[6/14, 6:31 PM] Mahendra Panchal: સાહિત્ય સરિતા
NOG SS-0011
વિભાગ:- પદ્ય
વિષય:- આવ રે વરસાદ
પ્રકાર:- બાળગીત
શીર્ષક:- આવે રે વરસાદ…
આવું છું કહી ધોધમાર ખાબકે એ આવે રે વરસાદ,
વીજનાં ચમકારા ને મેઘ ગર્જના સંગે આવે રે વરસાદ….આવે રે વરસાદ
ઝરઝર આવતાં વરસાદમાં સરસર કરતી જાય હોડી,
ને ફરફર પડતાં વરસાદમાં ઝટપટ તરતી જાય હોડી…આવે રે વરસાદ
એ ઉડી ઉડી છત્રી મારી ને થાય, કાગડો વરસાદમાં,
આવતાં જતાં લોકો હસે ને આવે ઝાટકો વરસાદમાં…આવે રે વરસાદ
નાનું નાનું ઝરણું ધડધડ દોડ્યું જાતું’ તું આંગણેથી,
ટપટપ ટપકતાં ટીપાંનો અવાજ સાંભળું બારણેથી…આવે રે વરસાદ
નાગણ શા દોડે વીજનાં પાટા ને વાદળનો ગડગડાટ,
મોરલાનો ટહુકારથી વર્ષા આવે ધરા પર સડસડાટ…..આવે રે વરસાદ
મન મારું મોહી લઈ દોડતું, જ્યારે આવે રે વરસાદ,
ખુશીની હેલીના મોજા ઉછળતાં ને આવે રે વરસાદ…આવે રે વરસાદ
તોફાની મેહુલિયો આવે ને કરતો તહેવારોની લ્હાણી,
આવે રે વરસાદ ને દિલો પર છવાતી ઉમંગની ઉજાણી…આવે રે વરસાદ
– મનોજકુમાર પંચાલ
“મન”
પાલનપુર
[6/15, 3:44 PM] Bhavana R.MeM: NOG SS No.111
વિષય: આવ રે વરસાદ
વિભાગ: ગદ્ય
શબ્દસંખ્યા: ૩૨૭
શીર્ષક: મોસમ છલકે
‘ આવ રે વરસાદ, ઘેવરિયો પરસાદ. ઊની ઊની રોટલીને કારેલાનું શાક.’ ગાતાં ગાતાં આપણે, કાગળની હોડીઓ તરાવીને , ફુલાતાં આપણે ક્યારે બાળપણમાંથી યુવાવસ્થામાં પ્રવેશ્યાં તેની ખબર જ ન પડી.
આ સાથે જ વરસાદ માણવાના પરિમાણ પણ બદલાયાં.વરસતા વરસાદમાં ફૂટબૉલ રમતાં, છત્રીને ઊલટી કરી વરસાદ ઝીલતાં થયાં. દોસ્તો કે સખીઓ સંગે ભીંજાતાં મસ્તી કરતાં થયાં. મકાઈનાં ગરમ ભુટ્ટા પર લીંબુ, મરચું લગાવી સીસકારાનો આનંદ પણ માણ્યો. તેનાથી આગળ વધીને પ્રિયજન સાથે એક છત્રીમાં વાતો કરતાં, ચાલતાં ચાલતાં વરસાદનો આનંદ ઊઠાવવાની મજા પણ માણી લીધી. કૅફેમાં બેસી ગરમ ગરમ કૉફીના ઘૂંટ લેતાં વરસાદ નિહાળવાની આને પ્રિયજનની સંગતનો અનેરો આનંદ પણ લીધો.
વય વધતાં, જવાબદારીઓ વધતાં, ઘરે બેસી ગરમ ચા સાથે ભજીયાનો સ્વાદ પણ વયની સાથે માણી લીધો. આમ જીવનનાં દરેક તબક્કે વરસાદનો આનંદ માણવાની રીત તબક્કાવાર બદલાણી પરંતુ એક વાત કાયમ રહી તે વરસાદનો ભરપૂર આનંદ.
વરસાદ આવતાંની સાથે જ કુદરત પણ પૂર બહારમાં ખીલે છે. વૃક્ષો, છોડવાંઓ અને વેલીઓ વરસાદમાં ન્હાઈને તાજાં થાયછે. ઝરણાંઓ મન મૂકીને ડુંગર પરથી નાચતાં, કૂદતાં ઉતરે છે. વરસાદમાં ભીંજાઈને પંખીઓનાં પીંછાંનું રૂપ પણ બદલાઈ જાય છે.પશુઓ પણ ઝાડની નીચે કે કોઈ ઘરનું છત્ર શોધી ભીનાં થતાં બચે છે. આમ કુદરતનાં વિવિધ રૂપો આપણને મુગ્ધ કરી દે છે. બંને કાંઠે છલકાતી, વહેતી નદી તો મદભર માનુની દીસે છે.
આવી આ સૌંદર્યની મલ્લિકા વર્ષાઋતુનો ઠસ્સો જ નિરાળો દેખાય છે.રસિક મન જરૂર મેહુલિયાને માણવાની લાલચ રોકી ન જ શકે.વરસાદ એ દરેક વયમાં અનોખી રીતે માણવાની મજા છે, મસ્તી છે.
કોણ એવું અરસિક હશે જે આવાં સુંદર વરસાદ માણવાથી વંચિત રહી જાય! મને તો બાળપણથી જ વરસાદ મારાં પરમ મિત્ર જેવો લાગે છે. વરસતાં વરસાદને આજે વધતી જતી વયે નિહાળવાની આને ગરમ ચા પીવાની લાલચને હું રોકી શકતી નથી . તેમાં પણ પહેલા વરસાદની મજા આવે માટીની સોડમ તો તન -મનને તરબતર કરી મૂકે છે.
કહો, વરસાદ તો દરેક વયની વ્યક્તિઓનો પરમ મિત્ર છે. તો ચાલો, આપણે આપણાં આ દોસ્ત સાથે મનભરીને મોર અને ચાતકની જેમ ગુફ્તગુ કરી ભરપૂર મજા માણીએ !
✍️ ભાવના આચાર્ય દેસાઈ ‘ભાવુ’
૧૪/૦૬/૨૦૨૨
[6/15, 4:43 PM] Ratibhai Vaayada.NOG.MEM..Bombay Puja Kanani.Mithapur: N.O.G. S.S. No 0102.
નામ:-. રતીલાલ વાયડા
વિષય:-વરસાદ.
પ્રકાર:- ગદ્ય. લેખ.
શીર્ષક:- આવ રે વરસાદ.
રચના:-
જલ એ જ જીવન છે. આકાશમાંથી
થતી અમૃતવર્ષા માનવના જીવનનું કારણ બને છે.
જગતના તમામ પ્રાણીઓ વરસાદ વિના રહી શકે નહીં.
ભારતની ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો, તે એશિયા ખંડમાં આવેલો સૌથી મોટામાં મોટો દ્વીપકલ્પ છે. નૈઋત્યના મોસમી પવનો મોટેભાગે ભારતમાં વરસાદ લાવે છે .જુનથી શરૂ કરી અને ઓક્ટોબર મહિના સુધી આખા દેશમાં ૯૦ ટકા જેટલો વરસાદ પડી જાય છે.
જૂન મહિનામાં મલબાર અને કોંકણ
કિનારે વરસાદની શરૂઆત થાય છે અને ત્યાર પછી ગુજરાત તેમજ ભારતના જુદા જુદા ભાગોમાં વરસાદ પડે છે.હિમાચલના પહાડી પ્રદેશમાં અને ભારતના જુદા-જુદા ભાગમાં આ વરસાદની અસર થાય છે. પાછા ફરતા મોસમી પવનોનો પૂર્વ ભારત ને ઓક્ટોબર મહિનામાં વરસાદ આપે છે.
આ વરસાદ ક્યારેક-ક્યારેક ભારે તારાજી સર્જે છે. ચારે તરફ પૂર ,વાવાઝોડા ,વંટોળિયા વગેરેનું વાતાવરણ જોવા મળે છે અને જાનમાલને ભારે નુકસાન પહોંચાડે છે.
વરસાદના અનેક પ્રકારો જોવા મળે છે તે આ પ્રમાણે છે.
આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હસો કે “બારેય મેઘ ખાંગા થયા”
પણ કોઈને ખબર નથી “બાર મેઘ” શું છે.?
ગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે
૧. ફરફર.
૨. છાંટા.
૩. ફોરા.
૪. કરા.
૫. પછેડીવા .
૬. નેવાધાર.
૭. મોલ મેહ.
૮. અનરાધાર.
૯. મુશળધાર.
૧૦. ઢેફાભાંગ.
૧૧. પાણ મેહ .
૧૨. હેલી.
૧. ફરફર:-
જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ.
૨. છાંટા:-
ફરફર થી થોડો વધારે વરસાદ .
૩. ફોરા:-
છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ .
૪. કરા :-
ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ .
૫. પછેડીવા:-
પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ .
૬. નેવાધાર :-
છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ.
૭. મોલમેહ :-
મોલ – પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ.
૮. અનરાધાર :-
એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ .
૯. મુશળધાર :-
અનરાધાર થી વધુ હોય એવો વરસાદ.
મુશળ – સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
૧૦. ઢેફાં :-
વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ.
૧૧. પાણ મેહ :-
ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ .
૧૨. હેલી:-
અગિયાર પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે.
વરસાદ પડવાથી ધરતી લીલીછમ થઈ જાય છે. ચારે તરફ વનસ્પતિ જોવા મળે છે. જુદા જુદા પ્રકારના પાક ફળ-ફૂલ થોડા મહિનાઓમાં જ ઉગે છે. એટલું જ નહીં પરંતુ નદીઓ પાણીથી ઉભરાય છે ભારતના ૧૩૦ કરોડ લોકોને આ વરસાદનું પાણી જ પાલન પોષણ નું કારણ બને છે .જો વરસાદ ન હોય તો માનવ જીવન અને પ્રાણીમાત્ર તમામ ખતરામાં મુકાઈ જાય.
વરસાદની મોસમ આલ્હાદક હોય છે.
માનવજીવનને આનંદ આપનારી હોય છે.ખેડૂતો ખેતીના કામમાં લાગી જાય છે આખી પ્રકૃતિ ખુબ સુંદર લાગે છે ધરતીએ જાણે નવા શણગાર સજ્યા હોય તેવું વાતાવરણ જોવા મળે છે.
આ મોસમમાં બાળકોને ખુબ આનંદ આવે છે. તેઓ ગીત ગાય છે અને કહે છે આવ રે વરસાદ મેહુલિયો પરસાદ ઉની ઉની રોટલી અને કારેલાનું શાક.
તન અને મનને આનંદ આપનારી અને સર્વને ધન-ધાન્યથી ભરપુર કરનારી આવી આ સુંદર વર્ષાઋતુ છે.
રતીલાલ વાયડા
નવી મુંબઈ.
૧૫/૬/૨૦૨૨. બુધવાર.