*દૈનિક વર્તમાનપત્રોમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪ મા ચા- નાસ્તા, ભોજન અંગે પ્રસિદ્ધ થયેલ સમાચાર અંગે રદિયો આપવા બાબત*
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર મુકામે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪ નું આયોજન તારીખ ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ થી ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી રાજ્ય સરકારશ્રીની સીધી દેખરેખ તળે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ હતું. આ આયોજનમાં સરકારશ્રી યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવેલ હતી.
આ મહોત્સવમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, માનનીય અધ્યક્ષશ્રી, વિધાનસભા તથા રાજ્ય સરકારશ્રીના માન. કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ ટૂંકા સમયગાળાના આયોજન થી શક્તિપીઠ અંબાજી ખાતે પધારેલ હતા. તેમના માટે ચા નાસ્તો તથા ભોજનની વ્યવસ્થા કરવા માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, બનાસકાંઠાને અધિકૃત કરવામાં આવેલ. કાર્યક્રમની અગત્યતાને અને સમય મર્યાદાને ધ્યાને લઇ આયોજનના ભાગરૂપે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આ મુજબની કામગીરી સંભાળતી એજન્સીઓ પાસેથી ભાવ મંગાવેલ હતા. જેમાં સૌથી ઓછા ભાવ ચેતક ક્લાઉડ કિચન ડીસાના હોઈ ભાવો મંજૂર કરી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ વર્કઓર્ડર આપવામાં આવેલ. તેમજ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ચા નાસ્તો તથા ભોજન ની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવેલ જે અંગેનું બિલ રકમ રૂપિયા ૧૧,૩૩,૯૨૪/- ની ચુકવણી માટે એજન્સીએ બિલ રજૂ કરતા નાયબ ચૂંટણી અધિકારીશ્રી, બનાસકાંઠાના પત્રથી બિલો ચૂકવવા અર્થે રજૂ કરેલ હતા.
આ મહોત્સવ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સરકારશ્રી કક્ષાએથી આયોજિત કરેલ હોય અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગેની જરૂરી ગ્રાન્ટની માગણી કરવામાં આવેલ છે તેમજ આ ભોજન બીલ ઉપરાંત અન્ય ખર્ચ માટે પણ યાત્રાધામ વિકાસ બોર્ડમાં ગ્રાન્ટ માગણીની દરખાસ્ત કરવામાં આવેલ છે. ગ્રાન્ટ ન મળવાના સંજોગોમાં એજન્સી દ્વારા બિલના નાણાની ચુકવણી માટે વારંવાર ઉઘરાણી થતાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ભંડોળમાંથી ખર્ચ કરવા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગ્રાન્ટ મળે નાણા સરભર કરવાની શરતે મંદિર ટ્રસ્ટ ધ્વારા નાણાંની ચુકવણી કરવામાં આવેલ છે.
વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલ સમાચારમાં સદરહું ખર્ચ મંદિર ટ્રસ્ટમાંથી કરવામાં આવેલ છે, તેવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. પરંતુ બિલ ચૂકવણીના હુકમમાં સરકારશ્રીમાંથી આ ખર્ચની ગ્રાન્ટ માંગવામાં આવેલ છે. ગ્રાન્ટ આવતા ખર્ચમાં સરભર કરવામાં આવશે તેવી વાસ્તવિક વિગતો અખબારમાં રજૂ ન કરીને જાહેર જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરેલો છે. જેથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ પ્રસિદ્ધ થયેલ સમાચારો અંગે રદિયો આપવામાં આવે છે. સર્વે યાત્રિકોએ આવી ભ્રામક જાહેરાતો અને અફવાઓથી દુર રહેવા વહીવટદારશ્રી અને અધિક કલેક્ટરશ્રી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે.