*શૉપિઝેન ગુજરાતી સર્જક પરિવાર*
(*શૉપિઝેન ચિત્ર સ્પર્ધાના વિજેતાઓ:)
*પદ્ય વિભાગ:*
*મારું ગામ*
ઘોઘમને કાંઠડે હો,
ખોડાપીપર ગામ છે.
નાનું ને રૂપાળું હો,
મારું તે ગામ છે…….
પ્રગટેશ્વર મહાદેવ છે ને,
ઘંટેશ્વર મહાદેવ છે.
રામા તે પીરના,
મંદિર દેખાય છે.
સુંદર સોહામણું હો,
મારું તે ગામ છે……
ગામનાં પાદરમાં,
નિશાળ દેખાય છે.
ગૌશાળાની ગાયોનું,
પૂજન ત્યાં થાય છે.
શિક્ષિત ને ધાર્મિક હો,
મારું તે ગામ છે……
હિંગળાજ માતા છે ને,
હનુમાનજી મહારાજ છે.
ચોરાનાં ચોકમાં,
ઠાકોર મંદિર છે.
ભક્તિથી ભીંજાયેલા હો,
મારું તે ગામ છે….
મુક્તિ કેરુ ધામ તો,
અદ્ભુત દેખાય છે.
ખોડલ માતનાં,
મંદિર સોહાય છે.
વૃક્ષોથી ઘેરાયેલું હો,
મારું તે ગામ છે….
રૂપલા મામાને,
પીઠડાઈ માત છે.
નદીની વચ્ચે,
પીપળેશ્વર મહાદેવ છે.
રંગોથી રંગાયેલ હો,
મારું તે ગામ છે….
બાપાની મઢુલી ને,
દશામાંના બેસણા.
શાળાના મેદાનમાં,
રોજ રમતો રમાય છે.
રમતું ભમતું હો,
મારું તે ગામ છે….
ધાર્મિક ઉત્સવો,
ખુબ ઉમંગથી ઉજવાય છે.
આખા તે ગામની એક,
ગરબી લેવાય છે.
સંપીલું ને ખંતીલું હો,
મારું તે ગામ છે…..
કહે છે રાજુ સાહેબ,
આવો ને એકવાર.
મનડાં હરખાશે હો,
એવું આ ગામ છે…..
:- રાજેશભાઈ પટેલ ‘રાજુસર’
*કહાણી*
પનિહારી ભરતી એક સમંદર,
સ્વાદ ભળે છે હાથનો અંદર,
મા ભેગા બે બાળ રમે છે…
બેઠાં બેઠાં કેવા મંગળ.
બાપ ઊભો છે ઊંચે છાંયે,
રસ્તો આખો કિલકારી ગાયે,
કુણું કુણું ઘાસ ઉભુ છે…
છાપરું મોંઘું મોટા પાયે.
એ ગોધન બેઠાં સંગ અમારે,
હેતથી નીરખે કેવી નારી,
ઊંચેરો આધાર ઊભો છે…
જાણે બનતો ગામની બારી,
મોજ મલકની હોય મજાની,
વાત રહે ના કોઈ ક્યાં છાની,
એ કુદરતના કરતબ કેવા…
લે કહી દીધી આજ કહાણી.
– ભૂમિ પંડ્યા
*પાદર*
ક્યા ગયું એ પાદર મારું, જ્યાં ભાભાના ડાયરા થાતા’તા…
ક્યા ગયા એ નદી કિનારા, જ્યાં ઝાંઝરીઆ ઝમઝમ થાતા’તા…
ખોવાયું યૌવન છે જોને, ક્યાંક મોબાઈલ અને ટીવીમાં,
ક્યાં ગયું એ માન મજાનુ, જ્યાં હાંકથી કામો થાતા’તા…
ખોવાયું બાળપણ છે ક્યાંક, આ ભારે ભણતરના ભારામાં,
ક્યાં ગયા એ વડલા ઊંચા, જ્યાં હરખે હિંચકા ખાતા’તા…
ખોવાયા છે નાદ સાંજના, એ પરોવાયા હવે મશીનમાં,
ક્યાં ગયા એ મંદિરીયા, જ્યાં ઝાલર વગાડવા લડતા’તા…
ખોવાયું છે મૌન “ક્ષિતિજ”નું, ઊંચી ઊંચી ઈમારતમાં,
ક્યાં ગયા એ વરસાદીયા, જ્યાં બીક વગર ભિંજાતા’તા…
– દેવર્ષિ વ્યાસ ‘ક્ષિતિજ’
*હાલને ગામ જઈએ*
ઘોંઘાટ ને દૂષણ આ શહેરમાં,મન લાગે ના ક્યાંયે,
જો યાદ આવે તને ગામ, તો હાલને ગામ જઈએ.
એ પાદર એ પરબડી, વડલો ને વળી એ ચૌટો,
ખેતરો એ સુના પડ્યા, તો હાલને ગામ જઈએ.
થાતી અકળામણ ભીડભાડમાં ને રુંધાતા શ્વાસ,
ખુલ્લા મેદાનમાં ખેલવા, હાલને ગામ જઈએ.
હિંડોળા તો હાલતા ને, હૈયા ડામાડોળ થાતા.
લીમડે હીંચવા હીંચકે, હાલને ગામ જઈએ.
ફ્રીઝની બોટલના પાણી તો તરસ્યા જ રાખશે,
ગાગરમાં કૂવાના પાણી પીવા,હાલને ગામ જઈએ.
બારણાં બંધ કરી લોકો તો સૈા ઘરમાં ભરાણા,
ચોકમાં સહિયર ટોળે મળશે,હાલને ગામ જઈએ.
હાય હેલ્લો ને દૂરથી સલામ,ભાગમભાગ “વિશેષ”,
આવો આવો કહી ભેટવા, હાલને ગામ જઈએ.
-હર્ષદ મકવાણા “વિશેષ”
સૌજન્ય: www.shopizen.in
પરિવાર એડમિન પેનલ🙏🙏🙏
સાહિત્ય સહયોગી સૌજન્ય : ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક સમાચાર તેમજ જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક.. janfariyadnews.com. વેબ પોર્ટલ
આભાર