથી વધુ પાણીનો સંગ્રહ*
*રાજ્યમાં સૌથી વધુ ૨.૩૪ લાખ MCFT પાણીનો જથ્થો દક્ષિણ ગુજરાતના જળાશયોમાં*
*ગત વર્ષે માર્ચ ૨૦૨૫ કરતા આ વખતે રાજ્યમાં ૪.૧૫ ટકા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ*
…………………..
ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાવાર્ત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયો એટલે કે ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને જળ સંપત્તિ – પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં પાણી સંચય અંગેના સુચારૂ વ્યવસ્થાપન થકી રાજ્યમાં દિન-પ્રતિદિન પીવાના અને સિંચાઈ માટેના પાણીની ઉપલબ્ધતા વધી રહી છે.
રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ ૧૨૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેના પરિણામ સ્વરૂપે તા. ૦૫ માર્ચ ૨૦૨૬ની સ્થિતિએ રાજ્યના મુખ્ય જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૬.૪૬ લાખ મિલિયન ક્યુબિક ફીટ-MCFT એટલે કે, કુલ પાણીનો જથ્થો ૭૨ ટકાથી વધુ છે. આમ ગત વર્ષની સાપેક્ષમાં વિસ્તારવાર એકંદરે રાજ્યમાં ૪.૧૫ ટકા જેટલો વધારે જ્યારે સરદાર સરોવર જળાશયમાં પણ ગત વર્ષની સાપેક્ષમાં ૧.૬૩ ટકા વધારે પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. જેથી રાજ્યમાં આગામી ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેશે તેમ,જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવાયું છે.
વધુમાં ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલની સ્થિતિએ ૭૪ ટકાથી વધુ એટલે કે ૨.૪૭ લાખ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૨.૩૪ લાખથી વધુ MCFT પાણીનો જથ્થો જળાશયોમાં સચવાયો છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં ૬૫,૧૭૯ MCFT, ઉત્તર ગુજરાતમાં ૪૧,૮૪૨ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. સૌરાષ્ટ્રમાં ૫૩,૬૨૧ અને કચ્છ વિસ્તારમાં ૪,૩૯૨ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. આમ રાજ્યમાં કુલ ૬,૪૬,૫૫૬ MCFT એટલે કે ૭૨.૪૯ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે.
જ્યારે ગત વર્ષની સરખામણીએ તા. ૫ માર્ચ, ૨૦૨૫ સ્થિતિએ રાજ્યમાં વિસ્તારવાર ઉત્તર ગુજરાતમાં ૨૭,૮૪૭ MCFT, મધ્ય ગુજરાતમાં ૫૭,૮૮૨ MCFT, દક્ષિણ ગુજરાતમાં ૨,૨૪,૧૮૨ MCFT, સૌરાષ્ટ્રમાં ૫૨,૨૬૪ MCFT અને કચ્છ વિસ્તારમાં ૫,૩૩૨ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો. આ ઉપરાંત સરદાર સરોવર જળાશયમાં ૨,૪૧,૯૫૨ MCFT એટેલ કે ૭૨.૪૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. આમ રાજ્યમાં ગત વર્ષે કુલ ૬,૦૯,૪૫૯ MCFT એટલે કે ૬૮.૩૪ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો તેમ યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ૧૪૧ જળાશયો, ઉત્તર ગુજરાતમાં ૧૫, મધ્ય ગુજરાતમાં ૧૭, દક્ષિણ ગુજરાતમાં ૧૩, કચ્છમાં ૨૦ તેમજ સરદાર સરોવર સહિત ગુજરાતમાં કુલ ૨૦૭ જળાશયો-ડેમ આવેલા છે.
……………….
જનક દેસાઈ
[3/7, 11:47 AM] Dilip Gajjar.Mahiti.Press: *સંકટ સમયની સાચી સખી ‘૧૮૧ અભયમ’ સેવાના ૧૨ વર્ષ પૂર્ણ*
*૧૮૧ હેલ્પલાઈન નંબર રાજ્યની લાખો મહિલાઓ માટે મજબૂત સુરક્ષા કવચ*
***********************
*૧૨ વર્ષમાં કુલ ૧૮.૧૦ લાખથી વધુ મહિલાઓને જરૂરી સલાહ અને માર્ગદર્શન આપી સશક્ત કરાઈ*
*અત્યંત જોખમી પરિસ્થિતિમાં મુકાયેલી ૧,૦૯,૮૮૬ મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત આશ્રયસ્થાને પહોંચાડાઈ*
*હેલ્પલાઈન દ્વારા ૨.૨૯ લાખ કિસ્સાઓમાં કાઉન્સિલિંગ દ્વારા વિવાદોનો સ્થળ પર જ સુખદ નિકાલ*
*૧૮૧ મોબાઈલ એપના ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ મહિલાઓને હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચાડે છે*
***********************
ગુજરાત એટલે શાંતિ, સલામતી અને સમૃદ્ધિનું પર્યાય. રાજ્યમાં વસતી પ્રત્યેક મહિલા પોતે સુરક્ષિત અનુભવે અને મુશ્કેલીના સમયે તેને કોઈ મજબૂત સાથ મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર સતત કાર્યશીલ છે. આ વર્ષે ૮મી માર્ચ, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ના રોજ ગુજરાતની મહિલાઓની સુરક્ષાની કરોડરજ્જુ સમાન ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન’ પોતાની સફળ સેવાના ૧૨ વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે આવો જાણીએ તેની કામગીરી અને સિદ્ધીઓ વિશે.
મહિલાઓ વિરુદ્ધ થતી ઘરેલુ હિંસા હોય કે જાહેર સ્થળે થતી છેડતી, ગુજરાત સરકારે ટેકનોલોજી અને સંવેદનાનો સમન્વય સાધીને ૮ માર્ચ ૨૦૧૫ના રોજ ‘૧૮૧ અભયમનો રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો હતો. આજે આ હેલ્પલાઈન માત્ર એક નંબર નથી, પણ લાખો મહિલાઓ માટે મજબૂત સુરક્ષા કવચ બની છે.
છેલ્લા ૧૨ વર્ષમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાતની મહિલાઓ માટે એક મજબૂત સુરક્ષા કવચ સાબિત થઈ છે. છેલ્લા ૧૨ વર્ષમાં કુલ ૧૮,૧૦,૯૧૩ થી વધુ મહિલાઓને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરું પાડીને તેમને સશક્ત કરવામાં આવી છે. આ સેવા માત્ર ફોન પૂરતી સીમિત ન રહેતા, ૩,૬૦,૯૬૪ જેટલા કિસ્સાઓમાં અભયમની ટીમે ઘટના સ્થળ પર જઈને મહિલાઓને તાત્કાલિક મદદ પહોંચાડી છે.
આ ઉપરાંત ૧૮૧ ટીમની કુશળતાને કારણે ૨,૨૯,૬૬૦ કિસ્સાઓમાં કાઉન્સિલિંગ દ્વારા વિવાદોનો સ્થળ પર જ સુખદ નિકાલ લાવવામાં આવ્યો છે. સૌથી પ્રશંસનીય બાબત એ છે કે, અત્યંત જોખમી પરિસ્થિતિમાં મુકાયેલી ૧,૦૯,૮૮૬ મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત આશ્રયસ્થાન સુધી પહોંચાડવામાં આવી છે.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને મહિલા-બાળ વિકાસ વિભાગના અદભૂત સંકલનથી આજે રાજ્યની મહિલાઓ માટે ટેકનોલોજીથી સજ્જ એક અભેદ્ય સુરક્ષા માળખું તૈયાર થયું છે. ૨૪x૭ કાર્યરત આ સેવામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને તાલીમબદ્ધ કાઉન્સિલર્સની ટીમ દિવસ-રાત ફરજ નીભાવે છે. રાજ્યમાં દોડતી ૫૯ અત્યાધુનિક અભયમ રેસ્ક્યુ વાન માત્ર વાહન નથી, પણ જીપીએસ ટ્રેકિંગથી સજ્જ એક મોબાઈલ સુરક્ષા કેન્દ્ર છે, જે દેશભરમાં એક નવતર પહેલ ગણાય છે.
ડિજિટલ યુગમાં મહિલાઓની સુરક્ષાને વધુ સ્માર્ટ બનાવતા ‘૧૮૧ મોબાઈલ એપ’ માં આપવામાં આવેલા ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ મહિલાઓને મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ પોતાનું ચોક્કસ લોકેશન હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચાડે છે. આમ, પરંપરાગત મદદ અને આધુનિક ટેકનોલોજીના સંગમથી ગુજરાતની નારી આજે આત્મવિશ્વાસ સાથે પોતાને વધુ સુરક્ષિત અનુભવે છે.
આ હેલ્પલાઈન માત્ર હિંસા જ નહીં, પણ સાયબર ગુનાઓ, લગ્ન જીવનના વિખવાદો, કાનૂની જોગવાઈઓ અને સરકારી યોજનાઓની માહિતી પણ પૂરી પાડે છે. મહત્વની વાત એ છે કે, મદદ માંગનાર મહિલાની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. ગુજરાતમાં રહેતી અન્ય રાજ્યની મહિલાઓ પણ આ સેવાનો નિ:શુલ્ક લાભ લઈ શકે છે.
નારી સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. આજે ૧૮૧ અભયમ હેલ્પલાઈન દ્વારા રાજ્યની દીકરીઓ અને મહિલાઓ ખરા અર્થમાં ‘અભય’ બનીને પ્રગતિના પંથે આગળ વધી રહી છે.
*********************
ઋચા રાવલ
[3/5, 2:57 PM] Neha Talaviya.Mahiti: *ખર્ચ શૂન્ય, કમાણી બમણી,પ્રાકૃતિક મસાલા ખેતીથી ખેડૂત બનશે સમૃદ્ધ અને સ્વાવલંબી*
….
*પ્રાકૃતિક મસાલા ખેતી એટલે સ્વાદ અને સ્વાસ્થ્યની શુદ્ધતા સાથે ખેડૂતોની સમૃદ્ધિનો માર્ગ*
…..
*મસાલા ભરવાની આ સીઝનમાં રાસાયણિક કલર નહીં, પ્રાકૃતિક કૃષિ થી પકવેલા શુદ્ધ મસાલા અપનાવીએ, પરિવારને સ્વસ્થ અને ખેડૂતોને સમૃદ્ધ બનાવીએ*
….
ઉનાળો આવતા જ ગુજરાતી ઘરોમાં વર્ષભરના મસાલા ભરવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. અત્યારે ગૃહિણીઓ શુદ્ધતાનો આગ્રહ રાખતી થઈ છે, ત્યારે ‘પ્રાકૃતિક કૃષિ’ દ્વારા પકવેલા મસાલાની માંગ અને કિંમત બંને બજારમાં ખૂબ ઊંચા રહે છે.
પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે આ એક સુવર્ણ તક છે.
ભારતીય રસોડામાં મસાલા એ માત્ર સ્વાદ નથી, પણ આયુર્વેદિક ઔષધિ છે. જ્યારે ખેડૂત ઝેરમુક્ત ખેતી કરે છે, ત્યારે તે માત્ર પાક નથી પકવતો, પણ સમાજને સ્વાસ્થ્ય પીરસે છે.
*રાસાયણિક vs. પ્રાકૃતિક મસાલા: મુખ્ય તફાવત*
ગ્રાહકો હવે જાગૃત થયા છે. તેઓ પ્રાકૃતિક અને રાસાયણિક ખેતીના તફાવતો સમજવાને કારણે પ્રાકૃતિક મસાલા તરફ વળ્યા છે,
સ્વાદ અને સુગંધની વાત કરવામાં આવે તો, કૃત્રિમ ખાતરને લીધે સ્વાદ મોળો હોય છે, સુગંધ ઓછી હોય છે. અસલી તીખાશ અને કુદરતી તેલીય તત્વો જળવાતા નથી.સાથેજ મસાલા જલદી બગડી જાય છે,અથવા તેમાં જાળી કે જીવાત વહેલી પડે છે.
પેસ્ટીસાઈડના અવશેષો કેન્સર અને પેટની બીમારીઓ નોંતરે છે. જ્યારે પ્રાકૃતિક કૃષિથી પકવેલા મસાલા એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર અને સંપૂર્ણ સુરક્ષિત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, સુગંધ અને તેલીય તત્વ જળવાઈ રહે છે.
રાસાયણિક પ્રક્રિયાથી પકવેલા મસાલાનો રંગ જાળવવા ઘણીવાર કેમિકલનો સહારો લેવો પડે છે. પરંતુ પ્રાકૃતિક કૃષિથી મસાલાનો કુદરતી રંગ જળવાય છે.
*પ્રાકૃતિક પદ્ધતિથી મસાલા પકવવા માટે ખેડૂતોને માર્ગદર્શન*
જો તમે મરચાં, ધાણા, જીરું કે વરિયાળીનું વાવેતર કરવા માંગતા હોવ, તો આ પાયાના સિદ્ધાંતો અપનાવો
બીજ સંસ્કાર (બીજામૃત): વાવેતર કરતા પહેલા બીજને બીજામૃતથી પટ આપો. આનાથી ફૂગજન્ય રોગો સામે રક્ષણ મળશે અને ઉગાવો સારો થશે.
જમીનનું પોષણ : રાસાયણિક ખાતર DAP/Urea ને બદલે દર ૧૫ દિવસે પિયત સાથે જીવામૃત આપો. તે જમીનમાં અળસિયા અને સૂક્ષ્મ જીવોની સંખ્યા વધારે છે, જે મસાલાના પાકને પોષણ આપે છે.
છાયડો અને ભેજ: જીરું અને ધાણા જેવા નાજુક પાકોમાં જમીન પર મલ્ચિંગ એટલે કે,આચ્છાદન કરવાથી ભેજ જળવાઈ રહે છે અને નીંદણ ઓછું થાય છે.
જીવાત નિયંત્રણ: મરચામાં આવતી ‘કોકડવા’ કે જીરુમાં આવતી ‘ચરમી’ માટે દશપર્ણી અર્ક, બ્રહ્માસ્ત્ર કે ખાટી છાશનો છંટકાવ અકસીર ઈલાજ છે.
*પ્રાકૃતિક કૃષિ દ્વારા મસાલા પાક થી ખેડૂતો માટે આર્થિક ફાયદા*
ઉત્પાદન ખર્ચમાં ઘટાડો: બહારથી મોંઘા ખાતર કે દવા લાવવાની જરૂર રહેતી નથી. બધું જ ઘરે ગાય દ્વારા પ્રાપ્ત થાય છે.
સીધું વેચાણ: પ્રાકૃતિક મસાલા પકવતા ખેડૂતોએ યાર્ડમાં જવાની જરૂર પડતી નથી. સોશિયલ મીડિયા અથવા ‘ફાર્મ ટુ હોમ’ મોડેલથી ગ્રાહકો ખેતરે આવીને ઊંચા ભાવે ખરીદી કરે છે.
મૂલ્યવર્ધન: આખા મસાલા વેચવાને બદલે તેનું ગ્રેડિંગ કરી, દળીને પેકિંગ કરીને વેચવાથી ૨ થી ૩ ગણી વધુ કિંમત મળી શકે છે.
આમ “રસાયણ મુક્ત ખેતી એ માત્ર પર્યાવરણની રક્ષા નથી, પણ ખેડૂતને દેવામાંથી મુક્ત કરવાનો માર્ગ છે. તો આ ઉનાળે તમારા ખેતરમાં પકવેલા શુદ્ધ મસાલાથી ગ્રાહકોનું રસોડું મહેકાવો અને આપણી ભારતીય પરંપરા પ્રમાણે પ્રાકૃતિક કૃષિ અપનાવો.
…..
*નેહા તલાવિયા*
[3/5, 3:50 PM] Neha Talaviya.Mahiti: *જિલ્લા રોજગાર કચેરી દ્વારા ગાંધીનગર ખાતે તા.07/03/2026 ના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે*
…………..
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૦૭/૦૩/૨૦૨૬નાં રોજ સવારે ૧૦:૩૦ કલાકે તખતપુરા કોમ્યુનિટી હોલ, તખતપુરા રોડ, પેટા તિજોરી કચેરીની બાજુમાં, માણસા, તા.માણસા જી.ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતીમેળામાં નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ. તમામ ટ્રેડ, કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઊત્તીર્ણ થયેલ તથા બી. ઈ. (મીકેનીકલ)ની લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JE249828076 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને ૫ કોપી બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, એમ જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.વધુ માહિતી માટે
ઇમેલ:dee-gnr@gujarat.gov.inવેબસાઇટ:anubandham.gujarat.gov.in
પર સંપર્ક કરવો.
*વંદન સોલંકી*
[3/5, 5:25 PM] Neha Talaviya.Mahiti: સ્વાગત 2.0 પોર્ટલ અંતર્ગત ગ્રીન ચેનલ હેઠળની (LF, RLF, WTC) કેટેગરીની રજૂઆતોના નિકાલની સમયમર્યાદામાં તા. ૧૬/૦૩/૨૦૨૬ થી સુધારો લાગુ કરવામાં આવનાર છે.
L1 અધિકારી માટે ગ્રીન ચેનલ હેઠળની સમયમર્યાદા ૨૧ દિવસથી ઘટાડીને ૧૪ દિવસ કરવામાં આવશે.
જો L1 અધિકારી દ્વારા નિયત સમયમર્યાદામાં જવાબ આપવામાં ન આવે અને અરજી ઓટો-એસ્કેલેટ થાય, તો L1 પછીના તમામ કક્ષાના અધિકારીઓ માટે ગ્રીન ચેનલ હેઠળની સમયમર્યાદા ૧૪ દિવસથી ઘટાડીને ૧૦ દિવસ કરવામાં આવશે.
જેની નોંધ લેવા વિનંતી છે.
[3/5, 5:25 PM] Neha Talaviya.Mahiti: રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે શ્રી સંદીપ સાગલેએ ચાર્જ સંભાળ્યો
………………………
CEO કચેરીની તમામ શાખાઓના અધિકારીશ્રીઓ સાથે પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી
………………………
ભારતના ચૂંટણીપંચે જાહેર કરેલા આદેશ અનુસંધાને આજરોજ શ્રી સંદીપ સાગલે (IAS)એ મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે ચાર્જ સાંભળ્યો છે. પ્રથમ દિવસથી જ પ્રોએક્ટિવ એપ્રોચ દાખવતા તેમણે CEO કચેરીની તમામ શાખાઓના અધિકારીશ્રીઓ સાથે રાજ્યવ્યાપી તંત્રની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં ચૂંટણી સંચાલન, સંકલન, મતદારયાદી, મીડિયા સેલ, ફરિયાદ, આઈ.ટી. સહિતની વિવિધ શાખાઓના જવાબદાર અધિકારીશ્રીઓ પાસેથી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ વર્તમાન સ્થિતિનો તાગ મેળવી, જરૂરી સૂચનો આપ્યા હતા. જેમાં તેમણે રાજયથી માંડી જિલ્લા સુધી તમામ સ્તરે તાલીમ સુયોગ્ય રીતે થાય તેના પર ભાર મુક્યો હતો. તાલીમ મોડ્યુલમાં રચનાત્મકતા લાવવા તાકીદ કરી હતી.
આમ, આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ, મતદાર યાદીના સંક્ષિપ્ત સુધારણા સહિતના વિવિધ આયોજનો માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સમગ્ર સ્ટાફ સજ્જ જોવા મળ્યો છે.
[3/6, 3:24 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લાના દિવ્યાંગો માટે રાજ્યકક્ષાના પારિતોષિકો મેળવવા અરજીઓ મંગાવાઈ*
…..
જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર દ્વારા વર્ષ-૨૦૨૫ ના રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ પારિતોષિક યોજના અંતર્ગત મુખ્યત્વે ચાર કેટેગરીઓમાં અરજી કરી શકાશે, જેમાં નોકરી કરતા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી અપાવી થાળે પાડવાની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્લેસમેન્ટ ઓફિસર્સનો સમાવેશ થાય છે. આ તમામ કેટેગરીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો કે સંસ્થાઓ માટે લઘુત્તમ ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોવી અનિવાર્ય છે.
ઉપરોક્ત કેટેગરીઓ માટેના અરજી પત્રકનો નમૂનો જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર ખાતેથી વિનામૂલ્યે મેળવી શકાશે. રસ ધરાવતા અરજદારોએ સંપૂર્ણ ભરેલું અરજી પત્રક, ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા અંગેનું મેડિકલ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શારીરિક ખોડ દર્શાવતો પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટો અને જીવન ઝરમરની ટૂંકી વિગતો સહિતના તમામ સાધનિક દસ્તાવેજોનો આખો સેટ બે નકલમાં તૈયાર કરવાનો રહેશે. આ અરજીઓ આગામી તારીખ ૩૦/૦૩/૨૦૨૬ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પહેલો માળ, ‘સી’ વિંગ, સહયોગ સંકુલ, સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે રૂબરૂ અથવા ટપાલ મારફત મોકલી આપવાની રહેશે.
અત્રે નોંધનીય છે કે,નિયત સમય મર્યાદા બાદ મળેલી અથવા અધૂરી વિગતો વાળી અરજીઓ રોજગાર કચેરી દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. આ બાબતે વધુ માહિતી મેળવવા માટે અરજદારો જિલ્લા રોજગાર કચેરીનો ઇમેલ dee-gnr@gujarat.gov.in અથવા અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.n પર સંપર્ક કરી શકે છે
……
*વંદન સોલંકી*
[3/6, 4:36 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર રોજગાર કચેરી અને BSFની નવી પહેલ: ગુજરાતી યુવાનો માટે સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દીની સુવર્ણ તક*
*************
*ગુજરાતના યુવાનોને દેશની રક્ષા કાજે સજ્જ કરવા અને રોજગારી મેળવવામાં પથદર્શક સાબિત થઈ રહી છે નિ:શુલ્ક સંરક્ષણ તાલીમ*
*************
*૬ બેચના ૧૮૦ યુવાનોએ લીધી તાલીમ: ૩૬ યુવાનો બી.એસ.એફ., ગુજરાત પોલીસ તથા અગ્નિવીર પરીક્ષામાં થયા ઉત્તીર્ણ*
*************
*શારીરિક તાલીમ,લેખિત પરીક્ષાની પૂર્વ તૈયારી તથા સમય પાલન, શિસ્તતાના પાઠ સાથે સ્ટાઈપેન્ડ અને નિ: શુલ્ક નિવાસી સુવિધાઓ બદલ આભાર વ્યક્ત કરતા તાલિમાર્થીઓ*
*************
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકની ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ગુજરાતના યુવાનો માટે સંરક્ષણ અને પોલીસ દળમાં જોડાઈ કારકિર્દી બનાવવા માટે એક પ્રેરણાદાયી પહેલ કરી સુવર્ણ તક પૂરી પાડવામાં આવી રહી છે. ખાસ કરીને સીમા સુરક્ષા બળ (BSF) સાથે મળીને શરૂ કરવામાં આવેલી ૩૦ દિવસીય નિઃશુલ્ક રહેવા-જમવા સાથેની તાલીમ શિબિર યુવાનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે. આ નવી પહેલ ગુજરાતના યુવાનોની કારકિર્દીને નવી ઊંચાઈ આપી રહી છે.
ગુજરાતના સાહસિક યુવાનો જેઓ દેશસેવા કરવા માંગે છે અને સંરક્ષણ ક્ષેત્રે (Defence & Police) પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે, તેમના માટે ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવી રહી છે. આધુનિક સમયની જરૂરિયાતો અને ભરતીના કડક માપદંડોને ધ્યાનમાં રાખીને, જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર અને સીમા સુરક્ષા બળ (BSF), ગાંધીનગરના સંયુક્ત પ્રયાસોથી સંરક્ષણ માટે યુવાનોની વિશેષ તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પહેલનો મુખ્ય હેતુ ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના યુવાનોને આર્મી, BSF, CRPF, અને ગુજરાત પોલીસ જેવી સુરક્ષા સંસ્થાઓની ભરતી પ્રક્રિયા માટે શારીરિક અને માનસિક રીતે સજ્જ કરવાનો છે. ઘણીવાર યુવાનોમાં ક્ષમતા હોવા છતાં યોગ્ય માર્ગદર્શન અને તાલીમના અભાવે તેઓ પસંદગી પામી શકતા નથી. યુવાનોની આ મુશ્કેલીના નિરાકરણ સ્વરૂપે આ નિઃશુલ્ક તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલ સુધીમાં આ સંયુક્ત પહેલ હેઠળ કુલ ૬ બેચના ૧૮૦ તાલીમાર્થીઓએ તાલીમ મેળવી છે. આ તાલીમનું ગૌરવશાળી પરિણામ જોવા મળ્યું છે.તાલીમ મેળવ્યા બાદ બી.એસ.એફ.ની ભરતીમાં ૧૨, ગુજરાત પોલીસની ભરતીમાં ૧૭ યુવાનોએ શારિરીક કસોટી અને અગ્નિવીર ભરતીમાં ૭ યુવાનોએ પ્રાથમિક કસોટી ઉત્તીર્ણ કરવામાં સફળતા મેળવી છે.
ગાંધીનગર સ્થિત BSF કેમ્પસ ખાતે નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા યુવાનોને તાલીમ આપવામાં આવતા તેમનામાં તાલીમ અંગે નવો અભિગમ કેળવાયો છે. આ તાલીમમાં ૩૦ દિવસ દરમ્યાન દોડ, કૂદ અને અન્ય શારીરિક કસોટીઓ માટે BSFના અનુભવી જવાનો દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવે છે.
લેખિત પરીક્ષાની તૈયારી માટે સંરક્ષણ દળોની પરીક્ષામાં પૂછાતા સામાન્ય જ્ઞાન, ગણિત અને તાર્કિક કસોટીઓ (Reasoning), ભૂગોળ વગેરે વિષય માટે વિશેષ કોચિંગ પણ આપવામાં આવે છે. સમગ્ર તાલીમ દરમિયાન યુવાનો માટે સંરક્ષણ દળમાં જરૂરી શિસ્ત, સમયપાલન અને આત્મવિશ્વાસ વધારવા માટેનું વાતાવરણનું નિર્માણ કરવામાં આવે છે. ભરતી પહેલાં જરૂરી મેડિકલ ધોરણો વિશે પણ યુવાનોને જાગૃત કરવામાં આવે છે.
આ તાલીમ અંગે મૂળ ભાવનગરના વતની અને તાલીમાર્થી કિશન જાડેલાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર રોજગાર કચેરી દ્વારા ગુજરાતના યુવાનો માટે BSF ગાંધીનગર ખાતે ૩૦ દિવસની રહેવા-જમવા સાથેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં અમને નવાઈ લાગી હતી, તેમજ ૩૦ દિવસની તાલીમનો ખર્ચ પણ મોટો હશે તેમ વિચાર આવતો હતો, પરંતુ જ્યારે અમને જાણવા મળ્યું કે, આ તાલીમ સંપૂર્ણ નિઃશુલ્ક છે અને માત્ર જીવનજરૂરી સામાન જ સાથે લાવવાનો છે, ત્યારે અમે તેમાં જોડાયા હતા.
આ તાલીમ દરમિયાન અમને આર્મી અને પેરા-મિલિટરી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન મળ્યું. ખાસ કરીને દોડવાની વૈજ્ઞાનિક પદ્ધતિ, ટેકનિક અને શારીરિક તાલીમ વિશે ઊંડાણપૂર્વક શીખવા મળ્યું. સૌથી મોટો ફાયદો ‘ટાઈમ મેનેજમેન્ટ’માં થયો, જેમાં સવારની ફિઝિકલ ટ્રેનિંગથી લઈને સાંજ સુધીના વાંચન અને અન્ય પ્રવૃત્તિઓનું યોગ્ય સંચાલન શીખવા મળ્યું. આ ઉત્તમ તક બદલ તેમણે ગુજરાત સરકાર, ગાંધીનગર રોજગાર કચેરી અને BSF હેડક્વાર્ટરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ સાથે અન્ય તાલીમાર્થી મયુરભાઈ પરમારે પણ તાલીમની ઉપયોગીતા અને તાલીમ દરમિયાનના વાતાવરણ વિશે જણાવતાં કહ્યું હતું કે, મને અગાઉથી આર્મીમાં જોડાવવાની ઇચ્છા હતી જે માટે તૈયારી પણ કરતો હતો પરંતુ તેના વિશે સંપૂર્ણ માર્ગદર્શન અને પદ્ધતિસરનું પ્રશિક્ષણ મને અહીં આવીને મળ્યું છે. અહીં અમને હેલ્ધી ડાયટ સાથે અમારી તાલીમ માટે વિશેષ બે થી ત્રણ ટ્રેનર પણ આપવામાં આવ્યા છે. જે અમને શારીરિક તેમજ લેખિત પરીક્ષાની પદ્ધતિસરની તાલીમ આપે છે. સરકાર દ્વારા અમને અહીં ટ્રેકસૂટ, શૂઝ, મોજાનો તાલીમ ગણવેશ અને નિ:શુલ્ક રહેવા જમવા સહિત પ્રતિદિન રૂ.૧૦૦ લેખે કુલ ૩૦૦૦ સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવ્યું છે. હું અગાઉ પણ આ માટે તૈયારી કરતો હતો પરંતુ અહીં આવ્યા બાદ પદ્ધતિસરની તાલીમ લેતા દોડની પરીક્ષામાં ખૂબ ઓછી મિનિટમાં પાસ થયો છું. આ તાલીમ થકી જ હાલમાં હું અગ્નિવીર અને ગુજરાત પોલીસની પરીક્ષાઓમાં શારીરિક કસોટીમાં પણ ઉત્તીર્ણ થયો છું, જે બદલ હું ગુજરાત સરકારનો ખૂબ આભારી છું.
આ તાલીમ પૂર્ણ કર્યા બાદ યુવાનોમાં નવો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. આ પ્રકારની તાલીમ યુવાનોને માત્ર નોકરી જ નહીં, પરંતુ એક સશક્ત નાગરિક અને દેશભક્ત બનવાની તક પૂરી પાડે છે. આ શિબિરો ગુજરાતના છેવાડાના યુવાનોને દેશની રક્ષા કાજે તૈયાર કરવામાં અને રોજગારી મેળવવામાં પથદર્શક સાબિત થઈ રહી છે.
*કેવી રીતે અરજી કરવી?*
રસ ધરાવતા ઉમેદવારોએ ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અથવા ઓનલાઇન પોર્ટલ (અનુબંધમ અથવા રોજગાર સેતુ) દ્વારા નોંધણી કરાવવાની રહેશે. ધોરણ 12 પાસ હોય તેવા આશાસ્પદ યુવાનો જેમની વયમર્યાદા ભરતીના નિયમો મુજબ હોય (સામાન્ય રીતે 18 થી 23-25 વર્ષ) તેવા ગુજરાતના કાયમી વતનીઓને આ તાલીમમાં જોડાઈ શકે છે.
આ તાલીમ શિબિરમાં ભાગ લેનાર યુવાનોને રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. તાલીમાર્થીઓએ માત્ર પોતાના પહેરવાના કપડાં અને પથારી જેવી પાયાની જરૂરિયાતનો સામાન જ સાથે લાવવાનો હોય છે, બાકીનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે.
*************
*આલેખન: ડો.દિવ્યા ત્રિવેદી*
[3/6, 4:36 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગુજરાતમાં PM-RAHAT યોજનાના અસરકારક અમલીકરણ માટે ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય વર્કશોપ યોજાયો*
******
*માર્ગ અકસ્માત પીડિતોને ગોલ્ડન અવરમાં સારવાર સુનિશ્ચિત કરવા PM-RAHAT યોજના પર તાલીમ સત્ર*
*******
*PM-RAHAT યોજનાના અમલ અને સંકલન માટે અધિકારીઓને માર્ગદર્શન અપાયું*
*******
ગાંધીનગર તા.૦૬ માર્ચ- ગુજરાત રાજ્યમાં PM-RAHAT યોજનાના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા ગાંધીનગર ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્કશોપનો શુભારંભ કરતાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનરશ્રી એસ.એ.પટેલ એ PM-RAHAT યોજનાનો સંક્ષિપ્ત પરિચય આપી જણાવ્યું હતું કે માર્ગ અકસ્માત બાદ ગોલ્ડન અવરમાં મળતી સારવાર પીડિતનું જીવન બચાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે આ યોજનાનો લાભ રાજ્યભરમાં અસરકારક રીતે અકસ્માત પીડિતો સુધી પહોંચાડવા વિવિધ વિભાગો વચ્ચેના સુમેળ અને સંકલનને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના આઈ.જી. શ્રી નિનામાએ માર્ગ અકસ્માત પીડિતોને કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવા માટેની પ્રક્રિયામાં પોલીસ વિભાગની ભૂમિકા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે અકસ્માતની માહિતી, દસ્તાવેજીકરણ તથા હોસ્પિટલ સાથેના સંકલન અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ સમજાવ્યા હતા.
આ ઉપરાંત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ એસ.પી. સાહિત્યા દ્વારા પણ યોજનાની કામગીરી અને અમલીકરણ સંબંધિત મુદ્દાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વર્કશોપ દરમિયાન માર્ગ અકસ્માત પીડિતોને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં મેડિકલ ટીમની ભૂમિકા અને જવાબદારીઓ અંગે પણ આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ગ અકસ્માત પીડિતોને ગોલ્ડન અવર દરમિયાન તાત્કાલિક સારવાર મળી રહે અને માત્ર આર્થિક મુશ્કેલીના કારણે કોઈ વ્યક્તિએ જીવ ગુમાવવો ન પડે તે હેતુસર ભારત સરકાર દ્વારા PM-RAHAT યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ માર્ગ અકસ્માત પીડિતોને હોસ્પિટલમાં ૭ દિવસ સુધી રૂ.૧.૫ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી તાત્કાલિક સારવાર માટે પૈસાની અછત અવરોધરૂપ ન બને અને દર્દીને જીવનરક્ષક સારવાર સમયસર મળી રહે.
વર્કશોપમાં ગુજરાતના તમામ જિલ્લાઓના રોડ સેફ્ટી નોડલ અધિકારીઓ, ગુજરાત પોલીસ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
*********
*દિવ્યા ત્રિવેદી*
[3/6, 4:40 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર આયુર્વેદિક કોલેજ, કોલવડા ખાતે મહિલા સુરક્ષા અને સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો*
……
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા આયુર્વેદિક કોલેજ, કોલવડા ખાતે મહિલા સુરક્ષા અને સાયબર જાગૃતિ અંગેના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ‘કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (પ્રતિબંધ, પ્રતિષેધ અને નિવારણ) અધિનિયમ–૨૦૧૩’ તેમજ સાયબર ક્રાઈમ સામે સાવચેતી રાખવા અંગે ઉપસ્થિત મહિલાઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન ટીમમાંથી અશ્વિન જાસકિયા અને નસરીન ખલિયાણી, મહિલા સહાયતા કેન્દ્રમાંથી નીતાબેન પટેલ તથા પેથાપુર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં અશ્વિન જાસકિયા દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની સુરક્ષા માટેના ૨૦૧૩ના કાયદાની વિવિધ જોગવાઈઓ અને તે અંતર્ગત મળતા રક્ષણ વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ, નીતાબેન પટેલે વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ગુનાઓથી બચવા માટે જરૂરી સાવચેતીઓ અને ડિજિટલ માધ્યમોનો સુરક્ષિત ઉપયોગ કરવા બાબતે ઉપયોગી ટિપ્સ આપી હતી. આ સાથે જ નસરીન ખલિયાણીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સરકારી યોજનાઓની રૂપરેખા આપી, મહિલાઓ આ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકે તે અંગે માહિતી આપી હતી. પેથાપુર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ મહિલાઓને કાયદાકીય રીતે સશક્ત બનાવવાનો અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો રહ્યો હતો.
….
*નેહા તલાવિયા*
[3/6, 7:56 PM] Neha Talaviya.Mahiti: *UPSC સિવિલ સર્વિસ પરીક્ષા–૨૦૨૫માં SPIPAના ૩૪ ઉમેદવારોની નોંધપાત્ર સફળતા*
…
*પ્રિલિમથી લઈને પર્સનાલિટી ટેસ્ટ સુધી SPIPAની માર્ગદર્શિકા અને તાલીમથી ગુજરાતના યુવાનોને પ્રતિષ્ઠિત સેવાઓમાં સ્થાન*
….
*ગુજરાતનો ઉમેદવાર નિસાર દિશાંત સમગ્ર ભારતમાં ૧૯મા ક્રમે*
….
Union Public Service Commission (UPSC) દ્વારા લેવામાં આવેલી સિવિલ સર્વિસ પરીક્ષા–૨૦૨૫ના અંતિમ પરિણામમાં સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્થા, અમદાવાદ ખાતે તાલીમ લીધેલા કુલ ૩૪ ઉમેદવારો અખિલ ભારતીય સેવા માટે પસંદગી પામ્યા છે, જે સંસ્થાની નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે.
UPSC દ્વારા તા. ૨૩ મે ૨૦૨૫ના રોજ યોજાયેલી સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષાનું પરિણામ તા. ૧૧ જૂન ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી કુલ ૧૪,૧૬૧ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા. તેમાં SPIPA ખાતે તાલીમ લીધેલા ૨૭૨ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
ત્યારબાદ મુખ્ય પરીક્ષાનું પરિણામ તા. ૧૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ જાહેર થયું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી ૨૩૭૬ ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ માટે પસંદ થયા હતા. તેમાં સ્પીપાના ૮૨ ઉમેદવારોનો સમાવેશ થયો હતો.
ડિસેમ્બર ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાયેલા પર્સનાલિટી ટેસ્ટના આધારે યુપીએસસી દ્વારા તા. ૦૫ માર્ચ ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા અંતિમ પરિણામમાં સમગ્ર ભારતમાંથી ૯૫૮ ઉમેદવારો અખિલ ભારતીય સેવા માટે પસંદ થયા છે. આ આખરી ચયનમાં સ્પીપા ખાતે તાલીમ લીધેલા ૩૪ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
પર્સનાલિટી ટેસ્ટ માટે સ્પીપા દ્વારા ઉમેદવારોને નવેમ્બર ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ૧૫ ‘મોક ઈન્ટરવ્યુ’ અને ૪ વિશેષ વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઇન્ટરવ્યુ માટે નવી દિલ્હી જનાર ઉમેદવારો માટે ગુજરાત ભવન ખાતે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
સ્પીપા દ્વારા યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા માટે ઉમેદવારોને વિના મૂલ્યે તાલીમ, અભ્યાસ સામગ્રી, પુસ્તકાલય, વાંચનખંડ તથા ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સંસ્થા દ્વારા ઉમેદવારોને માર્ગદર્શન અને શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવતાં રાજ્યના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવામાં મદદ મળી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રકારની પ્રોત્સાહન સહાય પણ આપવામાં આવે છે. જેમાં પ્રિલિમ પરીક્ષાની તાલીમ માટે માસિક સહાય ઉપરાંત પ્રિલિમ તથા મુખ્ય પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને પણ નિર્ધારિત આર્થિક સહાય આપવામાં આવે છે.
સ્પીપા દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાય મુજબ
પ્રિલિમ પરીક્ષાની તાલીમમાં પ્રવેશ મેળવનાર ઉમેદવારોને વધુમાં વધુ સાત મહિના માટે દર મહિને રૂ.૨,૦૦૦/- પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે.
UPSC સિવિલ સર્વિસની પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ.૨૫,૦૦૦/- અને યુવતીઓને રૂ.૩૦,૦૦૦/- પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે.
UPSC સિવિલ સર્વિસની મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ.૨૫,૦૦૦/- અને યુવતીઓને રૂ.૩૦,૦૦૦/- પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.
સિવિલ સર્વિસ પરીક્ષામાં અંતિમ પસંદગી મેળવનાર ગુજરાતના ડોમિસાઇલ ઉમેદવાર યુવકોને રૂ.૫૧,૦૦૦/- અને યુવતીઓને રૂ.૬૧,૦૦૦/- તેમજ નોન-ડોમિસાઇલ ઉમેદવાર યુવકોને રૂ.૨૧,૦૦૦/- અને યુવતીઓને રૂ.૩૧,૦૦૦/- પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.
છેલ્લા ત્રણ વર્ષના પરિણામો અનુસાર સ્પીપાની સફળતા નોંધપાત્ર રહી છે. વર્ષ ૨૦૨૩માં ૨૬, વર્ષ ૨૦૨૪માં ૨૭ અને વર્ષ ૨૦૨૫માં ૩૪ ઉમેદવારો યુપીએસસી સિવિલ સર્વિસમાં અંતિમ રીતે પસંદ થયા છે.
સ્પીપાના મહાનિદેશકશ્રી હારિત શુક્લા દ્વારા આપવામાં આવતા ગુણવત્તાસભર માર્ગદર્શન તથા દોરીસંચારના પરિણામે ગુજરાતના યુવાનોને દેશની સર્વોચ્ચ સિવિલ સેવાઓમાં સ્થાન મેળવવામાં મહત્વપૂર્ણ સહાય મળી રહી છે.
..
અહીંયા કોઈપણ સમાચારો વિડિયો અને ફોટાઓ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં પણ કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે. તંત્રી
