કોઠાર બારી ફળિયામાં સંતાડેલા ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો
કપરાડા તાલુકો : અજીત પટેલ)
કપરાડા તાલુકામાં લાકડાચોરોમાં ચાલી રહેલી હરીફાઈના કારણે વનવિભાગને લાભ થઈ રહ્યો છે, છોલેલા ખેરના લાકડાને કાપીને સંતાડેલા જથ્થા અંગે અજાણ્યા ઈસમો પાસેથી બાતમી મળી જતી હોવાના કારણે છેલ્લા થોડા દિવસોમાં બીજી વખત વન વિભાગે જંગલમાં એકાંત વિસ્તારોમાં સંતાડેલા ખેરના લાકડાંનો જથ્થો પકડી પાડ્યો.
નાનાપોઢા વન વિભાગની ટીમે કોઠાર બારી ફળિયામાં એકાંત અને જંગલ વિસ્તારમાં તૈયાર કરેલા ખેરના લાકડાનો વિપુલ જથ્થો પ્લાસ્ટિકની આડમાં સંતાડીને રાખી હોવાની મળેલી બાતમીના આધારે આર.એફ.ઓ. અજીતસિંહ રાઠોડ અને તેના સ્ટાફ સહિતના કર્મચારીઓએ બાતમી વાળી જગ્યાએ છાપો મારતા તે ઠેકાણે આવેલા ખેતરમાંથી ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો, વનકર્મીઓ લાકડાનો જથ્થો ટેમ્પામાં ભરીને નાનાપોઢા રેંજ કચેરીમાં જમાં કરાવ્યો હતો, જોકે પકડાયેલ ખેરના લાકડાનો જથ્થો કોણે રાખ્યો હતો અને કોણે કપાવ્યો હતો તે અંગેની તપાસ નાનાપોઢા રેંજ ફોરેસ્ટ વિભાગે હાથ ધરી છે.