********†********************

કડી અને વિસાવદરના વિધાનસભાના નવ નિયુક્ત ધારાસભ્યો શ્રી રાજેન્દ્ર ચાવડા તેમજ શ્રી ગોપાલ ઇટાલીયા ને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આજે ધારાસભ્ય તરીકે ના શપથ લેવડાવ્યા.
*****************************
ગુજરાત રાજ્યના માહિતી ખાતાના સમાચારો
[7/16, 2:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ હેઠળ રાજ્યમાં નર્મદા કેનાલ પર સ્થિત ૨,૧૧૦ પુલોનું સઘન વિઝ્યુઅલ નિરીક્ષણ અભિયાન હાથ ધરાયું*
******************************
*નિરીક્ષણમાં જોખમી જણાઈ આવેલા કુલ 0૫ પુલોને સંપૂર્ણપણે બંધ અને ૦૪ પુલોને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયા*
******************************
*૩૬ પુલોને તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ અપાઈ*
******************************
ભારે વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રાજ્યના વિવિધ માર્ગો અને પુલોના મરામત-સમારકામની કામગીરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપતા, રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે રાજ્યના વિશાળ નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત વિવિધ પુલોની પણ ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવી છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અહેવાલ મુજબ, ગુજરાતમાં ૧૭.૯૨ લાખ હેક્ટર સિંચાઈ વિસ્તારને આવરી લેતું આશરે ૬૯,૦૦૦ કિ.મી. લાંબુ નર્મદા કેનાલ નેટવર્ક ઉપલબ્ધ છે. આ કેનાલ નેટવર્ક પરથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્ય ધોરીમાર્ગો અને ગામડાંના માર્ગોને જોડતા આશરે ૨,૧૧૦ જેટલા પુલ કાર્યરત છે. આ પુલોની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા, સંભવિત ક્ષતિઓને અટકાવવા તેમજ પુલના આયુષ્યને લંબાવવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આ તમામ પુલોનું વ્યાપક વિઝ્યુઅલ નિરીક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ નિરીક્ષણ અભિયાનના તારણના આધારે, ટ્રાફિક માટે જોખમી જણાઈ આવેલા કુલ 0૫ પુલોને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે. પુલની વાહક અને ભાર ક્ષમતાના આધારે અન્ય 0૪ પુલોને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૩૬ પુલોને મરામતની જરૂરિયાત હોવાથી તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે. જ્યારે, નર્મદા કેનાલ પર સ્થિત બાકીના ૨,૦૬૫ નાના-મોટા પુલની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંબંધિત ક્ષેત્રીય કચેરીઓને સૂચના આપવામાં આવી છે.
*સંપૂર્ણપણે બંધ કરાયેલા ૦૫ પુલ:*
૧. મોરબી જિલ્લામાં માળિયા બ્રાંચ કેનાલ પર અજીતગઢ અને ઘંટીલા ગામને જોડતા રોડ પર સ્થિત પુલ.
૨. મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે ૧૫૧એ અને મચ્છુ નદી વચ્ચે માળિયા બ્રાંચ કેનાલ પર સ્થિત પુલ.
૩. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર તાલુકાના ઢાંકી-છારદ ગામ પાસે સ્થિત પુલ.
૪. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર-વણા ગામ પાસે સ્થિત પુલ.
૫. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર વઢવાણ તાલુકાના બાલા-બાલા ફાર્મ પાસેનો પુલ.
*ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયેલા ૦૪ પુલ:*
૧. અમદાવાદ જિલ્લામાં વલ્લભીપુર બ્રાંચ કેનાલ પર ફેદરા-બગોદરા અને ભાવનગરને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત પુલ.
૨. અમદાવાદના નરોડા અને ગાંધીનગરના દહેગામને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પરની કેનાલ પર સ્થિત પુલ.
૩. અમદાવાદ જિલ્લામાં રાયપુર અને મેદરાને જોડતા માર્ગ પરની કેનાલ પર સ્થિત પુલ.
૪. પાટણ જિલ્લાના સંતાલુર તાલુકામાં કચ્છ બ્રાંચ કેનાલ પર સીધાળા અને સુઈગામને જોડતા રોડ પર સ્થિત પુલ.
રાજ્યના નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત પરિવહન પુલો પર સતત ભારણ અને પર્યાવરણીય પરિબળોની અસર થતી રહે છે. આવા સમયે સંભવિત જોખમોને ઓળખવા અને તેને સમયસર દૂર કરવા માટે નિયમિત નિરીક્ષણ અત્યંત મહત્વપૂર્ણ છે. એટલા માટે જ, પુલોનું નિરીક્ષણ અને સમારકામ એક સતત ચાલતી પ્રક્રિયાનો મુખ્ય ભાગ છે. ભવિષ્યમાં પણ નિયમિત નિરીક્ષણ અને સમયસર જાળવણી દ્વારા પુલોની સુરક્ષા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવામાં આવશે, તેમ સરદાર સરોવર નર્મદા નિગમના અહેવાલમાં જણાવાયું છે.
*********************
નિતિન રથવી
[7/16, 2:47 PM] Dilip Gajjar.Mahiti.Press: *ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને ખાડાઓ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી રાજ્ય સરકારની કડક કાર્યવાહી*
************
*ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ (DLP) હેઠળના ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાની મરામત કામગીરી સત્વરે અને સ્વખર્ચે પૂર્ણ કરવા સંબંધિત કોન્ટ્રાક્ટરોને નોટીસ અપાઈ*
************
*બેદરકારી દાખવનાર કોઈપણ કોન્ટ્રાક્ટરને બક્ષવામાં આવશે નહીં; તેમની સામે કાયદા મુજબ કડકમાં કડક કાર્યવાહી કરાશે*
************
રાજ્યની મહાનગરપાલિકાઓમાં વરસાદને કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે પ્રજાજનોને પડતી હાલાકીને ગંભીરતાપૂર્વક ધ્યાને લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જવાબદાર રોડ કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશથી રોડ કોન્ટ્રાક્ટરો દ્વારા નિર્મિત અથવા જાળવણી હેઠળના રોડ-રસ્તાઓમાં ખાડા પડ્યા હશે તેવા, કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક અસરથી અને નિર્ધારિત સમયમર્યાદામાં સમારકામ પૂર્ણ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક કોન્ટ્રાક્ટરોને દંડ પણ કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાં ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ (DLP) હેઠળના કેટલાક મહત્વપૂર્ણ રસ્તાઓ બિસ્માર બનતા સુરત મહાનગરપાલિકા દ્વારા સુનીલ દોમડીયા, કે. કે. બી. પ્રોજેક્ટ્સ પ્રા.લી., એસ. ઝેડ. પટેલ, એ. કે. પટેલ, અંબિકા કન્સ્ટ્રક્શન, ભવાની કન્સ્ટ્રક્શન, જે. એમ. શાહ, એમ. એ. પટેલ તેમજ શ્રીજી કન્સ્ટ્રક્શનને મળીને કુલ ૦૯ રોડ કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત વડોદરા શહેરમાં કેટલાક રસ્તાઓનું પુનઃ નિર્માણ કાર્ય સૂચવ્યા મુજબની ગુણવત્તા ધરાવતું ન હોવાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડી. બી. પટેલ, મે. જે. એન. પી. ઇન્ફ્રા., એ. કે. મેક ઇન્ફ્રા., મે. એસ. કે. મકવાણા એન્ડ કં., મે. રાજ ઇફ્રાસ્ટ્રકચર, મે. શિવાલય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રો.પ્રા.લિ, મે. શિવમ કન્સ્ટ્રકશન, મે. બિંજલ જે. ગાંધી, મે. ગાયત્રી કન્સ્ટ્રકશન, મે. શ્રી હરી કન્સ્ટ્રકશન, મે. ભાવિન એન્ટરપ્રાઈસ તેમજ મે. હિન્દુસ્તાન ફેબ્રીકેટર્સ સહિતના કુલ ૧૨ રોડ કોન્ટ્રાક્ટરોને નિયમાનુસાર દંડ ફટકારવામાં આવ્યો છે.
ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ (DLP) દરમિયાન રોડ પર થયેલી ક્ષતિઓની જવાબદારી રોડ કોન્ટ્રાક્ટરની હોવાથી તેમની સામે પણ રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. DLP હેઠળના રોડ પર ક્ષતિ અથવા ખાડા પડવાના કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પવન કન્સ્ટ્રકશન અને ક્લાસિક કન્સ્ટ્રકશન સહિતના કોન્ટ્રાક્ટરોને નોટિસ આપીને તેમના પોતાના ખર્ચે રોડ રિસરફેસિંગનું સંપૂર્ણ કામ સત્વરે પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
હજુ પણ રાજ્યમાં વિવિધ કોન્ટ્રાક્ટરો DLP હેઠળના રોડનું નિર્ધારિત સમયમર્યાદામાં સમારકામ પૂર્ણ નહીં કરે અથવા તેમની બેદરકારીના કારણે કોઈ અકસ્માત કે જાનહાનિ થશે, તો તેમની સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર પ્રજાની સલામતી અને સુવિધા માટે કટિબદ્ધ છે. બેદરકારી દાખવનાર કોઈપણ કોન્ટ્રાક્ટરને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કાયદા મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
*********
[7/16, 2:54 PM] Dilip Gajjar.Mahiti.Press: ગુજરાત વિધાનસભાના માન.અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી એ આજે વિધાનસભા ખાતે કડી વિધાનસભા મત વિસ્તારના નવનિયુકત ધારાસભ્યશ્રી રાજેન્દ્ર ચાવડાને ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ વેળા એ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યોએ શ્રી ચાવડાને શુભેચ્છાઓ પાઠવી હતી.
[7/16, 3:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતની જૂની આઠ મહાનગરપાલિકામાં યુદ્ધના ધોરણે રોડ-રસ્તાઓની મરામતની ૯૯ ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરાઈ*
**********************************
*રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓમાં રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાઈ*
*રાજ્યની મહાનગરપાલિકાઓમાં કુલ ૬૫૯ કિ.મી.ના બિસ્માર રોડમાંથી ૫૭૭ કિ.મી.ના રોડની મરામત તેમજ ૧૬,૮૩૨ માંથી ૧૬,૬૬૫ ખાડા પૂરી દેવાયા*
*નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા, વોટર લોગીંગ જેવી કુલ ૧૬,૬૬૧ ફરિયાદોમાંથી ૧૫,૨૮૨ ફરિયાદોનો હકારાત્મક નિકાલ*
********************************** રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા- પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ – મરામત કરવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની સીધી સૂચનાથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યભરમાં પુર જોશમાં કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને સત્વરે રીપેરીંગ કરીને કાર્યરત કરવા આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે રાજ્યની નવી અને જૂની એમ કુલ ૧૭ મહાનગરપાલિકાઓ અંતર્ગત આવતા રોડ-રસ્તાના સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યની મહાનગરપાલિકાઓમાં કુલ ૬૫૯ કિ.મીના બિસ્માર રોડમાંથી ૫૭૭ કિ.મી.ના રોડની મરામત તેમજ ૧૬,૮૩૨ માંથી ૧૬,૬૬૫ ખાડા પૂરી દેવાયા છે.
જેમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢ એમ ગુજરાતની જૂની આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં યુદ્ધના ધોરણે ૯૯ ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરાઈ છે. જૂની આઠ મહાનગરપાલિકામાં ૩૧૨ કિ.મી.ના લંબાઈ ધરાવતા બિસ્માર રોડમાંથી ૩૧૦.૬૮ કિ.મી.થી વધુના રોડ-રસ્તાઓની મરામત કરવામાં આવી છે. જ્યારે બાકીના કામો પણ એક સપ્તાહમાં સત્વરે પૂર્ણ કરાશે. આ ઉપરાંત કુલ ૫૫.૮૬ કિ.મીના રસ્તાઓ પર ડામરના પેચ વર્કના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
રાજ્યની આ આઠ મહાનગરપાલિકાઓના વિવિધ માર્ગો પર ૧૫,૧૨૩ જેટલા પોટહોલ્સ-ખાડા હતા જેમાંથી તાત્કાલિક ધોરણે ૧૫,૦૦૪ ખાડા પૂરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ખાડા પણ સત્વરે પૂરી દેવાની કામગીરી આગામી દિવસોમાં પૂર્ણ કરાશે. આ મહાનગરપાલિકાઓમાં નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ ૧૫,૯૮૫ ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે ૧૪,૬૩૩ ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની ફરિયાદોનો પણ સત્વરે ઉકેલ કરવામાં આવશે.
વધુમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વ્યાપી, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ અને પોરબંદર એમ ગુજરાતની નવી નવ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા અંદાજે ૩૪૭ કિ.મી.ના લંબાઈ ધરાવતા બિસ્માર રોડમાંથી યુદ્ધના ધોરણે ૨૬૬ કિ.મી.થી વધુના રોડ-રસ્તાઓની મરામત કરવામાં આવી છે. જ્યારે બાકીના કામો પણ આગામી સમયમાં સત્વરે પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત કુલ ૧૦ કિ.મી.ના રસ્તાઓ પર ડામર પેચ વર્કના કામો પૂર્ણ કરાયા છે.
રાજ્યની આ નવ મહાનગરપાલિકાઓના વિવિધ માર્ગો પર ૧,૭૦૯ જેટલા પોટહોલ્સ-ખાડા હતા જેમાંથી તાત્કાલિક ધોરણે ૧,૬૬૧ ખાડા સંપૂર્ણ રીતે પૂરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ખાડા પણ સત્વરે પૂરી દેવાની કામગીરી આગામી બે દિવસમાં પૂર્ણ કરાશે. આ મહાનગરપાલિકાઓમાં નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ ૬૭૬ ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે ૬૪૯ ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરાયો છે. જ્યારે બાકીની ફરિયાદો પણ સત્વરે ઉકેલાશે.
આ ઉપરાંત રાજ્યની ભાવનગર, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદ એમ કુલ છ રીજ્યોનલ કમિશનર્સ ઓફ મ્યુનિસિપાલિટીઝ વિસ્તારમાં આવતા રસ્તાઓ પર કુલ ૨,૯૫૧ પોટહોલ્સ-ખાડા હતા તેમાંથી ૧,૮૭૮ જેટલા પૂરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ખાડા પૂરવાની કામગીરી સત્વરે પૂર્ણ કરાશે.
વધુમાં આ છ રીજ્યોનલ કમિશનર્સ ઓફ મ્યુનિસિપાલિટીઝ વિસ્તારમાં રહેતા નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ ૮૩૪ ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે ૮૧૮ ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવી છે. જ્યારે બાકીની ફરિયાદોનો પણ સત્વરે ઉકેલ કરવામાં આવશે તેમ, શહેરી વિકાસ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો મોબાઈલ, વોટ્સ અપ, વેબસાઈટ, હેલ્પલાઈન નંબર-ટોલફ્રી નંબર, સિવિક સેન્ટર, સ્માર્ટ સીટી એપ તેમજ મહાનગરપાલિકાઓના કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી ફરિયાદો નોંધાવે છે જેનો સબંધિત વિભાગ-અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે છે.
********************************
ઋચા રાવલ
[7/16, 4:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું*
………..
*ફક્ત ૧૨ માસમાં રૂ. ૨૧૨ કરોડના ખર્ચે તૈયાર થશે નવો બ્રિજ – પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
………..
* એક અઠવાડિયામાં રાજ્યના ૧૮૦૦ થી વધુ નાના-મોટા પુલોની સ્થળ મુલાકાત લઈ ઇન્સ્પેક્શન કરાયું
* જે પુલોમાં વધુ તપાસની જરૂર હોય એવા ૧૩૩ પુલો સાવચેતીના ભાગરૂપે બંધ કરાયા
* રાજયના કુલ ૧.૧૯ લાખ કિ.મી.થી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ પૈકી ભારે વરસાદના લીધે કુલ માર્ગોના ૨.૫ ટકા ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર ૫૬.૨૭ ટકા પેચવર્કની કામગીરી પૂર્ણ કરા
* ૭૦% થી વધુ પોથ હોલ્સ ભરવાની કામગીરી પૂર્ણ કરાઇ
****************
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજરોજ મળેલી કેબિનેટ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગની કેટલીક મહત્વની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. જે અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીશ્રી ની સૂચનાને પગલે ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે રૂ. ૨૧૨ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
સામાન્ય સંજોગોમાં આવા પુલના કામો માટે ૧૮ માસની સમય મર્યાદા રાખવામાં આવતી હોય છે પરંતુ ગંભીરા બ્રિજના કિસ્સામાં વિભાગ કક્ષાએ વિગતવાર રીવ્યું કરીને પ્રજાને વહેલી સુવિધા પ્રાપ્ત થાય તે માટે આગામી ચોમાસા પહેલાં કામગીરી એટલે કે ૧૨ માસમાં પૂર્ણ કરવાની સૂચના મુખ્યમંત્રીશ્રી દ્વારા આપવામાં આવી છે. જેના માટે આગામી ૩ માસમાં વર્ક ઓર્ડર આપી કામ શરૂ કરાશે.
વધુમા પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, વિભાગના આલેખન વર્તુળના ઇજનેરો, પુલોના નિષ્ણાંત કન્સલ્ટન્ટ તેમજ વર્તુળ અને ક્ષેત્રિય કચેરીઓના અધિકારીઓ દ્વારા એક અઠવાડિયામાં ૧૮૦૦ થી વધુ નાના-મોટા પુલોની સ્થળ મુલાકાત લઈને ઇન્સ્પેક્શન કરાયું છે. જે પુલોમાં વધુ તપાસની જરૂર હોય એવા ૧૩૩ પુલો સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવેલ છે.
આ ૧૩૩ પુલો પૈકી ૨૦ પુલો તમામ વાહનો માટે, જ્યારે ૧૧૩ પુલો ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલ છે જેના પર હળવા વાહનોનો વાહનવ્યવહાર સુગમ રીતે ચાલુ રખાયા છે.
આ ૧૩૩ બંધ કરેલ પુલોમાં NDT (નોન-ડીસ્ટ્રક્ટીવ ટેસ્ટ) કરાવી, જરૂરિયાત મુજબ મરામત, મજબૂતીકરણ, પુન: બાંધકામની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે.
વિભાગ હસ્તકના રાજ્ય, પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના એકંદરે કુલ ૧.૧૯ લાખ કિ.મી.થી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ પૈકી ભારે વરસાદના લીધે કુલ માર્ગોના ૨.૫ ટકા ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર ૫૬.૨૭ ટકા પેચવર્કની કામગીરી અને ૭૦% થી વધુ પોટ હોલ્સ ભરવાની કામગીરી પૂર્ણ કરવા કરી દેવામાં આવી છે. તેમજ બાકી રહેલા રસ્તાઓના મરામતની કામગીરી ત્વરાએ પૂર્ણ કરવા માટે રાત દિવસ સતત કામગીરી કરવામાં આવી રહી છે.
છેલ્લા ૪ દિવસમાં ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર યુઝર્સની સંખ્યા ૧૦,૭૬૭ થી વધીને ૩૫,૧૧૮ થઇ. આમ, નવા ૨૪,૩૫૧ નાગરીકો (૨૨૬% નો વધારો) દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે.
……………………………..
[7/16, 4:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *One District One Product (ODOP) એવોર્ડ- ૨૦૨૪*
************
*નવી દિલ્હી ખાતે One District One Product (ODOP) અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાતને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો :- પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
************
One District One Product (ODOP) એવોર્ડ-૨૦૨૪ની માહિતી આપતા પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને ૧૪ જુલાઈ ૨૦૨૫ના રોજ નવી દિલ્હી ખાત યોજાયેલ કાર્યક્રમમાં One District One Product (ODOP) અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. ‘એક જિલ્લો, એક ઉત્પાદન'(ODOP) પહેલનો ઉદ્દેશ દેશના તમામ જિલ્લાઓમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક જિલ્લાના વિશિષ્ટ ઉત્પાદનોને વિશ્વ કક્ષાએ એક આગવી ઓળખ મળે તે માટે DPIIT(Department of Promotion of Industry and Internal trade) ના સહયોગથી કુલ ૯૦ જેટલા ઉત્પાદનોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કુટિર ઉદ્યોગ અંતર્ગત હાથશાળ અને હસ્તકલાના કુલ ૩૧ ઉત્પાદનો, કૃષિ – સહકાર અને મત્સ્યોગ વિભાગ અંતર્ગત કુલ ૩૩ ઉત્પાદનો અને ઉદ્યોગ વિભાગ અંતર્ગત કુલ ૨૬ ઉત્પાદનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, One District One Product યોજના હેઠળ દરેક જિલ્લામાંથી એક અનોખા ઉત્પાદનની પસંદગી કરવામાં આવે છે. તેના બ્રાન્ડિંગ અને પ્રચાર પ્રસાર થકી સરકારની વિવિધ યોજનાઓ મારફતે લાભ આપી સ્થાનિક અર્થતંત્ર મજબૂત થાય તે મુજબની કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું.
**************
[7/16, 5:07 PM] Dilip Gajjar.Mahiti.Press: *આણંદ મહાનગરપાલિકાનું નામ “કરમસદ-આણંદ મહાનગરપાલિકા” કરવાનો ઠરાવ કેબિનેટ માં મંજૂર*
*પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદને ધ્યાને રાખીને*
*આણંદ મહાનગરપાલિકાનું નામ “કરમસદ-આણંદ મહાનગરપાલિકા”કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર કરાયો- પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
***************
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક્માં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નગરો-મહાનગરોના જન સુવિધા વૃદ્ધિના વિવિધ કામો માટે આ વર્ષે કુલ-૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.
જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મેહસાણા, સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ, નડિયાદ અને પોરબંદર-છાયા મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આણંદ મહાનગરપાલિકાનું નામ બદલવા તથા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલના પૈતૃક ગામ કરમસદની આગવી ઓળખ જાળવી રાખવા ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, વિવિધ સંસ્થાઓ તેમજ સ્થાનિકો તરફથી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરમસદના ઐતિહાસિક વારસાને ધ્યાને લઈ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદ સાથે જોડાયેલ હોય આણંદ મહાનગરપાલિકાના સ્થાને “કરમસદ-આણંદ મહાનગરપાલિકા”, “KARAMSAD ANAND MUNICIPAL CORPORATION” નામાભિધાન કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫ના જાહેરનામા થી આણંદ નગરપાલિકા, કરમસદ નગરપાલિકા અને વલ્લભવિદ્યાનગર નગરપાલિકા તથા નજીકના અન્ય ગામોનો સમાવેશ કરીને ‘આણંદ મહાનગરપાલિકા’માં રૂપાંતરીત કરવામાં આવી હતી.
……..
[7/16, 5:13 PM] Dilip Gajjar.Mahiti.Press: ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળના પ્રયાસોથી
*રાજ્યમાં અકસ્માત પ્રભાવિત ૮૨ બ્લેકસ્પોટ પર ગત વર્ષે એક પણ અકસ્માત થયો નથી: વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી*
******************************
*વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની બેઠક યોજાઈ*
******************************
• ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળે બેઠકમાં વિઝન-૨૦૩૦ હેઠળ ગુજરાતનો આગામી પાંચ વર્ષનો રોડ સેફ્ટી એક્શન પ્લાન રજૂ કર્યો
• માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને ‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-૨૦૨૪’ એનાયત
• અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડનારને “રાહવીર યોજના” હેઠળ રૂ. ૨૫,૦૦૦ પુરસ્કાર
• ગુજરાતમાં ટૂંક જ સમયમાં “કેશલેસ સારવાર સહાય યોજના” લાગુ થશે, જેમાં માર્ગ અકસ્માત પીડિતને રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની સારવાર વિના મૂલ્યે મળશે
*******************************
ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની વાર્ષિક બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મંત્રી શ્રી હર્ષ સંઘવી સમક્ષ ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ દ્વારા વિઝન-૨૦૩૦ હેઠળ રાજ્યનો આગામી પાંચ વર્ષનો રોડ સેફ્ટી એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. આ એક્શન પ્લાનના આધારે આગામી પાંચ વર્ષમાં પોલીસ, RTO, માર્ગ નિર્માણ વિભાગો, આરોગ્ય અને શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી ગુજરાતમાં માર્ગ અકસ્માત મૃત્યુની સંખ્યા ૫૦ ટકા ઘટાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
બેઠકમાં મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સૌને શુભેચ્છાઓ સહ વધુ પરિણામલક્ષી કામગીરી કરવાની પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ તેમજ સ્ટેક-હોલ્ડર વિભાગોની સંયુક્ત કામગીરીના પરિણામે રાજ્યમાં અકસ્માત પ્રભાવિત ૮૨ બ્લેક સ્પોટ ખાતે છેલ્લા એક વર્ષમાં એક પણ અકસ્માત થયો નથી. સાથે જ, રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાયો છે.
રાજ્યમાં થતા અકસ્માતોને ઘટાડવા એ માત્ર કોઈ એક વ્યક્તિ કે એક વિભાગની નહિ, પરંતુ સૌની સહિયારી જવાબદારી છે. ગુજરાત રોડ સેફટી ઓથોરીટી ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં વારંવાર અકસ્માત થતા હોય તેવા હાઈવે પરના બ્લેક સ્પોટને શોધીને તેને ઘટાડવાની દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. આવા અકસ્માતોને અટકાવવા માટે ટેકનોલોજીનો સુયોગ્ય ઉપયોગ કરવા મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં જાનહાની થઇ હોય તેવા મોટાભાગના અકસ્માતોમાં વાહન ચાલકે હેલ્મેટ ન પહેરવાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. માર્ગ અકસ્માતમાં જાનહાની ઘટાડવા માટે આગામી સમયમાં નાગરિકોને હેલ્મેટના મહત્વને સમજાવવાના આશય સાથે રાજ્યવ્યાપી પ્રયત્નો હાથ ધરવામાં આવશે, જેથી અમૂલ્ય માનવ જીવન બચાવી શકાય. આ ઉપરાંત રાજ્યભરના મુખ્ય હાઈવે પર થતા અકસ્માતમાં ઘટાડો લાવવા માટે મંત્રીશ્રીએ રોડ પર દેશ-વિદેશના મેટ્રો સિટીમાં અપનાવવામાં આવેલી રંબલ સ્ટ્રીપ લગાવવાનું સૂચન કર્યું હતું.
મંત્રી શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડનાર રાહવીરને હવેથી “રાહવીર યોજના” હેઠળ રૂ. ૨૫,૦૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જેથી મહત્તમ નાગરીકોનો અમૂલ્ય જીવ ગોલ્ડન અવરમાં બચાવી શકાય.
ગુજરાતમાં ટૂંક જ સમયમાં ભારત સરકારની સૂચના અનુસાર “કેશલેસ સારવાર સહાય યોજના” લાગુ થશે, જેમાં અકસ્માત પીડિતને રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની સારવાર વિનામૂલ્યે મળશે. આ યોજનાનો ઉદ્દેશ ગોલ્ડન અવરમાં સારવાર આપી અકસ્માત પીડિતને મૃત્યુના મુખમાંથી ઉગારવાનો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ હોસ્પિટલ્સને એમ્પેનલ કરવામાં આવશે. પીડિતના સારવાર ખર્ચની રકમ હોસ્પટલને સીધી ખાતામાં જમા કરાવવામાં આવશે. આ યોજનાના ઝડપી અમલ માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ અભ્યાસ અર્થે પાયલોટ પ્રોજેકટ હેઠળના રાજ્યોની મુલાકાત લેશે, તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ચાલુ વર્ષે રાજ્યમાં વારંવાર અકસ્માત થતાં હોય તેવા નવા ૫૬ બ્લેક સ્પોટ્સ ઓળખવામાં આવ્યા છે. આ તમામ બ્લેક સ્પોટ્સ પર દિવાળી સુધીમાં જરૂરી સુધારાત્મક પગલા હાથ ધરીને અકસ્માતોને અટકાવવા મંત્રીશ્રીએ આદેશ કર્યો હતો. રાજ્યના અન્ય તમામ માર્ગો પર પણ માર્ગ સલામતીને લગતા જરૂરી પગલા લેવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત અકસ્માત પછી ઇજાગ્રસ્તોને તુરંત સારવાર મળી રહે તે માટે પણ આંતરિક સંકલન સાથે વિશેષ આયોજન કરવા સંબંધિત વિભાગોને મંત્રીશ્રીએ સૂચનાઓ આપી હતી.
બેઠક દરમિયાન મંત્રીશ્રીએ રાજ્યમાં બેજવાબદારીપૂર્વક અને બેફામ રીતે વાહન ચલાવતા નાગરીકો વિરુદ્ધ કડક એન્ફોર્સમેન્ટ કરી દાખલો બેસાડવા સૂચના આપી હતી. સાથે જ, મંત્રીશ્રીએ ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની સૂચનાઓનો અનાદર કે અમલમાં વિલંબ કરનાર જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.
આ પ્રસંગે ગુજરાતમાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમ પાલનમાં જાગૃતિ લાવવાની ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વાહન વ્યવહાર મંત્રીશ્રીના હસ્તે વિવિધ કેટેગરીમાં ‘‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-૨૦૨૪” એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સીટી-ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટિ કેટેગરીમાં પ્રથમ ક્રમે ગીર સોમનાથ જિલ્લાને, દ્વિતીય ક્રમે ખેડા જિલ્લાને તેમજ તૃતીય ક્રમે મહીસાગર જિલ્લાને સન્માનિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થા કેટેગરીમાં રાજકોટ-વાડીનાર ટોલવેને પ્રથમ ક્રમ, પરિવર્તન ટ્રસ્ટને દ્વિતીય ક્રમ તેમજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-ગાંધીનગર અને યુનિસેફ-ગુજરાત ફિલ્ડ ઓફિસને તૃતીય ક્રમે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં મંત્રીશ્રીના હસ્તે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની “ઇનસાઇટ ઓન બ્લેક સ્પોટ મેનેજમેન્ટ” પુસ્તક અને “ગુજરાત રોડ સેફટી ડિરેક્ટરી”નું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ, યુનિસેફ દ્વારા ધોરણ-૧ થી ધોરણ-૪ના બાળકો માટે માર્ગ સલામતી વિષય અંગે બનાવવામાં આવેલી “ઇન્ફોટેઈનમેન્ટ” પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. તદુપરાંત બેઠકમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન થયેલા માર્ગ અકસ્માતોના આંકડાઓનું વિશ્લેષણ અને તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રી રમેશચંદ મીના, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, વાહન વ્યવહાર કમિશનર શ્રી અનુપમ આનંદ, ગુજરાત રોડ સેફટી કમિશનર શ્રી સતીશ પટેલ, આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલ, માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી પી. આર. પટેલીયા, GSRTCના ઉપાધ્યક્ષશ્રી એમ. નાગરાજન, માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણી, IGP સ્ટેટ ટ્રાફિક શ્રી મનોજ નિનામા, નેશનલ હાઇવે ઓથોરિટીના ચીફ જનરલ મેનેજર શ્રી સુનિલ યાદવ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને માર્ગ સલામતી નિષ્ણાંતો ઉપસ્થિતિ રહ્યાં હતાં.
**************************
નિતિન રથવી
[7/16, 5:18 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાહક જન્ય રોગો પર નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ*
*રાજ્યમાં મેલેરિયા સંવેદનશીલ ૨૧ જિલ્લાના ૧૯૬ ગામોમાં બે લાખની વસ્તીને આવરી લેતો* *જંતુનાશક દવાઓ છંટકાવનો પ્રથમ તબક્કો પૂર્ણ : બીજો તબક્કો પ્રથમ ઓગસ્ટથી શરૂ થશે*
…………………….
*છેલ્લા ૨૮ સપ્તાહમાં ૯૨ લાખથી વધુ લોહીના નમૂનામાંથી મેલેરિયાના કેસ માત્ર ૮૬૦*
*ડેન્ગ્યુ માટે લીધેલા ૬૭ હજારથી વધુ સીરમમાંથી ૭૨૮ કેસ ડેન્ગ્યુના જ્યારે ૧૩૦ કેસ ચિકનગુનિયાના નોંધાયા*
*ચોમાસાની ઋતુમાં વાહક જન્ય રોગોના નિયંત્રણ-સર્વેલન્સ માટે ૪૯૨ વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરત*
*રાજ્યભરમાં તા. ૦૯ થી ૨૧ જૂન, ૨૦૨૫ દરમિયાન હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરી તાવ સર્વેલન્સ, પોરાનાશક સહિત આરોગ્ય શિક્ષણની પ્રવૃતિ ઝુંબેશમાં ૯૨ ટકા વસ્તી કવર કરાઈ*
…………………….
રાજ્યમાં ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.
જે અંતર્ગત આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા વર્ષ ૨૦૨૩થી છેલ્લા ૩ વર્ષમાં રાજ્યના નાગરિકોના કુલ ૪.૪૮ કરોડ કરતાં વધુ લોહીના નમૂના અને ૪.૪૬ લાખ કરતાં વધુ સીરમના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ૮,૯૫૬ મેલેરિયાના કેસ, ૧૫,૮૪૧ ડેન્ગ્યુના કેસ અને ૧,૩૪૫ જેટલા ચિકાનગુનિયાના કેસ નોંધાયા હતા. જેમાં વર્ષ ૨૦૨૫માં છેલ્લા ૨૮ સપ્તાહમાં ૯૨.૮૬ લાખથી વધુ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી ૮૬૦ કેસ મેલેરિયાના જોવા મળ્યા છે જેને કારણે ૪૦ નાગરિકોના મૃત્યુ થયા હતા. જ્યારે ડેન્ગ્યુ તપાસ માટે ૬૭ હજારથી વધુ સીરમ લેવામાં આવ્યા હતા જેમાંથી ૭૨૮ કેસ ડેન્ગ્યુના તેમજ ૧૩૦ કેસ ચિકનગુનિયાના નોંધાયા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગોની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ રહે તે માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમ કે, મેલેરિયા માટે સંવેદનશીલ ૨૧ જિલ્લાના ૧૯૬ ગામોની અંદાજે ૨.૦૪ લાખની વસ્તીને જંતુનાશક દવા છંટકાવના તા. ૧૬ મે-૨૦૨૫થી ૧૧ જુલાઈ-૨૦૨૫ સુધીના પ્રથમ રાઉન્ડ હેઠળ આવરી લેવામાં આવી છે. જ્યારે જંતુનાશક દવા છંટકાવના બીજા રાઉન્ડની કામગીરી તા. ૦૧ ઓગસ્ટ, ૨૦૨૫થી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન વાહકજન્ય રોગો માટે સંવેદનશીલ જણાતા વિસ્તારોમાં પોરાનાશક અને તાવ સર્વેલન્સની કામગીરી સઘન રીતે હાથ ધરવા ૨,૪૬૦ વ્યક્તિઓ સાથેની કુલ ૪૯૨ વેક્ટર કંટ્રોલ ટીમ મૂકવામાં આવી છે.
આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા તા. ૦૯ થી ૨૧ જૂન, ૨૦૨૫ દરમિયાન રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરી તાવ સર્વેલન્સ, પોરાનાશક અને આરોગ્યશિક્ષણની પ્રવૃતિ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ૯૨ ટકા વસ્તી કવર કરવામાં આવી છે. જ્યારે હાઉસ ટુ હાઉસના બીજા રાઉન્ડનું આયોજન આગામી તા. ૨૧ જુલાઇ, ૨૦૨૫થી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ૩,૪૩૧ જગ્યાએ પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી છે. આમ, વાહકજન્ય રોગોની સમગ્ર પરિસ્થિતીનું દૈનિક, અઠવાડીક અને માસિક ધોરણે મોનીટરીંગ પણ કરવામાં આવનાર છે તેમ,આરોગ્ય વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.
જીગર બારોટ …………………………..
[7/16, 5:28 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં ૩૩ જિલ્લામાં હમણાં સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૧.૦૯ % જેટલો વરસાદ*
****
*સૌથી વધુ કચ્છ રીઝીયનમાં 85.46 % ત્યારબાદ દક્ષિણ ગુજરાત રીઝીયનમાં 55.19% અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 48.01 % સરેરાશ વરસાદ નોંધાયો*
*****
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૫૧.૦૯ % જેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251- 500 મિમિ વરસાદ 139 તાલુકામાં, 501-1000 મિમિ વસસાદ 45 તાલુકામાં તેમજ 1000 મિમિ થી વધુ વરસાદ 18 તાલુકામાં નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.09 % છે જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં 85.46 % ત્યારબાદ દક્ષિણ ગુજરાત રીઝીયનમાં 55.19 %, સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય વિસ્તારમાં 49.26% અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 48.01 % સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનો હાલનો પાણીનો સંગ્રહ 1,76,942 મિલિયન ક્યુબિક ફીટ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 52.96 % છે તેમજ રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,31,347 મિલિયન ક્યુબિક ફીટની ક્ષમતા છે જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.37 % છે. રાજ્યમાં કુલ ૨૦૬ ડેમો પૈકી 40 ડેમો હાઇએલર્ટમાં છે 24 ડેમો એલર્ટ મોડ પર છે 20 ડેમોને વોર્નિંગ આપવામાં આવી છે. ગુજરાતમાં 26 ડેમો 100 % ભરાયેલા, 58 ડેમો 70 % થી 100 % વચ્ચે ભરાયેલા, 40 ડેમો 50 %થી 70 % વચ્ચે ભરાયેલા છે આ ઉપરાંત 42 ડેમો 25 % થી 50 % વચ્ચે ભરાયેલા છે 40 ડેમો 25 % થી નીચે ભરાયેલા છે.
******
[7/16, 5:56 PM] Dilip Gajjar.Mahiti.Press: *સુરત મહાનગરપાલિકાની AI આધારિત માર્ગ વ્યવસ્થાપનનું સ્માર્ટ મોડેલ અન્ય શહેરો માટે પ્રેરણારૂપ*
——-
*AI આધારિત સ્માર્ટ માર્ગ વ્યવસ્થાપન થકી સુરતના રસ્તાઓ પર ટેકનોલોજીથી “રિયલ ટાઈમ” નજર*
——-
*સુરત શહેરમાં ખાડા અને ટ્રાફિક જામ સામે AI ટેક્નોલોજીનો અદભૂત ઉપયોગઃ સ્માર્ટ મોનીટરિંગથી હવે રસ્તાની દરેક સમસ્યા પર તાત્કાલિક કાર્યવાહી*
——-
*ICCC સેન્ટર દ્વારા ૪,૩૦૦ કેમેરાની મદદથી રસ્તાના ખાડા શોધવાની સ્માર્ટ સિસ્ટમ ઉભી કરાઇઃ*
——-
*રસ્તા ઉપર “AI વોચ”: ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક મુદ્દે તરત તંત્રને માહિતી આપતું સુરત મહાનગર પાલિકાનું ICCC સેન્ટર*
——-
*AI આધારિત સિસ્ટમ રસ્તાઓની સમસ્યાઓને ઓળખી તંત્ર સુધી પહોંચાડે છેઃ*
*૪,૩૦૦ કેમેરાના ફૂટેજ દ્વારા રસ્તાઓ પર પડેલા ખાડા કે અવરોધોને ઓળખવા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છેઃ*
*AI આધારિત સિસ્ટમ દ્વારા ડેટાની મદદથી ભવિષ્યમાં માર્ગ વિકાસ અને જાળવણી માટે વધુ સફળ આયોજન કરી શકાશે*
– *IT ડાયરેક્ટર જીગરભાઈ પટેલ*
——-
*માહિતી બ્યુરો, સુરતઃબુધવારઃ* સુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો પર નવીનતમ ટેકનોલોજી આધારિત AI CCTV કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ દ્વારા હવે ૨૪*૭ શહેરમાં ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો “રિયલ ટાઈમ” અંદાજ મેળવીને, સંબંધિત વિભાગોને તરત જાણ કરવામાં આવે છે જેથી સમયસર કાર્યવાહી થકી શહેરી પ્રજાજનોની સુખાકારીમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
આ કામગીરી સુરત સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમલમાં મૂકવામાં આવી છે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત આ આધુનિક ટેકનોલોજી માર્ગ વ્યવસ્થાપનને વધુ સ્માર્ટ અને અસરકારક બનાવી રહી છે.
સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલની રાહબરી હેઠળ શહેરની જનતાની સુખાકારી માટે મહત્વની મોનીટરીંગ સિસ્ટમ ડેવલપ કરી છે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વરસાદના કારણે રસ્તાની મરામત યુદ્ધના ધોરણે શરૂ કરવા સુચના આપી છે. મહાનગરપાલિકામાં ખાડા રીપેરીંગ મરામત માટે AI ટેકનોલોજી ઉપયોગી નીવડી છે
આ અંગે માહિતી આપતાં મહાનગરપાલિકાના સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના IT ડાયરેક્ટર શ્રી જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે, “સુરત મહાનગરપાલિકાનું વેસુ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (ICCC) શહેરની વિવિધ સેવાઓનું મોનિટરિંગ કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં માર્ગોને નુકસાન પહોંચ્યું છે. આવા વિસ્તારમાં કમાન્ડ સેન્ટર દ્વારા સતત નજર રાખી કામ ચાલુ કરવામાં આવ્યું છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ૩,૫૦૦ CCTV કેમેરા અને પોલીસ વિભાગ દ્વારા ૮૦૦ કેમેરા લગાવવામાં આવ્યા છે. એમ કુલ ૪,૩૦૦ કેમેરાના ફૂટેજ દ્વારા રસ્તાઓ પર પડેલા ખાડા કે અવરોધોને ઓળખવા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ CCTV ફીડમાં કોઈ જગ્યા પર ખાડાની માહિતી મળી આવે છે, તાત્કાલિક ત્યાંની વિગતો ફિલ્ડ ટીમને મોકલવામાં આવે છે અને માર્ગ સુધારાની કામગીરી હાથ ધરવામાં આવે છે.”
તેમણે કહ્યું કે, ટેકનોલોજીના ઉપયોગથી શહેર વ્યવસ્થાપનમાં પારદર્શિતા અને ઝડપ બંને હાંસલ થઈ રહી છે. AI આધારિત સિસ્ટમ રસ્તાઓની સમસ્યાઓને પોતે ઓળખી તંત્ર સુધી પહોંચાડે છે. આ અભિગમ નાગરિક સુખાકારીની દિશામાં મહત્વપૂર્ણ છે.”
અંતે તેમણે ઉમેર્યું કે “સુરત શહેરમાં આવા સ્માર્ટ ઈનોવેટિવ સોલ્યુશનનો અમલ સતત પ્રગતિ પામે એવી દિશામાં આગળ વધી રહ્યા છીએ. AI આધારિત સિસ્ટમ દ્વારા ડેટાની મદદથી ભવિષ્યમાં માર્ગ વિકાસ અને જાળવણી માટે વધુ સફળ આયોજન કરી શકાશે.”
………………..
*BOX*
*૨૪x૭ નિગરાની રાખતુ ICCC સેન્ટર: રસ્તાના ખાડા શોધવા માટે ૧૦ લોકોની ખાસ ટીમ કાર્યરત:*
સુરત મહાનગરપાલિકાના વેસુ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (ICCC) માં ૨૪x૭ કલાક કામગીરી ચાલી રહી છે, જ્યાં ૮૦થી વધુ લોકો સતત નગરની વિવિધ સેવાઓનું મોનિટરિંગ કરે છે. હાલના વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રસ્તા પર પડેલા ખાડાઓનું વિશેષ મોનિટરિંગ હાથ ધરાયું છે. ખાસ કરીને ખાડા ઓળખવા માટે ૧૦ લોકોને સમર્પિત ટીમ તરીકે નિયુક્ત કરવામાં આવી છે, જે CCTV ફૂટેજ અને AI ટેક્નોલોજીની મદદથી ખાડાની ઓળખ કરી સંબંધિત ફિલ્ડ ટીમ સુધી માહિતી પહોંચાડે છે.
*રોડ પરની સમસ્યાઓ શોધે છે AI સિસ્ટમ*
શહેરના ચોક્કસ વ્યસ્ત માર્ગો પર કાર્યરત આ AI સિસ્ટમ રસ્તાની સપાટીની સતત સ્કેનિંગ કરે છે. ખાડા, પાણી ભરાવ, ટ્રાફિક ઘસારો વગેરેની હાલત સર્જાય તો આ કેમેરા અને સેન્સર્સ તરત જ સુરત મ્યુનિસિપલ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને સૂચના આપે છે. જેથી તંત્ર સ્થળ પર પહોંચી તાત્કાલિક પગલાં લેવામાં આવે છે.
*ટેકનોલોજીથી માર્ગ વ્યવસ્થાપનને નવી દિશા*
સુરતનું આ સ્માર્ટ માર્ગ મોનિટરિંગ મોડલ હવે અન્ય શહેરો માટે પણ શીખવા જેવી પ્રેરણારૂપ પદ્ધતિ બની શકે તેમ છે. ટેક્નોલોજી અને તંત્રના સંકલનથી સુરતના નાગરિકોને વધુ સુગમ અને સલામત યાત્રા વ્યવસ્થા પ્રાપ્ત થઈ રહી છે.
*કેવી રીતે કાર્ય કરે છે AI-સંચાલિત સેન્સર સિસ્ટમ?*
AI આધારિત સેન્સરો સતત માર્ગ સપાટીનું અવલોકન કરે છે. જો રસ્તા પર ખાડો પડે, પાણી ભરાય કે ટ્રાફિક સ્થગિત થાય તો તે તરત ઓળખી ‘સુરત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર’ (ICCC) સુધી ડેટા મોકલે છે. ત્યાંથી સંબંધિત વિભાગને રિયલ ટાઈમ સૂચના આપવામાં આવે છે, જેથી તરત કામગીરી હાથ ધરવામાં આવે છે.
…………..
*(ખાસ લેખઃમેહુલ વાંઝવાલા)*
-000-
[7/16, 5:57 PM] Dilip Gajjar.Mahiti.Press: રાજ્યમાં અત્યાર સુધીમાં ૨.૮૨ લાખથી વધુ સર્વે નંબરો જુની શરતમાં જાહેર : ડૉ.જયંતિ રવિ
*****
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. જયંતિ રવિ એ વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી કરી સમીક્ષા
********
રાજ્યના મૃદુ અને મકકમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નિર્દેશ અને વડપણ હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા પ્રજા ભિમુખ વહીવટ અને પ્રક્રિયાઓના સરળીકરણના ભાગરુપે નિવાસી કલેકટરશ્રી અને અધિક કલેકટરશ્રીઓ સાથે વી.સી.ના માધ્યમથી વિભાગીય અગત્યની કામગીરીનો રીવ્યુ લેવામાં આવ્યો હતો.
આ અંગે માહિતી આપતા અધિક મુખ્ય સચિવશ્રી, મહેસૂલ વિભાગ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજયમાં જુની શરત જાહેર કરવાપાત્ર સર્વે નંબરોને જૂની શરતમાં ફેરવવાની કામગીરી ની ઝુંબેશના ભાગરુપે અત્યાર સુધી ૨.૮૨ લાખથી વધુ સર્વે નંબરો જુની શરતમાં જાહેર કરવામાં આવ્યા છે અને સતત રીવ્યુ કરીને આ કામગીરી ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
રાજયના જિલ્લાઓ ખાતેના અનધિકૃત ધાર્મિક બાંધકામો દૂર કરવા માટે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીનો વી.સી.માં રીવ્યુ લેવામાં આવેલ હતો જેમાં દૂર કરવામાં આવેલ અને રી-લોકેટ કરવામાં આવેલ ધાર્મિક બાંધકામોની કામગીરીની સમીક્ષા કરીને બાકીના અનધિકૃત ધાર્મિક બાંધકામો નિયત પ્રક્રિયા અનુસરીને દૂર કરવા અને રી-લોકેટ કરવાની કામગીરી ઝડપથી પૂરી કરવા ગૃહ સચિવ નિપુર્ણા તોરવણે દ્વારા કલેકટરશ્રીઓને સુચના આપવામાં આવેલ હતી. જે બાબતે જિલ્લાતંત્ર દ્વારા જરુરી સહયોગ ગૃહ વિભાગને મળી રહે તે માટે ડો. રવિ દ્વારા દિશાનિર્દેશ કરવામાં આવેલ હતા.
આ ઉપરાંત જિલ્લા સેવા સદન, તાલુકા સેવા સદન અને અન્ય મહેસૂલી ભવનોના બાંધકામ ટાઇપ ડીઝાઇન મુજબ જ થાય તેમજ જમીન ફાળવણીની કામગીરી પણ માપણીની કામગીરી સમયસર પૂર્ણ કરીને ઝડપથી કરવામાં આવે તે માટે માર્ગ અને મકાન વિભાગના પરામર્શમાં જરુરી સુચનાઓ કલેકટરશ્રીઓને આપવામાં આવેલ હતી.
ડૉ. જ્યંતિ રવિએ જણાવ્યું હતું કે ઇ-ગવર્નંસના માધ્યમથી જિલ્લાકક્ષાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે, પ્રજાલક્ષી નિર્ણયોની સરળતાથી અમલવારી થઇ શકે તેમજ મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા આવે તે હેતુસર મહેસૂલ વિભાગ દ્વારા સમયાંતરે યોજાતી કલેકટર / નિવાસી અધિક કલેકટરશ્રીની આવી વી.સી. કોન્ફરન્સીસ એક નિર્ણાયક અને મહત્વપૂર્ણ માધ્યમ બની રહેલ છે.
********
[7/16, 6:59 PM] +91 99784 01911: *વિશ્વ સર્પ દિવસ – ૨૦૨૫*
———
*ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના ઉપક્રમે ‘સમજીએ સર્પ અને સર્પદંશ’વિષય પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું*
………………………..
વિશ્વ સર્પ દિવસ – ૨૦૨૫ નિમિત્તે આજે ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે “સમજીએ સર્પ અને સર્પદંશ”
વિષય પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાપ એ પ્રકૃતિનું અજોડ સર્જન છે, જે પર્યાવરણની સુંદરતા અને સંતુલનનો એક અભિન્ન ભાગ છે. કુદરતે રચેલી આહારશૃંખલા મુજબ સાપ નાના પ્રાણીઓ અને જીવ જંતુઓના ભક્ષણ થકી તેમની વસ્તીને નિયંત્રિત કરીને પર્યાવરણની સાંકળમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આમ, સાપના પારિસ્થિતિકીય મહત્વને ઉજાગર કરવા અને તેમના સંરક્ષણ દ્વારા જાગૃતિ ફેલાવવાના હેતુસર દર વર્ષે તા. ૧૬ જુલાઈના રોજ ‘વિશ્વ સર્પ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ‘ગીર’ ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા વિશ્વ સર્પ દિવસ ૨૦૨૫ની ઉજવણીના ભાગ રૂપે આજે “સમજીએ સર્પ અને સર્પદંશ” વિષય પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ પલ્બિલ હેલ્થ, ગાંધીનગરના ૬૦ તાલીમાર્થીઓ અને ૧૦ ફેકલ્ટીઓ સહભાગી થયા હતા.
આ કાર્યક્રમમાં ‘ગીર’ ફાઉન્ડેશનના નાયબ નિયામક શ્રી અમિતકુમાર નાયક અને ડૉ. રેણુકા દેસાઈએ તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરીને સર્પ તેમજ સર્પનું માનવજીવન સાથે સહઃઅસ્તિત્વના મહત્વ વિશે ચર્ચા કરી હતી.
વધુમાં ‘ગીર’ ફાઉન્ડેશનના વૈજ્ઞાનિક ડૉ. સંદિપ મુંજપરા દ્વારા સાપનું પારિસ્થિતિકીય તંત્રમાં મહત્વ, પોષણ જાળમાં મહત્વ, સાપના સંરક્ષણનું મહત્વ અને જરૂરિયાત વિષે માહિતી આપી હતી. આ ઉપરાંત વેટરનરી ઓફિસર, ડૉ. અનિકેત પટેલ દ્વારા સર્પદંશ અને તેની સારવાર વિષય પર ચર્ચા અને વિસ્તૃત સમજ આપી હતી.
………………………..
જનક દેસાઈ
[7/16, 7:27 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત*
————-
*રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટેની ઐતિહાસિક પહેલ ગણાવી : સંશોધનોથી સ્પષ્ટ થયું છે કે, પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઓછું નથી થતું*
————
આજે નવી દિલ્હીમાં, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ પ્રસંગે, બંને મહાનુભાવો વચ્ચે પ્રાકૃતિક કૃષિને જન આંદોલન બનાવવા અને તેને રાષ્ટ્રીય સ્તરે સફળતાપૂર્વક અમલી બનાવવા અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અમલી કરાયેલા ‘રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન’ની પ્રશંસા કરી અને તેને ભારતના કૃષિ ભવિષ્યની દિશામાં એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પહેલ ગણાવી હતી. તેમણે કહ્યું કે, આ મિશનથી દેશભરમાં પ્રાકૃતિક ખેતી અંગે અભૂતપૂર્વ જાગૃતિ આવી છે. ખેડૂતોમાં રાસાયણિક ખેતીના દુષ્પરિણામોની સમજણ વધી છે. ખેડૂતો વૈકલ્પિક અને ટકાઉ કૃષિ પદ્ધતિ; પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે.
રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રીને જાણકારી આપી હતી કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પદ્ધતિ અપનાવીને લાખો ખેડૂતોએ ખર્ચમાં ઘટાડો, જમીનની ફળદ્રુપતામાં વધારો અને ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો અનુભવ્યો છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો કે, આ દિશામાં રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને ગુજરાતના બિન-સરકારી સંગઠનોને સામેલ કરીને પ્રાકૃતિક ખેતીને એક વ્યાપક આંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેશના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને કૃષિ ક્ષેત્રમાં એક નવી હરિયાળી ક્રાંતિ લાવશે, જે રસાયણમુક્ત, પર્યાવરણને અનુકૂળ અને માનવ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, તેમના સશક્ત નેતૃત્વ હેઠળ ભારત આત્મનિર્ભરતા, જૈવવિવિધતા અને ગ્રામીણ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે, પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ, પ્રાકૃતિક ખેતી મિશન માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક આદર્શ મોડેલ સાબિત થશે.
———
[7/16, 7:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના વિકાસને ગતિ આપતા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરી પ્રગતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ*
——-
*રાજ્ય સરકારના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષાના ઉપક્રમમાં અંદાજે રૂ.૧૧,૭૩૫ કરોડના બહુવિધ ૧૨ પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી*
——-
_*::મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ::*_
* વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ ઈન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટના દિશા સૂચક છે.
* પ્રોજેક્ટ્સ તેના નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે અવશ્યપણે સુનિશ્ચિત કરીએ.
——-
_*મુખ્યમંત્રીશ્રીએ મુખ્યત્વે સમીક્ષા કરેલા પ્રોજેક્ટ*_
* વડાપ્રધાનશ્રીની વતનભૂમિ ઐતિહાસિક નગરી વડનગરનું ઇન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ
* હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ અંબાજી
* પાવાગઢ શ્રી મહાકાળી માતા મંદિર વિકાસ
* કચ્છના સરહદી વિસ્તારમાં ક્રિક ડેવલપમેન્ટ એન્ડ મેનગ્રુવ્ઝ પ્લાન્ટેશન
* પોરબંદર ઘેડના મોકર સાગર – કર્લી રિચાર્જનો વૈશ્વિક પ્રવાસન ધામ તરીકે વિકાસ
* દ્વારકા કોરિડોર
* શિવરાજપુર અને સોમનાથ બીચ ડેવલપમેન્ટ
* કંથારપુર મહાકાળી વડનો વિકાસ
* ધરોઈ ડેમનું ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ
* ધોલેરા SIRમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર – સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર એમિનીટીઝ ડેવલપમેન્ટ
* અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨ મોટેરાથી મહાત્મા મંદિર
* સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ
——–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વગ્રાહી વિકાસને ગતિ આપતા હાઈપ્રાયોરિટી પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષાના ઉપક્રમ અંતર્ગત કુલ રૂ. ૧૧,૭૩૫ કરોડના ૧૨ જેટલા બહુવિધ પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ વિભાગોના વરિષ્ઠ સચિવો અને અમલીકરણ અધિકારીઓને કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના વિઝનને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ ઈન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટના દિશાસૂચક છે.
આ પ્રોજેક્ટ્સ તેના નિર્ધારિત સમયમાં અવશ્યપણે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા તેમણે અધિકારીઓને સુચન કરવા સાથે પ્રોજેક્ટ્સના ક્વોલિટી વર્ક માટે સંબંધિત વિભાગો સતત ફોલોઅપ અને ફિલ્ડ વિઝીટ દ્વારા મોનિટરિંગ કરતા રહે તેવી તાકીદ પણ કરી હતી.
મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો સાથે મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં આ સમીક્ષા બેઠક યોજી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતન ભૂમિ અને ઐતિહાસિક નગરી વડનગરના ઈન્ટિગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે પાંચ જેટલા પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે તેની ચાલી રહેલી કામગીરીની વિગતો તેમણે મેળવી હતી.
વડનગરના આ પાંચ પ્રોજેક્ટ્સમાં શર્મિષ્ઠા તળાવ ખાતે એક્વા સ્ક્રિન પ્રોજેક્શન એન્ડ મ્યુઝીકલ ફાઉન્ટેન, રેલવે સ્ટેશન પાસે જાહેર કેન્દ્ર અને પરીવન કેન્દ્રનો વિકાસ, ઐતિહાસિક સપ્તર્ષિ આરો અને દાઈ તળાવનું બ્યુટીફિકેશન તેમજ તાના-રીરીના ભવ્ય સંગીત વારસાને શ્રદ્ધાંજલિ રૂપ સંગીત સંગ્રહાલયના કામોનો સમાવેશ કરવામાં આવેલો છે.
પ્રવાસન વિભાગ દ્વારા હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ અંબાજી, પાવાગઢ મહાકાળી માતા મંદિર વિકાસ કામો, ક્રિક ડેવલપમેન્ટ એન્ડ મેનગ્રુવ્સ, પોરબંદરના મોકર સાગરનો વૈશ્વિક પ્રવાસન ધામ તરીકે વિકાસ, દ્વારકા કોરિડોર, શિવરાજપુર અને સોમનાથ બીચ ડેવલપમેન્ટ તથા કંથારપુર મહાકાળી વડ અને ધરોઈ ડેમ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ મળીને કુલ અંદાજે રૂ.૪,૧૮૪ કરોડના બહુવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સીટી તરીકે વિકસી રહેલા ધોલેરા SIRમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ, એક્સપ્રેસવે, ધોલેરા ભીમનાથ રેલ્વે લાઈન જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ તેમજ હોસ્પિટલ, સ્કૂલ, ફાયર સ્ટેશન અને ફૂડ કોર્ટ જેવા સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સ મળીને ૭૫૫૧ કરોડ રૂપિયાના જે પ્રોજેક્ટ્સ નિર્માણાધિન છે તેની પ્રગતિની વિગતો મેળવી હતી.
આ ઉપરાંત ધોલેરામાં હોટેલ્સ, શોપીંગ મોલ્સ, લેન્ડ સ્કેપીંગ અને ગાર્ડન, ટેન્ટ સીટી અને આવાસીય સુવિધા જેવી સોશિયલ એમેનીટીઝ તેમજ દરિયા નજીકની જમીનમાં ગ્રીન વોલ અન્વયે ૫૧૬ હેક્ટરમાં મેનગ્રુવ્ઝ અને વન કવચ ઊભું કરવાના થનારા કામો અંગે પણ સમીક્ષા કરી હતી.
ધોલેરા સેમીકન્ડક્ટર સેક્ટરનું હબ બની રહ્યું છે અને વિશ્વની ખ્યાતનામ સેમીકન્ડક્ટર ચીપ ઉત્પાદન કંપનીઝ પોતાના એકમો ધોલેરામાં સ્થાપી રહી છે તે ધ્યાનમાં લેતા મુખ્યમંત્રીશ્રીએ આ બધા જ માળખાકીય સુવિધાના પ્રોજેક્ટ્સ ઝડપભેર પૂર્ણ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનું સૂચન પણ કર્યુ હતુ.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમીટેડ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-૨ની કામગીરી અંતર્ગત મોટેરાથી મહાત્મા મંદિર સુધીના પ્રગતી હેઠળના પ્રોજેક્ટ્સની વિગતો તેમજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના બે કોરીડોરના બાંધકામ નિર્માણ પ્રોજેક્ટની પણ આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા થઈ હતી.
મુખ્યમંત્રીશ્રીએ બધા જ હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની પ્રારંભિક કામગીરી અને પ્રગતિથી લઈને પ્રોજેક્ટ્સ પૂર્ણતા સુધી સંબંધિત વિભાગોના સંકલન માટે મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં રચેલી હાઈ લેવલ કમિટીની બેઠકો સમયાંતરે યોજીને મુખ્ય સચિવશ્રી કક્ષાએ સમીક્ષા હાથ ધરવા પણ સૂચન કર્યું હતું.
જે પ્રોજેક્ટ્સમાં કેન્દ્રીય એજન્સીઓ અને મંત્રાલયો પણ સંકળાયેલા છે તેની સાથે પણ સતત ફોલોઅપ અને સંકલન માટે રાજ્ય સરકારના જે તે વિભાગોના વરિષ્ઠ સચિવોને મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, પ્રોજેક્ટ્સ સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ.એસ. રાઠૌર, વિભાગોના અગ્ર સચિવશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તથા સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં સહભાગી થયા હતા.
———————————————————————————
Janfariyadnews youtube channel links નીચે મુજબ જુવો.
અહીંયા કોઈપણ સમાચારો અને ફોટાઓ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીશ્રીનો સંપર્ક કરી શકે છે. તંત્રી
