ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો
[11/4, 11:40 AM] Dilip Gajjar.Mahiti.Press: અખબારી યાદી: ૪/૧૧/૨૦૨૫
—————–
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી ખાતે દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ મહોત્સવમાં સહભાગી બન્યા*
૦૦૦૦૦૦૦
*મહોત્સવના દ્વિતીય દિવસે સીમંધર સ્વામી અને દાદા ભગવાનની આરતી ઉતારી સૌના કલ્યાણની કામના કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ*
૦૦૦૦૦૦
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મ જયંતિ મહોત્સવ ઉજવણીમાં સહભાગી થયાહતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રી સત્સંગ-પ્રાથનામાં ઉપસ્થિત રહીને આત્મજ્ઞાનીશ્રી દીપકભાઈએ આપેલ આત્મજ્ઞાનનું પ્રવચન શ્રવણ કર્યું હતુ.
મુખ્યમંત્રીશ્રી તેમજ શ્રી દીપકભાઈએ આ તકે સીમંધર સ્વામી તેમજ દાદા ભગવાનને પુજન અર્ચન, આરતી ઉતારી સૌના કલ્યાણની કામના કરી હતી.
મોરબીમાં આગામી ૦૯ નવેમ્બર સુધી દાદા ભગવાનની ૧૧૮મી જન્મ જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તા.૦૩ નવેમ્બરના રોજ આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ આયોજનના દ્વિતીય દિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં સત્સંગ યોજાયો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે પૂજા, આરતી અને દર્શનનો લ્હાવો લીધો હતો અને સમગ્ર જગતના જીવમાત્રના કલ્યાણની કામના કરીને દરેકને સાચા સુખની પ્રાપ્તિ થાય તે અર્થે પ્રાર્થના કરી હતી.
આ તકે મુખ્યમંત્રીશ્રીએ આત્મજ્ઞાનીશ્રી દીપકભાઈને હાર પહેરાવી તેમના આશીર્વાદ લીધા હતા. શ્રી દીપકભાઈએ મુખ્યમંત્રીશ્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-૬ અર્પણ કર્યું હતું.
આત્મજ્ઞાની શ્રી દીપકભાઈએ આત્મા વગરનાં શરીર, કર્મ, કર્તાની ભાવના, દુનિયાના દુખોથી મુક્તિ, શુધ્ધ આત્મા, માનવ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ, (એઆઈ) ક્ષણે ક્ષણે જાગૃતિની ભાવના કેળવવા સહિત જ્ઞાનની પ્રેરક વાતો આ સત્સંગમાં કરી હતી.
આ વેળાએ શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, મોરબી મહાનગર પાલિકાના કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, અગ્રણીશ્રી જયંતીભાઈ રાજકોટિયા, શ્રી દાદાભગવાનના અનુયાયીઓ તથા મોરબીવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
[11/4, 12:08 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/156ZePTB-sTjNERIFUDFKETTt2Vvgn2F-?usp=drive_link
[11/4, 12:19 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગાંધીનગર સ્પીપા ખાતે*
————-
*‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત-શાસનની આવશ્યકતા’ વિષય પર ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’નું ત્રીજું સત્ર યોજાયું*
———–
*ગુજરાત અન્ય ક્ષેત્રોની જેમ શાસન અને સુધારામાં પણ સમગ્ર દેશમાં અગ્રેસર: નીતિ આયોગના સભ્ય શ્રી રાજીવ ગૌબા*
—–
*નવીનતમ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન રેન્કિંગ્સ અંતર્ગત ‘ફાસ્ટ મૂવિંગ’ શ્રેણીમાં ગુજરાત અગ્રેસર*
—–
સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ અંતર્ગત સ્પીપા દ્વારા ધી સેક્રેટરીએટના સહયોગથી સ્પીપાના ગાંધીનગર કેમ્પસ ખાતે તા. ૦૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના ત્રીજા સત્રનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત-શાસનની આવશ્યકતા’ વિષય પર આયોજીત આ સત્રમાં વિકસિત ભારત@૨૦૪૭ અંતર્ગત અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય વક્તા, નીતિ આયોગના સભ્ય અને ભારત સરકારના પૂર્વ કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબાએ જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી અટલ બિહારી વાજપેયીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ પ્રોજેક્ટ જેવા અનેક મહત્વપૂર્ણ ફેરફાર થકી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. જેને આગળ ધપાવી હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેક પરિવર્તનશીલ સુધારાઓ કર્યા છે. જેમાં GSTની રચના,માળખાગત સુવિધાઓનું વિસ્તરણ અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મહત્વાકાંક્ષી વિઝનનો સમાવેશ થાય છે.
નીતિ આયોગના સભ્ય શ્રી રાજીવ ગૌબાએ કહ્યું હતું કે, વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત પણ મહત્વનો ફાળો આપી રહ્યું છે. ગુજરાત અન્ય ક્ષેત્રોની જેમ શાસન અને સુધારામાં સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. કેન્દ્ર સરકારની પ્રેરણાથી લાંબા ગાળાની વ્યૂહાત્મક વિચારસરણી માટે નીતિ આયોગની જેમ જ સંસ્થાઓ સ્થાપવામાં વિવિધ રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેમાં ગુજરાતે પ્રથમ સ્થાને રહીને ગુજરાત રાજ્ય ઇન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન(GRIT)ની સ્થાપના કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત હંમેશાથી સૌથી પ્રગતિશીલ અને વ્યવસાય-મૈત્રીપૂર્ણ રાજ્ય રહ્યું છે. ભારત સરકારના નવીનતમ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન રેન્કિંગ્સમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય હતું, જે ‘ફાસ્ટ મૂવિંગ’ ની શ્રેણીમાં સ્થાન પામ્યું હતું.
વધુ વિગતો આપતા શ્રી રાજીવ ગૌબાએ જણાવ્યું હતું કે, CAG રિપોર્ટ-૨૦૨૩ અનુસાર ગુજરાતમાં ૧૦૧ જાહેર ક્ષેત્રના ઉપક્રમો(PSU) આવેલા છે. ગુજરાત વિદેશી સીધા રોકાણ(FDI) આકર્ષવામાં રાષ્ટ્રીય સ્તરે ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત ગુજરાત દેશના પ્રથમ વાણિજ્યિક સેમિકન્ડક્ટર અને પ્રથમ ખાનગી ક્ષેત્રની એરક્રાફ્ટ ઉત્પાદન પહેલનું યજમાન પણ રહ્યું છે. આમ, ગુજરાત વ્યવસાય સુધારણાની કાર્યવાહીમાં અન્ય રાજ્યો કરતાં સતત વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે.
નીતિઓ અને રોકાણ વિશે શ્રી ગૌબાએ કહ્યું હતું કે, ગુજરાતે તાજેતરમાં તેની ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર(GCC) નીતિ શરૂ કરી છે. જેનો હેતુ ૨૫૦ નવા GCCs ને આકર્ષવાનો, રૂ. ૧૦ હજાર કરોડનું રોકાણ એકત્ર કરવાનો, મૂડી સબસિડી તથા અન્ય પ્રોત્સાહનો આપીને મોટી સંખ્યામાં કુશળ નોકરીઓનું સર્જન કરવાનો છે. ગુજરાત ભારતના તમામ રાજ્યોમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે, જે તેને પોર્ટ-લેન્ડના વિકાસ માટે અને વિકસિત ભારત ૨૦૪૭ના નિર્માણ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આમ, ગુજરાત દેશના શ્રેષ્ઠ રાજ્યોમાંનું એક રહ્યું છે, જે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યું છે.
આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ શ્રી હારિત શુક્લા, આયોજન સચિવ શ્રીમતી આર્દ્રા અગ્રવાલ, નીતિ આયોગના OSD શ્રી મિહિર વાડેકર, પૂર્વ મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંઘ સહિત સામાન્ય વહીવટ વિભાગ તથા સ્પીપાના અધિકારીશ્રીઓ – કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતિ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’નું સમગ્ર વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનું આ ત્રીજું સત્ર છે.
*પરિચય: શ્રી રાજીવ ગૌબા, IAS (નિવૃત્ત) – સભ્ય, નીતિ આયોગ*
નીતિ આયોગના સભ્ય શ્રી રાજીવ ગૌબા વર્ષ ૧૯૮૨ બેચના ઝારખંડ કેડરના IAS હતા. તેમણે ઓગસ્ટ ૨૦૧૯થી ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન કેન્દ્રીય કેબિનેટ સચિવ તરીકે સેવાઓ આપી હતી. સૌથી લાંબા સમય સુધી કાર્યરત રહેલા કેબિનેટ સચિવ તરીકે, તેમણે સૌથી ઉચ્ચ સ્તરે વ્યૂહાત્મક નેતૃત્વ પૂરું પાડ્યું હતું. દેશમાં COVID-19 મહામારી માટેની તૈયારીમાં તેમજ Ease of Doing Business જેવી વિવિધ મહત્વની પહેલોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કેબિનેટ સચિવ બનતા પહેલાં શ્રી ગૌબાએ ગૃહ સચિવ તરીકે પણ જવાબદારી સંભાળી હતી. વર્ષ ૨૦૦૧થી ૨૦૦૫ દરમિયાન તેમણે વોશિંગ્ટન સ્થિત આંતરરાષ્ટ્રીય નાણાં ફંડ (IMF)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના વરિષ્ઠ સલાહકાર તરીકે સેવાઓ આપી હતી. આ સમયગાળો ભારત-IMF સંબંધો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
—–
જીગર બારોટ
[11/4, 2:59 PM] Dilip Gajjar.Mahiti.Press: *કચ્છનું સ્માર્ટ અને વિકાસશીલ ગામ- ભીમાસર*
—–
*ગામમાં ૧૦૦ ટકા ઘરોમાં શૌચાલય, નળ જોડાણ, ડોર-ટૂ-ડોર વેસ્ટ કલેક્શન, જાહેર પુસ્તકાલય સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ*
—–
• *’સ્વચ્છ ભારત મિશન’ હેઠળ ભીમાસર ગામને ઓપન ડિફિકેશન્સ ફ્રી પ્લસ (ODF +) મોડેલ ગામનો દરજ્જો*
• *સમરસ ગ્રામ પંચાયત, નિર્મલ ગ્રામ, સ્વર્ણિમ ગ્રામ, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, સ્માર્ટ વિલેજ જેવા કુલ ૧૩ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત*
—–
કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં સ્થિત ગુજરાતનું એક સ્માર્ટ અને વિકાસશીલ ગામ એટલે ભીમાસર. આ ગામમાં વસવાટ કરતાં નાગરિકોના દ્રઢ મનોબળ અને વિવિધ સરકારી યોજનાઓની મદદથી તાજેતરમાં ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ ભીમાસર ગામને ઓપન ડિફિકેશન્સ ફ્રી પ્લસ (ODF +) મોડેલ ગામનો દરજ્જો પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત અત્યારસુધીમાં ભીમાસર ગામને સમરસ ગ્રામ પંચાયત એવોર્ડ, નિર્મલ ગ્રામ પુરસ્કાર, સ્વર્ણિમ ગ્રામ પુરસ્કાર, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, મહિલા પાણી સમિતિ એવોર્ડ, સ્વચ્છ ગ્રામ પુરસ્કાર, સ્માર્ટ વિલેજ એવોર્ડ જેવા કુલ ૧૩ પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળ્યા છે. વિશ્વ બેંકના પ્રતિનિધિઓ અને નેપાળના પ્રધાનમંત્રી જેવા મહાનુભાવોએ પણ ભીમાસાર ગામના વિકાસને નિહાળવા રૂબરૂ મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના ગામડાઓ આજે વિકાસના પંથે તેજ ગતિએ આગળ વધી રહ્યા છે, ત્યારે કચ્છના ભીમાસર ગામ સહિત અનેક ગામડાઓએ પણ શહેરો જેવી સુવિધા વિકસાવીને ગ્રામ વિકાસની નવી પરિભાષા ઘડી છે. ભીમાસર ગામના મહિલા સરપંચ શ્રી દઇબેન એચ. હુંબલ કે જેમણે નારીશક્તિના દ્રઢ સંકલ્પ અને મહિલા સશક્તીકરણના શ્રેષ્ઠ ઉદાહરણ થકી ગામને એક આગવી ઓળખ આપવી છે. આ ગામમાં સ્વચ્છ ભારત મિશન અને જલ જીવન મિશન હેઠળ ૧૦૦ ટકા ઘરોમાં શૌચાલય અને નળ જોડાણની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વધુમાં, ગામમાં કચરાના નિકાલ માટે યોજનાબદ્ધ અમલ ઉપરાંત સ્વચ્છતા અંગે જાગૃતિ માટે ભિંત ચિત્રો, નાટકો અને રેલી જેવી પ્રવૃત્તિઓના આયોજન થકી ગામ સંપૂર્ણ સ્વચ્છ રાખવામાં આવે છે.
ભીમાસર ગામના મહિલા સરપંચ અને ગ્રામજનોએ પોતાના ગામને માત્ર સ્વચ્છ જ નહીં, પણ સમૃદ્ધ બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. જેના પરિણામે ગામના દરેક ઘરમાં શૌચાલય, વેસ્ટ નિકાલ માટે આખા ગામમાં ગટર વ્યવસ્થા, ડોર-ટૂ-ડોર વેસ્ટ કલેક્શન, જાહેર પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ, બેન્ક, ગૌશાળા તેમજ પ્રાથમિકથી લઈ માધ્યમિક શાળા સુધીની સુવિધાઓ મળી રહી છે.
આજે ગોલબલ વોર્મિંગ સમગ્ર વિશ્વ માટે એક મોટી સમસ્યા બની છે, ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવીને ગ્રીન કવર વધારવા માટે ગ્રામજનો દ્વારા પરિવાર દીઠ ૧૦ વૃક્ષોનું વાવેતર થકી “ગ્રીન ભીમાસર પ્રોજેક્ટ” અમલમાં મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ગામની ૨૦૦ એકર ગૌચર જમીનમાં “વ્રજ ભૂમિ ફાર્મ” બનાવીને તળાવના પાણીના ઉપયોગથી તેમાં ગાયોને ચરવા માટે ઘાસ ઉગાડવામાં આવ્યું છે. જેનાથી ગામના પશુઓને ઘાસ તો મળે જ છે, પણ ગામના જ લોકોને રોજગારી પણ મળી રહી છે. આ જમીન પર ભવિષ્યમાં દબાણ ન થાય તે માટે ફરતી બાજુ ૧૦ હજાર વૃક્ષોનું વાવેતર કરીને આર.સી.સીના પિલર પણ ઊભા કરવામાં આવ્યા છે. વધુમાં, ગામમાં છેલ્લા ત્રણ વર્ષોમાં જાહેર-ખાનગી ભાગીદારી થકી છ નવા તળાવો બનાવવામાં આવ્યા છે, તેમજ ચાર તળાવોના ઊંડાણનું કાર્ય પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આમ ભીમાસર ગામ માત્ર ગુજરાત માટે જ નહીં, પણ સમગ્ર દેશ માટે એક પ્રેરણાસ્ત્રોત છે, જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત@૨૦૪૭’ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યું છે.
—–
જીગર બારોટ
[11/4, 3:21 PM] Dilip Gajjar.Mahiti.Press: *આઇકોનિક અટલ બ્રિજ: છેલ્લા ત્રણ વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી, ₹27 કરોડથી વધુની આવક*
***
*એપ્રિલ 2025 થી ઓક્ટોબર 2025 દરમિયાન ફક્ત 7 મહિનામાં જ 8.50 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી અટલ બ્રિજની મુલાકાત*
***
*અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો અટલ ફૂટઓવર બ્રિજ*
***
*ગાંધીનગર, 4 નવેમ્બર, 2025:* ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલબ્રિજ આજે અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટ, 2022ના રોજ અટલબ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. SRFDCL (સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ.) દ્વારા આપવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, 31 ઓગસ્ટ, 2022 થી ઓક્ટોબર 2025 સુધીના સમયમાં કુલ 77,71,269 લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹27.70 કરોડથી વધુની આવક પણ થઇ છે, જે અમદાવાદના ટુરિઝમ ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ગુજરાતનું સૌથી અદ્યતન શહેર છે, જે આધુનિકીકરણ સાથે જૂના વારસાને પણ સાચવીને બેઠું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદ શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓને એક અભૂતપૂર્વ અનુભવ પ્રદાન કરવા માટે વિવિધ પ્રવાસન આકર્ષણોનો વિકાસ કરવામાં આવ્યો છે. ગાંધી આશ્રમ, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ, વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ શહેરની જૂની પોળ સંસ્કૃતિ, અમદાવાદ હેરિટેજ વૉક વગેરે પ્રવાસન આકર્ષણોની મુલાકાત લેવા લાખો પ્રવાસીઓ અમદાવાદ આવે છે. તેમાં પણ અટલ ફૂટઓવર બ્રિજ આધુનિક આર્કિટેક્ચર, ગુજરાતી સંસ્કૃતિ અને નગરસૌંદર્યનું જીવંત પ્રતીક છે.
*અટલ બ્રિજની મુલાકાત લેનાર પ્રવાસીઓની વર્ષવાર આંકડાકીય વિગત*
SRFDCL (સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ) એ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (AMC)ની કંપની છે, અને અટલ બ્રિજનું બાંધકામ આ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. SRFDCL દ્વારા આપવામાં આવેલા વર્ષવાર આંકડાઓની વિગતવાર વાત કરીએ તો, 31 ઓગસ્ટ 2022 થી માર્ચ 2023 દરમિયાન 21.62 લાખ પ્રવાસીઓએ અટલ બ્રિજની મુલાકાત લીધી હતી, જેનાથી ₹6.44 કરોડ આવક થઇ હતી. એપ્રિલ 2023 થી માર્ચ 2024 દરમિયાન 26.89 લાખ મુલાકાતીઓ થકી ₹8.24 કરોડની તેમજ એપ્રિલ 2024 થી માર્ચ 2025 દરમિયાન 20.67 લાખ મુલાકાતીઓ થકી ₹8.19 કરોડની આવક થઇ હતી. એપ્રિલ 2025 થી ઑક્ટોબર 2025 સુધીમાં 8.51 લાખ મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત લઈ ચૂક્યા છે, જેનાથી અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનને ₹4.82 કરોડની આવક થઇ છે.
આ આઈકોનિક અટલ બ્રિજ અંદાજે ₹74 કરોડનો ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. અત્યારસુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અટલ બ્રિજ થકી ₹27.70 કરોડની આવક થઇ ચૂકી છે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અટલબ્રિજ પાછળ કરેલા કુલ ખર્ચના 37 ટકાથી વધુ રકમ વસૂલ થઈ ગઈ છે.
*X-X-X*
[11/4, 5:16 PM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી પ્રભાવિત જિલ્લાઓની ગઇકાલે જાત મુલાકાત લઈને અસર ગ્રસ્ત ગામોના ખેડૂતો પાસેથી સ્થિતિની વિસ્તૃત જાણકારી મેળવી હતી.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરતની અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગરની તેમની મુલાકાત દરમિયાન ખેડૂતોના પાકની નુકસાની અંગેની વિગતો મેળવી હતી.
આ પ્રત્યક્ષ મુલાકાતોને પગલે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા, મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, અધિક મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.અંજુ શર્મા, નાણાં વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રી ટી. નટરાજન, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
———-
[11/4, 6:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *સ્પાયવેર તમારા ફોન કે ડિવાઇસમાં છૂપાયેલો એક ડિજિટલ જાસૂસ*
*********
*સ્પાયવેર એક પ્રકારનો સોફ્ટવેર પ્રોગ્રામ છે, જે સોફ્ટવેર હેકર્સ દ્વારા કમ્પ્યુટરમાંથી પર્સનલ ડેટા ચોરી કરવા માટે બનાવવામાં આવે છે*
*********
*માલવેર તમારી પ્રાઈવેટ ફાઇલોને ઍક્સેસ કરી શકે છે અને તેને અન્ય ડિવાઇસમાં ટ્રાન્સફર કરી શકે છે, તમારી માહિતી, ફોટા, વીડિયો, બેંક એકાઉન્ટની માહિતીની ચોરી કરી શકે છે*
*********
માહિતી બ્યુરો બોટાદ
સ્પાયવેર એક પ્રકારનો સોફ્ટવેર પ્રોગ્રામ છે, જે તમારા કમ્પ્યુટર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ સોફ્ટવેર હેકર્સ દ્વારા કમ્પ્યુટરમાંથી પર્સનલ ડેટા ચોરી કરવા માટે બનાવવામાં આવેલો પ્રોગ્રામ છે. હેકર્સની ભાષામાં માલવેર શબ્દનો ઉપયોગ વાયરસ, સ્પાયવેર અને વોર્મ વગેરે માટે થાય છે. આ ત્રણેય વાયરસના સ્વરૂપો છે.
સ્પાયવેર તમારી પ્રાઈવેટ ફાઇલોને ઍક્સેસ કરી શકે છે અને તેને અન્ય ડિવાઇસમાં પર ટ્રાન્સફર કરી શકે છે. આના દ્વારા હેકર્સ તમારી માહિતી, ફોટા, વીડિયો, બેંક એકાઉન્ટની માહિતીની ચોરી કરી શકે છે.
સ્પાયવેર એટેકના કારણોની વાત કરીએ તો કમ્પ્યુટર પર સ્પાયવેર એટેક થવાનાં ઘણાં કારણો છે. આનું સૌથી મોટું કારણ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવું છે. તમે જેટલું વધુ ડાઉનલોડ કરશો, તેટલું જ સ્પાયવેરનું જોખમ વધારે છે. સ્પાયવેર વાયરસ આપણે ઇન્ટરનેટ પરથી લઈએ છીએ તે ફાઈલો, ફોટો, વીડિયો અથવા ગીતો દ્વારા સરળતાથી આપણા ડિવાઇસ સુધી પહોંચે છે.
ઘણી વખત કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલાં રીમૂવેબલ ડિવાઇસ પણ સ્પાયવેરનું કારણ બની જાય છે. જો તમે તમારી સિસ્ટમમાં પેન ડ્રાઇવ અથવા મેમરી કાર્ડ લગાવો છો જેમાં પહેલાથી જ વાયરસ છે, તો તે તમારી સિસ્ટમ સુધી પહોંચી જાય છે જે ખતરનાક સાબિત થઈ શકે છે.
સ્પાયવેર વાયરસ જો તમારા ડિવાઇસમાં હોય તો તેના લક્ષણો પણ તમને નજર આવશે જેમ કે જો તમારા ફોનની બેટરી અસામાન્ય રીતે ઝડપથી ખતમ થવા લાગી હોય, તો તે સ્પાયવેર હોવાનો સંકેત બની શકે છે. કારણ કે આવા સોફ્ટવેર ફોનના એવા ફિચર્સનો સતત ઉપયોગ કરે છે, જેનાં કારણે બેટરી વધુ ઝડપથી ખતમ થાય છે.
સ્પાયવેર માત્ર બેટરી જ નહીં, પણ ફોનનો ઇન્ટરનેટ ડેટા પણ વાપરે છે. જો તમે ધ્યાન આપો કે તમારો મોબાઇલ ડેટા અચાનક વધુ ઝડપથી ખતમ થવા લાગ્યો છે, તો સાવચેત રહેવું જરૂરી છે.
જો તમે કોઈ એપ કે ફિચર્સનો ઉપયોગ ન કરી રહ્યાં હોવ છતાં તમારા ફોનમાં માઇક, સ્પીકર અથવા રેકોર્ડિંગ દેખાવા લાગે, તો તે સ્પાયવેર હોવાનો એક મોટો સંકેત બની શકે છે.
સાયબર ગુનેગારો સ્પાયવેરની મદદથી તમારી ખાનગી માહિતી ચોરી શકે છે અને પછી તે માહિતી લીક કરવાની ધમકી આપી પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કરી શકે છે. ખાસ કરીને, જો તમે ઈ-બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરો છો, તો તેઓ તમારા બેંક ખાતા સાથે સાયબર છેતરપિંડી પણ કરી શકે છે.
સ્પાયવેર સામે રક્ષણ આપવાની રીતોની વાત કરીએ તો, ફક્ત વિશ્વસનીય વેબસાઇટ્સ પરથી ગીતો અથવા ફોટો વગેરે ડાઉનલોડ કરવા જોઈએ. તમારે આ માટે કેટલાક પૈસા ચૂકવવા પડી શકે છે, પરંતુ તે તમારી સિસ્ટમ માટે સારું રહેશે. જો તમારી સિસ્ટમમાં એન્ટી-સ્પાયવેર અથવા એન્ટી-વાયરસ નથી, તો તેને તરત જ ઇન્સ્ટોલ કરો. સમયાંતરે તમારી સિસ્ટમના એન્ટી-વાયરસને અપડેટ કરતાં રહો. તે પણ બતાવશે કે એન્ટી વાયરસ યોગ્ય રીતે કામ કરી રહ્યો છે કે નહીં. પાસવર્ડ સાથે તમારા મહત્વપૂર્ણ ડેટાને સુરક્ષિત કરો, જેથી તે સરળતાથી ચોરી અથવા હેક ન થઈ શકે. તમે જે પાસવર્ડ સેટ કર્યો છે તે અંકો અને અક્ષરો બંનેનો ઉપયોગ કરવો જોઈએ. તમારા પીસીમાં ફાયરવોલ ઇન્સ્ટોલ કરો. ફાયરવોલ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ વચ્ચે સુરક્ષા દિવાલની જેમ કાર્ય કરે છે. તેને હંમેશા ચાલું રાખવું જોઈએ. અજાણી લીંક કે ફાઈલો ડાઉનલોડ ન કરવી જોઈએ.
માહિતી સંકલન :- રાજેશ કુમાર ભીંડી
*******************************
[11/3, 6:23 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર જિલ્લાના લોકોને સમયસર અને પૂરતું રાશન મળી રહે તે માટે કલેકટર શ્રી મેહુલ દવેએ સસ્તા અનાજના દુકાનદારો સાથે બેઠક યોજી*
૦૦૦૦૦૦૦
*જનતા જનાર્દનના હિતને ધ્યાને રાખી વાજબી ભાવના દુકાનદારોને તાત્કાલિક ધોરણે રાશનના જથ્થા અંગે ચલણ સંબંધિત કામગીરી કરવા તથા નાણાંની ભરપાઈ કરવા કલેકટરશ્રીનો અનુરોધ*
૦૦૦૦૦
ગાંધીનગર તા.૦૩ નવેમ્બર – વાજબી ભાવની દુકાનના એસોસિએશન દ્વારા અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગને વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેમાંથી વિભાગ દ્વારા ૨૦ માંગણીઓમાંથી ૧૧ માંગણીઓને માન્ય રાખવામાં આવી છે. આ અંગે ગાંધીનગર જિલ્લાના દુકાનદારો સાથે વાટાઘાટ કરવા કલેક્ટરશ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં આજરોજ ગાંધીનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો સાથે બેઠક યોજવામાં આવી હતી.
કલેક્ટરશ્રી મેહુલ દવેએ બેઠકમાં દુકાનદારો સાથે વાર્તાલાપ કરી, આગામી દિવસોમાં જનતા જનાર્દનને સમયસર અનાજ પહોંચે તે માટે અનાજ ઉપાડ માટેના ચલણની પ્રક્રિયા કરવા અનુરોધ કર્યો હતો. આ સાથે બેઠકમાં દુકાનદારોએ કમિશનની ચૂકવણી, બાયોમેટ્રિક સ્કેનિંગ, દુકાનોમાં વારસાઈ બાબતે રજૂઆતો કરી હતી. જે અંગે કલેક્ટરશ્રીએ તમામ મુદ્દાઓ પ્રત્યે સકારાત્મક અભિગમ દાખવી વહીવટી તંત્ર દ્વારા જરૂરી બાબતો અંગે વહેલી તકે કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રારંભ કરવામાં આવેલી NFSA લાભાર્થીઓને અન્ન પહોંચાડવાની યોજનાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધુ સઘન બનાવી લાભાર્થીઓ તેમજ સસ્તા અનાજનાં દુકાનદારોના હિતાર્થે ઘણાં પગલાં લેવામાં આવેલા છે ત્યારે લોકહિત અને સાંપ્રત પરિસ્થિતિ ધ્યાને લઈ NFSA હેઠળ નોંધાયેલ ૩.૫ કરોડ જેટલા લાભાર્થીનાં હિતને ધ્યાને રાખી બાકી રહેલા વાજબી ભાવની દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ અંગે ચલણ સંબંધિત કામગીરી કરવા તથા નાણાંની ભરપાઈ કરવા કલેક્ટરશ્રીએ આગ્રહભર્યો અનુરોધ કર્યો હતો.
બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રિદ્ધિ શુક્લ, મામલતદારશ્રીઓ અને સસ્તા અનાજના દુકાનદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[11/3, 6:29 PM] Neha Talaviya.Mahiti: *‘ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા’*
……….
*મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશ હેઠળ માહિતી અને પ્રસારણ વિભાગ તથા ગુજરાત રેડક્રૉસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત ભરમાં મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું સતત બીજા વર્ષે આયોજન*
…..
*ગાંધીનગર જિલ્લામાં તા. ૩- નવેમ્બરના રોજ સરકીટ હાઉસ ખાતે 58 જેટલા મીડિયા કર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું*
…..
ગુજરાતના પત્રકારોનું સ્વાસ્થ્ય નિરંતર જળવાઈ રહે, તે માટે ગુજરાત સરકારના દિશા નિર્દેશમાં માહિતી અને પ્રસારણ વિભાગ તેમજ ગુજરાત રેડક્રૉસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં પત્રકારો/મીડિયા કર્મીઓ માટે ‘ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા’ અભિયાન,સતત બીજા વર્ષે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે તા.૦૩ નવેમ્બરના રોજ જિલ્લાના મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં મીડિયા કર્મીઓના બ્લડ ટેસ્ટ, એક્સ-રે અને ઇસીજી ઉપરાંત વિટામિન D, વિટામિન B12, કોલેસ્ટ્રૉલ, થાઇરૉઇડ અને ડાયાબિટીસ સહિતના વિવિધ ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે,સતત બીજા વર્ષે મીડિયા કર્મીઓ માટે યોજાનાર હેલ્થ ચેકઅપ શિબિરમાં “ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા” અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કુલ 58 મીડિયાકર્મીઓએ આ સેવાનો લાભ મેળવ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગાંધીનગર જિલ્લા શાખાના સેક્રેટરી કુંતલ નિમાવતના સંચાલનમાં ચેરમેન જીલુભા ધાંધલ તથા કારોબારી સભ્યો અશ્વિનભાઈ દવે, ભાગ્યેશ લિંબાચીયા, મગનલાલ ડાભી તથા શંભુભાઈ પટેલે કેમ્પને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે.તથા આ કાર્યક્રમમાં સંયુક્ત માહિતી નિયામક શ્રી જયેશ દવે,જિલ્લા માહિતી કચેરી ગાંધીનગરના નાયબ માહિતી નિયામક શ્રી પારૂલ મણિયાર સહિત સમગ્ર સ્ટાફ મેમ્બર્સ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
….
*નેહા તલાવિયા*
[11/3, 6:37 PM] Neha Talaviya.Mahiti: *મુશ્કેલ પરિસ્થિતિમાં જગતના તાતનો સથવારો બનતી રાજ્ય સરકાર*
……
*ગાંધીનગર જિલ્લાના તમામ અસરગ્રસ્ત ગામોમાં સર્વેની કામગીરી થકી ખેડૂતોને રાહતનો શ્વાસ*
………
*સરકારની સંવેદનશીલતા અને તંત્રની કામગીરી પરત્વે આભાર વ્યક્ત કરતા ગાંધીનગર જિલ્લાના ધરતીપૂત્રો*
…….
*મને સરકાર પર પૂરો ભરસો છે કે અમને પૂરેપૂરું વળતર મળશે : અશોકભાઈ પટેલ*
…………
*”ફુલ નહીંતો ફુલની પાંખડી સ્વરુપે સરકાર જે મદદ કરશે તેનાથી ફરી હિંમતભેર ઉભા થઇ ખેતર ખેડીશું- સતીષભાઈ ગોવર્ધનભાઈ પટેલ*
……..
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કૃષિ પાકને થયેલા વ્યાપક નુકસાનની સ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાત્કાલિક સર્વે અને પંચ રોજકામ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સ્થિતિમાં ગાંધીનગર જિલ્લામાં અસરગ્રસ્ત ગામોમાં મગફળી,શાકભાજી,કપાસ, ડાંગર વગેરેની ખેતીને નુકસાની થઈ છે.
ખેતીવાડી વિભાગના કર્મચારીશ્રીઓની ટીમ નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરવા માટે કાળજીપૂર્વક કામગીરી કરી રહી છે. ત્યારે સર્વે માટેની ટીમો સતત ગ્રામ્ય કક્ષાએ ફિલ્ડ મુલાકાતને કારણે ખેડૂતોને સરકાર પ્રત્યે વિશ્વાસ વધવા સાથે રાહતનો શ્વાસ લીધો છે.
સર્વેની ઝડપી કાર્યવાહી શરૂ થઈ છે,ત્યારે જિલ્લામાં હાલ કરવામાં આવી રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ખેડૂત અશોકભાઈ મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, “મારે ૧૫ વીઘામાં મગફળીનો પાક નિષ્ફળ થયો છે, સરકારશ્રી પાસેથી તુરંત સહાયની ખાતરી મળતા અમારી ચિંતા હળવી થઈ છે.”
સાથોસાથ નાંદોલના બીજા એક ધરતીપુત્ર સતીષભાઈ ગોવર્ધનભાઈ પટેલે જણાવ્યું હતું કે , “છેલ્લા અઠવાડિયામાં સતત વરસાદથી અમારે મગફળીનો બધોજ પાક પડી ભાંગ્યો છે, પણ અમને સરકાર પર પૂરો ભરસો છે કે, અમને ફુલ નહીંતો ફુલની પાંખડી સ્વરુપે સરકાર જે મદદ કરશે તેનાથી ફરી હિંમતભેર ઉભા થઇ ખેતર ખેડીશું.”
કમોસમી વરસાદ બાદ સર્જાયેલી આ કપરી સ્થિતિમાં રાજ્ય સરકાર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના માર્ગદર્શનમાં ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પડખે જિલ્લા કલેકટરશ્રીના દિશાનિર્દેશમાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.
…….
*નેહા તલાવિયા*
[11/4, 1:16 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: 🩸*અત્યંત અગત્યનું*🩸
સર્વે મીડિયાના મિત્રોને આજ્ઞાનુસાર વિનંતી છે કે, હાલ એક્રેડિટેશન કાર્ડની રીન્યુઅલ માટે અરજી કરવાની કામગીરી ચાલી રહી છે, જે સમય મર્યાદામાં પૂર્ણ કરવાની છે. આપ સૌ પત્રકાર મિત્રો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2025 છે.
આપ સૌ પત્રકાર મિત્રો દ્વારા સમયસર https://mediaaccreditation.gujarat.gov.in/ પોર્ટલ પર વર્ષ ૨૦૨૬ માટેના એક્રેડિટેશન કાર્ડના રીન્યુઅલ માટે વહેલીમાં વહેલી તકે સમય મર્યાદામાં પોતાની અરજી કરી દેવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે. સહકારની અપેક્ષા સહ👏
[11/4, 8:00 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૧૩,૮૯, ૭૧૨ મતદારોને ગણતરી ફોર્મ(Enumaration Form)ના વિતરણનો પ્રારંભ*
૦૦૦૦૦૦૦૦૦
*Enumeration Form ભરવા બી.એલ.ઓ.ને સહયોગ કરવા કલેકટરશ્રી મેહુલ દવે દ્વારા ગાંધીનગર જિલ્લાના નાગરિકોને અનુરોધ*
૦૦૦૦૦૦૦૦૦
*મતદાર રજીસ્ટ્રેશન સંબંધિત માહિતી/માર્ગદર્શન માટે ૧૯૫૦ હેલ્પલાઈન પર અથવા બી.એલ.ઓ.નો સંપર્ક કરી શકશે*
૦૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૦૩ નવેમ્બર- ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026)જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ૦૫ વિધાનસભા મતવિસ્તાર ૩૪-દહેગામ, ૩૫-ગાંધીનગર દક્ષિણ, ૩૬-ગાંધીનગર ઉત્તર, ૩૭-માણસા અને ૩૮-કલોલમાં Enumarationના તબકકામાં કુલ ૧૩૩૩ મતદાન મથકોના બી.એલ.ઓએ આજ રોજ તા.૪/૧૧/૨૦૨૫(મંગળવાર) થી ફોર્મ વિતરણની કામગીરીનો શુભારંભ કર્યો છે.
ગાંધીનગર જિલ્લામાં બી.એલ.ઓ દ્વારા ૪/૧૨/૨૦૨૫(ગુરુવાર) સુધી હાઉસ ટુ હાઉસ મુલાકાત કરીને કુલ ૧૩,૮૯, ૭૧૨ મતદારોને Enumeration Form (ગણતરી ફોર્મ-એન્યુમેરેશન ફોર્મ) આપવામાં આવશે. આ સુધારણા કાર્યક્રમમાં લોકો મતદારયાદીમાં પોતાનું નામ તથા ૨૦૦૨ ની મતદારયાદી https://voters.eci.gov.in/ પરથી ચકાસી શકાશે.
મતદાર રજીસ્ટ્રેશન સંબંધિત કોઈ પણ માહિતી/માર્ગદર્શન માટે ૧૯૫૦ હેલ્પલાઈન પર અથવા બી.એલ.ઓ.નો સંપર્ક કરી શકશે. આ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના નાગરિકોને Enumeration Form ભરવા બુથ લેવલ ઓફિસરોને સહયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી મેહુલ દવે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[11/4, 9:55 PM] Neha Talaviya.Mahiti: *ખાસ સઘન સુધારણાની કામગીરીમાં નાગરિકોને સંપૂર્ણ સહયોગ આપવા અનુરોધ કરતાં કલેકટરશ્રી ગાંધીનગર*
…..
ખરી મતદાર યાદી લોકશાહીને મજબૂત બનાવે.જેની છેલ્લી SIR પ્રક્રિયા 21 વર્ષ પહેલા વર્ષ 2002-2004માં કરવામાં આવી હતી, ત્યારે ગાંધીનગર જિલ્લામાં પાંચ વિધાનસભા મતવિસ્તારમાં તા.૦૪, નવેમ્બરથી માંડી તા.૦૪, ડિસેમ્બર સુધી ખાસ સઘન સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત તમામ નાગરિકો આ કામગીરીમાં સંપૂર્ણ સહયોગ આપે તે માટે કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
########################






આપની આસપાસ બનતી કોઈપણ ઘટનાઓના સમાચાર વિડિયો અને ફોટાઓ અમોને અમારા અખબારી માધ્યમ અને ચેનલમાં જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો અને કોઈને પણ વાંધાજનક કંઈ પણ આ સમાચારો વીડિયો અને ફોટામાં લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે
