*વર્લ્ડ હેરિટેજ વીક 2024: વર્ષ 2023-24માં 21 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના ઐતિહાસિક વિરાસત સ્થળોની લીધી મુલાકાત*રાણી ની વાવ ને 2014 અને ચાંપાનેર ને 2004 માં UNESCO એવોર્ડ મળેલો.(તા: 22,23,24 ન્યુઝ ઑફ ગાંધીનગર દૈનિક, જન ફરિયાદ સાપ્તાહિક ન્યૂઝ પેપર pdf file જુવો.(Janfariyadnews youtube channel links. જુવો)

NG-33-22-11-24 pdf Ng-23-112-4 pdf Ng-35-24-11-24 pdf 24 jan fariyad

Ng-35-24-11-24 pdf

*વર્લ્ડ હેરિટેજ વીક 2024: વર્ષ 2023-24માં 21 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના ઐતિહાસિક વિરાસત સ્થળોની લીધી મુલાકાત*
***
• *₹428 કરોડથી વધુના ખર્ચે ગુજરાતના ઐતિહાસિક વિરાસત સ્થળોને વિકસિત કરવામાં આવી રહ્યા છે*
• *વડનગર અને ધોળાવીરામાં સૌથી વધુ ₹255 કરોડના ખર્ચે વિવિધ પ્રવાસી સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે*
***
*ગાંધીનગર, 24 નવેમ્બર:* સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ કરવાના મહત્વ વિશે જાગૃતિ વધારવા માટે UNESCO દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી સમગ્ર વિશ્વમાં ‘વર્લ્ડ હેરિટેડ વીક’ (વિશ્વ વિરાસત સપ્તાહ) ની ઉજવણી કરે છે. ભારતમાં પણ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સહયોગથી દેશભરમાં ઐતિહાસિક વિરાસત સ્થળો પર તેની ઉજવણીના આયોજનો કરવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ હેરિટેજ વીક 2024નું થીમ ‘વિવિધતાની શોધ અને અનુભવ’ છે.

ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ ગુજરાતમાં પણ ઘણા ઐતિહાસિક વિરાસત સ્થળો છે, જે દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ માટે પહેલી પસંદ બન્યા છે. ગુજરાતના પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2023-24માં લગભગ 21 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના મુખ્ય હેરિટેજ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે.

*₹428 કરોડથી વધુના ખર્ચે ઐતિહાસિક વિરાસત સ્થળો પર વિકસિત થઈ રહી છે પ્રવાસી સુવિધાઓ*

ઐતિહાસિક વિરાસત સ્થળોને પ્રવાસીઓ માટે આકર્ષક અને સુવિધાયુક્ત બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ₹428 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યો શરૂ કર્યા છે. આ ઉપરાંત, આ વિરાસત સ્થળો ખાતે ગુજરાત સરકાર નાઇટ ટુરિઝમના કોન્સેપ્ટ હેઠળ લાઇટ એન્ડ સાઉન્ડ શૉ જેવી આકર્ષક પ્રવૃત્તિઓ પણ સંચાલિત કરી રહી છે, જે દેશ-વિદેશના પ્રવાસીઓમાં પણ ઘણી લોકપ્રિય બની રહી છે.

*વડનગર અને ધોળાવીરામાં સૌથી વધુ ₹255 કરોડના ખર્ચે વિકસતિ કરવામાં આવી રહી છે પ્રવાસી સુવિધાઓ*

વડનગર એક ઐતિહાસિક વિરાસત સ્થળ હોવાની સાથે-સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ પણ છે. વડનગરના ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક મહત્વને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે અહીંયા છેલ્લા ત્રણ વર્ષોમાં ₹70 કરોડનો ખર્ચ કરીને ઘણી માળખાકીય અને આધુનિક પ્રવાસી સુવિધાઓ વિકસિત કરી છે. અહીંયા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2022-23માં જ્યાં માત્ર 2 લાખ 45 હજાર પ્રવાસીઓએ વડનગરની મુલાકાત લીધી હતી, તેની સામે વર્ષ 2023-24માં આ સંખ્યા લગભગ 3 ગણી વધીને 7 લાખની આસપાસ પહોંચી ગઇ છે.

આ જ રીતે, ધોળાવીરા પણ યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રસિદ્ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ધોળાવીરા સિંધુ ખીણ સંસ્કૃતિની ઓળખ ધરાવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અહીંયા ₹185 કરોડના ખર્ચે વિવિધ પ્રવાસન સુવિધાઓનો વિકાસ કરવાનું આયોજન કર્યું છે. તેમાં ફેઝ 1 હેઠળ હાલ ₹76 કરોડના વિકાસકાર્યોનું કામ પ્રગતિમાં છે. આ પ્રવાસી સુવિધાઓ વિકસિત થયા પછી અહીંયા પ્રવાસીઓની સંખ્યામાં ઘણો વધારો થવાની અપેક્ષા છે. વર્ષ 2022-23માં 1 લાખ 41 હજાર પ્રવાસીઓએ ધોળાવીરાની મુલાકાત લીધી હતી, જેની સામે વર્ષ 2023-24માં આ આંકડામાં બેગણાથી પણ વધુનો વધારો થયો છે, અને 2 લાખ 32 હજારથી વધુ પ્રવાસીઓએ ધોળાવીરાની મુલાકાત લીધી છે.

*મોઢેરા, રાણી કી વાવ અને અડાલજની વાવ પણ બની રહ્યા છે પ્રવાસીઓની પસંદ*

રાજ્યના અન્ય કેટલાક વિરાસત સ્થળો, જેવાંકે મોઢેરા સૂર્યમંદિર, રાણી કી વાવ અને અડાલજની વાવ પણ લાખો પ્રવાસીઓની પ્રથમ પસંદ બની રહ્યા છે. રાજ્ય સરકારે અહીંયા પણ અનુક્રમે ₹20 કરોડ, ₹18 કરોડ અને ₹5 કરોડના ખર્ચે વિવિધ પ્રવાસી સુવિધીઓ વિકસિત કરી છે. તેના કારણે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અહીંયા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. 2022-23માં આ સ્થળોએ પ્રવાસીઓની સંખ્યા અનુક્રમે 3 લાખ 78 હજાર, 3 લાખ 52 હજાર અને 3 લાખ 72 હજાર હતી, જેની સામે 2023-24માં આ સંખ્યા વધીને અનુક્રમે 3 લાખ 81 હજાર, 3 લાખ 83 હજાર અને 3 લાખ 86 હજાર થઈ છે.

આ ઉપરાંત, રાજ્યના ઘણા ઐતિહાસિક કિલ્લાઓના જીર્ણોદ્ધાર પર પણ રાજ્ય સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે. ઉદાહરણ તરીકે, ₹74 કરોડના ખર્ચે જૂનાગઢ ખાતે ઉપરકોટ કિલ્લાના રિસ્ટોરેશનનું કામ પૂરું કરવામાં આવ્યું છે. જ્યારે, અમરેલીના રાજમહેલનું રિસ્ટોરેશન પણ ₹21 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. આ જ રીતે, ₹25 કરોડના ખર્ચે લખપત કિલ્લાના રિસ્ટોરેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

*ભારતના બેસ્ટ ટુરિઝમ હેરિટેજ વિલેજ- હાંફેશ્વરમાં પણ ચાલી રહ્યા છે અનેક વિકાસકાર્યો*

ભારત સરકાર દ્વારા વર્ષ 2024માં ‘વિશ્વ પ્રવાસી દિવસ’ના રોજ ગુજરાતના હાંફેશ્વર ગામને હેરિટેજની કેટેગરી હેઠળ બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કરવામાં આવ્યું. અહીં આવનારા પ્રવાસીઓના અનુભવોને હંમેશ માટે યાદગાર બનાવવાના હેતુથી રાજ્ય સરકાર અહીંયા ₹10 કરોડના ખર્ચે વિવિધ પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવા જઇ રહી છે.

*નવી દિશામાં આગેકૂચ કરી રહ્યું છે ગુજરાતનું હેરિટેજ સાઇટ પ્રવાસન*

રાજ્યના હેરિટેજ સ્થળોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા અને પ્રવાસનને પ્રોત્સાહિત કરવાની દિશામાં ગુજરાત સરકારના આ પ્રયાસો મહત્વપૂર્ણ છે. આ સુવિધાઓથી ન કેવળ પ્રવાસીઓને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન થશે, પરંતુ રાજ્યના આર્થિક વિકાસમાં પણ યોગદાન મળશે. ગુજરાતમાં હેરિટેજ પ્રવાસનના આ નવા યુગથી, રાજ્ય ટુંક સમયમાં જ દેશની સાથે-સાથે વિશ્વના પ્રમુખ વિરાસત પ્રવાસન સ્થળોમાં પણ વિશિષ્ટ ઓળખ પ્રાપ્ત કરશે એવી અપેક્ષા છે.

*****************************

 *“વર્લ્ડ હેરિટેજ વીક – ૨૦૨૪”*

*છેલ્લા બે વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ- ‘રાણીની વાવ’ની અંદાજે પાંચ લાખથી વધુ ભારતીય તેમજ ચાર હજારથી વધુ વિદેશી સહેલાણીઓ મુલાકાતે*
*********
• પાટણ સ્થિત “રાણીની વાવ”: જળ વ્યવસ્થાપન તેમજ કલાની દ્રષ્ટીએ ઉત્કૃષ્ટ ઉદાહરણ
• રાણીની વાવને વર્ષ ૨૦૧૪માં યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ”માં સ્થાન અપાયું
• કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય ચલણી નોટ ૧૦૦ રૂપિયા પર ‘રાણીની વાવ’ના ચિત્રને અંકિત કરાયું
• સોલંકી વંશના પ્રતાપી શાસક ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ તેમના પતિની યાદમાં કરાવ્યું હતું વાવનું નિર્માણ
*********
ગુજરાતમાં આવેલું પાટણ પ્રાચીન કાળમાં લગભગ ૬૦૦ વર્ષોથી પણ વધુ સમય સુધી ગુજરાતની ઐતિહાસિક રાજધાની રહ્યું હતું. પાટણમાં પ્રતાપી સોલંકી વંશે ઇ.સ. ૯૪૨ થી ૧૧૩૪ના મધ્ય કાળ સુધી શાસન કર્યું હતું, જે એ સમયે પશ્ચિમ ભારતની રાજધાની તરીકે પ્રખ્યાત હતું. જેના ફળસ્વરૂપે પાટણમાં કેટલાક મંદિરો, મસ્જીદો, મકબરા, વાવ અને તળાવો વગેરેના અવશેષો પ્રાપ્ત થયા છે. રાણીની વાવ આ બધા સ્મારકોમાં તત્કાલીન સ્મારકો તથા કલાની દ્રષ્ટીએ ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડે છે. જળ વ્યવસ્થાપન તેમજ કલાની દ્રષ્ટીએ ઉત્તમ ઉદાહરણ એવી પાટણ ખાતે આવેલી રાણીની વાવને યુનેસ્કો દ્વારા વર્ષ ૨૦૧૪માં “વર્લ્ડ હેરિટેજ સાઇટ”માં સ્થાન આપવામાં આવ્યું હતું.

ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯ થી ૨૫ નવેમ્બર ૨૦૨૪ દરમિયાન “વર્લ્ડ હેરિટેજ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના પાટણ સ્થિત વર્લ્ડ હેરિટેજ સાઈટ “રાણીની વાવ” વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ અને કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય ચલણી નોટ ૧૦૦ રૂપિયા પર રાણીની વાવના ચિત્રને અંકિત કરવામાં આવ્યું છે. જેથી વિશ્વભરમાં રાણીની વાવની પ્રવાસન અને ઐતિહાસિક રીતે લોકચાહના વધી છે, જેના પરિણામે સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભારતના ખૂણે ખૂણેથી અને અન્ય દેશમાંથી પ્રવાસીઓ આ અદભુત વાવને નિહાળવા ઉમટી પડે છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૪ દરમિયાન અંદાજે ૩.૫૨ લાખથી વધુ ભારતીય પ્રવાસીઓ અને ૩,૩૨૭ વિદેશી સહેલાણીઓ રાણીની વાવને જોવા ઉમટ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે ઓકટોબર માસ સુધીમાં ૧.૫૮ લાખથી વધુ ભારતીય પ્રવાસીઓ તેમજ ૯૬૨ જેટલા વિદેશી પ્રવાસીઓ રાણીની વાવ જોવા આવ્યા છે. આ રાણીની વાવની અદભૂત કળા અને કોતરણીથી પ્રવાસીઓ ખૂબ જ અભિભૂત થાય છે. દેશમાં સ્વચ્છતા, સેનિટેશન બાબતે શાળા, હોસ્પિટલ, રાજ્ય વગેરે મળી ૧૦ સ્થળોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં વર્ષ ૨૦૧૬માં પાટણ શહેરમાં આવેલ આ વર્લ્ડ હેરીટેજ સાઇટ રાણીની વાવને “આઇકોનિક ક્લીન પ્લેસ” તરીકે પંસદગી થતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

રાણીની વાવ, પાટણ જિલ્લાના પાટણ શહેરથી લગભગ બે કિ.મી. સરસ્વતી નદીના તટ પર આવેલી છે. ઇ.સ. ૧૦૨૨ થી ૧૦૬૩ દરમિયાન ‘સુવર્ણ યુગ’ તરીકે ઓળખાતા સોલંકી વંશના પ્રતાપી શાસક ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ તેમના પતિની યાદમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. આ વાવની દિશા પૂર્વ-પશ્ચિમ અને તેનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં આવેલું છે. આ વાવની લંબાઇ ૬૩ મીટર અને પહોળાઈ ૨૦ મીટર તથા ઉંડાઇ ૨૭ મીટર જેટલી છે. તેનું બાંધકામ મુખ્યત્વે ઇંટો દ્વારા કરવામાં આવ્યું છે. જેના ઉપરનો ભાગ પત્થરોથી કંડારેલો છે. વાવના મુખ્ય બે ભાગ છે, જેનો પૂર્વ ભાગ ૭ માળનો પગથીયાવાળો, ગલીયાળો તથા પશ્ચિમ ભાગ તરફનો કુવો ગલીયારા સાથે જોડાયેલો છે.

‘સમરાંગણ સૂત્રધાર’માં વાવનાં વિવિધ પ્રકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં નંદ પ્રકારની વાવનું વર્ણન આ વાવની રચના સાથે સામ્ય ધરાવે છે. રાણીની વાવમાં પ્રવેશવા માટે એક સુંદર સુશોભિત તોરણદ્વાર હતું. રાણીની વાવની બન્ને તરફની દિવાલોને દેવ, દેવીઓ, અપ્સરાઓ વગેરેની ઘડેલી સુંદર તથા ચિત્રાંકન કરેલી પ્રતિમાંઓથી સુશોભિત કરવામાં આવી છે. આ અલંકરણ યોજનામાં જ્યાં એક તરફ વિષ્ણુ ભગવાનના દશાવતાર જેવા કે વરાહ, નરિસંહ, વામન, બલરામ, રામ, કલ્કી, ભગવાન બુદ્ધનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના સિવાય વિષ્ણુના આયુધ આધારીત મનાયેલા ૨૪ સ્વરૂપ અહીં કંડારેલા છે. આ સિવાય અહી અલંકાર પ્રસ્તરની રચના છે, જે પાટણની વિશ્વ પ્રસિદ્ધ હસ્ત શિલ્પકલા “પટોળા-સાડી”માં વણાયેલ રંગીન નમૂના માટે પ્રસિદ્ધ છે. વાવમાં મુખ્યત્વે નાની મોટી ૮૦૦ થી પણ વધારે પ્રતિમાઓ સ્થાપિત હતી, જેમાંથી અમુક પ્રતિમાઓ તો હાલમાં જ બની હોય તેવું પ્રતિત થાય છે. આમ, રાણીની વાવ એક અદ્વિતિય, સંપૂર્ણ, સુંદર અને પવિત્ર વાવ છે.

દેશની આઝાદી પહેલા એટલે કે ઇ.સ. ૧૯૩૬માં આ વાવને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે રાષ્ટ્રીય સ્મારક તરીકે સંરક્ષિત ઘોષિત કરી હતી. ઇ.સ. ૧૯૬૨-૬૩માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે અહીંયા પુરાતાત્વિક ઉત્ખનન કાર્યનો પ્રારંભ કર્યો, જેના ફળસ્વરૂપે રાણીની વાવનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ઉત્ખનન કાર્ય દરમિયાન રાણી ઉદયમતિની દેવનાગરી ભાષામાં લખાણવાળી પ્રતિમા જેમાં “મહારાજ્ઞી (મહારાણી) શ્રી ઉદયમતિ” લખાણ કંડારાયેલું છે, જે મહત્વપૂર્ણ પુરાતાત્વિક પુરાવા છે. જૂના લખાણોના આધાર પર આ વાવ લગભગ ૧૩મી સદીનું હોવાનું માનવામાં આવે છે, જે રાણી ઉદયમતિ દ્વારા નિર્મિત છે, એવું પ્રમાણિત થાય છે. યુનેસ્કો દ્વારા વર્ષ ૨૦૧૪માં “વર્લ્ડ હેરિટેજ સાઇટ”માં સ્થાન આપવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશ-વિદેશના પ્રવાસીઓ ગુજરાતની પ્રાચીન ધરોહર અને ઐતિહાસિક વિરાસતનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે તે માટે રાજ્ય સરકારે “હેરિટેજ ટુરિઝમ પોલિસી:ર૦ર૦-રપ” જાહેર કરી હતી. આ પોલીસી હેઠળ ગુજરાતના નાના ગામ-નગરોમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી પ્રાચીન વિરાસત ઇમારતો, રાજા રજવાડાના મહેલો, ઝરૂખા, મિનારા અને કિલ્લા સહિતના હેરિટેજ સ્થળોને પ્રવાસન પ્રેમીઓ માટે સુવિધાસભર સગવડો સાથે ખૂલ્લા મૂકવાનો તેમજ આવા હેરિટેજ સ્થળોને પ્રોત્સાહનો આપવાનો રાજ્ય સરકારે આગવો અભિગમ અપનાવ્યો છે.

હેરિટેજ ટુરિઝમ પોલીસી અંતર્ગત તા. ૧ જાન્યુઆરી-૧૯પ૦ પહેલાની હેરિટેજ હોટલ, મ્યૂઝિયમ, બેન્કવેટ હોલ કે રેસ્ટોરન્ટનું નિર્માણ કરતી ઐતિહાસિક વિરાસતના મૂળ માળખા સાથે છેડછાડ કરી શકાશે નહિ. સાથે જ, હેરિટેજ હોટલ, હેરીટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્કવટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ યુનિટના રીનોવેશન-રીપેરીંગ માટે રૂ. ૩૦ લાખથી રૂ. ૧૦ કરોડ સુધીની સહાય રાજ્ય સરકાર પૂરી પાડે છે. આ ઉપરાંત પાંચ વર્ષ માટે ૧૦૦ ટકા ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી માફી અને નેશનલ-ઇન્ટરનેશનલ ઇવેન્ટ માટે રેન્ટ સહાય વગેરેના વધારાના પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે.
*********
જીગર બારોટ

*****************************
*વર્લ્ડ હેરિટેજ વીક- ૨૦૨૪*

*ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર*

*છેલ્લા બે વર્ષમાં ૮૦ હજારથી વધુ દેશ- વિદેશના મુલાકાતીઓએ ચાંપાનેરની મુલાકાત લીધી**

*એક સમયની ગુજરાતની રાજધાની ચાંપાનેર આજે પણ સાચવીને બેઠી છે વૈશ્વિક ઐતિહાસિક ધરોહર*
*******
• *ચાંપાનેરને મળ્યો હતો વર્ષ ૨૦૦૪માં ‘UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ’નો દરજ્જો*
********
ભારત સહિત વિશ્વભરમાં અનેક યાદગાર હેરિટેજ સાઈટ આવેલી છે. આ વારસો ફક્ત યાદ બનીને ના રહી જાય તે માટે દર વર્ષે યુનેસ્કો દ્વારા તા. ૧૯ થી ૨૫ નવેમ્બર દરમિયાન “ વર્લ્ડ હેરિટેજ વીક”ની ઉજવણી કરવામાં આવે છે. ભારત દેશ તેની પ્રાચીન ધરોહર માટે વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. ભારતની સાથે ગુજરાત પણ તેના હેરિટેજ સ્થળો માટે વિશ્વ પ્રસિદ્ધ છે. ભારતની ૪૩ હેરીટેજ સાઈટોમાંથી ગુજરાતના ચાર સ્થળોનો સમાવેશ ‘UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ’માં કરાયો છે. જેમાં ચાંપાનેર, રાણીની વાવ, કચ્છના ધોળાવીરા તથા અમદાવાદ શહેરનો સમાવેશ થાય છે.

ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં UNESCO વિશ્વ હેરિટેજ સાઈટની યાદીમાં સ્થાન મળ્યું છે. ચાંપાનેર ગુજરાતનું પ્રથમ અને ભારતનું ૨૬મું હેરિટેજ સ્થળ છે. યુનેસ્કોએ ચાંપાનેરના ભવ્ય ઐતિહાસિક વારસાને વિશ્વ વારસા સ્થળ તરીકે જાહેર કરી આ ભવ્ય વિરાસતને વધુ વિશ્વ પ્રસિદ્ધ કરી છે. છેલ્લા બે વર્ષમાં આશરે ૮૦ હજારથી વધુ મુલાકાતીઓએ ચાંપાનેરની મુલાકાત લીધી છે જેમાં, ૭૮, ૩૬૭ ભારતીય તથા ૧,૬૩૯ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

પંચમહાલ જિલ્‍લામાં આવેલું ચાંપાનેર એક ઐતિહાસિક નગર છે. એક સમયે ચાંપાનેર ગુજરાતની રાજધાની હતું. તત્કાલીન સમયમાં આ ભવ્ય નગરની અનન્ય જાહોજલાલી હતી. ફકત ભારતમાં જ નહિ, દૂર-દૂરના દેશોમાં પણ ચાંપાનેરની ખ્યાતિ ભવ્ય હતી. હિન્દુ, મુસ્લિમ, મરાઠા અને અંગ્રેજ શાસકોએ ચાંપાનેર પર શાસન કર્યું હતું. પૃથ્વીરાજ ચૌહાણના વંશજ ચૌહાણ રાજપૂતોએ ચાંપાનેરને પાટનગર બનાવી તેના વિકાસ માટે બંધાવેલ સ્મારકો તથા મુસ્લિમ શાસક મહમ્મદ બેગડાએ બંધાવેલા મહેલો અને મસ્જીદોનું સ્થાપત્ય સિવીલ અન્જીન્યરીંગનું અદ્ભૂત ઉદાહરણ છે.

દર વર્ષે હજારોની સંખ્યામાં દેશ-વિદેશના પર્યટકો ઉચ્ચ કક્ષાના બેનમૂન આર્કીટેકને સમજવા- જાણવા માટે અહી આવે છે. મુસ્લિમ શાસકોએ બંધાવેલા સ્મારકમાં હિન્દુ-જૈન સ્થાપત્યનો સુભગ સમન્વય પણ અહીં જોવા મળે છે.

ચાંપાનેરના શાહી કિલ્લાની બહાર જુમ્મા મસ્જિદની ભવ્ય ઈમારતની સુવ્યવસ્થિત રચનાનાં વિવિધ અંગો ભારતીય-ઈસ્લામી સુશોભનોથી આગવું મહત્ત્વ ધરાવે છે. તેનાં પાંચ મનોહર પ્રવેશદ્વારો સુશોભિત કોતરણીથી અનેરું આકર્ષણ ઉભું કરે છે. તેના મકસુરાની પાંચ ક્માનો પાસેના છજા, સુંદર મિનારા અને મુખ્ય કમાન પાસેનું છજું તેની શોભામાં વધારો કરે છે. સુલતાનની રાજધાની અને નિવાસસ્થાન તરીકે ચાંપાનેરનું મહત્વ જામા મસ્જિદમાં શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવ્યું છે, જે ભારતમાં પાછળથી મસ્જિદ આર્કિટેક્ચરનું મોડેલ બન્યું.

આ ઉપરાંત ત્યાં આવેલી નગીના મસ્જિદ અને તેની પાસેનો સુશોભિત મકબરો, કેવડા મસ્જિદ, શહેરની મસ્જિદ, લીલા ગુંબજ મસ્જિદ વગેરે સ્થળો પણ પોત-પોતાની આગવી લાક્ષણિકતા ધરાવે છે.
ચાંપાનેર હિન્દુ, જૈન અને મુસ્લિમ ધર્મોના ત્રિવેણી સંગમ જેવું છે. માતા મહાકાલીના મંદિર સાથે રૂદ્રાવતાર લકુલીશ મંદિર, જૈન મંદિરો અને મસ્જીદોને પોતાના ખોળે સમાવતું આ સ્થળ ધાર્મિક સાથે પ્રાકૃતિક સૌદર્યનું પણ ધામ છે.
*******
ઋચા રાવલ

****************************

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *