ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મેમ્બરો ની છેલ્લે આપેલ વિષય (સોગઠું,ચોપાટ,ખેલ) પૈકી પાંચ ગદ્ય રચનાઓ આજે પ્રસિદ્ધ કરવામાં આવી છે.
www.janfariyadnews.com
Email : prdpraval42@gmail.com
What’s up calling : 9824653073
નિર્ણાયક શ્રી : જયશ્રી પટેલ (વડોદરા )
NOG SS No :- 0022
વિષય : ચોસઠ
વિભાગ : ગદ્ય
પ્રકાર : વાર્તા
શીર્ષક : થોરનો કાંટો
લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
હિરાલાલને આશ્ચર્ય થયું કે અચાનક વિનોદ ગાયબ ક્યાં થઈ ગયો! પાછલા બે વર્ષમાં તેની એવી આદત પડી ગઈ હતી કે તેના વગર કંઈ સૂઝતું ન હતું. હવે ઈલેક્શન માથે હતું અને આવા સમયે વિનોદનું ગાયબ થવું હિરાલાલ માટે મુશ્કેલી ઊભી કરે તેવું હતું.
હિરાલાલ પાછલાં પચ્ચીસ વર્ષથી લેબર યુનિયનનાં અધ્યક્ષ હતાં.તેમની પેનલ હંમેશા જીતતી. આ વખતના ઇલેક્શનમાં પણ તેમની જીત ચોક્કસ હતી પણ વિનોદ વગર તે જાણે અપંગ થઈ ગયા હતાં.
બે વર્ષ પહેલાં વખાનો માર્યો વિનોદ તેમની પાસે આવ્યો ત્યારે ડ્રાઇવર તરીકે નોકરીએ રાખ્યો પણ બે-ત્રણ મહિનામાં જ હિરાલાલને અંદાજો આવી ગયો કે વિનોદનો વધુ સારો ઉપયોગ થઈ શકે. એક દિવસ તેમનો સેક્રેટરી અચાનક ગાયબ થયો એટલે વિનોદને તેની જગ્યાએ નોકરીએ રાખી લીધો. વિનોદ તેમનાં દરેક કામનું ધ્યાન રાખતો અને ઘણીવાર તેમને પૂછ્યા વગર નિર્ણય પણ લઈ લેતો પણ એવી રીતે નામ હિરાલાલનું થાય. સિત્તેરની ઉંમરે પહોંચેલા હિરાલાલ માટે સહારો બની ગયો હતો.
આ વખતના ઇલેક્શનમાં તે વિનોદને પોતાની પેનલમાં સમાવીને ઊભો રાખવા માગતાં હતા જેથી સાળાને ટાળી શકાય, પણ વિનોદના ગાયબ થવાને લીધે નાછુટકે મૂર્ખ સાળાને ઊભો રાખવો પડ્યો.
સામેની પેનલની યાદી જોઈને હિરાલાલ આશ્ચર્યમાં પડી ગયા કારણ વિનોદ વિરોધી પેનલમાંથી ઊભો હતો. તે ચાહીને પણ તેને મળી ન શક્યા. તેમને પોતાના વિરુદ્ધ થતાં ખોટાં પ્રચાર વિશે પણ જાણવાં મળ્યું. બહારનાને નહીં ઘરનાંને જ મહત્વ આપે છે. છેક પચ્ચીસ વર્ષે તેમનો રથ થોભી ગયો. તે હારી ગયા.
આશિર્વાદ લેવા આવેલા વિનોદે કહ્યું,”બાબુજી, હું માખનલાલનો પૌત્ર છું. યાદ છે માખનલાલ?”
તે નામ સાંભળતા જ પોતાની ભૂતકાળની કરતૂતો યાદ આવી ગઈ. પોતે થોર વાવ્યો હતો તો ભાગમાં કાંટા જ આવે ને, એમ વિચારીને પોતાના ઊપર હસ્યા. વિનોદને આશીર્વાદ આપતાં કહ્યું,”આ તેં કરેલી છેલ્લી રમત હોય એનું ધ્યાન રાખજે, નહીંતર મારી ઉંમરે પહોંચીશ ત્યારે કોઈ બીજો વિનોદ તને ખસેડી દેશે. લોકોનાં કામ કરજે.”
**************************************
NOG SS NO : 0038
વિભાગ :- ગદ્ય
શીર્ષક :- ભ્રષ્ટાચાર
કનું ખેતરનાં છેડે બેસીને કલબલ કરતાં પંખીને જોઈ રહ્યો હતો. કનુને જોઇને ત્યાંથી પસાર થતાં કનુના બે દોસ્ત વાતો કરી રહ્યાં હતાં કે ,”સારું થયું આપણે ના ભણ્યા નહિ તો કનુની જેમ આપણે પણ મગજ ઉપરનો કાબુ ખોઈ દેતા.”
બિચારો કનુ બાપ વિનાનો ..મા ને મહેનત કરતી જોઇને રમવા પણ ના જાય ને બાળપણથી ભણીને કઈક બનવાનું
નક્કી કરીને ખૂબ મહેનત કરતો.
કૉલેજમાં સારા ગુણ સાથે પાસ થઈને નોકરીની શોધમાં લાગી ગયો. જ્યાં જાય ત્યાં કઈ ને કંઈ કારણે સરકારી નોકરીમાં રહી જાય. એક જગ્યાએ એનાથી પાછળ નંબરવાળાને નોકરી મળતા કનુને જાણવા મળ્યું કે બે લાખ રૂપિયા ખવડાવ્યા સાહેબને ત્યારે પેલાને નોકરી મળી.
કનુ બહુ વિચારશીલ સ્વભાવનો વિચારવા લાગ્યો બે લાખ તો દૂર હું બે હજાર પણ ના આપી શકું.ભ્રષ્ટાચાર કેટલી હદ સુધી ચાલે છે એ વિચારી કનુ દુઃખી થઈ જતો.
આમ ને આમ નોકરી માટે ઠોકર ખાતો કનુ રાત્રે ઊંઘે પણ નહિ ને દિવસે ને દિવસે એના મગજ ઉપરનો કાબૂ ગુમાવતો ગયો.ભ્રષ્ટાચાર જેવા દૂષણ સામે કનુ હારી ગયો.
મા પણ દીકરાની આવી હાલત જોઈ વધુ જીવી ના શકી.
ભ્રષ્ટાચારના દાવાનળમાં કનુની જિંદગી હોમાઈ ગઈ. આજે પાગલ બની આખા ગામમાં બીચારો બની ભટકે છે. આવી તો કેટલાયની જિંદગી આ ભ્રષ્ટાચારરૂપી દાનવ
ભરખી ગયો હશે.
✍️ શીલા પટેલ “આકાંક્ષા”
ગાંધીનગર.
*****************************************
ન્યુઝ ઓફ ગાંધીનગર
વિષય : જુગાર,દાવ
શીર્ષક : જુગાર કે જુગાડ
પ્રકાર : ગદ્ય (લેખ)
NG 0052
જુગારી જેમ હારે તેમ બમણો દાવ રમે છે.આ રમત રમનારા ક્યારેય ફાવ્યાં તો નથી જ.તે પ્રકારની મૂર્ખામી જાણવાં છતાં વારંવાર કરે છે અને તેમાને તેમાં જે હોય તેમાંનું બધું સર્વસ્વ ખોઈ નાંખે છે.એક પ્રકારનું વ્યસન જ તો છે આ જુગાર.
જુગાર ખેલ ઘણો પેચીદો છે,તેમાં સફળતા પણ અને નિષ્ફળતા પણ સામેલ છે.જો કે હાલનું જીવન ધોરણ જુગાર નહી પણ જુગાડ કરવા જેવું જરૂર કહી શકાય.
નવાં નવાં સાહસ ખેડી સફળતાં માટે પરિશ્રમ કરનારાં માટે આ ખેલ/રમત માત્ર હાર-જીત જ નહી નવાં અનુભવ,નવા વિકલ્પો, તેમજ આવનારા ભવિષ્ય માટેની પગદંડી સમાન સાબિત થાય છે જેનો ઈતિહાસ સાક્ષી રહ્યો છે.
જુગાડ કરવો અને જુગાર રમવો બન્ને તેમની જગ્યા પર અલગ સ્થાન ધરાવે છે.જુગાર રમવાથી ઘર,પરિવાર,રાજપાટ બધું ખોવાનો વારો આવે છે જે આપણે મહાભારત જેવા ગ્રંથમાંથી શીખી ચૂક્યાં છે.
અહીં જુગાડ કરવો તે શબ્દની વ્યાખ્યા શું હોઈ શકે?
માની લો કે…કોઈ કામ અટકી પડયું હોય,તમારી પાસે કોઈ રસ્તો શેષ બચ્યો ન હોય,તેવાં સમયે ઈશ્વર પર શ્રદ્ધા રાખી,એક ઉંડા શ્વાસ સાથે પોતાની સૂઝબૂઝથી મન અને હૃદયનાં કહેવા અનુસાર વર્તવું અને તે પછી જે પરીણામ આવે તેની આતુરતાપૂર્વક રાહ જોવી.
કટોકટી સમયે કરવામાં આવતો જુગાડ કયાંતો તમારી નૈયા પાર લગાવે ક્યાંતો ડૂબાડે છે.મેચ જીતવા માટે આખરી ઓવરોમાં ખેલાડી તરફથી અપનાવવામાં આવતો અભિગમ જ જોઈ લ્યો.તે પરીણામ જીત હોઈ શકે કે હાર.
ઘણી નામચીન હસ્તિઓ આ ફોર્મ્યુલામાંથી પસાર થઈ આજે તેમની જગ્યા પર અવ્વલ પહોંચી છે.
એક સમયે જેનાં અવાજ અને કદ-કાઠી જોઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ નકારી કાઢેલા કલાકારને આજે આપણે મિલેનિયમ સુપરસ્ટાર તરીકે ઓળખી શકયા છીએ,તેમની અદાકારી ને માણી શકયા હોય,તે બીજું કોઈ નહી પણ અમિતાભ બચ્ચન છે.
શરુઆતમાં થયેલી ટીકા,અવગણનાં ને જો ભૂતકાળમાં માની લીધી હોત તો,મહાનાયક મેળવી શક્યા હોત?
પરિસ્થિતિ સામે ઝઝૂમતી રહી આ નાયક પોતાની એક અલગ ઓળખ પ્રસ્થાપિત કરવામાં કામયાબ રહ્યાં તો તે પાછળ તેમનો જુગાડ કહીએ તેમાં બેમત હોઈ શકે જ નહી.
જીવનમાં જુગાર ન રમતાં જેને જુગાડ કર્યો છે,તે કાંઈક શીખ સાથે નવાં અનુભવોમાંથી પાકટ જરૂર બન્યો હશે અથવા ઘડાયો હશે તેમ કહીએ તો પણ અતિશયોકિત નથી.
સંજય તરબદા “સાંજ”✍🏻
વડોદરા
******************************
NOG SS No : 0 071
વિષય : ખેલ
વિભાગ :ગદ્ય
શીર્ષક : છળ
અવની તું આ શું કરી રહી છે? તું રૂબીનાને છેતરી રહી છે, જો તો ખરી જરા,4 વર્ષ પછી તે અચાનક રૂબીનાનો સંપર્ક કર્યો તો ય રૂબીનાએ જરાય શક નથી કર્યો તારા પર, અને આજે રૂબરૂ પણ તું અચાનક પહેલેથી જાણ કર્યા વગર જ મળી તો ય કેટલી ઉમળકાભેર તને ભેટી પડી…! બીજાની વાતમાં આવીને તું તારી જ best ફ્રેન્ડ સાથે છળ કરી રહી છે? અવનીનું અંતરમન જાણે એને ધિક્કારી રહ્યું હતું.
અવની અને રૂબીના કોલેજમાં સાથે હતાં, કોલેજ પૂરી થતાં છુટા પડ્યાં બાદ પંખુડીએ એકવાર સમાચાર આપ્યા કે રૂબીનાને સિરાજ સાથે અફેર છે, સાંભળીને જોરદાર ઝાટકો લાગ્યો અવનીને, કારણ રૂબીના અને તે best ફ્રેન્ડ હતાં, છતાં આવી કોઈ વાતની તેને જાણ ના હતી અને પંખુડી ને આ વાત ખબર કેવી રીતે પડી? બસ પછી તો અવનીએ જ વાતચીત બંધ કરી દીધી હતી, અને રૂબીના પણ વ્યસ્તતામાં આ ફેર જોઈ ન શકી, થોડા જ સમયમાં રૂબીનાનાં લગ્ન માબાપની મંજૂરીથી તેની જ જ્ઞાતિનાં સોહેલ સાથે થઈ ગયાં,લગ્નમાં ખાસ આમંત્રણ આપ્યું હોવા છતાં અવની ના આવતા રૂબીનાને દુઃખ જરૂર થયું, પણ સાસરે આવતા નવા ઘર, નવા માહોલમાં તે બધું ભૂલી ગઈ.
આ વાતને ચાર વર્ષ વીતી ગયા, ગયા મહિને સિરાજે પણ અચાનક જ અવનીનો સંપર્ક કર્યો અને રીતસર આજીજી કરવા લાગ્યો કે એકવાર એની રૂબીના સાથે વાત કરાવી આપે અવની, લગ્ન પછી પણ રૂબીના સાથે એને સંબંધ હતો પણ છેલ્લા છ મહિનાથી રૂબીનાએ બોલવાનું સાવ બંધ કર્યું છે અને તેને બધી જગ્યાએ બ્લોક કર્યો છે, એકવાર સંબંધ તોડવાનું કારણ બતાવી દયે પછી એ ક્યારેય રૂબીનાને હેરાન નહિ કરે.
ચાર વર્ષથી પોતે જ સંબંધ નોહતો રાખ્યો એટલે હવે કઈરીતે ફરી શરું કરવો એની અવઢવમાં અવની પાસા ગોઠવવાં લાગી, સિરાજ પાસેથી શક્ય એટલી વાત કઢાવી હતી, અને હવે રૂબીનાને વાતોની માયાજાળમાં ગુંચવાવીને કઈ રીતે આ બધી વાત જાણવી એ પ્યાદા ગોઠવવાં લાગી અવની.
પોતાની શતરંજની પહેલી ચાલમાં તે અચાનક રૂબીનાની ઘરે જઈ ચડી, પણ ત્યાં જઈને જોયું તો રૂબીના એના સંસારમાં ખૂબ ખુશ લાગી, ખૂબ હેતથી એ મળી અને એની સાસરિવાળા એ પણ ખૂબ સારો આવકાર આપ્યો એને, તેથી જ ત્યાંથી નીકળી તો એનું જ મન એને ધિક્કારી રહ્યું હતું
પારૂલ ઠક્કર “યાદ”
ભાવનગર
************************************
[NOG SS NO-0031
વિભાગ-ગદ્ય
વિષય-ખેલ
શીર્ષક-અનંત પ્રેમ
નિશા પર નિરવનો પ્રેમ અનંત આકાશની જેમ
છવાઇ ગયેલો હતો.તે હંમેશા એવું જ વિચારતી કે જેમ આ આકાશનો કોઇ અંત નથી તેમ અમારા પ્રેમનો પણ ક્યારેય અંત નહીં આવે.
છેલ્લા બે વર્ષથી નિશા અને નિરવ દિવસના ચારેક કલાક તો સાથે જ વિતાવતાં અને જોડે ન હોય ત્યારે ફોનમાં કે મેસેજ દ્વારા તેમની વાતો ચાલુ જ રહેતી.બન્ને વાતોમાં તેમના લગ્નજીવન પછીના સપનાં સજાવતાં રહેતા.નિશા તો નિરવના પોતાના જીવનમાં
આવતાં જ દુનિયા ભૂલી ગઇ હતી.હંમેશા તેનામાં જ ખોવાયેલી રહેતી.નિરવનું પણ એવું જ હતું.
પરંતુ છેલ્લા ત્રણ ચાર મહિનાથી નિરવે નિશાને મળવાનું અને ફોન કે મેસેજ કરવાનું ઓછું કરી નાખ્યું હતું.નિશા આ બાબત નિરવને પૂછતી તો એ કહેતો, “જાનુ હવે થોડા સમયમાં જ આપણે લગ્ન કરી લેવા છે. માટે અત્યારે હું મારા કામમાં ધ્યાન દઇ સારી કમાણી કરી લઉં જેથી લગ્ન પછી આપણે થોડો સમય એકબીજા સાથે સારી રીતે પસાર કરી શકીએ.”
નિશાને નિરવની આ વાત એકદમ યોગ્ય લાગી.પોતે પણ લગ્ન માટેની તૈયારીઓ કરવા લાગી.
એક દિવસ નિશા ખુલ્લી આંખે ભવિષ્યનાં મીઠાંસ સપનાં જોઇ રહી હતી ત્યાં જ નિરવનો ફોન આવ્યો.ફોનમાં નિરવનું નામ ફ્લેશ થતાં જ તેનું દિલ બાગ બાગ થઈ ઉઠ્યું.તેણે તરત જ ફોન ઉઠાવ્યો અને
નિરવ જોડે વાત થતાં જ એની ખુશીનો પાર ન રહ્યો.કેમકે નિરવે આજે એક ખાસ વાત કહેવા તેને મળવા બોલાવી હતી.નિશાને એ ખાસ વાત પોતાના લગ્ન માટેની જ હશે એ ખ્યાલ આવી ગયેલ.સાંજે એ સજી ધજીને એ જ કાફે પર ગઇ જ્યાં એ અને નિરવ કાયમ મળતાં.તે પહોંચી ત્યારે નિરવ તેની રાહ જોઈ રહ્યો હતો.બન્ને વચ્ચે ઔપચારિક વાતચીત થઇ.
નિશાએ કહ્યું કે “નિરવ હવે તો કહે કે એ કઇ ખાસ વાત છે જેના માટે આપણે મળ્યાં છીએ.”આ સાંભળતા જ નિરવે પોતાના લગ્નની કંકોત્રી નિશાનાં હાથમાં મૂકી
અને કહ્યું લગ્નમાં જરૂરથી આવજે.
કંકોત્રી વાંચતા જ નિશા આંખમાં આંસુની સાથે ફક્ત એટલું જ બોલી શકી”શું આપણો પ્રેમ તારા પ્રત્યે ની મારી અસહ્ય લાગણી એ બધું તારા માટે એક ખેલ એટલે કે એક રમત માત્ર હતી.તે મારી લાગણીઓનો જરા પણ વિચાર ન કર્યો?” અને નિશાએ ઉપર જોયું તો તેની સામેથી નિરવ ચાલ્યો ગયો હતો અને એ એકલી જ રહી ગઇ હતી.
મેઘલ ઉપાધ્યાય ‘મેઘુ’ રાજકોટ