પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સેક્ટર -૧ મેટ્રોરેલ સ્ટેશન આવીને વિધિવત લીલી ઝંડી આપી ઉદ્ઘાટન કર્યું અને મેટ્રો સફર કરી અમદાવાદ સુધી ગયા.આજથીજ મેટ્રો અમદાવાદ સુધી દોડશે.(જુવો વિશેષ ફોટા)janfariyadnews you tube channel links મોદીજી લાઈવ દૃશ્યો)

*ગાંધીનગર સેકટર- ૧ ખાતેથી મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ- ૨ નો આરંભ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરાયો*
———————————————-
*મેટ્રો રેલનો આરંભ કરાવી વડાપ્રધાનશ્રી, રાજયપાલશ્રી, મુખ્યમંત્રીશ્રીએ મેટ્રો રેલમાં સેકટર- ૧ થી ગીફટ સીટી સુધી મુસાફરી કરી*-
———————————————
*મેટ્રો રેલની મુસાફરી દરમિયાન વડાપ્રધાનશ્રીએ ગાંધીનગરની વિવિધ શાળા- કોલેજોના અગિયાર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો*
——————————————–
ગાંધીનગર: સોમવાર:
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આજે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ- ૨ ( મોટેરા- ગાંધીનગર) નો આરંભ કરાવ્યો હતો. મેટ્રો રેલના આરંભ બાદ વડાપ્રધાનશ્રીએ સેકટર- ૧ સ્ટેશનથી ગીફટ સીટી સુધી મેટ્રો રેલમાં મુસાફરી કરી હતી. વડાપ્રધાનશ્રીએ વિવિધ સ્ટેશન ખાતે નાગરિકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.
ભારતના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ચોથા વૈશ્વિક નવીકરણીય સંમેલન અને એક્સ્પો : રી ઇન્વેસ્ટ નો મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ આજે બપોરના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ- ૨ એટલે કે મોટેરા થી ગાંધીનગર સુધીના મેટ્રો રેલનો આરંભ કરાવામાં આવ્યો હતો.
વડાપ્રધાનશ્રીએ સેકટર- ૧ ખાતે આવેલા મેટ્રો રેલના સ્ટેશન ખાતે મેટ્રો રેલનો આરંભ કરાવવા પહોંચ્યા હતા. તે સમયે સ્થાનિક નગરજનો દ્વારા દેશના વડાપ્રધાન અને ગુજરાતના સપુત શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા હતા. દેશના વડાપ્રધાનશ્રીનું સ્વાગત ઢોલ, નગારા, ત્રાંસ્વ, ઘંટારવ ગુંજારવથી સેકટર- ૧ ના મેટ્રો રેલ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીએ સર્વે નાગરિકોનું અભિવાદન, વંદન કરીને અને હાથ હલાવી ઝીલ્યું હતું.
મોટેરા થી ગાંધીનગરના ફેઝ- ૨ મેટ્રો રેલનો આરંભ કરાવતાં પહેલા વડાપ્રધાનશ્રીએ રેલ સ્ટેશનની મુલાકાત લીઘી હતી. તેની સુવિધાઓ સહિત અન્ય વિસ્તૃત માહિતી મેળવી હતી. મેટ્રો રેલનો આરંભ કરાવ્યા બાદ તેમણે મેટ્રો રેલમાં બેસીને મુસાફરી કરી હતી. વડાપ્રધાનશ્રી સાથે મેટ્રો રેલની મુસાફરીમાં ગુજરાત રાજયના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવી, ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ગાંધીનગર(દ) ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, માણસાના ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ, કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ સહિત મહાનુભાવો અને અધિકારીઓ જોડાયા હતા. આ મેટ્રો રેલની મુસાફરી દરમિયાન વડાપ્રઘાનશ્રીએ તેમની મુસાફરીમાં સહભાગી બનેલા શાળા-કોલેજના અગિયાર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
મેટ્રો રેલ રાંદેસણ સ્ટેશન પાસે પહોંચી હતી, ત્યારે સ્થાનિક નાગરિકો સહિત વિદ્યાર્થીઓએ તેમનું સ્વાગત રાષ્ટ્ર ધ્વજ લહેરાવી અને હાથ હલાવીને કર્યું હતું.
મેટ્રો રેલના આરંભ થતાં નાગરિકોનો અભિપ્રાય તેમના મુખે :
*(૧) વોલસી ચૌધરી, (પી.ડી.ઈ.યુ વિદ્યાર્થી)*
“૨૦૧૫ થી જેની રાહ જોઈ રહ્યા હતા તે સ્વપ્ન આજે સાકાર થશે. પ્રધાનમંત્રી શ્રી દ્વારા મેટ્રોના લોકાર્પણ પ્રસંગે એક વિદ્યાર્થી તરીકે હાજર રહેવાની જે તક મળી છે તે અમારું સૌભાગ્ય છે. સામાન્ય નાગરિકો પણ હવે એ.સી વાળી અને એમાં પણ નજીવા ભાડાથી ચાલતી ટ્રેનમાં બેસી શાંતિની સફર માણી શકશે તેનો આનંદ છે. વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે અપડાઉન કરતા નોકરીયાત, વિદ્યાર્થીઓ વગેરેની રોજિંદી પરિવહનની તકલીફો મેટ્રો દ્વારા દૂર કરી દીધી. હવે ગણતરીની મિનિટોમાં જ અમદાવાદ ગાંધીનગરની મુસાફરી કરી શકાય છે, જેનો ખુબ જ આનંદ છે. –

*(૨) જાહન્વી અરકેરી (પી.ડી.ઈ.યુ વિદ્યાર્થી )( મૂળ રહેવાસી કર્ણાટકના)*
“જ્યારે હું ગાંધીનગરમાં પ્રથમવાર આવી ત્યારે આ મેટ્રો સ્ટેશન નિર્માણ થવાના પાયા નખાયા હતા અને આજે હું એના ઉદ્ઘાટન પ્રસંગની સાક્ષી બની છું, જેનો મને ગર્વ છે. આજે રાંદેસણ મેટ્રો સ્ટેશન પર વિદ્યાર્થી તરીકે પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન કરવાની તક મળી છે તે અમારા માટે એક અદભુત ક્ષણ છે. મેટ્રોની વાત કરું તો સૌના ખિસ્સાને પરવડે તેવા ભાડાથી સરળ અને સુવિધાજનક ટ્રાન્સપોર્ટેશન ઉપલબ્ધ કરાવવા બદલ પ્રધાનમંત્રીશ્રી નો ખૂબ ખૂબ આભાર.”

*(૩) તારપરા ધર્મ ગોરધનભાઇ, ( સ્વામિનારાયણ ધામ શાળા, કુડાસણ)*

“પહેલા નીચે જમીન પર પથરાયેલા પાટા પર ચાલતી સાદી ટ્રેન જોઈ હતી.પણ આટલી ઊંચાઈ પર ચાલતી મેટ્રો ટ્રેન રૂબરૂમાં જોવાનો આજે પહેલીવાર મોકો મળ્યો છે, અને ગાંધીનગર અમદાવાદ વચ્ચે ચાલતી આ મેટ્રો ટ્રેનમાં એ.સી. પણ છે અને ભાડું પણ ઓછું છે. જેથી દરેક વ્યક્તિ આ સફર માણી શકશે. હું અત્યારે ગાંધીનગર સ્વામિનારાયણ ધામમાં અભ્યાસ કરું છું. પણ મૂળ સુરતથી આવું છું. હવે સુરત જવા માટે ગાંધીનગરથી અમદાવાદ અમારે ટ્રેન પકડવા રીક્ષા કે બસમાં નહીં જવું પડે પણ અમે આ ટ્રેનમાં મજા માણતા માણતા અમદાવાદ પહોંચીશું.”

*(૪) ગુણવંતભાઇ પટેલ – કુડાસણ- રહેવાસી*

છેલ્લા ૨૦ વર્ષથી રાંદેસણ વિસ્તારમાં રહેતા ગુણવંતભાઈ પટેલ નાગરિક તરીકે જણાવે છે કે, વિકસિત થતા ગાંધીનગરને જોતા ખૂબ આનંદ અનુભવું છું. ગાંધીનગરમાં સૌપ્રથમ મેટ્રો ટ્રેન શરૂ થઈ છે તે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાની ખૂબ જ ખુશી સાથે ગર્વ પણ અનુભવું છું. –

*(૫) રાકેશ ભાખરિયા : રાંદેસણ- રહેવાસી*
“મેટ્રોના પ્રોજેક્ટની સફળતા બદલ નગરજનોને અભિનંદન! બે શહેરો વચ્ચે ચાલતી આ ટ્રેન ખરેખર પરિવહનની જીવા દોરી સમાન બની રહેશે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આ ડ્રીમ પ્રોજેક્ટ પણ હતો. આજે આ ક્ષણે ગાંધીનગરના એક નાગરિક તરીકે ગર્વની અનુભૂતિ થાય છે, અને ગાંધીનગરને મેટ્રો ટ્રેનની આ ભેટ આપવા બદલ સર્વે નગરજનો વતી પ્રધાનમંત્રીશ્રી નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. “