- GN_07-7-20 News of Gandhinagar PDF
- https://m.facebook.com/story.php?story_fbid=595332194720875&id=100027322995343
: વિભાગ : પદ્ય
NG No.0033
શીર્ષક : ચહેરો
કેટલી પણ ગરમી કેમ ના હોય આજકાલ.
મારી આંખોને ઠંડક અપાવે છે તારો ચહેરો.
તને જોઉં છું તો મારા મુખમાંથી શબ્દો નથી નીકળતા.
આ લાઉડ સ્પીકર ને મૂંગો બનાવે છે તારો ચહેરો.
જ્યારથી જોઈ છે તને દિલ હવે કાબૂમાં નથી.
મારા દિલને તારી મરજીથી નચાવે છે તારો ચહેરો.
ખુલ્લી આંખોથી કંઈ દેખાતું નથી, તારા ચહેરા સિવાય.
આંખો બંધ કરું સપના દેખાડે છે તારો ચહેરો.
દુનિયામાં કંઈ કેટલા ચહેરા છે, બધા આંખોમાં સમાતા નથી.
અને મને આખી દુનિયા બતાવે છે તારો ચહેરો.
ટેલર કૃણાલ શાંતિલાલ#kt
સુરત
*†*******************************†**††***
ન્યૂઝ ઓફ ગાંધીનગર
NG NO 0067
વિભાગ : ગદ્ય
શિર્ષક : તમારો ચહેરો
કહેવાય છે કે સુંદર ચહેરો એ ઈશ્વરની ભલામણ ચિઠ્ઠી છે.
અને ચહેરો સુંદર બને છે મૈત્રીપૂર્ણ હાસ્યથી. એ ના ભૂલશો કે તમારો ચહેરો એ તમારા કરતા બીજાઓ જ વધારે જોવે છે. અને મૈત્રી અને હાસ્ય વગરનો કદરૂપો ચહેરો સતત જોવો પડે એ કેટલું દુઃખદ કહેવાય?? ચહેરાની સુંદરતા એના દેખાવ કરતા વધારે એમાં રહેલા સ્મિતમાં છે. ચહેરાનો શૃંગાર એ આંખમાં રહેલું તેજ અને સ્મિત માં રહેલો મૈત્રીભાવ છે. બાહ્ય ટાપટીપથી ચહેરો ગમે તેટલો સુંદર બને પણ સ્મિત વગર તે કદરૂપો જ લાગશે.
સદા ખુશ રહેવા માટે લોકોની ટીકાઓ અને બીજી ચિંતાઓને દૂર હડસેલી દો. આ બધી વાતોને તમારા સુખ સાથે કોઈ લેવાદેવા નથી. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. માટે આપણાથી પણ ક્યારેક કોઈ ભૂલ થઈ જાય તો એ ઉદાસીને પણ ખંખેરી નાખો. તમારામાં જે સારું છે તેને પૂર્ણ રીતે પ્રગટ થવા દો મને તમારા ચહેરા પર હાસ્યને ખીલવા દો. અને એની સાથે જ તમારી આજુબાજુનુ વાતાવરણ પણ ખુશખુશાલ થઈ જશે.
રૂપલ શાહ..ગાંધીનગર
******************†***********************
*વિભાગ-ગદ્ય*
*NG No.-0072*
*શીર્ષક :ચહેરો*
કોઇના ચેહરાનું સ્મિત દિલમાં છપાઇ જાય કે પછી કોઇનો ગુસ્સો દિલમાં ઘર કરી જાય.
આ ચેહરા એ જીવનમાં કેટ કેટલા ભાગ ભજવ્યા છે.દિલની વાતોનો અરીસો પણ એ છે અને વાતો ને છુપાવાનું માધ્યમ પણ એ જ. પરંતુ દરેકનો નજરીયો કેવો જુદો જુદો છે ને,
કોઇ આ ચેહરાંનુ નુર જોવે છે તો કોઇ કરચલીઓ
પણ શું આ ચહેરો શાસ્વત છે?
આ છબી જે તમને અરીસામાં દેખાય છે તે કાયમ માટે તો તેવી નહિ જ રહે. સમયાંતરે કા તો જીવનના અમુક પડાવો પસાર કર્યા બાદ અલગ જ લાગશે. પણ શુ આ સદંતર બદલાતા સમયમાં તમે બદલાયા છો? નહિ ને તો પછી તમારો પોતાને જોવાનો નજરીયો કેમ બદલાઇ ગયો?
કેમ આપણે જેમ છીએ એ અવસ્થાને પસંદ નથી કરતા ?
તેમા બદલાવ લાવવાનો પ્રયાસ કરીએ છીએ અને શું આવુ કરવાથી ભગવાને આપેલ ભેટંનુ અનાદર નહિ થાય?
તો આ ચેહરા ને જેમ છે એમ જ સ્વીકાર કરીએ.
આ મૌલિક રૂપ કેટલુ સહજ અને સુંદર છે , દુનિયા કરતા ન્યારુ છે અને તેથીય વિશેષ ફક્ત મારુ જ છે.
✍️ *શિવાંગી પટેલ*
*અમદાવાદ*
*******†**********************************
: NG NO: 39
શીર્ષક — ચહેરો
પ્રકાર — લેખ
ચહેરો
ચહેરો ઘણું બધું બોલતો હોય છે.એની ભાષા વાંચતા આવડવી જોઈએ.વ્યક્તિનો ચહેરો જોઈને સમજી જવાય છે કે એ શું કહેવા માંગે છે.
ક્યારેક મનમાં હોય એ ચહેરા ઉપર ના દેખાય એવું પણ બને.આનંદ, ઉદાસી, ગુસ્સો , દુઃખ જેવી લાગણીઓ ઘણા છુપાવી શકતા નથી અને ચહેરા ઉપર સ્પષ્ટ તરી આવે છે.વ્યક્તિ ટેંશનમાં હોય ત્યારે એના ચહેરાની રેખાઓ તંગ બની જાય છે.એના ચહેરા પરનું હાસ્ય એના હર્ષને છતો કરે છે.દુઃખી હોય તો એની આંખો ઉપરથી દેખાઈ આવે છે.એની જોવાની રીત પરથી એનો ગુસ્સો અનુભવી શકાય છે.
પણ કહેવાય છે કે વ્યક્તિ એક ચહેરા પાછળ અનેક ચહેરા છુપાવતી હોય છે.અમુક લાગણીઓ એ ભીતરમાં જ દબાવીને ચહેરા પર જુદા ભાવ રાખે છે જેથી કોઈ એના મનની વાત જાણી ના જાય.ઘણી વાર સ્વાર્થી વ્યક્તિ ચહેરા પર ખૂબ પરગજુ અને માયાળુ હોય એવા ભાવ બતાવે છે જેથી સામી વ્યક્તિ એની સ્વાર્થી વૃત્તિથી છેતરાઈ જાય છે.
હસતો ચહેરો સહુને ગમે છે.હાસ્ય વ્યક્તિને પોઝટિવ ઉર્જા આપે છે અને સામી વ્યક્તિને હળવી બનાવી દે છે.
હાસ્ય જીવન સારી રીતે જીવવાની જડીબુટ્ટી છે.કોઈનો હસતો ચહેરો જોઈએ તો આખો દિવસ આનંદમય બની રહે છે.
હાસ્ય એ માનવને પ્રભુએ આપેલી અણમોલ ભેટ છે.એ વ્યક્તિને રિચાર્જ કરે છે.ગુસ્સાવાળો ચહેરો વ્યક્તિને સંબંધોથી દૂર રાખે છે.
આમ ચહેરો આપણાં મનનો અરીસો છે તો ક્યારેક મુખોટો.
*પ્રફુલ્લા”પ્રસન્ના*અમદાવાદ
******************************************
વિભાગ. ગદ્ય
Ng. No. 55
શીર્ષક : ચહેરો.
*******************
આજે ફરી તે ચહેરો અરીસામાં જોઈ લીધો. શું વાંધો હતો?? કંઈ જ તો નહી..ભગવાનનો બનાવેલ, સુંદર..અતિ સુંદર…આ ચહેરા પર માં કાજલનો ટીકો લગાવતી,બુરી નજરથી બચવા માટે… પપ્પાની દુનિયા જ જાણે આ ચહેરો હતો…છતાં દુનિયા? દુનિયા તેના ચહેરાને ધિક્કારી રહી હતી ,બાળકો તેને વિસ્મયથી જોતા હતા…
તેણે હવે તેના જ ચહેરાને પૂછ્યું, ” શું કિન્નર હોવું અપરાધ છે????”
તેના ચહેરાની આંખો વરસી રહી હતી…..જાણે પૂછી રહી હતી,” સમાજ ,પહેલા તારો ચહેરો તો જો..?”
શ્રદ્ધા ભટ્ટ વાપી
********†********†*****†*****************
: વિભાગ : પદ્ય
શીર્ષક : ચહેરો
NG NO. :0034
વહી રહી છે જિંદગી એમાં આવે અવસ્થાઓ ઘણી,
શૈશવ, યૌવન, પ્રૌઢ ને વૃદ્ધ એવાં પડાવોમાં સરકતી
દરેક પડાવે બદલાતી આ રોનક સુંદર ચહેરા તણી
માસુમિયત ને નિર્દોષતાથી છલકતું શૈશવનું મુખ
ના કોઈ છળ-કપટ ના શૈતાની,ના કોઈ જાતનું દુઃખ
મોહી લે મન,એ માસુમ ચહેરામાં સમાયા ઘણાં સુખ
આવે યુવાની ને લાવે મદમસ્ત યૌવન છલકતું
ના સાંભળે કોઈનું કરે બસ પોતાનું મનમાનતું
સપનાંઓથી ભરપૂર ઈન્દ્રધનુષી રંગોમાં તરતું
ઠરેલ ને ગંભીર રંગ દેખાય પ્રૌઢાવસ્થામાં
કંઈક વિત્યું આ સમયની સરકતી નૈયામાં
જવાબદારીઓ અનેક એ મૂર્ધન્ય ચહેરામાં
રંગ,રુપ ને યૌવન સર્વે વૃદ્ધાવસ્થા જાય તાણી
પડી જાય કરચલીઓ હવે ચહેરા પર ઘણી
ભાંગે તન ને તૂટે મન , છે હાલત એવી ભૂંડી
તેથી જ કહે છે…….
ન કરવું ગુમાન કદી ચહેરાની સુંદરતા તણું
આજ છે રુપાળું કાલ થાય એ જ કદરુપું
મનની સુંદરતા એ જ રુપ ચહેરાનું સાચું !!
— ડૉ. રેખા શાહ
******************************************
ન્યૂઝ ઓફ ગાંધીનગર
NG-0014
વિભાગ-પદ્ય (અછંદાસ ગઝલ)
શબ્દ-ચહેરો
શીર્ષક:- ચહેરો ઢાંકી ફરવું પડે છે.
જવું છે ઘણે દૂર પણ આટલેકમાં અટકવવું પડે છે,
કહેવું છે દિલ-એ-હાલ પણ દુનિયાથી ડરવું પડે છે.
છે કેટલાય નેક ચહેરા, હેવાનીયત છે પડદા પાછળ,
ગુનેગારોના પૈસા છૂપાવવા, નિર્દોષોને મરવું પડે છે.
જોયા છે ચહેરા આંસુઓ સાથે રંગ બદલાતા પ્રેમમાં,
હદ મૂકી મૂર્ખાઓને ખુદખુશીના ખ્યાલમાં ડૂબવું પડે છે.
શોધવા નીકળ્યો સુંદર ચહેરો જીવન ગાળવા સંગમાં,
સુંદર ચહેરો તનનું મળતા, મનનું સૌંદર્ય ભૂલવું પડે છે.
કેવી દશા? કેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ વિશ્વમાં?
ન કોઈ કુકર્મ કર્યા તોય ચહેરો ઢાંકી ફરવું પડે છે.
-જયેશ બાબુભાઇ સંઘાર
ભોજાય, માંડવી
૩ જુલાઈ
******************************************
*NG /0064*
*વિભાગ : ગદ્ય*
*વિષય : ચહેરો*
*શીર્ષક : ટ્રોફી*
નીલ કમને નિયતિ સાથે તેના ઓફિસ ફંકશનમાં ગયો હતો. ત્યાં નિયતિ અને નીલને બેસ્ટ કપલનો એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. હાજર દરેક પત્ની પોતાના પતિને નીલ અને નિયતિનું ઉદાહરણ આપવાં લાગી. નિયતિ એમને સાંભળી રહી.
ઘરે આવી અરીસા સામે બેસી નિયતિ એ ચહેરા પર ઉભરાતાં ખુશીના ભાવનો મેકઅપ રૂપી પડદો હટાવ્યો તો અંદરથી લીલા ચકામાની ભરમાર ઉપસી આવી. નિયતિને ટેબલ પર પડેલી બેસ્ટ કપલની ટ્રોફી અરીસામાંથી દેખાય અને તેના ચહેરા પર ધૃણા પ્રસરી ગઈ. એકાએક શરીર પર લેધર બેલ્ટનો પછડાટ અનુભવાયો.
✍️ *નેહા બગથરીયા*
*જુનાગઢ*