“ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ “શિક્ષણ સમર્પિત અનોખું અભિયાન”
પ્રા.ડો.ભાવના ઠુંમર
આજના અતિ સ્વકેન્દ્રી સમયમાં કોઈ સંસ્થા કે વિચાર વર્તુળ પદ, પ્રતિષ્ઠા અને પૈસા વગર કાર્યરત હોય અને તેને સમગ્ર ગુજરાતમાંથી બહોળો પ્રતિસાદ મળતો હોય તેવા ઉદાહરણ જવલ્લેજ જોવા મળે ! પરંતુ આ વાત ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી સિદ્ધ અને સાબિત થઈ છે.
બે વર્ષથી આ સંસ્થાનું ગઠન થતાં તેની વિવિધ કાર્ય પદ્ધતિઓ નક્કી કરવામાં આવી. જેમાં સંસ્થામાં કોઈ હોદ્દેદાર ન હોય, કોઈ નાણાં ન હોય, તેનું કોઈ ચોક્કસ માળખું એટલે કે બંધારણ ન હોય ! પરંતુ માત્ર નૈષ્ઠીક ઉદ્દેશો અને ધ્યેયો માટે મથામણ કરવાની ખેવના માત્ર હોય. હા, તેવી સંસ્થા છે ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ. 3 એપ્રિલ 2022 ના રોજ ઔપચારિક રીતે તેની જાહેરાત કરવામાં આવી.
ગુજરાતમાં નિષ્ઠાથી કામ કરતાં સૌ શિક્ષણપ્રેમી લોકોએ એક અવાજે આવી વાતને સ્વીકારી લઈને સમગ્ર આયોજન, સંકલનમાં ગુજરાતમાં લેખન, પત્રકારત્વ, સાહિત્ય અને શિક્ષણમાં યથાર્થ કામથી નામ મેળવી શકેલા઼ં શિક્ષણવિદ્ શ્રી તખુભાઈ સાંડસુરને જવાબદારી સોંપવામાં આવી. સાથે સાથે પાટણના સંપુર્ણ શિક્ષણ સાધુ નિવૃત્ત શિક્ષક શ્રી શામજીભાઈ દેસાઈ અને ભરૂચના આચાર્ય અને સંચાલક શ્રી ડો. મહેશભાઈ ઠાકર જોડાઈ ગયાં, અને પછી કારવા બઢતા ગયાં. મારા સહિત ઉચ્ચ શિક્ષણના લોકો પણ આ કામમાં પોતાનો રાજીપો વ્યક્ત કરવાં સાથે ડગલાં ભરતાં થયાં, એક સુંદર મજાની સંસ્થા પા….પા… પગલી ભરતા ભરતા વટ વૃક્ષ બનવાં તરફ આગળ વધવા લાગી.
શિક્ષણ સમર્પિત આ સંસ્થાનું કોઈ બંધારણ નથી, પરંતુ તેનો આચાર જરૂર છે. નક્કી થયું કે સંસ્થામાં કોઈ ભંડોળ ઊભું ન કરવું અને કોઈ પાસેથી શક્ય હોય ત્યાં સુધી ફીના રૂપમાં કોઈ નાણાં ન સ્વીકારવા. શિક્ષણના નીતિગત પ્રશ્નોને રાજ્યકક્ષાએ વાચા મળે અને જ્યાં જરૂર પડે ત્યાં શિક્ષણનીતિના સંદર્ભમાં રજૂઆતો થાય, ત્યારે પોતાનો સ્પષ્ટ અવાજ સરકારના કાન સુધી પહોંચાડી શકાય. સાથોસાથ સરકારી તથા અન્ય વ્યવસ્થામાં કાર્યરત શિક્ષકોને પ્રોત્સાહન અને બળ આપી તે માટેના વિવિધ સન્માનોનું આયોજન કરવું. જે શિક્ષક ભાઈ બહેનો ઉતમ કામ કરી રહ્યાં છે. તેના કામને સમગ્ર ગુજરાત સુધી અને રાષ્ટ્રીય કક્ષાએ પણ પહોંચાડવા પ્રયત્ન કરવો તેમજ તેમનામાં રહેલી ક્ષમતાને વેગવંતી બનાવવી, વિવિધ પ્રકારના પ્રકાશનો અને માધ્યમોથી શિક્ષકોના કામને ગતિ આપવી. રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને શિક્ષણના પાયાના પ્રશ્નો માટે લડવું. આ પ્રકારના મકસદ સાથે આ સંસ્થાએ શિક્ષણનો ઝંડો હાથમાં લીધો છે.
છ માસે એક વખત સંગોષ્ઠીમાં બધાં જ સાધકો કોઈ એક સ્થળે મળે અને તેની યજમાની જે તે સંસ્થા કરે જેથી ખર્ચનો પ્રશ્ન ન રહે. વર્ષમાં એકાદ વખત શિક્ષણના સમર્પિત સૈનિકોને બિરદાવવા “ફોરમ એવોર્ડ” આપવામાં આવે અને એવોર્ડ જે તે યજમાનના અનુદાન, સૌજન્યથી અપાય અને તેમાં મૂલ્યલક્ષી શિક્ષણની વાત વધુ અસરકારક રીતે ધ્યાનમાં લેવાય.
છેલ્લા દોઢ બે વર્ષથી ધોરણ 10 માં વિદ્યાર્થીઓનો વિષય પસંદગીનો પ્રશ્ન હોય, કોરોના કાળમાં પછી શાળા ચાલુ કરવાનો પ્રશ્ન હોય કે પછી અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તકોમાં ગુજરાતી અંગ્રેજીનું સંમિશ્રણ હોય, આ સંસ્થાએ રાજ્ય સરકારના ધ્યાનમાં પોતાનો મત પ્રગટ કર્યો છે. તેના અસરકારક પરિણામો પણ મળ્યાં છે. અત્યાર સુધી બે સંગોષ્ઠિનું આયોજન થયું છે તેમાં ખુબ સારી સફળતા મળી છે. સાધકો સ્વેચ્છાએ જોડાયાં છે. જેમાં પ્રથમ સંગોષ્ઠિ લોકનિકેતન રતનપુર, જિ. બનાસકાંઠા ખાતે આયોજિત થઈ. તેનો વિષય “ગુણવત્તા શિક્ષણ” હતો. જેમાં મહતમ સભ્યો ઉપસ્થિત રહ્યાં. બીજી સંગોષ્ઠિનુ યજમાનપદ કડી સર્વ વિદ્યાલયે સ્વીકાર્યું હતું. જેનો વિષય” મુલ્ય શિક્ષણ” હતો. ડો.જે જે વોરા ( ઉપકુલપતિ શ્રી) કિરણસિંહ ચાવડા, ગજાનન જોશી, ડો.અશ્ર્વિન આણદાણી, ડો.હેંમત ઓઝા, પુ. વિદુષી ગીતાદીદી, ડો રાઘવજી માધડ, ડો નિતીન પેથાણી, વલ્લભભાઈ પટેલ(કડી) જેવાં માનંવતા મહેમાનશ્રીઓ પોતાનાં મુલ્યવાન વિચારો પ્રગટાવવા આ સંગોષ્ઠિઓમાં પધારી સૌને કૃતકૃત્ય કર્યા છે.
તાજેતરમાં સંસ્થા દ્વારા ગુજરાતના 13 જિલ્લામાંથી પસંદ કરાયેલાં ઈનોવેટિવ નિવૃત અને પ્રવૃત્ત શિક્ષકોની કાર્યકુશળતા અને તેમનો પરિચય કરાવતું એક પ્રકાશન પુસ્તક રૂપે “શિક્ષણના ધ્રુવતારકો” ના શીર્ષક તળે પ્રગટ થઈ રહ્યું છે. જે ખૂબ જ ઉપયોગી અને આવકારદાયક બની રહ્યું છે. તેનુ લોકાર્પણ આગામી સંગોષ્ઠિમા થશે.
આગામી તૃતિય સંગોષ્ઠિ સાસણ, જિ જુનાગઢ ખાતે 22-23 એપ્રિલ દરમિયાન ‘પર્યાવરણ શિક્ષણ ‘ના વિષય સંદર્ભે યોજાઈ રહી છે. જેમા ગુજરાતના ચાર શિક્ષક ભાઈ બહેનોને ફોરમ શિક્ષક એવોર્ડથી નવાજવામાં આવશે. આવી ઉતમ સંસ્થાઓ સાથે જોડાવું તે પણ લાભપ્રદ હોય છે. શિક્ષણની જ્યોતને પ્રજવલ્લિત રાખવા માટે આ સમયમાં આવી સંસ્થાની તાતી જરૂરિયાત હોય છે. અપેક્ષિત એક ઘોર અંધકારના સમયકાળમાં નિસ્વાર્થ ભાવથી નિર્માણ થયેલ આવી જ્યોતિરુપ સંસ્થાઓની મથામણ સરાહનીય છે. આ સંસ્થામાં જોડાયેલા પાયાના પથ્થર સમાન આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.
અહેવાલ : તખુભાઈ સાન્ડસુર દ્વારા