Good Morning
આ તો આપણે માની લીધું કે, ધીરુભાઈ અંબાણી આફ્રિકા ગયાં અને પેટ્રોલ પંપ પર કોઈ ગ્રાહકે પેટ્રોલ ભરવા બાબતે અપમાન કર્યું. આ વાતનું પરિણામ એ આવ્યું કે ધીરુભાઈ એ દુનિયાની સૌથી મોટી રિફાઇનરી સ્થાપી દીધી. જો આમ જ બનતું હોત તો આ જગતમાં તમામ લોકો સ્કૂલ કોલેજના માલિક બની ગયાં હોત. નાની ઉંમરે સ્કૂલમાં કે કોલેજમાં ઠપકો મળે એટલે સ્કૂલ કે કોલેજ બનતી નથી. ગાંધીને ટ્રેનમાંથી ફેંકી દીધાં એટલે આફ્રિકામાં અંગ્રેજ શાશન હલાવી દીધું અને ભારતમાં આઝાદી લાવી દીધી. નરેન્દ્ર મોદી અમેરિકાના વીઝા ન મળતાં બદલો લેવા પ્રધાનમંત્રી બનવાનું નક્કી કર્યું. આ બધાના જીવનમાં અસંખ્ય ટ્વિસ્ટ આવ્યાં હશે. મુખ્યમંત્રી બન્યા બાદ કદાચ નરેન્દ્ર મોદીને ક્યારેય પ્રધાનમંત્રી બનવાનું સ્વપ્ન ન પણ આવ્યું હોય. ધીરુભાઈને પેટ્રોલ પંપ પર ઠપકો આપ્યો હશે, ત્યારે કદાચ વધુ સારી રીતે કામ પર ધ્યાન આપવાનું પણ વિચાર્યું હોય….જો આમ જ થતું હોત તો દરેક વ્યક્તિ કેટલાય અપમાન કરાવી નાખે. ગાંધી, અંબાણી કે મોદી હોય આ બધાંના જીવનમાં ઘણું અચાનક બન્યું હશે, જેની કલ્પના પણ નહીં કરી હોય. બોલીવુડમાં શ્રેષ્ઠ વિલન તરીકે નામના મેળવનાર અમરીશ પૂરીને તેની ચાલીસ વર્ષની ઉંમર સુધી ક્યાં ફિલ્મી કરિયર વિષે ખબર હતી? ભય્યુજી મહારાજનો આવો અંત હશે એવી ક્યાં કલ્પના પણ હતી? એર્નેસ્તો ચે ગેવારાને ક્યાં ખબર હતી કે તે દક્ષિણ અમેરિકા દોસ્ત અલ્બેર્તો ગ્રેનાડે સાથે ફરવા જશે અને ક્યૂબામાં ક્રાંતિ કરશે? ચે ગેવારા તો માત્ર દોસ્ત સાથે રખડવા ગયો હતો. આખા દક્ષિણ અમેરિકામાં મૂડીવાદ ખાણમજૂરોનું કેવી રીતે શોષણ કરે છે, અને મહાનતમ ક્રાંતિ થઈ ગઇ. જિંદગી ક્યારેય પ્રિડીક્ટેબલ હોતી નથી, આપણે રોજ સ્વપ્ના જોઈએ છે. જો સ્વપ્ન મુજબ જિંદગી આગળ વધે તો ખૂશ અને નવી જ ના ગમતી ઘટના બને જે કલ્પના બહારની હોય તો તકલીફ…
Deval Shastri