ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ દારૂ જુગારની પ્રવૃત્તિઓ આચરતાં ઈસમો સામે અસરકારક પગલાં ભરવાની આપેલી સૂચનાનાં પગલે જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જે અન્વયે સેકટર – 7 પોલીસ મથકના પીઆઈ પરાગ ચૌહાણની ટીમને બાતમી મળી હતી કે, 50 વર્ષીય બિલ્ડર રાકેશભાઇ શંકરભાઇ પટેલ (રહે-સરગાસણ, સુર્યા સર્કલ પાસેની મારુતિ આમ્રકુંજ ફલેટ નં.301) પોતાની સરગાસણ નજીક આવેલ શિવાંજલી ઇમ્પીરીયા નામની ઓફિસમાં જુગાર ધામ ચલાવે છે.
જેનાં પગલે પોલીસ કાફલાએ બિલ્ડરની ઓફિસમાં રેડ કરતાં છ ઈસમો લાકડાંના ટેબલ ઉપર ગોળાકાર બેસીને જુગાર રમતાં રંગેહાથ હાથ ઝડપાઈ ગયા હતા. અચાનક પોલીસ ત્રાટકતા જ જુગારીઓએ ભલમણ નો દોર શરૂ કરી દીધો હતો. જો કે પોલીસે બધી ભલામણોને નજર અંદાજ કરી રેડની કાર્યવાહી શરૂ કરતાં જુગારીઓએ ચૂપચાપ બેસી રહેવાનું જ મુનાસિબ સમજ્યું હતું.
બાદમાં પોલીસે એક પછી એક જુગારીઓની પૂછતાંછ ધરતાં તેમના નામ રાકેશભાઇ શંકરભાઇ પટેલ(રહે. મારૂતી આમ્રકુંજ ફલેટ, સરગાસણ) રાકેશભાઇ ચંદુભાઇ સોની (ઉ.વ-52, રહે-મારૂતી આમ્રકુંજ ફ્લેટ નં-સી-304,સરગાસણ), નિરજનભાઇ પ્રવીણભાઈ પ્રબદાણી(ઉ. 43,રહે. મારૂતી આમ્રકુંજ, ફ્લેટ નં-એફ-402), હાર્દીકભાઇ હરીભાઇ પંડયા (ઉ.વ.40 રહે. હરી અલાયામ ફ્લેટ નં.105 સરગાસણ), રામજીભાઇ રણછોડભાઇ દેસાઇ (ઉ.વ 41 રહે. પ્લોટ નં-789/1 સેકટર-5સી) તેમજ નારણભાઇ વેલજીભાઇ પટેલ (ચૌધરી) ( ઉ.વ-38 રહે. રાધે હેલીયોશ ફુલેટ નં-104 કુડાસણ) હોવાની કબૂલાત કરી હતી.
આ અંગે સેકટર – 7 પીઆઈ ચૌહાણે જણાવ્યું હતું કે, રાકેશભાઈ પટેલ, રાકેશભાઈ સોની, નિરજનભાઇ પ્રબદાણી, હાર્દીકભાઇ પંડ્યા પાર્ટનરો છે. જ્યારે રામજીભાઇ દેસાઈ માણસાની સ્કૂલમાં શિક્ષક છે. તેમજ નારણભાઇ ચૌધરી અમદાવાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આ તમામ જુગારીઓ પાસેથી અંગ ઝડતી – દાવ પરથી 86 હજારની રોકડ, મોબાઈલ નંગ – 6 કિંમત રૂ. 1.35 લાખ તેમજ 25 લાખની ત્રણ ગાડીઓ, જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ. 27 લાખ 21 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.