9 ઓગસ્ટ.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો (ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)janfariyadnews youtube channel links જૂવો.

9 Ng pdf (2)

(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)

[8/7, 8:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણ પ્રિય અને આધુનિક બની રહ્યું છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
……
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાતની ‘ચેન્જ ઓફ ગાર્ડ’ સેરેમની યોજાઈ*
…….
–: મુખ્યમંત્રી શ્રી:–
• ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળીશું એવા આત્મવિશ્વાસ સાથે આ સેક્ટર આગળ વધી રહ્યું છે

• રિયલ એસ્ટેટ સેક્ટર નીતિ નિર્માણની પ્રક્રિયામાં રચનાત્મક સૂચનો આપીને સહભાગી બને

• બાંધકામ ક્ષેત્રે ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે આત્મનિર્ભર બનવાનું છે
…….

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાત દ્વારા વાર્ષિક સામાન્ય સભા અને ‘ચેન્જ ઓફ ગાર્ડ’ સેરેમનીનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાતના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી.

આ નવા હોદ્દેદારો આગામી ૨૦૨૫-૨૬ના કાર્યકાળ માટે પદભાર સંભાળશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે દુનિયા જાણે છે કે ભારત વૈશ્વિક લક્ષ્યો હાંસલ કરવા માટે સક્ષમ બન્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળીશું એવા આત્મવિશ્વાસ સાથે આ સેક્ટર આગળ વધી રહ્યું છે.”

તેમણે ગુજરાત સરકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ નીતિઓની ભૂમિકા આપતા કહ્યું કે, આ નીતિઓને કારણે રાજ્યમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણ પ્રિય અને આધુનિક બની રહ્યું છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે રિયલ એસ્ટેટ સેક્ટર સરકારની નીતિઓથી સંતુષ્ટ છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, નવી કન્સ્ટ્રક્શન સાઈટમાં ગ્રીન કવર અને વોટર હાર્વેસ્ટિંગ જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર ઈચ્છે છે કે ગુજરાતનું રિયલ એસ્ટેટ સેક્ટર નીતિ નિર્માણની પ્રક્રિયામાં રચનાત્મક સૂચનો આપીને સહભાગી બને.

તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ પર ભાર મૂકીને કહ્યું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે આપણો દેશ આત્મનિર્ભર બને.

સરકાર રિયલ એસ્ટેટ સેક્ટરની તમામ રજૂઆત સાંભળવા તૈયાર છે સાથે જ કોઈ ગેરલાભ ન લઈ જાય તેનું પણ સરકાર ધ્યાન રાખે છે.

તેમણે ઉમેર્યું કે, આપણે બાંધકામ ક્ષેત્રે ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે આત્મનિર્ભર બનવાનું છે. દરેક સ્કીમ ગ્લોબલ સ્ટાન્ડર્ડની બને અને એક પણ ઇંચનું ખોટું બાંધકામ નથી જ કરવાનું એવા અભિગમ સાથે આગળ વધવાનું છે.

આ પ્રસંગે શ્રી ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, “અમદાવાદને ગિફ્ટ સિટી, ઓલમ્પિક ડ્રીમ અને ધોલેરા જેવા મોટા પ્રકલ્પો મળ્યા છે, એટલે અમદાવાદ એક આધુનિક યુગના નવા જંકચર પર ઊભું છે. ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરનો વિકાસ રાજ્ય સરકારના સહકારથી આકાશને આંબી રહ્યો છે.”

નવનિયુક્ત પ્રમુખ શ્રી આલાપ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, “અમદાવાદ સમગ્ર દેશનું ફાઈનાન્સિયલ કેપિટલ અને ઇન્ડસ્ટ્રીયલ હબ બનવા તરફ અગ્રેસર છે. સમગ્ર વિશ્વનું ધ્યાન અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર છે, ત્યારે રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા સૌ સ્ટેક હોલ્ડરની જવાબદારી વધી જાય છે.”

આ કાર્યક્રમમાં ક્રેડાઈ ગુજરાત અને અમદાવાદના નવા હોદ્દેદારોની નિમણૂક સાથે, ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ માટે સરકાર અને ઉદ્યોગ વચ્ચેના સહકારને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અમદાવાદ સહિત ગુજરાત ભરના રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા વ્યવસાયીકો ઉપસ્થિત રહ્યા હતા.
……
[8/8, 11:22 AM] Dilip Gajjar.Mahiti.Press: *‘વિશ્વ સિંહ દિવસ’-૨૦૨૫*
*ગુજરાતમાં આવેલું ‘બરડા વન્યજીવ અભયારણ્ય’ :*
*એશિયાટિક સિંહ માટેનું વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક સંરક્ષણ રહેઠાણ*
…………………….
 *વર્ષ ૨૦૨૫ની ગણતરી મુજબ બરડામાં કુલ ૧૭ સિંહોની હાજરી નોંધાઈ*
 *બરડો અભયારણ્ય ૨૬૦થી વધુ પ્રાણીઓ-જળચર પક્ષીઓનું નિવાસ્થાન*
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
‘બરડા વન્યજીવ અભયારણ્ય’, જેને સ્થાનિકોમાં ‘બરડો’ તરીકે ઓળખવામાં આવે છે, આ સ્થળ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા અતિમહત્વપૂર્ણ જૈવવિવિધતાવાળા પ્રદેશોમાંથી એક છે. વર્ષ ૧૯૭૯માં અભયારણ્ય તરીકે જાહેર થયેલું બરડા, ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું. આજે તે એશિયાટિક સિંહના સંરક્ષણ માટે વિકસાવવામાં આવેલા વ્યાપક દ્રષ્ટિકોણ હેઠળનું મહત્વપૂર્ણ રહેઠાણ બની ગયું છે.

‘એશિયાટિક સિંહ’ એ ગુજરાત અને ભારતની શાન છે, ગુજરાતના એશિયાઈ સિંહ રાજ્યનું ઘરેણું છે. ભૌગોલિક પરિસ્થિતિ-આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમથી જ સિંહનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધ્યું છે.

દર વર્ષે તા. ૧૦ ઓગસ્ટે ગુજરાત સહિત વિશ્વભરમાં ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવવામાં આવે છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં વ્યાપક અને પરિણામલક્ષી પગલા સતત લેવાઈ રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વર્ષ ૨૦૦૧માં સિંહની સંખ્યા ૩૨૭, વર્ષ ૨૦૦૫માં ૩૫૯, વર્ષ ૨૦૧૦માં ૪૧૧, વર્ષ ૨૦૧૫માં ૫૨૩ અને વર્ષ ૨૦૨૦માં ૬૭૪ હતી તે હવે વર્ષ ૨૦૨૫માં વધીને ૮૯૧ થઈ છે.

બરડો અભયારણ્ય લગભગ ૧૯૨.૩૧ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેમાં પથરાયેલા ડુંગરો, ઋતુગત નદીઓ, ઉચ્ચપ્રદેશ, પાનખર જંગલો, વાંસના ઝાડ તથા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો સામેલ છે. કિલગંગા અને ઘોડાદરા જેવી નદીઓ તેમજ આભાપરા અને વેણુ ટેકરીઓ બરડાની ભૌગોલિક ઓળખ બનાવે છે.

*પર્યાવરણીય મહત્વ :*
અહી ૬૫૦થી વધુ વનસ્પતિઓની જાતિઓ નોંધાયેલી છે, જેમાં ઔષધીય છોડ, શાકાહારી ઘાસ અને ઇમારતી વૃક્ષોનો સમાવેશ થાય છે . આ ઉપરાંત, અહીંની જીવસૃષ્ટિમાં ચિતલ, સાંભર, નિલગાય, જંગલી ભૂંડ, શાહુડી, ઝરખ અને દિપડા નિયમિત પણે જોવા મળે છે. સાથે ગીઘ, ગરુડ અને સ્થળાંતર કરનાર જળચર પક્ષીઓ સહિત ૨૬૦ થી વધુ પ્રજાતિઓ પણ અહી જોવા મળેલ છે જે શાકાહારી તથા માંસાહારી પ્રાણીઓ એમ બંને માટે ઉપયોગી નિવાસ સ્થાન બનાવે છે.

*સિંહની પુનઃસ્થાપના – કુદરતી વસવાટ અને વ્યવસ્થિત પુનઃપ્રસ્તાવના :*
વર્ષ ૧૮૭૯ બાદ બરડામાંથી એશિયાટિક સિંહ લુપ્ત થઇ ગયા હતા. Habitat અને Prey Availability (શિકાર પ્રાણીઓની હાજરી) સુધારવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં જટિલ વિજ્ઞાન આધારિત વ્યવસ્થાઓ અમલમાં મૂકાઈ છે. તેના પરિણામે, વર્ષ ૨૦૨૩માં એક પુખ્ત નર સિંહ કુદરતી રીતે બરડામાં પ્રવેશી સ્થાયી થયો.

સ્વનિર્ભર સિંહ સમૂહ વિકસે તે માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન હેઠળના કાર્યક્રમમાં ગુજરાત વન વિભાગ દ્વારા વિસ્તૃત આરોગ્ય તપાસણીઓ અને વર્તણૂક મૂલ્યાંકન બાદ પાંચ પુખ્ત માદા સિંહને બરડા વિસ્તારમાં સ્થળાંતરીત કરવામાં આવી. આ સુઆયોજિત પ્રજાતિ મજબૂતીકરણ(species reinforcement)ના પગલે કુદરતી રીતે બચ્ચા જન્મ્યા અને એક નાનું પ્રાઇડ વિકસ્યું. છેલ્લી વર્ષ ૨૦૨૫ની ગણતરી મુજબ બરડામાં કુલ ૧૭ સિંહોની હાજરી નોંધાઈ હતી. આ પ્રમાણને આધારે બરડાને પ્રોજેક્ટ લાયન હેઠળ સેટેલાઈટ પોપ્યુલેશન – ૮ તરીકે જાહેર કરવામાં આવ્યું, જે સંપૂર્ણ રીતે રક્ષિત વિસ્તારમાં (Protected Area) વસેલી પહેલે સેટેલાઈટ વસાહત બની.

*માલધારી સમુદાય અને સહઅસ્તિત્વનું મોડેલ :*
અભયારણ્યના આંતરિક વિસ્તારોમાં લગભગ ૧૨૦૦ જેટલા માલધારી પરિવાર આશરે ૬૮ નેસોમાં વસે છે. તેઓ પેઢીદર-પેઢી પશુપાલન અને અનુકૂળ પર્યાવરણીય જીવનશૈલી અપનાવે છે. રબારી, ભરવાડ અને ગઢવી સમુદાયો પણ અહીંના સામાજિક પરિપ્રેક્ષ્યનો ભાગ છે. વનવિભાગ દ્વારા સ્વૈચ્છિક પુનર્વસન અને ઇકો-ડેવલપમેન્ટ કમિટીના માધ્યમથી સ્થાનિક સહભાગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, આજીવિકા, પશુ આરોગ્ય અને જાગૃતિ કાર્યક્રમો અમલી બનાવાયા છે.

*વૈજ્ઞાનિક સંરક્ષણ વ્યવસ્થાઓ:*
 *શિકાર પ્રાણીઓની વધારાની વ્યવસ્થા:* ચિતલ અને સાંભરના સંવર્ધન માટે અભયારણ્યમાં સંવર્ધન કેન્દ્રો અને તેમના મુક્તિ માટે વ્યવસ્થિત કામગીરી હાથ ધરાઈ છે.
 *આક્રમક જાતિઓનું નિયંત્રણ:* પ્રસોપીસ, લેન્ટેના અને કસિયા ટોરા (ચકુંદા) જેવા ઉપદ્રવી છોડ દૂર કરીને સ્થાનિક ઘાસના મેદાનો પુનઃસ્થાપિત કરવામાં આવે છે.
 *વાઈલ્ડલાઈફ હેલ્થ મેનેજમેન્ટ:* મોબાઇલ વેટનરી યુનિટ, અલગીકરણ તબક્કા, રેસ્ક્યૂ ટિમો અને નિયમિત આરોગ્ય કેમ્પો દ્વારા વન્યજીવોના આરોગ્યની દેખરેખ રાખવામાં આવે છે.
 *પ્રોટેક્શન મેજર્સ* (Protection measures) : જીપીએસ ટ્રેકિંગ, કેમેરા ટ્રેપ, ડ્રોન નિરીક્ષણ અને રાત્રિ પેટ્રોલિંગ જેવી તકનિકી વ્યવસ્થાઓ વન્યજીવોની દેખરેખ માટે લાગુ કરવામાં આવી છે.

*ઇકો-ટૂરીઝમ અને જાહેર જાગૃતિ :*
વન વિભાગ દ્વારા શરૂ કરાયેલ બરડા જંગલ સફારી દ્વારા પ્રશિક્ષિત સ્થાનિક માર્ગદર્શકો મુલાકાતીઓને અભયારણ્યનું સંવેદનશીલ અને નિયંત્રિત અન્વેષણ કરાવે છે. મુલાકાતી સુવિધાઓમાં પાર્કિંગ, આરામગૃહ, પીવાનું પાણી અને માહિતી બોર્ડ જેવી વ્યવસ્થાઓ વિકસાવવામાં આવી છે. આ મોડલ સ્થાનિક લોકો માટે રોજગાર ઊભું કરે છે અને સંરક્ષણ પ્રત્યે જાહેર સહભાગિતાને પ્રોત્સાહન આપે છે.

*નિષ્કર્ષ :*
બરડા એશિયાટિક સિંહ માટેનું એક વિકસતું અને સશક્ત વૈકલ્પિક રહેઠાણ છે. કુદરતી વસવાટ, વિજ્ઞાન આધારિત પ્રજાતિ મજબૂતીકરણ (species reinforcement), નિવાસસ્થાન પુનઃસ્થાપન (habitat restoration)અને સમુદાય સહભાગિતાથી બનતું આ મિશ્રણ પ્રજાતિ પુનઃપ્રાપ્તિ(species recovery)નું નમૂનાત્મક મોડેલ રજૂ કરે છે. અહીંથી આવતી ગર્જના માત્ર સિંહની નથી પણ ગુજરાતના ઘરેણા સમાન સિંહ સંરક્ષણ દ્રષ્ટિકોણની સફળતા અને સંવેદનશીલ કામગીરીની સાક્ષી પૂરે છે.
જનક દેસાઈ ………………….
[8/8, 11:36 AM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ*
***
*મુખ્યમંત્રીશ્રીએ અર્બન ફોરેસ્ટ પાર્કમાં મૂકવામાં આવેલી શ્રી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું*
***
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપીપી ધોરણે ડેવલોપ કરવામાં આવેલા અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ અવસરે મુખ્યમંત્રી શ્રીએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું.

લાંભા વોર્ડમાં ત્યાર થયેલા અર્બન ફોરેસ્ટની વાત કરીએ તો ૪૪૬૪ ચોરસ મીટરમાં રૂ. ૫૫ લાખના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરીને તૈયાર કરવામાં આવ્યો છે.
મિયાવાકી પદ્ધતિથી સાગ, ખેર, વાંસ, સીરસ, સીસુ, અર્જુન વિગેરે ઇન્ડીજીનસ પ્રકારનાં કુલ ૮,૦૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ૨૫૦ રનીંગ મીટર લંબાઇનો વોક-વે ત્યાર કરવામાં આવ્યો છે.

આ અર્બન ફોરેસ્ટ પાર્કના લોકાર્પણ અવસરે અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનીધી પાની, શહેર વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટર શ્રીઓ, મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે.
ક્લીન સિટી અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની નેમ પાર પાડવા મહાનગરપાલિકાએ મુખ્યમંત્રીશ્રીના દિશા સૂચનમાં ચાલીસ લાખ વૃક્ષો વાવવાનું મિશન ફોર મિલિયન ટ્રિઝ-૨૦૨૫ ઉપાડ્યું છે.

મિશન ફોર મિલીયન ટ્રીઝ ૨૦૨૫ અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ ૪૦ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે. જે પૈકી ૭ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં કુલ ૨૭,૧૧,૪૪૩ વૃક્ષો રોપવામાં આવ્યા છે.
આમ, ૪૦ લાખનાં લક્ષ્યાંકની સામે ૬૬.૭૭ ટકા વૃક્ષારોપણની સિદ્ધિ અમદાવાદ મહાનગરપાલિકાએ હાંસલ કરી છે. આગામી સમયમાં ઝડપથી બાકીના વૃક્ષો રોપવાની કામગીરી પૂર્ણ કરાશે.

અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિયાવાકી પદ્ધતિ તેમજ પ્લોટોમાં ગીચ વૃક્ષારોપણ થકી અત્યાર સુધીમાં ૧૯૮ જેટલાં પ્લોટમાં ઓક્સિજન પાર્ક/ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
અમદાવાદના ઝોન મુજબ વાત કરીએ તો, પૂર્વ ઝોનમાં ૫૮, પશ્વિમ ઝોનમાં ૩૦, ઉત્તર ઝોનમાં ૨૯, દક્ષિણ ઝોનમાં ૧૮, ઉત્તર પશ્વિમ ઝોનમાં ૩૨ તેમજ દક્ષિણ પશ્વિમ ઝોનમાં ૩૧ એમ થઇને કુલ ૧૯૮ ઓક્સિજન પાર્ક/અર્બન ફોરેસ્ટનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અમદાવાદ શહેરમાં કુલ ૩૧૦ પબ્લિક ગાર્ડન આવેલા છે, જેમાં મધ્ય ઝોનમાં ૧૯, પૂર્વ ઝોનમાં ૩૦, પશ્વિમ ઝોનમાં ૮૨, ઉત્તર ઝોનમાં ૪૦, દક્ષિણ ઝોનમાં ૪૦, ઉત્તર પશ્વિમ ઝોનમાં ૬૮ તેમજ દક્ષિણ પશ્વિમ ઝોનમાં ૩૧ પબ્લિક ગાર્ડનનો સમાવેશ થાય છે.

અમદાવાદના બગીચા ખાતા દ્વારા છેલ્લા ૬ વર્ષમાં કુલ ૧ કરોડથી વધુનું વૃક્ષારોપણ કર્યું છે.

છેલ્લાં ૬ વર્ષમાં થયેલા વૃક્ષારોપણની વાત કરીએ તો, વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ૧૧,૫૮,૩૮૭ વૃક્ષારોપણ, વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૧૦,૧૩,૮૫૬ વૃક્ષારોપણ, વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૨,૮૨,૦૧૪ વૃક્ષારોપણ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૦,૭૫,૪૩૧ વૃક્ષારોપણ તેમજ વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં ૨૦,૦૬૧,૯૦, ૨૦૨૪-૨૦૨૫માં ૩૦,૧૩,૧૫૧ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
***
[8/8, 11:42 AM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1mLUi8AZ2_5ML52iNhX0rWDv1gt8a0yBi?usp=sharing
[8/8, 12:03 PM] Dilip Gajjar.Mahiti.Press: ગાંધીનગર

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની થઈ જાહેરાત

માનનીય રાજ્યપાલશ્રી સાતમા સત્રનું કર્યું આહ્વાન

તારીખ : 8, 9 અને 10 સપ્ટેમ્બર રહેશે ચોમાસુ સત્ર

આજથી તારીખ 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યશ્રીઓ તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે

વિધાનસભા અધ્યક્ષશ્રી શંકર ચૌધરીએ ચોમાસુ સત્ર સંબંધિત આપી માહિતી

ગુજરાત વિધાનસભાએ બહાર પાડ્યું સત્ર સંબંધિત જાહેરનામું
[8/8, 12:15 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાખડીના તાંતણે ગૂંથાઈ આત્મનિર્ભરતાની નવી ગાથા…!!!*
———————————————
*ગુજરાતના ૧૫૦થી વધુ સ્વ-સહાય જૂથની ૧૫,૦૦૦થી વધુ બહેનોએ રાખડી બનાવીને આવકનો નવો સ્ત્રોત ઊભો કર્યો*
———————————————
* *ગાંધીનગર જિલ્લાના જય ગજાનંદ મિશન મંગલમ સખીમંડળની પ્રત્યેક બહેનોએ ફુરસતના સમયમાં રાખડી બનાવીને વાર્ષિક રૂ. ૭૨,૦૦૦ની આવક મેળવી*

* *નવસારી જિલ્લાના રામદેવપીર સખીમંડળને રાખડીના વેચાણ માટે “વન સ્ટેશન, વન પ્રોડક્ટ” અંતર્ગત નવસારી રેલવે સ્ટેશન ખાતે સ્ટોલ ફાળવવામાં આવ્યો*

* *રાજ્ય સરકારે વિવિધ જિલ્લામાં રાખી મેળાનું આયોજન કરીને સખીમંડળની બહેનોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું*

* *સખીમંડળ દ્વારા સ્થાનિક વસ્તુઓથી બનાવવામાં આવેલી ઇકોફ્રેન્ડલી રાખડીઓનું ધૂમ વેચાણ થયું*
———————————————
ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર શ્રાવણને તહેવારના મહિના તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમને ઉજવવાનો તહેવાર, રક્ષાબંધન પણ આ પવિત્ર મહિના દરમિયાન જ આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે, રાખડી બાંધીને તેમની રક્ષા માટે પ્રાર્થના કરે છે. ગુજરાતમાં રક્ષાબંધનનો તહેવાર સ્વ-સહાય જૂથની અનેક બહેનોના આત્મનિર્ભરતા અને સશક્તિકરણની ગાથા બની રહ્યો છે. રાજ્ય સરકારના પ્રોત્સાહનથી રક્ષાબંધન નિમિત્તે રાજ્યના અનેક સ્વ-સહાય જૂથની બહેનો અવનવી ડીઝાઇનની રાખડીઓ બનાવીને અને તેનું વેચાણ કરીને આત્મનિર્ભર બની રહી છે.

માત્ર હાથથી બનાવેલી રાખડી જ નહિ, પરંતુ રક્ષાબંધન તહેવારને અનુરૂપ ગિફ્ટ હેમ્પર્સ પણ બનાવે છે. જેમાં આ બહેનો રાખડી, મીઠાઈ, કંકાવટી, આરતીની સુશોભિત થાળી જેવી વિવિધ વસ્તુઓનો સમાવેશ કરે છે. ગુજરાતભરના ૧૫૦થી વધુ સ્વ-સહાય જૂથની આશરે ૧૫,૦૦૦થી વધુ બહેનો રાખડી અને ગિફ્ટ હેમ્પર્સ બનાવીને તેનું રીટેઈલ અને હોલસેલ વેચાણ કરીને સન્માનજનક આવક મેળવી રહી છે.

આ બહેનો દ્વારા હાથથી બનાવવામાં આવતી આ રાખડીમાં સાડી, કપડાના ટુકડા, માટી, શણ, છાણ જેવી ઇકો ફ્રેન્ડલી ચીજ-વસ્તુઓનો સમાવેશ કરીને તેને સ્થાનિક સ્થાનિક કલાથી શણગારવામાં આવે છે. સ્થાનિક વસ્તુઓથી બનેલી આ રાખડી બજાર ભાવની તુલનાએ સસ્તી અને ભાવનાત્મક રીતે જોડાયેલી હોવાથી તેનું સ્થાનિક બજાર, સરસ મેળા, સ્કૂલો, ઓફિસો અને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર ધૂમ વેચાણ થઇ રહ્યું છે. આ રાખડીઓ માત્ર સુતરનો તાંતણો નથી, પણ આ બહેનોના સપના, મહેનત અને આશાનું પ્રતીક છે.

રાખડી બનાવતી સ્વ-સહાય જૂથની બહેનોને વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં “રાખી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાખી મેળામાં રાખડીઓની સાથે સખી મંડળની બહેનો દ્વારા તહેવાર માટે તૈયાર કરાયેલી મીઠાઈઓ, આરતીની સુશોભીત થાળી, કંકુ અને ચોખા માટે ડેકોરેટિવ કંકાવટી, ફરાળી તેમજ અન્ય નાસ્તાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

*ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
ગુજરાતના અનેક ગામોમાં એવી ઘણી મહિલાઓ હતી, જેમની પાસે કલા અને સર્જનશીલતા હતી પરંતુ તેઓ ઘરકામ સિવાય અન્ય કોઈ આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલી ન હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પ્રોત્સાહનથી હવે આવી મુઠ્ઠી ઉંચેરી મહિલાઓ માટે સ્વ-સહાય જૂથ આશાનું કિરણ બન્યું છે. સ્વ-સહાય જૂથો સાથે જોડાઈને ગુજરાતની અનેક મહિલાઓ આજે સ્વનિર્ભર બની છે. રાજ્ય સરકારે સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ પણ કાર્યરત કરી છે.

*ગાંધીનગરના શેરથા ગામનું “જય ગજાનંદ મિશન મંગલમ સખીમંડળ”*
ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં કાર્યરત ‘જય ગજાનંદ મિશન મંગલમ’ સ્વ-સહાય જૂથની બહેનો સમગ્ર વર્ષ દરમિયાન રાખડીઓ બનાવે છે. તહેવારના સમયમાં જૂથનાં જ એક બહેન પોતાની કટલરીની દુકાનમાં આ રાખડીઓનું વેચાણ કરે છે. જ્યારે, બાકીના સમયમાં રાખડીઓનું હોલસેલ માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે. ઘરે બેઠા પોતાના ફુરસતના સમયે રાખડી બનાવીને આ સખી મંડળની પ્રત્યેક બહેનો પ્રતિમાસ ઓછામાં ઓછી રૂ. ૬,૦૦૦ અને વાર્ષિક રૂ. ૭૨,૦૦૦ જેટલી આવક મેળવીને આત્મનિર્ભર બની છે.

*નવસારીના ધકવાડા ગામનું “રામદેવપીર સખીમંડળ”*
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધકવાડા ગામના “રામદેવપીર સખીમંડળ” સાથે જોડાયેલી બહેનો છેલ્લાં બે વર્ષથી માત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાખડી બનાવીને તેનું વેચાણ કરે છે. આ સખી મંડળની બહેનો રક્ષાબંધન નિમિત્તે માત્ર રાખડીના વેચાણથી જ વર્ષે રૂ. ૧૨,૦૦૦ સુધીની વધારાની આવક મેળવી રહ્યા છે. આ સખી મંડળની બહેનો દ્વારા રાખડી સિવાય હેન્ડમેઇડ જ્વેલરી, તોરણ, કપડાં જેવી અન્ય વસ્તુઓ પણ બનાવે છે.

રામદેવપીર સખીમંડળના પ્રમુખ શ્રી હિરલબેનના જણાવ્યા મુજબ ભારત સરકારની “વન સ્ટેશન, વન પ્રોડક્ટ” કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના રેલ્વે સ્ટેશન ખાતે તાજેતરમાં જ રાખડીના વેચાણ માટે સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. આ સ્ટોલનું સમગ્ર સંચાલન અને રાખડીનું વેચાણ રામદેવપીર સખીમંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેનાથી રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને સખીમંડળની બહેનોને સારી આવક થઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા મહિલા સ્વ-સહાય જૂથોને ફંડ અને સહાય ઉપરાંત આજીવિકાલક્ષી પ્રવૃતિઓની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે જ, બેંકો સાથે જોડાણ કરવામાં, ઉત્પાદનોની ગુણવત્તા સુધારવામાં તથા બજારની માંગ મુજબ વસ્તુઓ બનાવવામાં પણ મદદ કરે છે. આ પ્રયાસોથી બહેનોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળે છે અને તેઓ સારી કમાણી કરી શકે છે.
———————————————
નિતિન રથવી
[8/8, 12:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *ડેટા સેન્ટર દ્વારા પ્રસાદ વિતરણ, ડોનેશન, ભાદરવી પૂનમ મહામેળાની નોંધણી પ્રક્રિયા જેવી યાત્રિકલક્ષી સુવિધાઓ વધુ પારદર્શક – ઝડપથી ઉપલબ્ધ થશે: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત*
—–
*યાત્રાધામ અંબાજી મંદિર ખાતે ધર્મ, અધ્યાત્મ અને ટેકનોલોજીના સમન્વય થકી અદ્યતન ડેટા સેન્ટરનો ઉદ્યોગ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે શુભારંભ*
—–
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે કરોડો માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ યાત્રાળુઓને અંબાજી મંદિર ખાતે વિવિધ યાત્રિકલક્ષી સુવિધાઓ વધુ પારદર્શક અને ઝડપથી ઉપલબ્ધ થાય તે હેતુથી આજે અંબાજી મંદિર ખાતે અદ્યતન ડેટા સેન્ટરનો ઉદ્યોગ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે તેમજ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ – જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ધર્મ, અધ્યાત્મ અને ટેકનોલોજીના સમન્વય થકી તૈયાર કરવામાં આવેલા સેન્ટ્રલાઈઝ સર્વરબેઝ ડેટા સેન્ટર દ્વારા પ્રસાદ વિતરણ, ડોનેશન, સુવર્ણ શિખર દાન, સાડી કેન્દ્ર, ધાર્મિક વેચાણ કેન્દ્ર, ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રી સંઘ, સેવા કેમ્પ, વાહનપાસ વગેરેની નોંધણી પ્રક્રિયા જેવી વિવિધ ઓનલાઇન સેવાઓ આંગળીના ટેરવે સરળતાથી અને ઝડપી મળી રહેશે.

વધુમાં, મંત્રીશ્રીએ કહ્યું કે આજના આધુનિક અને ડિજિટલ યુગની જરૂરિયાત મુજબ ગુડ ગવર્નન્સ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અંબાજી મંદિર ખાતે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ ડેટા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહી દાતાશ્રીઓને કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમથી પ્રસાદ, દાન ભેટ, સાડી કેન્દ્ર તેમજ વેચાણ કેન્દ્રની પહોંચ તથા તમામ પ્રકારનું રિપોર્ટિંગ, સુપરવિઝન, ઓડિટ, ડેટા એનાલિસીસ જેવી અત્યંત જરૂરી બાબતોનું આધુનિક ટેકનોલોજીથી સંચાલન કરવામાં આવશે. અંબાજી મંદિર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે ૧.૨૦ કરોડ જેટલા મોહનથાળના પ્રસાદનું વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત લગભગ રૂ. ૫૦ કરોડનું દાન-ભેટ ઓનલાઇન તેમજ ઓફલાઈન માધ્યમથી પ્રાપ્ત થાય છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતને અંબાજી મંદિર ટ્રસ્ટની વિવિધ કામગીરી અંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીએ માહિતગાર કર્યા હતા.
—–
જીગર બારોટ
[8/8, 2:49 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ૧૫મી વિધાનસભાના સાતમાં સત્રનું આહ્વાન કર્યું*
—–
*ગુજરાત વિધાનસભામાં આગામી તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ‘ચોમાસું સત્ર’ યોજાશે: વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી*
—–
ગુજરાત વિધાનસભાના ‘ચોમાસુ સત્ર’નું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા આહ્વાન થયું છે. જે અંતર્ગત તારીખ ૮ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી ત્રણ દિવસ ૧૫મી વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. ગુજરાત વિધાનસભાએ ચોમાસું સત્ર સંબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

આ સંદર્ભે વિગતો આપતાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ૧૫મી વિધાનસભાના સાતમાં સત્રનું આહ્વાન કર્યું છે. જે અંતર્ગત આગામી તા. ૮, ૯ અને ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ત્રણ દિવસ ‘ચોમાસું સત્ર’ યોજાશે. ગુજરાત વિધાનસભા ખાતે આગામી તા. ૨૦ ઓગસ્ટ સુધી ધારાસભ્યશ્રીઓ પોતાના પ્રશ્નો ઓનલાઇન તેમજ પ્રત્યક્ષ એમ બંને પદ્ધતિથી આપી શકશે.

વધુમાં અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન સરકારી કામકાજમાં જી.એસ.ટી. સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયકના વટ હુકમ વિધાનસભામાં રજૂ થશે. જો સરકાર પાસે અન્ય કોઈ બાકીનું કામકાજ હશે તો તે પણ રજૂ થતાં આગળ લેવામાં આવશે. આ ઉપરાંત તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ શનિવારના રોજ બોલાવવામાં આવેલી કામકાજ સલાહકાર સમિતિની મીટિંગમાં વિધાનસભા કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
—–
જીગર બારોટ
[8/8, 3:44 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગાંધીનગર ખાતે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરપર્સન, નવા નિમણુંક પામેલા સભ્યો અને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યો માટે બાળ સુરક્ષા વિષયક વર્કશોપ યોજાયો*

*મિશન વાત્સલ્ય હેઠળ આયોજિત વર્કશોપનો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા અને રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે શુભારંભ કરાવ્યો*
**********
*રાજ્ય સરકાર ગંભીર ગુનાઓથી પીડિત બાળકોને યોગ્ય રક્ષણ આપીને, તેમના જીવનમાં નવી આશાનો સંચાર કરે છે: મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા*

*બાળ સંરક્ષણ ગૃહમાં આવેલા બાળકોનું પુનર્વસન કરી તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ આપણે સૌએ કરવાનું છે: મંત્રીશ્રી*

*કાયદાના સંઘર્ષમાં આવતા બાળક માટે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ આશાનું કિરણ છે: રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર*
**********

મિશન વાત્સલ્ય હેઠળ બાળ સુરક્ષા વિષયક વર્કશોપનો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા અને રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગ તથા સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી તેમજ સ્ટેટ એડોપ્શન રિસોર્સ એજન્સીના સંયુક્ત ઉપક્રમે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં નવ નિમણૂંક પામેલા સભ્યોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કાર્યનું અભિન્ન અંગ ગણાવતાં જણાવ્યું હતું કે, દેશના ભવિષ્યના નાગરિક એવા આજના બાળકોને ઉછેર કરીને તેમને શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટેની શરૂઆત તમારે કરવાની છે. કોઈ કારણસર ખોટી દિશામાં ગયેલા બાળકોને યોગ્ય દિશામાં લાવવા તેમને કાઉન્સેલિંગ કરી યોગ્ય શિક્ષણ આપવાનું સેવાકીય કામ પણ આપણે સૌએ કરવાનું છે. કોઈ બાળક સંજોગોવસાત ભુલ કરે અને તે કાયદાના સંઘર્ષમાં આવે છે, ત્યારે તેને ન્યાય અપાવવાનું કામ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ (JJB)નું છે.

બાળ સંરક્ષણ ગૃહમાં આવેલા બાળકોનું પુનર્વસન કરી તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાના છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું હતું કે, તમારે બાળકોને સંરક્ષણ ગૃહમાં પરિવાર જેવું વાતાવરણ પૂરું પાડવાનું છે. બાળ મજૂરી, બાળ લગ્ન કે બાળ તસ્કરી જેવા ગંભીર ગુનાઓથી પીડિત બાળકોને યોગ્ય રક્ષણ આપીને, તેમના જીવનમાં એક નવી આશાનો સંચાર કરવાનો છે. આપનું દરેક પગલું બાળકના શ્રેષ્ઠ હિતને પ્રાધાન્ય મળે તે જોવાનું છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તમારી ભૂમિકા માત્ર ન્યાય આપવા પૂરતી નથી, પરંતુ બાળકના પુનર્વસન, શિક્ષણ અને સમાજમાં પુનઃસ્થાપન માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની પણ છે. આપ સૌએ બાળકના વાલી બનીને તેમને યોગ્ય સલાહ, માર્ગદર્શન અને તાલીમ આપવાની છે. તમારા યોગ્ય માર્ગદર્શન થકી તે ભવિષ્યમાં એક જવાબદાર નાગરિક બની દેશને ઉપયોગી સાબિત થઈ શકશે.

બાળકોને કાયદાકીય ગૂંચવણોથી બચાવવા અને તેમને ઝડપી ન્યાય આપવા માટે સતર્ક રહેવા જણાવી મંત્રીશ્રીએ કહ્યું હતું કે, બાળ કલ્યાણ સમિતિ અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ વચ્ચેનું સંકલન મજબૂત હોવું ખુબ જ જરૂરી છે. આજના વર્કશોપનો મુખ્ય ઉદેશ્ય બાળ કલ્યાણ સમિતિના સભ્યોમાં બાળ અધિકાર આધારિત અભિગમ અપનાવવો અને બાળકો સાથે મૈત્રીપૂર્ણ વાતાવરણ કેળવી તેમના પ્રત્યે સંવેદનશીલતા અને સુરક્ષાના વિષયો પ્રત્યે ચેતના લાવવાનો છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે પ્રાસંગિક ઉદબોદન કરતા જણાવ્યું હતું કે, જ્યારે કોઈ બાળક કાયદાના સંઘર્ષમાં આવે છે, ત્યારે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ તેના માટે આશાનું કિરણ બને છે. રાજ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, અહીં ઉપસ્થિત સૌનો ઉદ્દેશ દરેક બાળકને તેનો યોગ્ય હક મળે, તેનું બાળપણ સુરક્ષિત રહે અને તે એક સન્માનજનક જીવન જીવી શકે તેવો જ હોવો જોઈએ. અંતે તેમણે જણાવ્યું હતું કે ચાલો આપણે એવા સમાજનું નિર્માણ કરીએ જ્યાં કોઈ પણ બાળક તેના અધિકારોથી વંચિત ન રહે.

બાળ અધિકાર આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, જ્યારે બાળકોને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે ત્યારે તમારે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના મહત્વના આ કાર્યમાં પોતાનું યોગદાન આપવાનું છે. તમારે બાળકોના શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાને પ્રાધાન્ય આપી કાર્ય કરવાનું છે. બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બને તેના માટે કાર્યરત રહેવા તેમણે અનુરોધ કર્યો હતો.

વિકસતી જાતિ પ્રભાગના નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ દ્વારા આ પ્રસંગે સ્વાગત ઉદ્બોધન કરતા સર્વ મહાનુભાવો સહિત તાલીમાર્થીઓનું સ્વાગત કરી, નવી નિમણૂક પામેલા સભ્યોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સી. ડબ્લ્યુ. સી અને જે. જે. બી.ના સભ્યો માટેના આ કાર્યક્રમમાં તેમણે તેમની કામગીરીની રૂપરેખા આપી હતી.

ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરપર્સન, નવા નિમણુંક પામેલા સભ્યો અને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યો માટે બાળ સુરક્ષા વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહીદે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

આ વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ તથા સમાજ સુરક્ષા પ્રભાગના સંયુક્ત નિયામક શ્રી હંસાબેન વાળા તથા ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના નવા નિમણૂંક પામેલા સભ્યો હાજર રહ્યાં હતા.
****************
ઋચા રાવલ
[8/8, 8:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *તાપી કે તારે: તાપી જિલ્લાના ૨૮ આદિવાસી વિદ્યાર્થીઓનો એક અનોખો શૈક્ષણિક પ્રવાસ*

*આગામી તા. ૧૦ થી ૧૩ સુધી તાપી જિલ્લાની સરકારી શાળાના ૨૮ આદિવાસી બાળકો શ્રીહરિકોટા સ્થિત ઈસરોના શૈક્ષણિક પ્રવાસે*

*આદિવાસી બાળકો જિંદગીની પહેલી ફલાઈટમાં ભરશે સપનાની ઉડાન*

*માહિતી બ્યૂરો, તાપી. તા. ૮ ઓગસ્ટ* આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી વહીવટી તંત્ર દ્વારા પ્રોજેક્ટ ‘વિજ્ઞાન સેતુ – તાપી કે તારે’ અંતર્ગત અનોખા શૈક્ષણિક અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના આદિજાતી સમાજના ૨૮ તેજસ્વી તારલાઓને ૧૦મી ઑગસ્ટ ૨૦૨૫ના રોજ સુરતથી હવાઈમાર્ગે ચેન્નઈ લઈ જવામાં આવશે, જ્યાં તેઓ ભારતની અંતરિક્ષ સંસ્થા ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરની મુલાકાત લેશે.

*1. પ્રવાસનો હેતુ*
આ શૈક્ષણિક પ્રવાસ દ્વારા તાપી જિલ્લાના આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ISROના સંશોધન કાર્ય અને અવકાશ વિજ્ઞાન વિશે સીધો અનુભવ અપાવવાનો છે. જેથી તેઓમાં વૈજ્ઞાનિક વિચારશક્તિ વિકસે, રાષ્ટ્રીય ગૌરવની ભાવના મજબૂત થાય અને ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરણા મળે.

*2. પસંદગી પ્રકિયા*
ઈસરોના એક્સપોઝર વિઝીટ માટે પસંદગીની પ્રક્રિયામાં તાપી જિલ્લાના આદિજાતિ વિભાગ હસ્તકની શાળા અને સરકારી શાળા મળી કુલ ૧૫ શાળાઓના ધોરણ ૧૧-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં ધોરણ ૦૯ અને ૧૦ના વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તક માંથી ૧૦૦ ગુણની પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી હતી, જેમાં કુલ ૫૦ પ્રશ્નો સામેલ હતા. બાળકો માટે આ પરીક્ષા જ્ઞાન અને તર્કબુદ્ધિની ચકાસણીનું એક અનોખું મંચ બન્યુ હતુ. ઉત્તમ ગુણ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને આ ગૌરવપૂર્ણ શૈક્ષણિક પ્રવાસ માટે પસંદગી મળી — જે તેમને સીધા અવકાશ વિજ્ઞાનની દુનિયાના અનુભવ માટે યાદગાર બની રહેશે.

*3. આરોગ્ય સંભાળ માટે સ્ટાફ નર્સ પણ પ્રવાસમાં સામેલ*
વિદ્યાર્થીઓના આરોગ્યની સંભાળ અને જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવાની જવાબદારી માટે ઇન્દુ નર્સિંગ કોલેજના સ્ટાફ નર્સ હિરલ ગામીત ઇસરો એક્સપોઝર વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે આરોગ્યલક્ષી અને ઇમરજન્સી સેવા માટે સતત સાથે રહેશે.

*4. પ્રવાસમાં જોડાનાર પ્રતિનિધિઓ*
આ અભ્યાસ પ્રવાસમાં કુલ ૨૮ વિદ્યાર્થીઓ સાથે તેમની સુરક્ષા, માર્ગદર્શન અને સંચાલન માટે ૦૭ વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષકની પસંદગી કરવામાં આવી છે.

પ્રવાસમાં જોડાનાર પ્રતિનિધિઓમાં ઈન્દુ એકલવ્ય મોડેલ રેસિડેનશિયલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી સુરેન્દર કુમાર,સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ડોલવણના પ્રિન્સિપાલ શ્રી રાજેશ્રી ચિત્તે,આદર્શ નિવાસી શાળા ઉકાઈના પ્રિન્સિપાલ શ્રી નિતિક્ષા ચૌધરી,એકલવ્ય મોડેલ રેસિડેનશિયલ સ્કૂલ ઉકાઈના શિક્ષક શ્રી સુનિલ ચૌધરી,એકલવ્ય મોડેલ રેસિડેનશિયલ સ્કૂલ ઉકાઈના શ્રી સુનિલ કુમાર તથા સમગ્ર પ્રવાસ દરમિયાન પ્રચાર પ્રસારની કામગીરી માટે તાપી જિલ્લા માહિતી કચેરીના માહિતી અધિકારી શ્રીમતી સંગીતા ચૌધરી પણ જોડાશે.

આ પ્રવાસ તાપી જિલ્લાના આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે માત્ર શૈક્ષણિક અભ્યાસ નહીં પરંતુ જીવનમાં નવી દિશા આપનારી એક મજબૂત સોપાન બની રહેશે. જીવન પરિવર્તન માટે એક ક્ષણ જ કાફી હોય છે ત્યારે આટલી નાનકડી વયે ઈસરોની મુલાકાત બાળકોના કોમળ હૃદયમાં વિજ્ઞાન પ્રત્યેનો ઉત્સાહ પ્રગટાવી દેશે અને કદાચિત કોઈ બાળક ભવિષ્યમાં નિષ્ણાંત વૈજ્ઞાનિક બની તાપીનું ગૌરવ સમગ્ર દેશનું ગૌરવ બનશે તેમાં કોઈ બે મત નથી.

૦૦૦૦૦૦૦

આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો અને ફોટાઓ અમોને અમારા whatsapp નંબર 6353019026 ઉપર અમારા અખબારી માધ્યમ અને ન્યૂઝ ચેનલમાં પ્રસિદ્ધ કરવા મોકલી આપો.

અહીંયા કોઈપણ સમાચાર ફોટાઓ વિડિયો અને પ્રેસ નોટ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ કોઈ પણ વાંધો જણાય તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.તંત્રી:પ્રદીપ રાવલ(9824653073)