સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડીએ માઝા મુકી છે. સમગ્ર રાજ્યમાં ઠંડા પવનો ફરી વળતા કડકડતી ઠંડીનો લોકોએ અનુભવ કર્યો છે. સમગ્ર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકરી ઠંડી પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં ૬ ડિગ્રી નોંધાઈ છે. જ્યારે અમદાવાદ ૯ ડિગ્રી અને પાટનગર ગાંધીનગર ૭.૭ ડિગ્રી ઠંડીમાં ધ્રુજી ઉઠયાં હતા. દરિયાકાંઠા વિસ્તારમાં સામાન્ય રીતે ઓછી ઠંડી અનુભવાઈ પણ પોરબંદર, વેરાવળ, દીવમાં પણ તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ૫ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.