માહિતી ખાતાના રાજ્ય ના સમાચારો
[8/5, 10:34 AM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત પોલીસને મળ્યાં ‘અભિરક્ષક’: આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્પેશ્યલ પર્પઝ વિહિકલ*
….
*ગંભીર માર્ગ અકસ્માતો સર્જાય ત્યારે ‘ગોલ્ડન અવર્સ’માં ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવશે ગુજરાત પોલીસનું ‘અભિરક્ષક’ વિહિકલ*
….
*ખાસ અદ્યતન રેસ્ક્યુ ટૂલ્સ સાથે સુસજ્જ આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યૂ વિહિકલ ‘અભિરક્ષક’ને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય જિલ્લામાં તૈનાત કરાયા*
*આ આધુનિક વાહનમાં મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, ટેલિસ્કોપિક લેડર, સ્ટ્રેચર, જનરેટર, હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વીંચ અને ઓક્સિજન બોટલ સહિત ૩૨થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ*
*આ જ પ્રકારે એક પછી એક મહત્વના નિર્ણયો લઈને ટેકનોલોજીયુક્ત ઇક્વિપમેન્ટ્સમાં વધારો કરી રહ્યા છીએ: મંત્રી શ્રી હર્ષ સંઘવી*
….
રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાની અટકાવી શકાય એ મુખ્ય હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન “અભિરક્ષક” વિહિકલ ખરીદ્યાં છે. આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યૂ વિહિકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યું છે.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ આ સ્પેશ્યલ પર્પઝ વિહિકલને ખરીદવા માટે બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યના એક્સિડન્ટ ડેટા એનાલિસિસ કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા બે જિલ્લા પસંદ કરી આ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે.
આ અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચીને તત્કાલિક રેસ્પોન્સ આપશે અને “ગોલ્ડન અવર્સ” દરમિયાન ઈજાગ્રસ્તોને બચાવી તેઓને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે. આ વાહન ત્યારે ખૂબ મદદરૂપ સાબિત થશે જ્યારે માર્ગ અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ વાહનના અંદર ફસાઈ ગઈ હોય અથવા એવા કોઈ સ્થળે ધડાકાભેર ટકરાયા હોય જ્યાંથી રેસ્ક્યુ કરવા પડે તેવી ગંભીર હાલતમાં ફસાયા હોય.
આ આધુનિક વાહનમાં ઓક્સિજન બોટલ ઉપરાંત 32 થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે. જેમાં મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, ટેલિસ્કોપિક લેડર, સ્ટ્રેચર, જનરેટર અને હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વીંચ જેવા ખાસ પ્રકારના અદ્યતન વ્યાવસાયિક સાધનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાત્રિના સમયમાં પણ અસરકારક રેસ્ક્યુ થઈ શકે તે માટે પાવરફુલ લાઈટિંગ સિસ્ટમ અને જનરેટર પણ આ વાહનમાં ઉપલબ્ધ છે.
આ ઉપરાંત, નાઈટ વિઝન ગોગલ્સ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ટ્રાફિક કંટ્રોલ લાઈટ બ્લિન્કર્સ અને ડ્રોન ઓપરેશન માટેના ચેમ્બર જેવી અન્ય સુવિધાઓ પણ અભિરક્ષકમાં ઉપલબ્ધ છે. આ વાહનની બોડી તેમજ એન્ટ્રી-એક્ઝિટ ડિઝાઈન પણ ફાયરપ્રૂફ અને હુમલારોધક છે, જે ખાસ કરીને ભીડવાળા કે સંવેદનશીલ પરિસ્થિતિઓમાં સુરક્ષિત કામગીરી માટે ઉપયોગી છે.
અભિરક્ષક એક એવી પહેલ છે જે અકસ્માતગ્રસ્ત વ્યક્તિના જીવ બચાવવાની દિશામાં ગુજરાત પોલીસની તત્પરતાને દર્શાવે છે. પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આવનારા સમયમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવા રેસ્ક્યુ વિહિકલ તૈનાત કરવાનું આયોજન છે.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, આ જ પ્રકારે એક પછી એક મહત્વના નિર્ણયો લઈને નાગરિકોના હિતમાં ઉપયોગી નીવડે તેવા ટેકનોલોજીયુક્ત ઇક્વિપમેન્ટ્સમાં વધારો કરી રહ્યા છીએ.
—
[8/5, 11:18 AM] Dilip Gajjar.Mahiti.Press: *આજની યશોદા: અમૃતરૂપી દૂધદાનથી નવજાતને આપે છે નવજીવન*
*રાજ્યમાં અત્યાર સુધી ૧૯,૭૩૧ બાળકોને અમૃતરૂપી દૂધનું દાન કરી ૨૧,૩૫૭ માતાઓ બની યશોદા*
****************
• *હ્યુમન મિલ્ક બેંકમાં આ વર્ષે ૫,૫૩૭ માતાઓએ ૫,૦૩૬ લીટર દૂધ ડોનેટ કર્યું*
• *આ પહેલ થકી ૭,૮૨૯ બાળકોને નવજીવન મળ્યું*
• *ગાંધીનગરની હ્યુમન મિલ્ક બેંકમાં ૬૪૬ માતાઓએ ૬૯૪ બાળકોને દૂધ ડોનેટ કર્યું*
*****************
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ…એથી મીઠી તે મોરી માત રે…જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ…કવિ બોટાદકર રચિત ઉપરોક્ત પંક્તિ ‘માતા’ની મહાનતા દર્શાવે છે. બાળકને મન ‘મા’ સર્વસ્વ હોય છે. બાળકના જન્મથી લઈને છ મહિના સુધી માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. પરંતુ જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવા બાળકો અને આરોગ્યના કારણસર જે બાળકો માતાના દૂઘને સીધુ ગ્રહણ કરવા સક્ષમ નથી હોતા તેવા બાળકોને બીજી માતા પરોક્ષ માતા તરીકે અમૃતરૂપી દૂધ આપી શકે તેવી રાજ્ય સરકારની વ્યવસ્થા એટલે ‘હ્યુમન મિલ્ક બેંક’ (માનવ દૂધ બેંક).
રાજ્યના નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ઘટે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકારના સહયોગથી સરકારી હોસ્પિટલમાં ‘હ્યુમન મિલ્ક બેંક’ કાર્યરત છે. આ બેંક અનેક નવજાત બાળકોના પોષણનું માધ્યમ બની રહી છે. સામાન્ય રીતે મધર મિલ્ક બેંક તરીકે ઓળખાતી આ માતૃબેંકમાં અનેક માતાઓ પોતાના મહામૂલા ધાવણનું દાન કરી નવજાત બાળકો માટે સાચા અર્થમાં યશોદા બની રહી છે.
*રાજ્યમાં કાર્યરત ‘હ્યુમન મિલ્ક બેંક’ માં અત્યાર સુધીમાં ૨૧,૩૫૭ માતાઓ દ્વારા અમૃતરૂપી દૂધનું દાન કરાયું છે. જેનો અંદાજે ૧૯,૭૩૧ બાળકોને લાભ અપાયો છે.* રાજ્યની રાજધાની ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ ૨૦૨૧ થી આવી જ એક હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે. આ બેંકમાં અત્યાર સુધી કુલ ૬૪૬ માતાઓએ પોતાના અમૃતરૂપ દૂધનું દાન કર્યું છે. આ દૂધથી ૬૯૪ બાળકોને નવજીવન મળ્યું છે. આ બેંકમાં અત્યાર સુધી ૧૮૩.૧૮ લીટર દૂધ એકત્ર કરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની એસ.એસ.જી હોસ્પિટલ વડોદરાને ઉચ્ચ ગુણવત્તા યુક્ત માપદંડોનું (NQAS) પ્રમાણપત્ર અનાયત કરવામાં આવ્યું છે. આ પ્રકારનું પ્રમાણપત્ર મેળવનાર આ હોસ્પિટલ ભારતની પ્રથમ હોસ્પિટલ છે. *રાજ્યમાં વર્ષ ૨૦૨૪-૨૫માં હ્યુમન મિલ્ક બેંકમાં ૫,૫૩૭ માતાઓએ ૫,૦૩૬ લીટર દૂધ ડોનેટ કર્યું છે. આ વર્ષે હ્યુમન મિલ્ક બેંક દ્વારા ૨,૦૯૨ લીટર દૂધ આપીને ૭,૮૨૯ બાળકોને નવજીવન મળ્યું છે.*
ગુજરાતમાં દર વર્ષે અંદાજે ૧૩ લાખ બાળકોનો જન્મ થાય છે જેમાંથી અમુક બાળકો પ્રિટર્મ હોય છે અને ઓછા વજનવાળા હોય છે. આ તમામ બાળકો જ્ઞાનાત્મક વિકાસની દ્રષ્ટિએ સંવેદનશીલ હોય છે. સામાન્ય રીતે તેમની તબીબી પરિસ્થિતિઓને કારણે તેઓ માતાનું દૂધ સીધું ગ્રહણ કરી શકતા નથી. આવા બાળકો માટે આ અન્ય માતાઓ દ્વારા આપવામાં આવેલું દૂધ અમૃત સમાન બને છે.
ભારત સરકારના ગાઇડલાઇન મુજબ કોમ્પ્રીહેન્સીવ લેક્ટેશન મેનેજમેન્ટ સેન્ટર CLMC એટલે કે, હ્યુમન મિલ્ક બેંક રાજ્યની ૪ મેડિકલ કોલેજ હોસ્પિટલ સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગર ખાતે કાર્યરત છે. *રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૧,૩૫૭ માતાઓ દ્વારા મિલ્ક ડોનેટ કરી ૧૯,૮૭૧ બાળકોને તેમના આ પોષણયુક્ત મિલ્કનો લાભ આપવામાં આવ્યો છે.*
*રાજ્યની અનેક માતાઓ અમૃતદાતા બની છે તો ચાલો જાણીએ આ પહેલ વિશે:*
*માતાઓના તમામ તબીબી રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમનું દૂધ લેવાય છે*
સગર્ભા મહિલાઓની ડિલીવરી થયા બાદ જો વધારે ફિડીંગ આવતુ હોય તો તેવી માતાઓને બ્રેસ્ટ ફિડીંગનું મહત્વ સમજાવીને સ્ક્રીંનીંગ કરીને તેના બ્લડ રીપોર્ટ કરવામાં આવે છે. જેમાં એચ.આઈ.વી., કમળો, સીફિલીસ જેવા રોગોની તપાસ કર્યા બાદ રીપોર્ટ નોર્મલ આવે તો તેવી માતાઓનું દૂધ લેવામાં આવે છે. માતાનું દૂધ લેવા માટે ઈલેક્ટ્રીક બ્રેસ્ટ પંપનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી યોગ્ય માત્રામાં અને જરૂર પૂરતું જ માતાનું દૂધ લઇ શકાય અને તેનાથી માતાને કોઈ શારીરિક નૂકસાન કે દર્દ થતું નથી.
*માતાના દૂધને ડીપ-ફ્રિજમાં -૧૮ થી -૨૦ ડિગ્રી તાપમાને સ્ટોરેજ કરી છ મહિના સુધી સાચવી શકાય*
આ ડોનેટ કરેલા દૂધને પેશ્યરાઈઝ્ડ કરી તેનું રેપીડ કુલીંગ થયા બાદ મિલ્કનું સેમ્પલ માઈક્રો બાયોલોજી ડિપાર્ટેમન્ટમાં રીપોર્ટ માટે મોકલાય છે. દૂધનો રીપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડીપ-ફ્રિજમાં -૧૮થી -૨૦ ડિગ્રી તાપમાને સ્ટોર કરાય છે. સામાન્ય રીતે ૧૨૫ MLની એક બોટલમાં ત્રણ માતાઓના દૂધને મિશ્ર કરાય છે. આ સંગ્રહિત અમૃત છ માસ ચાલે છે. અધૂરા માસે જન્મેલા બાળકો કે જેમનું વજન ૧ કિલો ૮૦૦ ગ્રામથી ઓછું હોય, બાળક કોઈ બીમારીના કારણે ICU માં ભરતી હોય અને તેમની માતા હોસ્પિટલ પહોંચી શક્યા ના હોય તેવા બાળકોને આ બેંકમાંથી દૂધ આપવા માટે પ્રાધાન્ય અપાય છે. આ પરિસ્થિતિમાં બાળકો માટે હ્યુમન મિલ્ક બેંક પ્રાણરક્ષક સાબિત થાય છે.
*દૂધદાનની પ્રક્રિયા: સલામત અને સરળ: દૂધનું દાન રક્તદાન જેટલું જ અમૂલ્ય*
ઘણી માતાઓને પોતાનું બાળક ધરાઈ જાય તો પણ વધે એટલું ધાવણ આવતું હોય છે. મમતા જેવા દૂધની સરવાણી વહેતી હોય એવી માતાઓ પોતાના બાળકને પૂરતું ધાવણ આપ્યાં પછી વધારાના ધાવણનું જે બાળકો કોઈપણ કારણસર માતાના દૂધથી વંચિત છે તેમના માટે દાન કરી શકે છે, એટલે કે આ બેંકમાં જમા કરાવી શકે છે. રકતદાનની જેમ જ દૂધની દાતા માતાના શરીરને કોઈ જ નુકશાન થતું નથી. માતાના દૂધનું દાન રક્તદાન જેટલું જ અમૂલ્ય છે.
વિશ્વભરના બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ-કાળજી માટે માટે દર વર્ષે ૧ થી ૭ ઑગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે . આ સપ્તાહ ઉજવણીનો આશય બાળકના જન્મના પ્રથમ કલાકથી જ સ્તનપાનનો પ્રારંભ, છ માસ સુધી ફક્ત સ્તનપાન પર ઉછેર અને ૬ માસ બાદ માતાના દૂધની સાથે ઉપરી આહારની શરૂઆતની પરંપરાની જાગૃતિ કેળવવાનો છે જેથી બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઇ શકે અને બાળકનું જીવન બચાવવાની સાથે અમૂલ્ય એવું સ્વસ્થ જીવન ભેટ કરી શકાય.
*****************
ઋચા રાવલ
[8/5, 11:34 AM] Dilip Gajjar.Mahiti.Press: *ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીની અધ્યક્ષતામાં*
*આધાર-UID અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ*
…………………..
રાજ્યમાં આધાર સંબંધિત સેવાઓને વધુ સરળ અને ઝડપી બનાવવાના હેતુ સાથે મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આધાર-UID અમલીકરણ સમિતિ-UIDICની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીએ ગુજરાતમાં UIDAIની કામગીરીને વધુ સરળ બનાવવા અને રાજ્યભરમાં આધાર-સંબંધિત સેવાઓની ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા પર પ્રાધાન્ય આપ્યું હતું. આધાર ટીમ સાથેની ચર્ચામાં મુખ્ય સચિવ શ્રી જોશી દ્વારા રાજ્યના નાગરિકોને આધાર સંબંધિત સેવા ઉપલબ્ધ કરાવવા સતત કાર્યક્ષમતા અને નવીનતાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
રાજ્યના વિવિધ મહત્વના વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને UIDAIના પ્રતિનિધિઓએ બેઠકમાં સહભાગી થયા હતા. રાજ્યભરમાં શાસન અને જાહેર સેવા પહેલને સમર્થન આપવા માટે બાળ નોંધણી, ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ્સ, સુલભતામાં સુધારો, પ્રમાણિકતા સુનિશ્ચિત કરવા અને આધાર સેવાઓને એકીકૃત કરવા જેવી ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં હતી. આ ચર્ચા-સમીક્ષામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાઓ અને સુશાસન કાર્યક્રમોમાં આધાર-સક્ષમ સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
બેઠકમાં UIDAIની આધાર સંબંધિત તાજેતરની વિવિધ પહેલ, જેમાં યુનિવર્સલ ક્લાયન્ટ, SWIK પોર્ટલ, ફેસ ઓથેન્ટિકેશન અને આધાર એપ્લિકેશનનો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી જોશીએ તમામ વિભાગોને સેવા વિતરણ વધારવા અને અનુભવો પરથી આગળની વ્યવસ્થા સુધારવા માટે આ પ્લેટફોર્મનો સક્રિયપણે ઉપયોગ કરવા સૌને અનુરોધ કર્યો હતો.
————
જનક દેસાઈ
[8/5, 2:17 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશનમાં હવે અધિકારીઓએ પણ અપનાવ્યો ‘સમીક્ષા ઉપક્રમ’, અંબાજી પહોંચ્યા પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર*
***
*અંબાજીમાં 1 સપ્ટેમ્બરથી શરૂ થશે ભાદરવી પૂનમ મહામેળો: ‘સ્વચ્છતા અને સુરક્ષા’ ના મંત્ર સાથે શ્રદ્ધાળુઓની સુવિધા માટે વહીવટીતંત્ર સજ્જ થઈ રહ્યું છે*
***
*પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારે અંબાજીમાં અધિકારીઓની સાથે શ્રેણીબદ્ધ મીટિંગો કરી*
***
*રીંછડિયા મહાદેવ અને તેલિયા ઇકો ટ્રેલના વિકાસકાર્યોની પણ સમીક્ષા કરીને જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા*
***
*ગાંધીનગર, 5 ઓગસ્ટ:* મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના હાઈ પ્રાયોરિટી એટલે કે ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવાના એક નવા ઉપક્રમનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના આ જ ઉપક્રમને હવે ઉચ્ચ અધિકારીઓએ પણ અપનાવવાનું શરૂ કર્યું છે. આ જ ક્રમમાં પ્રવાસન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્ર કુમારે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં 1 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહેલા ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓની સમીક્ષા કરી.
અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર, 2025 સુધી યોજાશે. આ મહામેળામાં 35 થી 40 લાખ શ્રદ્ધાળુઓ સામેલ થશે એવી સંભાવના છે. મહામેળાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર અંબાજી પહોંચ્યા, જ્યાં તેમણે શ્રેણીબદ્ધ મીટિંગો કરી. તેમણે સંબંધિત વિભાગો અને અધિકારીઓની સાથે અંબાજી મેળાની તૈયારીઓની તેમજ રીંછડિયા મહાદેવ તથા તેલિયા ઇકો ટ્રેલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરી. તેમણે આ સંબંધિત સ્થળોની મુલાકાત પણ લીધી.
*અંબાજી મેળામાં શ્રદ્ધાળુઓ માટે સ્વચ્છતા-સુરક્ષાનો મંત્ર*
શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમાન યાત્રાધામ અંબાજીમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ-અંબાજીના સંયુક્ત ઉપક્રમે ભાદરવી પૂનમનો મેળો આયોજિત થાય છે. પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારે મીટિંગ દરમિયાન મેળામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે સ્વચ્છતા અને સુરક્ષાના મંત્ર સાથે સુદૃઢ તેમજ ઉત્તમ વ્યવસ્થાઓ પ્રદાન કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી.
મીટિંગમાં અંબાજી મેળામાં આવનારા મુલાકાતીઓની સુરક્ષા, એસટી બસ, ઇલેક્ટ્રિસિટી, ક્રાઉડ મેનેજમેન્ટ, પીવાનું પાણી, કામચલાઉ વિરામ અને વિશ્રામનું સ્થળ, ભોજન, સફાઈ, આરોગ્ય, સેનિટેશન, ફાયર સેફ્ટી વગેરે વિષયો પર જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા. ખાસ કરીને સ્વચ્છતા, સુરક્ષા અને ભીડ નિયંત્રણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સવિચ શ્રી રમેશ મેરજાએ અંબાજી મેળા દરમિયાન બોર્ડ દ્વારા કરવામાં આવનારી વિવિધ વ્યવસ્થાઓ જેવીકે કામચલાઉ આવાસ સુવિધા, પાર્કિંગ, લાઇટિંગ વગેરેની વિસ્તૃત સમીક્ષા કરી.
પ્રવાસન સચિવે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર તથા અંબાજી ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મિહિર પટેલ દ્વારા જિલ્લા સ્તરીય કુલ 29 સમિતિઓ તરફથી કરવામાં આવનારા કાર્યો અને આયોજનો વિશે ચર્ચા કરી, તેમજ તમામ વિભાગો વચ્ચે સમન્વય, કટોકટીની સ્થિતિમાં કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક કનેક્ટિવિટીની વ્યવસ્થાઓની સમીક્ષા કરી. અંબાજી મંદિરના સંચાલક તેમજ અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીએ મેળાના આયોજન અંગે પ્રેઝન્ટેશન આપ્યું.
*મેળામાં આવાસ અને ભોજનની સુવિધાઓ, રોશનીથી ઝળહળશે મંદિરનું પરિસર*
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી મેળામાં યાત્રી સુવિધાઓ માટે અનેક વ્યવસ્થાઓ કરવામાં આવશે. તેમાં 6 સ્થળો પર શૌચાલયની સુવિધા, મિનરલ વૉટરની સુવિધા, પ્રાથમિક ચિકિત્સા/મેડિકલ કાઉન્ટર, રજિસ્ટ્રેશન ડેસ્ક વગેરે સાથે વિશ્રામ માટે શેલ્ટર ડોમ્સ, 2 સ્થળો પર નિઃશુલ્ક ભોજન માટેના શેલ્ટર ડોમ્સ, 32 સ્થળો પર બેરિકેડિંગ અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરાથી સજ્જ પાર્કિંગ સ્થળો, અંબાજી તરફ જતા હાઇવે પર 15 સ્થળોએ શૌચાલય અને સ્નાનની સુવિધાઓ, 30 સ્થળોએ પીવાના પાણીના કાઉન્ટર, 10 સ્થળોએ મેડિકલ કાઉન્ટર સ્થાપિત કરવામાં આવશે. અંબાજી નગરમાં હેન્ડિક્રાફ્ટ્સની વસ્તુઓના સ્ટોલ્સ, એક દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ, અંબાજી મુખ્ય મંદિર, તેના પ્રાંગણમાં, શક્તિ દ્વાર અને તેના કોરિડોરમાં લાઇટિંગની વ્યવસ્થા, અંબાજી નગરના દ્વાર અને મંદિર તરફ જતા રસ્તાઓ પર લાઇટિંગની વ્યવસ્થા, અંબાજી મુખ્ય રસ્તો, ડી.કે. ત્રિવેદી સર્કલ અને સર્કિટ હાઉસ સર્કલની થીમેટિક લાઇટિંગ (થીમ આધારિત લાઇટિંગની વ્યવસ્થા) અને ગબ્બર હિલ માર્ગ પર સુશોભન લાઇટિંગ, સુશોભન ઇન્સ્ટોલેશન અને વૃક્ષોની રોશનીની સાથે સમગ્ર અંબાજી યાત્રાધામ વિસ્તાર ઝળહળી ઉઠશે.
*X-X-X*
[8/5, 3:20 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગાંધીનગરમાં ફાર્મા એન્ડ લેબટેક એક્સપો-2025નો પ્રારંભ*
———
*25,000 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલા એક્સપોમાં 400થી વધુ એક્ઝિબિટર્સ દવાઓ અને ફાર્મા પ્રોડક્ટ્સ તેમજ ઉત્પાદન મશીનરી-સાધનો પ્રદર્શિત કરશે*
———-
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિ-દિવસીય એક્સપોનું હેલીપેડ એક્ઝિબિશન સેન્ટરમાં ઉદ્ઘાટન કર્યું ::આરોગ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિ::*
———-
દેશના નાના અને મધ્યમ કક્ષાના ફાર્મા મશીનરી, એન્જિનિયરિંગ ઉત્પાદકો અને ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન ઉત્પાદનો, લેબટેકને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડતા ફાર્મા એન્ડ લેબટેક એક્સપો-2025નો ગાંધીનગરમાં પ્રારંભ થયો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એક્સપોનો પ્રારંભ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. તેમણે પ્રદર્શનના વિવિધ સ્ટોલ્સની મૂલાકાત લીધી હતી.
ફાર્મા એન્ડ લેબટેક એક્સપોની આ 20માં એડિશનમાં કોનકરન્ટ ઇવેન્ટ્સ, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સ્પો અને રો એન્ડ પેકેજિંગ મટિરિયલ એક્સ્પો ઉમેરવામાં આવ્યા છે. આ ક્ષેત્ર ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનો, મશીનરી અને સાધનોના પૂરક છે, તેથી ઔદ્યોગિક મુલાકાતીઓ માટે ઉપયોગી થશે.
આ પ્રદર્શન ફાર્માસ્યુટિકલ મશીનરી અને સાધનો ઉત્પાદન ક્ષેત્ર અને ફાર્માસ્યુટિકલ્સ પેકેજિંગ, લેબ અને વિશ્લેષણાત્મક સાધનો, ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન, કોસ્મેટિક્સ, ન્યુટ્રાસ્યુટિકલ અને API પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. પ્રદર્શન વિસ્તારમાં પંપ, વાલ્વ, પાઇપ અને ફિટિંગ પર એક ખાસ પેવેલિયન પણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રી આ એક્સપોનું ઉદઘાટન કર્યું તે અવસરે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ, અખિલ ભારતીય સંત સમિતિ પાળીયાદના શ્રી ભયલુ બાપુ, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ડૉ. પ્રશાંત કોરાટ, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેટરના કમિશનર શ્રી ડૉ. એચ. જી કોશિયા, કેન્દ્ર સરકારના ડેપ્યુટી ડ્રગ્સ કંટ્રોલર ડૉ. રવિકાંત શર્મા, આઈ.ડી.એમ.એ.ના ઇમિડીયેટ પાસ્ટ નેશનલ પ્રેસિડેન્ટ ડૉ. વિરંચી શાહ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
——
[8/5, 3:25 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1_iYIy61zNTMg67gHpLjBRCmvjHE3j4_i?usp=sharing
[8/5, 3:59 PM] Dilip Gajjar.Mahiti.Press: *યુસીસીના અધ્યક્ષ નિવૃત્ત જસ્ટિસ શ્રીમતિ રંજના દેસાઈ અને સભ્યો ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે*
——–
રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતિ રંજના દેસાઈ અને પાંચ સભ્યોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત બેઠક યોજી હતી.
આ મુલાકાત બેઠક દરમિયાન તેમણે કમિટિની કામગીરી પ્રગતિની વિગતો મુખ્યમંત્રીશ્રીને આપી હતી. કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં સહભાગી થયા હતા.
સમિતિના અન્ય સભ્યો નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી શ્રી સી.એલ. મીના, એડવોકેટ શ્રી આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા સુશ્રી ગીતાબેન શ્રોફ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, કાર્યકારી કાયદા સચિવ શ્રી ઉપેન્દ્ર ભટ્ટ તેમજ વરિષ્ઠ અધિકારીઓ આ શુભેચ્છા મુલાકાત બેઠકમાં જોડાયા હતા.
——–
[8/5, 4:03 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1u65ozxvsM1aop0SrM2oolU_xErN5NjT1?usp=sharing
[8/5, 5:36 PM] Dilip Gajjar.Mahiti.Press: *આપણાં અન્નને સાત્વિક બનાવીએ, અન્ન જેટલું સાત્વિક હશે તેટલું જ જીવન નિરોગી બનશે :- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*
——
*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*
• *પ્રગતિનો એક જ રસ્તો છે, બાળકોને શિક્ષિત કરો અને વ્યસનથી દૂર રાખો*
• *આદિવાસી ક્ષેત્રના ખેડૂતો આજે પણ પ્રકૃતિ સાથે જોડાયેલા રહી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે*
• *પ્રાકૃતિક કૃષિના પરિણામલક્ષી આયામોને સાકાર કરવા અળસીયા ખેડૂતોના પરમ મિત્રો બને છે, જે જમીનમાં ખેતી માટે રસોઈ બનાવવાનું કાર્ય કરે છે*
——
*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ યોજાયો*
——
રાજપીપલા, મંગળવાર :- નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગે જનજાગૃતિ અભિયાનને વેગવાન બનાવવા માટે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતા ઓડિટોરિયમ ખાતે “પ્રાકૃતિક કૃષિ…પ્રકૃતિના શરણે” વિષય પર નર્મદા જિલ્લાના ખેડૂત ભાઈ-બહેનો માટે પરિસંવાદ યોજાયો હતો.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, હરિયાણાના ગુરુકુળમાં થયેલા અનુભવોના આધારે પ્રાકૃતિક કૃષિ તરફ વળવાનો મેં નિર્ણય કર્યો હતો. જેના આજે મને સારા એવા પરિણામો મળ્યા છે. ગુરુકુળમાં અભ્યાસ કરતા બાળકોને પ્રાકૃતિક ઉપજ વાળું અનાજ-દૂધ ખવડાવી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનની પણ ભેટ આપી છે. આ અભિયાનનો સમગ્ર ગુજરાતમાં પ્રચાર-પ્રસાર કરવાથી અને પ્રાકૃતિક કૃષિની ખેડૂતોને તાલીમ આપતા ખેડૂતોને કારણે આજે ખેતીમાં રસાયણોને જાકારો આપી આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રગતિશીલ ખેડૂતો આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાના યજ્ઞમાં સહભાગી બની રહ્યા છે.
સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યા સામે લડી રહ્યું છે ત્યારે ખોરાકી ઝેરના કારણે મનુષ્યના શરીરમાં થઈ રહેલા વિવિધ રોગોનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે. પ્રાકૃતિક કૃષિના માધ્યમથી આપણા બાળકોને સ્વસ્થ જીવનની ભવિષ્યમાં ભેટ આપી શકીએ તેમ છે. તેથી જ ભારતના ભવિષ્યને બચાવવા માટેનો એકમાત્ર રસ્તો પણ પ્રાકૃતિક કૃષિ જ છે. દેશી ગાય આધારિત ખેતી એટલે કે ઝેર મુક્ત ખેતી- પ્રાકૃતિક ખેતી જ આપણને સ્વસ્થ અને નિરોગી જીવન માટે સહાયરૂપ સાબિત થઈ રહી છે.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિના મુખ્યત્વે પાંચ આયામોની સમજ આપી જીવામૃત, ઘનજીવામૃત બનાવવાની પદ્ધતિઓ અને તેનો ખેતીમાં ઉપયોગ, જમીનની ફળદ્રુપતા વધારવા માટેના પગલાં વિશે વિસ્તારથી ખેડૂતોને સંવાદ સાથે જાણકારી આપી હતી. ખેડૂતોને ખેતીમાં સહાયક બનતા મિત્ર કિટકો અને શત્રુ કિટકોની પણ સમજ આપી હતી. મિત્ર કિટકોની વધુ પ્રમાણમાં જાળવણી કેવી રીતે કરી શકાય તેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર સુક્ષ્મ જીવાણુ અને અળસિયું ખેડૂતોને કેટલાં મદદરૂપ થાય છે તે અંગે પણ વિસ્તારપૂર્વક વીડિયો ક્લિપના માધ્યમથી માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલશ્રીએ એક પરિવારનું ઉદાહરણ આપી સમજાવ્યું કે, ઘરના રસોડામાં રસોઈ બનાવવા માટેનો સંપૂર્ણ સામાન પડ્યો હોય પરંતુ જો રસોઈ બનાવનાર વ્યક્તિ જ ન હોય તો રસોઈ આપોઆપ બનીને બહાર આવતી નથી તેવી જ રીતે પ્રાકૃતિક કૃષિના પરિણામલક્ષી આયામોને સાકાર કરવા માટે અળસીયા એ ખેડૂતોના મિત્રો છે એકબીજાના પુરક છે. જેઓ જમીનમાં ખેતી માટે રસોઈ બનાવવાનું કામ કરે છે. તે પોતાના જીવનકાળ દરમિયાન જમીનને સતત ફળદ્રુપ પોષકતત્વો ઉમેરી રાખવાનું કાર્ય કરે છે અને મૃત્યુ પછી પણ જમીન માટે જરૂરી પોષક તત્વો પૂરાં પાડે છે. તેવી જ રીતે ધરતી એ વૃક્ષોનું રસોડું છે, સૂક્ષ્મ જીવાણું તેને રસોઈ બનાવવામાં મદદરૂપ થાય છે. તેથી જ આપણે સૂક્ષ્મ જીવાણુંઓનું જતન કરી જમીનને ફળદ્રુપ બનાવવા માટેનું કાર્ય કરીએ અને હંમેશા પ્રાકૃતિક કૃષિનો આગ્રહ રાખીએ.
નર્મદા જિલ્લાના ખેડૂતોને કેન્દ્રમાં રાખીને રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, નર્મદામાં મોટાભાગના ખેડૂતો પ્રકૃતિ સાથે જોડાઈને આ પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આગળ આવ્યા છે. જે ખૂબ જ આનંદની બાબત છે. હાલમાં રસાયણયુક્ત ખેતીથી ઉપજાવેલું અન્ન ખાવાના કારણે નાગરિકોમાં સહનશક્તિનો અભાવ જોવા મળે છે. શરીરમાં અનેક પ્રકારના રોગો ઘર કરી રહ્યા છે અને હોસ્પિટલો ઉભરાઈ રહી છે. આ બધા જ તામસી ભોજનના દૂષ્પરિણામો છે. તેથી તેને દૂર કરવા માટે આપણે અન્નને સાત્વિક બનાવીએ, અન્ન જેટલું સાત્વિક હશે તેટલો જ પ્રેમભાવ પણ વધશે, આપણું જીવન નિરોગી બનશે. આપણી ભાવિ પેઢીના નિરોગી જીવન માટે પ્રગતિનો એક જ રસ્તો છે, બાળકોને શિક્ષિત કરવા અને વ્યસનથી દૂર રાખવા વડાપ્રધાનશ્રીના સ્વસ્થ ભારત, વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં પ્રેરક બળ બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કાર્યશાળા દરમિયાન રાજ્યપાલશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપતા માસ્ટર ટ્રેનર્સ, કૃષિ સખી, CRP તેમજ જિલ્લાના ખેડૂતો સાથે સંવાદના રૂપમાં સીધી પ્રશ્નોત્તરી સાથે પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃતમાં ચર્ચા સાથે માર્ગદર્શિત કર્યા હતા. તેમાં વિવિધ પ્રજાતિની ગાયોની સામે દેશી ગાયો આપણને પ્રાકૃતિક કૃષિમાં કેટલી મદદ રૂપ થઈ શકે તે અંગે વિસ્તારથી ખેડૂતોને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
જિલ્લા કલેકટર શ્રી એસ. કે. મોદીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની સંખ્યામાં પ્રતિ વર્ષ વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ગામડાઓમાં ક્લસ્ટર આધારિત પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી રહી છે જેમાં જિલ્લામાં અત્યારસુધી અંદાજે 15 હજાર કરતા વધુ ખેડૂતોને સાંકળી લેવામાં આવ્યા છે. તે પૈકીના 10 હજાર કરતાં વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિ અભિયાનને સહર્ષ વધાવ્યું છે.
આ કાર્યક્રમમાં દેડિયાપાડા તાલુકાના ગામોમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી રહેલા કૃષિ સખી શ્રીમતી ઈલાબેન સતીષભાઈ વસાવાએ સમગ્ર પ્રાકૃતિક કૃષિ તાલીમ પ્રક્રિયાનું વર્ણન કરી ખેડૂતોને આપવામાં આવતી તાલીમ અંગે ચિતાર રજૂ કર્યો હતો.
નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અપનાવી શ્રેષ્ઠ પરિણામની પ્રાપ્તિ કરનારા પાંચ ખેડૂતોનું રાજ્યપાલશ્રીના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું એકતા ઓડિટોરિયમ ખાતે આગમન થતાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ઓડિટોરિયમના પ્રાંગણમાં ઊભા કરાયેલા પ્રાકૃતિક કૃષિ ઉપજ આધારિત વિવિધ સ્ટોલનું નિરિક્ષણ કરી પ્રદર્શિત કરાયેલા પાકો વિશે સ્ટોલ પરના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભિમસિંહભાઈ તડવી, નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેકટર શ્રી એસ.કે.મોદી, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.અંચુ વિલ્સન, આત્મા પ્રોજેક્ટ, જિલ્લા ખેતીવાડી, બાગાયત વિભાગ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, પ્રાકૃતિક કૃષિ અભિયાન સાથે જોડાયેલા માસ્ટર ટ્રેનર્સ, કૃષિ સખી, સી.આર.પી. સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
[8/5, 5:56 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતમાં રાજ્ય બહાર થી આવતી ડુપ્લીકેટ અને નકલી દવાઓ માટેની સઘન ચકાસણી અર્થે રાજ્ય સરકાર SOP તૈયાર કરશે – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
……………………….
*SOP અમલીકરણ સાથે ડુપ્લીકેટ/નકલી દવાઓ સામે ઝીરો ટોલરન્સ અપનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે*
*************
*છેલ્લા ૪ વર્ષમાં રાજ્યમાં બનાવટી દવાઓ / કોસ્મેટીક બનાવટો માટે દરોડા પાડીને આશરે રૂ. ૬ કરોડ થી વધુની દવાઓ / કોસ્મેટીક બનાવટો જપ્ત કરવામાં આવી*
**************
*આ પ્રકારની દવાઓ રાજ્યમાં પ્રવેશતી અટકાવવા અને આવે તો તુરંત પકડી પાડવા રાજ્ય સરકાર વડોદરાની લેબોરીટરી ઉપરાંત નવી ૩ ટેસ્ટીંગ લેબ શરૂ કરવા જઈ રહી છે*
*************************
રાજ્યના પ્રત્યેક નાગરિકને ગુણવત્તાયુક્ત દવાઓ અને ખોરાક મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ હેઠળના ફુડ એન્ડ ડ્રગ્સ યુનિટ સતત કાર્યરત છે. તાજેતરમાં રાજ્યમાં કેટલીક સ્થળે નકલી તેમજ બનાવટી દવાઓ રાજ્ય બહારમાંથી પ્રવેશતી હોય અને વેચાણ થતું હોવાનું રાજ્ય સરકારને ધ્યાને આવ્યું. રાજ્ય સરકારના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ ચકાસણી કરીને આવા તત્વો સામે કાર્યવાહી પણ કરી છે.
જેને વધુ સધન અને સખ્ત બનાવવા માટે ગુજરાતમાં રાજ્ય બહારથી આવતી દવાઓની ચકાસણી અર્થે સરકાર દ્વારા SOP તૈયાર કરવામાં આવનાર હોવાનું આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
SOP અમલીકરણ સાથે ડુપ્લીકેટ/નકલી દવાઓ સામે ઝીરો ટોલરન્સ અપનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની રહેશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.
ગુજરાતમાં રાજ્ય બહારની બનાવટી/સ્પુરીયસ/કાઉન્ટરફીટ દવાઓ અટકાવવાની દિશામાં સરકાર સઘન કામગીરી હાથ ધરશે.
રાજ્યનું ખોરાક તથા ઔષધ નિયામક તંત્ર અને કેન્દ્ર સરકારનું CDSCO દવા વ્યવસાયમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ સામે સતત મોનીટરીંગ કરે છે.જેથી કરીને રાજ્યના નાગરીકોના જાહેર આરોગ્ય સાથે લેભાગુ તત્વો દ્વારા દવાના ઉત્પાદન અને વેચાણમાં ગેરરીતી કરીને લોકોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે નહી.
છેલ્લા ૪ વર્ષમાં રાજ્યમાં બનાવટી દવાઓ / કોસ્મેટીક બનાવટો અટકાવવા માટે દરોડા પાડીને આશરે ૬ કરોડ થી વધુની દવાઓ / કોસ્મેટીક બનાવટો જપ્ત કરવામાં આવી. જેમાં આશરે ૭૫ વ્યક્તિ / પેઢીઓ સંડોવાયેલી જોવા મળી હતી જેની સામે કાર્યવાહી કરાઇ. જેમાંથી મોટાભાગના કિસ્સાઓમાં આવી બનાવટી દવાના ખરીદ વેચાણ સંગ્રહના માન્ય પરવાના ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓનો સમુહ જોડાયેલ હોય છે તથા તપાસમાં એ પણ જાણવા મળેલ છે કે મોટાભાગના કિસ્સાઓમાં બનાવટી દવાઓ રાજ્ય બહારથી આવતી હોય છે.
અત્રે ઉલ્લેખની છે કે, ગુજરાત ભારતના ફાર્મા ઉદ્યોગમાં અગ્રણિય રાજ્ય છે. રાજ્યમાં ૫૦૦૦ કરતાં વધારે દવાના ઉત્પાદકો અને ૫૫૦૦૦ કરતાં વધારે રિટેલ/હોલસેલ દુકાનો લાયસન્સ સાથે કાર્યરત છે.
રાજ્યમાં નકલી/સ્પુરીયસ/બનાવટી દવાઓ આવતી અટકે અને આવે તો તુરંત પકડી શકાય તેના માટે રાજ્ય સરકાર વડોદરાની હાલની કાર્યરત એન.એ.બી.એલ. પ્રમાણીત લેબોરીટરી ઉપરાંત નવી ૩ ટેસ્ટીંગ લેબ શરૂ કરવા જઈ રહી છે. તથા On site Testing (સ્થળ પર જ ટેસ્ટીંગ) ને વધુ ઘનીષ્ઠ કરવા અત્યાધુનિક હેન્ડ હેલ્ડ ડિવાઇસ (રમણ સ્પેક્ટ્રોમીટર વીથ એડવાન્સ ટેકનોલોજી) ના ૧૦ સેટ પણ ખરીદવા જઈ રહી છે.
નકલી/સ્પુરીયસ/બનાવટી દવા પકડવા ફ્લાઈંગ સ્કોડની રચના કરવામાં આવી છે. જેથી આવા ઈસમોને તાત્કાલીક પકડી શકાય. તાજેતરમાં ફ્લાઈંગ સ્કોડ (ડ્રગ) દ્વારા ૨૦ લાખની કિંમતની નકલી દવાઓ (લીડીંગ કંપનીની ડુપ્લીકેટ પણ સામેલ છે.) પકડવામાં આવેલ છે.
તંત્રને વધુ સક્ષમ કરવા તથા નકલી દવાઓને અન્ય રાજ્યમાંથી આવતી અટકાવવા માટે ટ્રાન્સપોટર / કુરીયર એજન્સી જાણે અજાણે સામેલ હોય છે અને મોટેભાગે દવાઓ લાયસન્સ વગરની જગ્યાએથી/બિલ વગર/ બિલથી/ કેશથી/ કેશ મેમો વગર અસલી દવા કરતા ખુબ જ ઓછી કિંમતે (૧૦-૫૦% ભાવથી) વેચાણ થતી હોય છે. જેને અટકાવાવાની કામગીરી વધુ સુદ્રઢ કરવા માટે ડીપાર્ટમેન્ટમાં એક બ્રેઈન સ્ટોર્મીંગ ચાલી રહ્યુ છે. તથા સ્ટેક હોલ્ડરના ઈનપુટ મેળવવામાં આવી રહ્યા છે. જે મેળવીને ગુજરાતમાં ડુપ્લીકેટ/ બાનાવટી/ કાઉન્ટર ફીટ દવા સામે ઝીરો ટોલરંન્સ ધ્યાને રાખીને SOP (સ્ટાંડર્ડ ઓપરેટીંગ પ્રોઝીઝર) તૈયાર કરવામાં આવશે.
*SOP (Standard Operating Procedure) ની મુખ્ય બાબતો:*
૧ પરપ્રાંતીય દવાઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું
૨ દવા વહન કરનાર ટ્રાન્સપોર્ટરોની નોંધણી કરવી
૩ કેમીસ્ટ/હોલસેલર દંડનીય પ્રવૃત્તિમાં ઝડપાય તો પરવાના રદ કરવા
૪ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાનું કડક પાલન કરવું
૫ મોંઘી અને “Fast Moving” દવાઓ પર ઘનિષ્ઠ મોનીટરીંગ
************************
[8/5, 6:49 PM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસ નોટ
*રાજયને યુરીયા ખાતરનું ૮૦,૦૦૦ મે.ટન વધારાના જથ્થાની ફાળવણી*
*****
● *છેલ્લા અઠવાડીયામાં રાજયને ૩૪૩૧૭ મે.ટન વધારાનું યુરીયા ખાતરની આવક*
● *ખાતરના વિતરણમાં વિસંગતતા અંગે કૃષિ વિભાગ દ્વારા તપાસ*
********
કૃષિ વિભાગ દ્વારા રાજ્યના રાસાયણિક ખાતરના સુચારૂ વિતરણ અને તેની સબસીડીના લાભનો સાચા હકદાર ખેડૂત સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા હેતુસર માન.મુખ્યમંત્રીશ્રીના આદેશથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. યુરિયા ખાતરના ઔદ્યોગિક ઉપયોગની શક્યતા, કાળા બજાર, કૃત્રિમ ખાધ ઊભી કરવી, સંગ્રહખોરી જેવા મુદ્દાઓ તથા દરેક ખેડૂતને ખાતર મળી રહે તે માટે માટે રાજ્યના ત્રણ અધિક કલેક્ટરશ્રીને ૬-૬ જિલ્લાની જવાબદાી સોપવામાં આવી છે. અને કૃષિ વિભાગની ૬૪ ટીમો આ કામે ફાળવવામાં આવી છે.
તપાસના પ્રથમ દિવસે, તા. ૦૪/૦૮/ ૨૦૨૫ ના રોજ ૧૮ જિલ્લાઓમાં કુલ ૫૬ વિક્રેતાઓને ત્યાં ચકાસણી કરવામાં આવી અને વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ દ્રષ્ટિએ કુલ ૧૭ જેટલી વિસંગતતાઓ સામે આવી જે માટે નોટીસ આપી છે અને ૪ ડીલરોના કિસ્સામાં યુરીયા શંકાસ્પદ અન્ય હેતુ માટે ડાયવર્જન જણાતા લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ, આ ટીમો દ્વારા ૫૦૨ જેટલા ખેડૂતો સાથે પરામર્શ કરી તેમાંથી ૭૧ ખેડુતોએ મેળવેલ તમામ જથ્થાની વિગતવાર માહિતી મેળવાઈ છે.
તપાસ દરમિયાન નીચે મુજબના મુદ્દાઓની ખાસ ચકાસણી કરવામાં આવી:
● ખાતરના વિક્રેતાઓ દ્વારા કરવામાં આવતા વિતરણની વ્યવસ્થા
● POS મશીન દ્વારા થતા વેચાણના આંકડાની પડતાલ
● ભૌતિક સ્તરે હાજર સ્ટોકની ચકાસણી
● નિયમ મુજબના સ્ટોક પત્રક નિભાવણી
આ બાબતે થયેલી વિસંગતતાઓ અંગે તાત્કાલિક નિવારક પગલાં લેવા અને નિયમ મુજબની કડક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ખાતરના વિતરણમાં પારદર્શિતા અને ખેડૂત હિતમાં યોગ્ય વ્યવસ્થા અમલમાં રહે તે માટે કટિબદ્ધ છે.
*******
[8/5, 7:39 PM] +91 81289 64121: *માછીમારોને પારદર્શક રીતે કેરોસીન-પેટ્રોલની સહાય આપવા માટે વિશેષ ઓનલાઈન સોફ્ટવેર તૈયાર કરવામાં આવશે*
************************
*ગાંધીનગર ખાતે મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલે રાજ્યના માછીમારોના વિવિધ પ્રશ્નો સંદર્ભે માછીમાર આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી*
*************************
*રાજ્યના માછીમારોને OBM બોટ માટે અપાતી કેરોસીન-પેટ્રોલની સહાયમાં થશે વધારો*
*************************
*OBM બોટ માટે માછીમારોને આગામી સમયમાં પ્રતિ માસ ૪૫૦ લીટર કેરોસીન-પેટ્રોલની સહાય અપાશે: મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
**********************
મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે ગીર-સોમનાથ જિલ્લાના વિવિધ માછીમારી કેન્દ્રો બાબતેના પ્રશ્નો અંગે માછીમાર આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તાલાલાના ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ, મત્સ્યોદ્યોગ કમિશનર શ્રી સંદીપકુમાર અને શ્રી કિશોરભાઈ કુહાડા સહિતના માછીમાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના માછીમારોને સ્પર્શતા વિવિધ પ્રશ્નોના ઉકેલ આવે તેવા શુભ આશય સાથે મંત્રી શ્રી રાઘવજી પટેલે આ બેઠકમાં માછીમારોની વિવિધ રજૂઆતો ધ્યાનપૂર્વક સંભાળીને સઘન ચર્ચા કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા OBM બોટમાં ડીઝલની સહાય આપવા માટે એક વિશેષ સોફ્ટવેર તૈયાર કરીને સોફ્ટવેર મારફત માછીમારોને ડીઝલ સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે કેરોસીન અને પેટ્રોલ માટે પણ એક વિશેષ સોફ્ટવેર તૈયાર કરીને સોફ્ટવેર મારફત જ કેરોસીન અને પેટ્રોલની સહાય આપવા માછીમાર આગેવાનો દ્વારા આ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી. માછીમારોની આ રજૂઆતને હકારાત્મક વાચા આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ડીઝલ સહાયની જેમ જ કેરોસીન અને પેટ્રોલની સહાય માટે પણ રાજ્ય સરકાર દ્વારા અલાયદો ઓનલાઈન સોફ્ટવેર વિકસાવવામાં આવશે. આ સંદર્ભે જરૂરી કાર્યવાહી કરવા મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને આદેશ કર્યો હતો.
આ ઉપરાંત માછીમાર આગેવાનો દ્વારા OBM બોટને બંધ સિઝન દરમિયાન પણ માછીમારી કરવાની મંજૂરી આપવા બાબતે મંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે મંત્રી શ્રી રાઘવજી પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, માછલીની બ્રીડીંગ સિઝન દરમિયાન જ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરીને માછીમારી બંધ કરવાનો આદેશ આપવામાં આવે છે. બંધ સિઝનમાં માછીમારી કરવાથી માછલીની બ્રીડીંગમાં મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે અને રાજ્યનું મત્સ્ય ઉત્પાદન પણ ઘટી શકે છે. એટલા માટે જ, મંત્રીશ્રીએ રાજ્યના તમામ માછીમારોને રાજ્ય સરકારના બંધ સિઝનના પરિપત્રનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા માછીમારોને આપવામાં આવતી પ્રતિ માસ ૧૫૦ લીટર કેરોસીન અને પેટ્રોલની સહાયને વધારવા માટે પણ માછીમાર આગેવાનો દ્વારા આ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી. માછીમારોના સૂચનને આવકારતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યની તમામ OBM બોટને રાજ્ય સરકાર દ્વારા પ્રતિ માસ ૪૫૦ લીટર કેરોસીન અને પેટ્રોલની સહાય આપવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરીને ટૂંક સમયમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. આમ, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રીએ માછીમાર આગેવાનો દ્વારા કરવામાં આવેલી મોટાભાગની રજૂઆતોને હકારાત્મક વાચા આપી હતી.
આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો ઉપરાંત મત્સ્યોદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા સૌ માછીમાર આગેવાનોને ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કાર્યાન્વિત વિવિધ માછીમાર લાભકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી.
*******************
નિતિન રથવી
[8/5, 8:25 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી હાથ ધરાઈ રહેલા સાબરમતી આશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજક્ટની કામગીરીનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રત્યક્ષ સ્થળ નિરીક્ષણ કર્યું*
————
*મુખ્ય સચિવશ્રી તથા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેનશ્રી મુલાકાતમાં સહભાગી થયા*
————
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી હાથ ધરાઈ રહેલા ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’ની કામગીરીની સમીક્ષા કરી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ 2024માં 12 માર્ચ દાંડીકૂચ સ્મૃતિ દિવસે આ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કાર્યારંભ ભૂમિવંદનાથી કરાવ્યો હતો. અંદાજે રૂ. 1200 કરોડના ખર્ચે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા 55 એકરમાં આ રિ-ડેવલપમેન્ટ કામગીરી હાથ ધરાઈ રહી છે.
મુખ્યમંત્રીશ્રી આ કામગીરી પ્રગતિની વિગતો મેળવવા માટે મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી સાથે આશ્રમની મુલાકાતે ગયા હતા. મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ચેરમેન શ્રી આઈ. પી. ગૌતમ અને ખાસ ફરજ પરના અધિકારી શ્રી આઈ.કે. પટેલે મુલાકાત દરમિયાન ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’ અંતર્ગત ચાલી રહેલી કામગીરીની વિગતો પૂરી પાડી હતી.
આ મુલાકાત દરમિયાન, મુખ્યમંત્રીશ્રીએ જૂના મકાનોના રિસ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કરીને પૂર્ણ થયેલા કામો અને પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી. તેમણે સોમનાથ છાત્રાલય, દસ ઓરડી, વણિક પરિવારની ચાલી અને આશ્રમશાળા જેવા મકાનોની કામગીરી નિહાળી હતી. પ્રોજેક્ટમાં ચાલતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો, મુલાકાતીઓ માટેના આંતરિક રસ્તા, ડ્રેનેજ, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની કામગીરીની સમીક્ષા મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.
આશ્રમની મુલાકાતે આવનારા પ્રવાસીઓ માટે નિર્માણ થનારી પાર્કિંગ સુવિધા, પ્રવેશદ્વાર, ફૂડ કોર્ટ, આશ્રમના પુનઃનિર્માણ પામી રહેલા વિવિધ વિભાગો અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો પર ચાલતી કામગીરી વગેરેની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ સ્મારક ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ગાંધીજીના વિચારોની અસરકારકતા વધારશે. અહીંયા ગાંધીજીના દિવ્ય જીવન અને આશ્રમના ભવ્ય વારસાને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શનોની સાથે જ પૂજ્ય બાપુ દ્વારા સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવેલા સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ મુલાકાતીઓ નિહાળી શકશે.
———–
[8/5, 8:25 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/10t1ZlfpBYgOepZr9UUHx9_S4mSuu5Rr1
****************************
ગાંધીનગર ખાતે આજે ગુજરાત સરકારના અને સ્થાનિક કાર્યક્રમો અંગે મંત્રી નું સંબોધન તેમજ કાર્યક્રમોના વિડીયો નીચે મુજબ છે
આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચારો વીડિયો અને ફોટાઓ અમોને અમારા અખબારી માધ્યમ અને ચેનલમાં પ્રસિદ્ધ કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા કોઈપણ સમાચારો ફોટા અને વિડીયો માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે. તંત્રી(9824653073)
