[1/30, 11:51 PM] Pradip: NOG:SS:NO.: 0101
પ્રકાર: ગદ્ય
વિષય: ગુજરાતી રેસિપી
શીર્ષક: દાળ ઢોકળી
લેખક: ભરત સાંગાણી
દાળ ઢોકળી રેસીપી
ગુજરાતી, દાળ – કઢી
દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે જેને મુખ્યત્વે દાળ અને ઘઉંના લોટથી બનાવવામાં આવે છે. આ રેસીપીમાં તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળીના ટુકડાને થોડી ઘાટી દાળમાં પકાવવામાં આવ્યા છે. દાળમાં નાખેલા મસાલા અને ક્રિસ્પી મગફળીના દાણાના કારણે દાળ ઢોકળીનો સ્વાદ વધારે વધી જાય છે. આ રેસીપી બનાવવામાં સરળ તો છે જ, સાથે પૌષ્ટિક પણ છે અને તેને જમવામાં એકલી પણ પીરસી શકાય છે.
સામગ્રી – 200 ગ્રામ તુવર-દાળ, 200 ગ્રામ ઘઉંનો લોટ, 2 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી અજમો, લવિંગ-3, તજ-2, રાઈ- એક ચમચી, લીમડાનાં પાન – 10, લસણ-મરચાંનુ પેસ્ટ – બે ચમચી. હિંગ ચપટી, 2 ટામેટાનું પેસ્ટ, સીંગદાણા- 15-10 દાણા, તેલ 3 ચમચી, મીઠુ સ્વાદમુજબ.
બનાવવાની રીત – પહેલા કુકરમાં દાળમાં પ્રમાણસર પાણી, હળદર અને હિંગ અને સીંગદાણા નાખીને દાળને બાફવા મુકી દો. હવે એક થાળીમાં ઘઉંનો લોટ લઈ તેમા અજમો, હિંગ, હળદર, મીઠુ, લાલ મરચુ, અને એક ચમચી તેલ નાખી મધ્યમ લોટ બાંધી લો.
બાફેલી દાળને બહાર કાઢી તેને વલોવી તેમા પ્રમાણસર પાણી નાખો. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમા રાઈ, હિંગ, તજ-લવિંગ અને કડી લીમડો નાખી તતડાવો, હવે તેમા ટોમેટો પેસ્ટ, લસણ-મરચાનું પેસ્ટ નાખી 2 મિનિટ સાંતળો. હવે તેમાં લાલ મરચુ નાખી તરત જ બાફેલી દાળ નાખી દો. દાળ ઉકળવા દો.
હવે લોટના લૂંઆ કરી તેની રોટલી વણો અને તેના કાપા પાડી તેને ઉકળતી દાળમાં નાખો. તમે ચાહો તો દાળમાં ગળપણ તરીકે ગોળ નાખી શકો છો. કુકરનું ઢાકણ બંધ કરી બે સીટી વગાડી લો. તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી દાળ ઢોકળી. ઉપરથી લીલા ધાણા નાખી ગરમા ગરમ સર્વ કરો.
દાળ ઢોકળીમાં બાફેલી આખી તુવેર નાખી દો તો પણ તે ખૂબ સ્વાદિષ્ટ લાગશે.
( ઢોકળીને વધુ સ્વાદિષ્ટ બનાવવા તમે તેમા આંબલીનુ પાણી પણ નાખી શકો છો. ).
– ભરત સાંગાણી.
[1/30, 11:51 PM] Pradip: NOG SS no.-0026
પ્રકાર : ગદ્ય
વિષય : ખાના ખજાના
શીર્ષક :કપૂરિયા
લેખકનું નામ : અંજના ગાંધી “મૌનુ”
સામગ્રી :૨ વાટકા કણકી કોરમાનો લોટ,
અડધી વાટકો મોળું દહીં,
વાટેલા આદુ મરચાં, થોડો અજમો,રાઈ, હીંગ, મીઠું સ્વાદાનુસાર,
થોડા તલ,
૪ મોટા ચમચા તેલ,
અડધી ચમચી હળદર,
દોઢ વાટકો પાણી. ઢોકળા બનાવવાનું ઢોકળિયું.
રીત : સૌ પ્રથમ પાણીમાં દહીં નાંખીને મીક્સ કરવું. પછી ગરમ કરવા મૂકવું. થોડું હુંફાળું પાણી થાય એટલે, ર ચમચા તેલ, અજમો, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર નાખવા, પછી વેલણથી હલાવતાં જવું અને ધીમે ધીમે ધીમે કણકી કુરમાનો લોટ ઉમેરાતાં જવું. બધો લોટ ઉમેરાઈ જાય પછી એક થાળીમાં મિશ્રણ કાઢીને ઠંડું થવા દેવું. ઠંડુ થયા બાદ એનાં મુઠિયા વાળવા અને ઢોકળિયામાં ૨૦ મિનીટ સુધી બાફવા મૂકવા. ચડી જાય પછી નાનાં નાનાં ગોળ ટુકડા કરી, બાકીનાં તેલમાં રાઈ, તલ અને હીંગ નાંખીને વઘારવા. આ કપૂરિયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે!
[1/30, 11:51 PM] Pradip: NOG SS no. – 0063
પ્રકાર – ગદ્ય
વિષય – ખાનાખજાના
શીર્ષક – કાજુ કારેલાંનું શાક
લેખક – રીટા ભાયાણી
સામગ્રી – 250 ગ્રામ કૂણાં કારેલાં,
100 ગ્રામ કાજુ,
2 ટેબલ સ્પૂન તેલ,
4 ટેબલ સ્પૂન ગોળ,
1/2 લીંબુ.
મસાલા – 1/2 ટી સ્પૂન રાઈ,
1/2 ટી સ્પૂન જીરું,
ચપટી હીંગ, હળદર, ધાણાજીરું, કાશ્મીરી લાલ મરચાં પાવડર, મીઠું.
રીત – કારેલાંની છાલ ઉતારી, ધોઈ લેવા. ત્યારબાદ કાણાંવાળા વાસણમાં એટલેકે ચારણી જેવાં વાસણમાં તેનાં થોડાં જાડાં ગોળ ગોળ પત્તીકા જેવાં ટુકડા કરવા. તેમાં થોડું મીઠું નાખી હાથ વડે ચોળી દસ મિનિટ રાખી મૂકવું. ત્યારબાદ હળવાં હાથે નીચોવી કારેલાંની કડવાશ કાઢી નાખવી.જો બીજ હોય તો કાઢી નાંખવા. કૂકરમાં એક જ વ્હીસલ કરી અધકચરાં બાફી લેવા. પછી નીતરવા દેવા.
કાજુના બે બે ટૂકડાં કરી લેવા.
હવે, જાડી કડાઈમાં બે ટેબલ સ્પૂન તેલ મૂકવું. તેલ સ્હેજ ગરમ થાય એટલે તેમાં કાજુના ટુકડાઓ નાખી ધીમી આંચે ગુલાબી શેકવા. ત્યારબાદ તેમાં રાઈ નાંખી, એ તડતડે એટલે જીરું નાખવું. હવે તેમાં હીંગ નાખી તરતજ નીતારેલા કારેલાં અને ગોળ નાખવો. એકજ વાર ચમચો ફેરવવો. બહું હલાવવું નહીં. થોડીવારમાં ગોળનું પાણી થઈ જાશે. પાંચ મિનિટ બાદ બધાં જ મસાલા(અહીં મસાલા થોડાં ચડિયાતા નાંખવા.) અને મીઠું સ્વાદ અનુસાર નાખી. એકવાર હલાવી, ધીમી આંચે બે મિનિટ રહેવા દેવું. છેલ્લે અર્ધા લીંબુનો રસ ઉમેરી, ગરમ ગરમ પીરસવું.
કેસર કેરીનો રસ, ગરમ ગરમ રોટલી સાથે કાજુકારેલાંનું શાક એટલે અમીરી ભોજન.
તા.ક.- કારેલાંનું નામ સાંભળીને જેનું પણ મોઢું બગડતું હોય એણે પણ આ શાક અચૂક ચાખવું. મસાલેદાર ગોળની પાઈમાં ચડેલાં કારેલાંનો સ્વાદ તમારી દાઢે વળગશે એની ખાતરી.
[1/30, 11:51 PM] Pradip: NOG SS No : 0110
પ્રકાર : ગદ્ય
વિષય : ગુજરાતી રેસીપી
શીર્ષક : ‘મગની દાળના દાળવડા’
લેખકનું નામ : નિખિલ કિનારીવાળા (અમદાવાદ)
‘દાળવડા’ એ ખાસ ગુજરાતના અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં બારેમાસ નાસ્તામાં ખવાતું સ્વાદિષ્ટ ફરસાણ છે. ગરમાગરમ દાળવડા વરસાદના માહોલમાં ખાવાની મજા જ કાંઈક અલગ છે. મુખ્યત્વે મગની મોગર દાળ અને મગની ફોતરાવાળી દાળને પલાળી તેના મિશ્રણને વાટી અથવા ગ્રાઈન્ડ કરી ખીરું બનાવાય છે. નાની માત્રામાં ચોખાનો લોટ અને સ્વાદ અનુસાર અન્ય મસાલાઓ ઉમેરી તૈયાર થયેલ દાળવડાના ખીરુંમાંથી તેલમાં તળીને ગરમ દાળવડા ઉતારવામાં આવે છે.
*મગની દાળના દાળવડાની રેસીપી*
સામગ્રી :
1. ૧ કપ મગની મોગર દાળ
2. ૧ કપ મગની ફોતરાવાળી દાળ
3. ૨ ચમચી ચોખાનો લોટ
4. ૧/૨ ચમચી હિંગ
5. ૩/૨ ચમચી મીઠું
6. ૨ ચમચી વાટેલાં લીલા મરચાં
7. ૧ ચમચી વાટેલું આદુ
8. ૧ ચમચો ધોઈને સમારેલી કોથમીર
9. ૨ ચમચી વાટેલું લસણ (મરજીયાત)
10. તળવા માટે જરૂરી ખાવાનું તેલ
રીત :
સૌ પ્રથમ આપણે દાળવડા માટેનું ખીરું બનાવીશું.બન્ને સરખા ભાગે લીધેલી મગની દાળને ધોઈને તેનાથી ત્રણ ગણા પાણીમાં ૩ થી ૪ કલાક પલાળી રાખીશું. પછીથી તેને ધોઈ કાઢીશું જેથી ફોતરાવાળી દાળના ફોતરા નીકળી જાય.હવે પાણી ના રહે તેમ આ મિશ્રણને નીતારી દઈશું.
આ મિશ્રણને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું .પરંતુ તેને કરકરું જ રાખવાનું હોવાથી ટુકડે ટુકડે ગ્રાઇન્ડ કરીશું. તૈયાર થયેલ કરકરું ખીરું બીજા વાસણમાં કાઢી તેમાં બે ચમચી ચોખાનો લોટ ઉમેરીશું, જેથી દાળવડા ક્રિસ્પી બનશે.
આ ખીરુંમાં હિંગ, મીઠું, લીલા મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ, સમારેલી કોથમીર અને લસણની પેસ્ટ (મરજીયાત) ઉમેરીને ભેળવી દો. હવે ખીરુંને હાથવલોણુ અથવા હાથથી એક જ દિશામાં ખૂબ સારી રીતે ફેંટો, જેથી ખીરું ફ્લપી બનશે અને ખીરુંનો રંગ પણ બદલાશે. આ ખીરુંથી ઇનો કે સાજીના ફૂલના ઉપયોગ વગર અંદરથી પોચા દાળવડા બનશે.
હવે તળવા માટે ગેસ ઉપર કઢાઈમાં તેલ મૂકીશું. તેલ થઈ જાય એટલે ગેસની ધીમી આંચે, તૈયાર થયેલ ખીરુંમાંથી નાના નાના દાળવડાના ડબકા મુકીશું. બે મિનિટ સુધી તેને થવા દઈશું પછી જ ફેરવીશું જેથી બધી બાજુથી સરસ તળાઇ જાય. ગોલ્ડન કલર થાય એટલે ઉતારતા જઇશું.
૩-૪ વ્યક્તિ માટે પૂરતાં ગરમાગરમ દાળવડા તળેલાં લીલા મરચાં અને સમારેલા કાંદા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
[1/30, 11:51 PM] Pradip: NOG S.S.NO.0059
પ્રકાર : ગદ્ય.
વિષય: વાનગી-રેસીપી.
શીર્ષક: મકાઈની ભેળ.
લેખકનુ નામ: જયકાન્ત ઘેલાણી.
‘ પ્યારે ‘.
શબ્દ સાંભળતાંજ સૌનો જઠરાગ્નિ ઉતેજીત થાય,ખાવાની અકલ્પનિય તડપ જગાવે તે ફક્ત
બે અક્ષરનો, જાદૂઈશબ્દછે,
ભેળ !
નામ, વાંચત,અને સાંભળતાજ,
હું,તમે અને સૌ કોઈ અનાયાસે, તેનાં આસીક* બનીએજ !
ચાલો તે શબ્દની માયાજાળ જાણીએ, અને માણીએ.
– મકાઈની ભેળ –
સામગ્રી: બે કપ,તાજી મકાઈનાં
દાણા.
એક નંગ કાચું કેળુ.
એક નંગ પાકું ટમેટુ.
એક નંગ તાજી કાકડી.
અડધો કપ દાડમનાં દાણા.
પા-કપ કાચાં શીંગદાણા. (1/4)
એક કપ ઝીણી સેવ.
બે કપ ખમણી ભૂકો.
એક નાની કાચી કેરી.
અડધું લીંબુ.
તીખી-મીઠી ચટણી.
સંચળ પાવડર, કોથમીર.
રીત:-કાચા બે કપ મકાઈ દાણાને,
અધ કચરા બાફી રાખો.
કાચાં કેળાનાં નાના-નાના ટુકડાં કરી તેને તળી રાખો.
કાચી શીંગ ને શેકી તેના ફોતરાં
કાઢી નાખો.
કાચી કેરીના તદ્દન નાના ટુકડા.
કાકડી- ટમેટાના નાના ટુકડાં કરીરાખો.
દાડમના દાણા પણ તૈયાર રાખો.
આ બધી સામગ્રી સરખી રીતે તૈયાર કરી એક તપેલામાં મીક્સ કરો,તેમા અડધું લીંબુ નીચોવી
સાથે સ્વાદાનુસાર તીખી-મીઠી ચટણી નાંખી બધું સરખી રીતે મીક્સ કરી રાખો.
પીરસતાં સમયે જરૂર મુજબ ઉપરથી ઝીણી સેવ તેમજ સંચળ પાવડર, પછી કોથમીર ભભરાવો.
આ ચટપટી ડીશ એટલે !
પ્રેમ, આત્મીયતાના ભાવ સાથેની લિજ્જતદાર, પૌષ્ટિક
“પ્યારે ‘ની ભેળ ” !
મુંબઈ,પ્રખ્યાત હતી,વિઠલનીભેળ
આજેગાજે જુહુ-ચૉપાટીની ભેળ
આવીરહીછે સૌની માનીતી ભેળ
તે, હું, પીરસીસ, પ્યારે”ની ભેળ .
‘ભેળ’ માનવજાતને,
જીવન જીવવાનો એક અતિ મુલ્યવાન સંદેશ આપે છે,
‘ભેળ’ પોતે,
ખાટાં- મીઠાં, તીખા- ખારા,
કડક- નરમ, ઘન-પ્રવાહી, સાથે હૉવા છતા દરેકને, અનુરુપ બનીને, કેટલી યાદગાર અને મનભાવન વાનગી બનીને રહે છે, તેમ આપણે,પણ દરેકને અનુરુપ બનીને આપણું જીવન જીવીએ તો આપણે પણ બધાનૉ પ્રેમ
સંપાદન કરીજ શકીએ.
©️જયકાન્ત ઘેલાણી ‘પ્યારે’
===================.