માહીતી ખાતાની મારી સરકારી સેવાના ૨૪ વર્ષ પૂર્ણતાની સાથે સાથે જીંદગીના અમૂલ્ય ૫૩ વર્ષની યાત્રા…
¤ શીખવાની તમન્ના સાથે અનેક ચઢાવ ઉતાર વચ્ચે નિષ્ઠાથી કામ કરવાની ઈચ્છાશકિતને પરિણામે મારી આ સફર અવિસ્મરણીય બની રહી છે
¤ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગના કારણે માહિતીખાતાની કામગીરી વધુ સરળ, સરસ અને ઝડપી બની છે : અમે એ દિવસો પણ જોયા છે કે અખબારની ઓફિસ પર રૂબરૂ તથા ફેકસ દ્વારા પ્રેસનોટની ડિલીવરી કરાવી છે
¤ પરિવાર સહિત સાથી અધિકારી મિત્રોનો પ્રેમ, સહયોગ અને માર્ગદર્શન, તથા મીડિયા કર્મીઓના અવિરત સહયોગને પરિણામે મળી સફળતા
¤ મારી આ સફળતાનો સંપૂર્ણ શ્રેય મારા ભાઈ-ભાભી, મારી નેહા અને સમગ્ર પરિવારને : મને સાચા અર્થમાં ભાઈ તરીકે રામ મળ્યા છે
******
સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદ ખાતેથી સરકારી સેવામાં માહિતીખાતા માં મારી કારકિર્દી ની શરૂઆત તા.૧-૧- ૨૦૦૦ થી થઈ હતી.કર્મભૂમિ નડિયાદ કચેરીથી શરૂ થયેલી મારી આ સફરને આજે ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે. સરદાર સાહેબની જન્મભૂમિ એવી ખમીરવંતી ખેડાની ધરતીનું પાણી તેમજ લોખંડી સંસ્કારના પરિણામે આજે હું લોખંડી જજબા સાથે અણનમ યોધ્ધાની જેમ કાર્યરત છું.ખાતાના મારા સીનીયર અધિકારીઓના માર્ગદર્શન અને સહયોગના પરિણામે મેં કરેલી કામગીરી થકી ખૂબજ નામના મળી છે.મારી આ સફર દરમિયાન મીડિયાના મિત્રોનો પણ અદભૂત પ્રેમ અને સહયોગ મળ્યો છે અને મળી રહ્યો છે.શીખવાની તમન્ના સાથે અનેક ચઢાવ ઉતાર વચ્ચે નિષ્ઠાથી કામ કરવાની ઈચ્છાશકિતને પરિણામે મારી આ સફર અવિસ્મરણીય બની રહી છે.
વર્ગ-૩થી શરૂ થયેલી મારી આ સફરમાં મને બે પ્રમોશન પણ મળ્યા છે અને હાલ હું ગાંધીનગર ખાતે ન્યૂઝ એન્ડ મીડિયા રીલેશન શાખામાં સહાયક માહિતી નિયામક(વર્ગ-૨)તરીકે કાર્યરત છું અને હજું વર્ષ ૨૦૨૯ સુધી મને આ સરકારી સેવાનો લાભ મળનાર છે.
માહીતીખાતા એ પણ પ્રવર્તમાન યુગ સાથે કદમ મિલાવીને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કર્યો છે જેના પરિણામે અમારી કામગીરી વધુ સરસ, સરળ અને ઝડપી બની છે. અમે એ દિવસો પણ જોયા છે કે પ્રેસનોટની ફેકસ અને અખબારની કચેરી ઉપર રૂબરૂ જઈને પ્રેસનોટના ફોલ્ડની ડીલીવરી કરાવી છે. આજે એ કામ આંગળીના ટેરવે એક જ સેકન્ડમાં વોટસએપ અને ઈ મેઈલ દ્વારા સીધુ જ મિડીયાના મિત્રોને એમના મોબાઈલ પર હાથાથ મળી જાય છે.
પહેલા કોઈપણ કવરેજ કરવા જઈએ તો કાર્યક્રમ પતે પછી ત્યાં બેસીને કે કચેરી આવીને પ્રેસનોટ લખીએ એ ટાઈપ રાઈટર પર કંમ્પોઝ થાય એનુ ટેન્સીલ નીકળે વાંચીએ પછી એમાં સુધારા કરીએ પછી એને ફેકસ પર મેમરી કરીને ડીલીવરી થાય સાથે સાથે દિવસ દરમિયાન જેટલી પ્રેસનોટ તૈયાર કરી હોય એ તમામની 100થી વધુ કોપી નીકળે અને અમદાવાદ તથા ગાંધીનગર માં મિડીયાના મિત્રોને ઑફિસ જઈને રૂબરૂ ડિલીવરી કરાવતા.આજે કૉમપ્યુટર અને એન્ડ્રોઈડ મોબાઈલ ફોન આવતા આ કામગીરી એટલી સરળ બની ગઈ છે કે અમારી નવી પેઢી તો ચાલુ કાર્યક્રમમાંજ મોટે ભાગે ત્યાં ને ત્યાં જ પ્રેસનોટ ટાઈપ કરી ને મોકલી દે છે કે સર જરા જોઈ લે જો અને પછી ઓ કે હોય એટલે તરતજ વોટસએપ ગ્રુપમાં મિડીયા ને મોકલી દઈએ છીએ ત્યારે મિડીયાના મિત્રો પણ આજે કહે છે કે માહીતીખાતાની સેવાઓ અદ્યતન અને બહુંજ ઝડપી બની છે. ધણીવાર એ મિત્રો કહે કે અમે લોકો પ્રેસ પર પહોચીએ તે પહેલાં તો મોબાઈલમાં પ્રેસનોટ ફોટા બધુજ સમયસર મળી જાય છે.
મારી સરકારી સેવાના આ ચોવીસ વર્ષની સફરમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી, શ્રીમતી આનંદીબેન પટેલ, શ્રી વિજયભાઈ રૂપાણી, શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તેમજ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ સાથે તો મને સતત પંદર વર્ષ સુધી પ્રચાર પ્રસાર સહિત સમાચાર લક્ષી કામગીરી કરવાનો અવસર મળ્યો જે મારા માટે ગૌરવરૂપ છે.
આ ઉપરાંત તત્કાલીન મંત્રીમંડળના સભ્યો સર્વ શ્રી નરોત્તમભાઈ પટેલ,શ્રી દિલીપ સંધાણી,શ્રી પ્રદિપસિંહ જાડેજા, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,શ્રી સૌરભ ભાઈ પટેલ, શ્રી આર.સી.ફળદુ, શ્રી કૌશિક ભાઈ પટેલ, શ્રી રાઘવજીભાઈ પટેલ,શ્રી પૂર્ણેશભાઈ મોદી,શ્રી જીતુ ભાઈ વાઘાણી, શ્રી હર્ષ સંઘવી, શ્રી ઋષિકેશ ભાઈ પટેલ,શ્રીમતી મનિષા વકીલ, શ્રીમતી નિમિષાબેન સુથાર, શ્રી જગદીશ વિશ્વકર્મા સહિત અન્ય મંત્રી મંડળના સભ્યોના કાર્યક્રમો,બેઠકો, પત્રકાર પરિષદો, ગુજરાત વિધાનસભા ના સત્રો,રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કાર્યક્રમોના સમાચાર કવરેજની કામગીરી અને મિડીયા સંકલનની કામગીરી એ મને ખૂબજ નામના અપાવી છે એ બદલ હું આજીવન ખાતાનો ઋણી રહીશ.
હવે મારા જીવનની વાત કરૂ તો અમારા પરિવારમાં અમે બે ભાઈ અને એક બહેન હું વચોટ બેન મારાથી નાની મોટાભાઈ એ સાયન્સ લીધું તો મેં પણ સાયન્સ લીધું એનો બારમા ધોરણમાં ગાંધીનગર જિલ્લામાં બીજો નંબર આવ્યો હતો એટલે એને બી.જે.મેડીકલ કોલેજમાં પ્રવેશ મળ્યો હતો.ભાઈ ભણવા અમદાવાદ જતો એટલે પપ્પા પાસે મેં પણ જીદ કરી કે મારે પણ કોલેજ તો અમદાવાદજ કરવી છે એટલે પપ્પા એ અને ભાઈ એ કિધુ સારૂ કરો. ધોરણ-૧૨ ૧૯૮૮માં પાસ કર્યા પછી બી.એસ.સી માં સી.યુ.શાહ સાયન્સ કોલેજમાં ૧૯૮૯માં પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધો અને કોલેજ લાઈફ શરૂ થઈ.
નવું નવું અમદાવાદ જોયું હતું અને ગાંધીનગરથી અમદાવાદ અપડાઉન ડબલડેકર માં ફરવાની મજા તેમજ મિત્રો પણ એવા મલ્યા કે આખું વર્ષ ફરવા-રખડવા મોજ મસ્તી માં ગયું અને પ્રથમ વર્ષમાં નાપાસ થયો ને મે ધરે કીઘું કે હવે નથી ભણવું ખાનગી નોકરી કરીશ ત્યારે હીરા ઉદ્યોગ નવો નવો હતો મેં ગાંધીન ગર જી.આઈ. ડી.સીમાં નોકરીની ગોઠવણ પણ કરી દીધી હતી પપ્પાને તો સીધુ કહેવાય નહી એટલે મમ્મીને કીધું આ બધું ત્યારે પપ્પા એ મને ખૂબ માર્યો અને કીધું ભણવું તો પડશેજ ભાઈ ચાલશે જ નહીં અને તરતજ તેમણે ફરીથી ગાંધીનગર સરકારી સાયન્સ કોલેજમાં બી.એસ.સીના પ્રથમ વર્ષમાં પ્રવેશ અપાવી દીધો પપ્પાના એ મારે મારી જીંદગી બદલી નાખી.આજના યુગમાં આપણે આપણા ટેણીયાઓને ટચ કરતા પહેલા વિચારવુ પડે એમ છે.બી.એસ.સી બોટની ફર્સ્ટકલાસ સાથે વર્ષ ૧૯૯૩માં પાસ કર્યુ.ત્યાર બાદ પી.જી માટે તો ફરીથી અમદાવાદ જ આવવું પડ્યું ત્યારે તો આટલી બધી કોલેજો પણ નહોતી એમ.એસ.સી માટે એમ.જી.સાયન્સમાં એડમીશન લીધું પણ એમ.એસ.સીના બે વર્ષમાં પણ 55 ટકા ના આવ્યા એટલે પ્રોફેસર માટેના દ્વાર બંધ થઈ ગયા.
ત્યાર બાદ ગજરાત યુનિ.માં મે પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમા ફોરેસ્ટ્રીનો એક વર્ષનો કોર્ષ જોઈન્ટ કર્યો પરંતું સાથે સાથે બી.એડ માટે પણ એપ્લાય કર્યું હતું એટલે મને છેલ્લા રાઉન્ડમાં રીસફલીંગમાં લગભગ સપ્ટેમ્બર માસમાં વાસણા બી.એડ.કોલેજમાં એડમીશન મલ્યું તો પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમા ફોરેસ્ટ્રીની સફર અડધી મૂકી બી.એડ. વર્ષ૧૯૯૬માં પાસ કર્યું અને બી.એડમાં પણ ફર્સ્ટકલાસ સાથે પાસ થયો.પાછું મિત્રોનું કહેવું હતું કે,માસ્તર કરતા પ્રોફેસરનો પગાર વધુ હોય એટલે બધા મિત્રોએ એમ.એડ. કરવાનું નક્કી કર્યું અને ગુજરાત યુનિ વર્સીટી ભવન માં બે વર્ષ એમ. એડ. કર્યું.નસીબ એટલું કાઠું હતું કે એમ. એડ માં પણ 55 ટકા ના આવ્યા એટલે પાછું પ્રોફેસરનું સપનું રોળાયું શું કરવું કંઈ સમજાતું નહોતું, ત્યારે તો ઈન્ટરનેટનો જમાનો નહી ગુગલ ગુરૂ પણ નહી કે ગાઈડ કરે મિત્રો, કોલેજના પ્રોફોસરો ને પૂછી પૂછી ને ભણવાનું અને આગળ વધવાનું યુનિ.માં ભણતા ત્યારે રીસેસના સમયે બધાજ ભવનોમાં રખડતા હતા અને માહિતી મેળવતા કે શું કરવું આગળ એમ પૂછી પૂછીને જાતે તૈયાર થતા..
એવામાં એક દિવસ ભાષા ભવનમાં ચક્કર મારવા ગયા ત્યારે ત્યાં જર્નાલીઝમ નો એક વર્ષનો બેચલર ઑફ કૉમ્યુંનીકેશન જર્નાલીઝમ એન્ડ પબ્લીક રીલેશનનો કોર્ષ ચાલતો હતો એની ડિટેઈલ લીધી અને પત્રકાર બનવાની તમન્ના જાગી એ જ વર્ષે એડમીશન લીધું ડૉ.રધુવીર ચૌઘરી સાહેબના નેજા હેઠળ આ કોર્ષ ચાલતો ત્યારે રોજ વીઝીટીંગ ફેકલ્ટી તરીકે સીનીયર મીડીયાના મિત્રો-લેખકો ભણાવવા આવતા જેમાં શ્રી ચિનુ મોદી, શ્રી યશવંત શાહ, શ્રી શરદ ઠાકર,શ્રી ભવેન કચ્છી,શ્રી નરેશ દવે,શ્રી રમેશ તન્ના સહિત અનેક સીનિયર પત્રકારો પાસે ભણવાનો અવસર પણ મળ્યો. પ્રથમ વર્ષ ૧૯૯૮માં પૂર્ણ થયું.એ જ વર્ષે એમ.જે.એસ માસ્ટર ઑફ જર્નાલીઝમ એન્ડ સ્ટડીઝ કોર્ષ શરૂ થયો એટલે એમાં પણ એડમીશન લીધું ત્યારે સોનલ મેડમનું ઓફિશીયલ પ્રોફેસર તરીકે પોસ્ટીંગ થયું અને એમના માર્ગદર્શન હેઠળ બંન્ને ડિગ્રી ફર્સ્ટકલાસ સાથે પાસ કરી.
આ મારૂ કોલેજ લાઈફનું છેલ્લું વર્ષ હતું કેમ કે માસ્ટર ઑફ જર્નાલીઝમ એન્ડ સ્ટડીઝનો કોર્ષ ૧૯૯૯માં પૂર્ણ કર્યો એ જ વર્ષે માહિતી ખાતામાં વર્ગ-3માં માહિતી મદદનીશની પાંચ જગ્યાઓ માટે ની ભરતી આવી મેં અરજી કરી એમાંય એન્ટ્રન્સ પરીક્ષા માટે અમે લગભગ ૫૦૦ થી ૭૦૦ લોકો એ પરીક્ષા આપી હશે એ પાસ કરી ઓરલ ઈન્ટરવ્યું પણ થયા અને તા.૧-૧-૨૦૦૦ થી કાયમી પ્રદર્શન એકમ ડાકોર ખાતેથી માહિતી મદદનીશ તરીકે મારી માહિતી ખાતાની સફર શરૂ થઈ અને આજે આ સફર ગાંધીનગર પહોચીં છે.અનુભવના અભાવે કારકિર્દી ધડવામાં મને અનેક અડચણો આવી પણ કંઈક કરવાની તમન્ના,પરમાત્મા પરની શ્રધ્ધા અને માતા-પિતાના આશીર્વાદ-એમની મહેનત તેમજ તમામ ગુરૂજનો,સીનીયર અધિકારીશ્રીઓનું માર્ગદર્શન,મીડિયા કર્મીઓના સહયોગ સહિત સાથી કર્મયોગીઓનો અદભૂત સાથ મલ્યો જેના પરિણામે હું આજે અહી પહોચ્યો છું તમામનો હું આજીવન ઋણી રહીશ…
મારી આ સફળતાનો સંપૂર્ણ શ્રેય હું મારા ભાઈ-ભાભી,મારી નેહા અને સમગ્ર પરિવાર ને આપું છું.કેમ કે,મારા મોટાભાઈ ડૉ.પરેશ ગજજર અને હું બંન્ને સાથે જ સંયુકત પરિવાર માં જ રહીએ છીએ,મારી નાની બહેન પારૂલને પણ મારા જીજાજી અને એમનો પરિવાર એટલો મસ્ત મલ્યો છે કે અમારે સહેજ પણ ચિંતા નથી.
મારા ભાઈ ગાંધીનગર સીવીલ હોસ્પિટલમાં તબીબ તરીકે સેવાઓ આપે છે. મારા પિતાજી હતા તો પણ ભાઈ અને પપ્પા એ મને બહું સાચવ્યો હતો અને હું નાનો હતો એનો પણ મે ગેરલાભ બહું લીધો છે.નાના હતા ત્યાર થી જ મારો ભાઈ મારા માટે પહેલીથી જ જતું કરતો આવ્યો છે મારે જે જોઈએ એ પપ્પા ને કહે પહેલા એને અપાવો મારે ચાલશે. અને આજે પપ્પા નથી તો પણ પપ્પાની ભૂમિકામાં મારો ભાઈ મને એટલું જ સાચવે છે.આજે પપ્પાની જગ્યા ભાઈ એ લીધી છે અને સમગ્ર પરિવારની જવાબદારી એ ઉપાડે છે એટલે હું બિન્દાસ્ત પંખીની જેમ આજેય પણ ઉડી શકું છું.આજે પણ હું કોલેજમાં ભણતો હતો એ રીતેજ રહું છું.ધરની એક પણ જવાબદારી મારા શિરે મારા ભાઈ એ હજું સુધી આવવા દીધી નથી.ધરના કંઈ પણ કામ હોય કે ક્યાંક સામાજીક પ્રસંગે જવાનું હોય તો મને પૂછે આજે ટાઈમ મલશે અને હું ના પાડું તો એ બધુંજ ગોઠવી દે મારી ઑફિસની સમાચાર કામગીરી એ સારી રીતે સમજે છે એટલે મને પૂછે હું ફ્રી હોઉ તો કરૂ પણ ખરો, કયારેક એવું બને એ કહે ભાઈ આજે આ કરવું પડશે મારે મેળ પડે એમ નથી એટલે હું સમજી જવું કે આજે ચાલશે નહી એટલે એ દિવસે હું એડજસ્ટ કરી જ લવું પણ આવું ભાગ્યેજ બને એ કરીજ નાખે.મને સાચા અર્થમાં ભાઈ તરીકે રામ મળ્યા છે.
મારે એક બાબો અને ભાઈને એક બેબી અને એક બાબો છે. મારો ટેણીયો સીવીલ એન્જીનીયર કરીનૈ આજે ઓસ્ટ્રેલીયા ખાતે માસ્ટર ઑફ એન્જી નીયરીંગ પૂરૂ કરીને સેટલ છે.મારી કજીન ડેન્ટલમાં એમ.ડી. થઈ ગઈ છે. ભત્રીજો એમ.બી. બી.એસ ના ફાઈનલ ઈયરમાં અભ્યાસ કરે છે.પરિવારમાં સૌ મને બચ્ચા પાર્ટી ગણીને જ સાચવે ભાઈ તો કાયમ કહે ચારેય બચ્ચા પાર્ટી કહે એમ જ આપણે કરવાનું મારા ભાભી પણ મને મમ્મીની જેમ એટલુંજ સાચવે છે. મારી નેહા પણ મને એવીજ મળી છે કે હું કંઈ પણ કહું તો કયારેય ના ના પાડે મારી ના માં પણ એની હા હોયજ કેમકે એ જાણે છે કે, હું બહું જીદ્દી છું મારાથી એક વાર ના થાય તો હા નથી થતી એ બધુંજ એડજસ્ટ કરી લે મારા માટે મિત્રો સંયુકત પરિવારની આજ મજા છે અને આજ ફાયદો છે. સમાજમાં પણ લોકો અમારા બંન્ને ભાઈની જોડીના ખૂબજ વખાણ કરે છે અને કહે કે રજનીભાઈનું નામ અને નામના તમે બંન્ને ભાઈઓ એ જાળવી રાખી છે એનું અમને ગૌરવ છે.
આગામી સમયમાં પણ પરમાત્મા આનાથી વધુ સારી કામગીરી કરવાની શકિત અર્પે એ જ અભ્યર્થના સહ
જય સ્વામિનારાયણ……દિલીપ ગજ્જર
****************************
અહી કોઈપણ સમાચાર માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધિ આપવામાં આવે છે તેમ છતાં કોઈને વાંધાજનક લાગે તો તંત્રી ન સંપર્ક કરી શકે છે.
****************************