*જીવન રંગ*
*તેજસ્વી તારલા*
*હેપ્પી દેસાઇ*
આ જગતે નારીને શકિતનું બિરુદ આર્પીને પૂજનીય બનાવી છે.
પછી એ દીકરી , પત્ની હોય કે માતા.
એક પુરુષને પણ આ જગતમાં આવવા માટે નારીની જ જરૂર પડે છે.
નારી શકિતની અનેક ગાથા આપણે સાંભળી છે , એ પછી ચારણ કે આહીરની દીકરી કેમ ન હોય કે જેને હાથમાં ડાંગ લઈને સાવજને પણ હંફાવ્યો હોય!આવી જ એક ગુજરાતની ધરા પર જન્મેલી દીકરીની વાત આપણે કરવાંની છે .
નામ છે *”હેપ્પી દેસાઈ “*
જે જન્મથી જ દ્રષ્ટિહીન હોવાં છતાં પણ ઈશ્વરે એને દિવ્યદ્રષ્ટિથી નવાજી છે કે આજે તેણે વિવિઘ ક્ષેત્રમાં પોતાનું અને પોતાનાં માતાપિતાનું નામ રોશન કર્યુ છે.પિતા વિનોદભાઈ અને માતા રસીલાબહેનનું એક માત્ર સંતાન.
હેપ્પીનો જન્મ થયો ત્યારે માતાપિતા બહુ જ ખુશ હતાં પણ જયારે ખબર પડી કે હેપ્પી દ્રષ્ટિહીન છે ત્યારે પગ તળેથી જમીન ખસી ગઈ થોડાં નાસીપાસ પણ થયાં પણ પછી ઈશ્વરની મરજી સમજી આ પડકારનો સામનો કરવાનો મનમાં સંકલ્પ કર્યો કે આપણી હેપ્પી સમાજમાં દયાને પાત્ર ન ગણાય જાય માટે એનો ઉછેર સામાન્ય બાળકની જેમ જ કરશું અને એનો ઉછેર પણ એવી રીતે કરશું કે એની ત્રુટિ ઢંકાઈ જાય કારણ હેપ્પીનાં માતાપિતા બન્ને શિક્ષક છે કદાચિત એટલે જ હેપ્પી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ એનામાં આત્મવિશ્વાસનો સંચાર થયો. કહેવાય છે ને કે એક દરવાજો બંધ થાય ત્યારે બીજાં દરવાજા ખુલી જતાં હોય છે. હેપ્પીનાં જીવનમાં પણ એમ જ બન્યું એની આંખ એનાં માતાપિતા બન્યાં અને એને કોઈ પ્રજ્ઞાચક્ષુની શાળામાં ન મુકતાં પોતે જયાં શિક્ષકની ફરજ બજાવે એ શાળામાં હેપ્પીને જ્ઞાન મેળવવા દાખલ કરી .શાળાનું નામ છે “જય જલારામ ઈન્ટરનેશનલ સ્કુલ ગોધરા”, આજે હેપી ત્યાં અભ્યાસ કરે છે .
હેપ્પીએ બૃહદ સંગીત સમિતિ ઢ્રારા લેવામાં આવતી ગાયનવાદનની ત્રણ પરીક્ષા પાસ કરી છે .
હેપ્પીએ સામાન્ય શાળામાં ભણીને સ્પર્ધામાં ભાગ લઈને અનેક પ્રથમ પારિતોષિક પણ મેળવ્યા છે એની તો કલ્પના કરવી જ રહી.
હેપ્પીની સિધ્ધિઓઃ
૧} વોઈસ ઓફ પંચમહાલ સીઝન એક અને બેમાં પ્રથમ વિજેતા.
૨} બાળગીત અને દેશભકત સ્પર્ધામાં પ્રથમ વિજેતા,
૩} પંચમહાલ આઈડિયલ 2014માં પ્રથમ વિજેતા,
૪} કિડસ કાર્નિવલ લુણાવાડામાં પ્રથમ વિજેતા,
૫} લાયન્સ કલબ ઓફ પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય વિજેતા.
૬} પ્રજ્ઞાચક્ષુ કારરેલી વડોદરામાં પણ ભાગ લીધો છે,
૭} જલારામ ઈન્ટરનેશનલ સ્કુલ 15ઓગસ્ટની દેશભકિત સ્પર્ધામાં પ્રથમ વિજેતા,
૮} અખિલ ભારતીય સંગીત સ્પર્ધામાં ત્રીજા સ્થાને પારિતોષિક મેળવ્યું,
૯} લાયન્સ કલબ ઓફ ગોધરા અને મેં ભી સ્ટાર હું ગોધરામાં પ્રથમ,
૧૦} કર્મયોગી મહિલા દિવસની ઉજવણીમાં પણ પ્રથમ,
૧૧} બ્રેઈન લેખન અને વાંચન સ્પર્ધા સુરત અને આણંદમાં બે વાર વિજેતા,
૧૨} ખેલ મહાકુંભ ચેસ સ્પર્ધા જિલ્લા લેવલ પર પ્રથમ નંબર અને વક્રતૃત્વ સ્પર્ધા જુનાગઢમાં બીજું ઈનામ મેળવ્યું
૧૩} અંધજન મંડળ અહમદાવાદ (વસ્ત્રાપુર) ખાતે યોજાયેલ દિવ્યાંગ સંગીત સ્પર્ધામાં પ્રથમ આવી,
૧૪} પાવાગઢમાં યોજાયેલ પંચમહોત્સવમાં પાર્થિવ ગોહિલ સાથે આ જ ગીત “મારી લાડકી”નાં સૂર રેલાવી બધાંને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં.
હજી તો બીજી ઘણી સિધ્ધિ હેપ્પી એ પ્રાપ્ત કર્ક છે . આજે તો બીજી એક અનેરી સિધ્ધિ હેપ્પી એ મેળવી એ છે અમેરિકાના પ્રેસિડન્ટ શ્રી ડોનાલ્ડ ટ્રપના ભારત આગમન પર એમના સ્વાગત માટે યોજાયેલાં સ્વાગત સમારંભમાં શ્રી કીર્તીદાન ગઢવી સાથે ગાવાનો અને સમગ્ર દેશ સામે આપણી આ લાડકી હેપ્પીને મોકો મળ્યો . આપણાં સૌની લાડકવાયી હેપ્પીએ જયારે એનાં કંઠથી “મારી લાડકી રે “ગીત ગાયું ત્યારે સૌએ એને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. ખરેખર દોસ્તો મારી આ લાડકીને ગાતાં જોઈને મારી આંખમાં પણ હરખનાં ઝળઝળીયા આવી ગયાં.
દોસ્તો હેપ્પીને સંગીતમાં ખાસ રુચિ છે એને આગળ લાવવામાં એની શાળાનાં શિક્ષક કિન્નરીબહેન ખૂબ મદદ કરે છે.
દોસ્તો હેપ્પી પાસે આપણે એટલું તો જરુર શીખી શકાય કે સંજોગોથી ડરીને માનવીએ નાસીપાસ થયાં વગર ઉમંગ અને ઉત્સાહથી આગળ વધવું જોઈએ અને આપણી હેપ્પી અનેકાનેક સિધ્ધિ પ્રાપ્ત કરે એવી આ નિયતી ખરા દિલથી શુભકામના સાથે ખૂબ ખૂબ અભિનંદન 🙏
જીજ્ઞા કપુરિયા”
નિયતી “