(ગુજારતા સરકાર રાજ્યના માહિતી ખાતાના ગાંધીનગર જિલ્લા સહિતના સમાચારો,ફોટાઓ)


[9/2, 2:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રથમ દિવસે પોર્ટલ પર એકસાથે અસંખ્ય ખેડૂતોએ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવતા પોર્ટલ ક્રેશ થયું હતું*
*અપડેશન બાદ આજથી નોંધણી માટે પોર્ટલ પુનઃ કાર્યરત થયું છે: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
*નોંધણી પ્રક્રિયા તા. ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે; જરૂર જણાશે તો બાકી રહી ગયેલા ખેડૂતો માટે સમયમર્યાદા લંબાવવામાં આવશે*
**************
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગત તા. ૧ સપ્ટેમ્બરથી ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવી હતી. નોંધણી શરૂ થયાના પ્રથમ દિવસે એક સાથે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન થવાથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયું હતું, જેથી ખેડૂતોની પ્રથમ દિવસે નોંધણી થઈ શકી ન હતી.
આ બાબતની જાણ થતા કૃષિ વિભાગ દ્વારા સતત અપડેશનના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના પરિણામે આજ તા. ૨ સપ્ટેમ્બરથી નોંધણી પુનઃ કાર્યરત થઈ છે. ખેડૂતો આગામી તા. ૧૫ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. રાજ્યમાં કોઈપણ ખેડૂત નોંધણીમાં બાકી ન રહી જાય તે માટે જરૂર જણાયે સમય મર્યાદા વધારવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ખેડૂતોને નોંધણી માટે પૂરતો સમય આપવામાં આવશે, જેથી ખેડૂત મિત્રોએ બિનજરૂરી ધસારો ન કરીને સહકાર આપવા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે અનુરોધ કર્યો હતો.
************
નિતિન રથવી
[9/2, 2:39 PM] Dilip Gajjar.Mahiti.Press: *31 ઓગસ્ટ 2025 સુધીમાં 95,658 લોકોએ વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી*
***
*મહેસાણામાં 9 અને 10 ઓક્ટોબરે આયોજિત VGRCમાં આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય*
***
*સાંસ્કૃતિક વારસાના સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ*
***
*ઉત્તર ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ભારતનો સમૃદ્ધ પુરાતત્વીય અને સાંસ્કૃતિક વારસો ઉજાગર થશે*
***
*ગાંધીનગર, 02 સપ્ટોમ્બર 2025:* 2500 વર્ષ કરતાં પણ વધુ સમયથી ધબકતું વડનગર શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો છે. આ ઐતિહાસિક શહેરના સમૃદ્ધ વારસાના સંરક્ષણ માટે આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન 16 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવ્યું હતું અને 1 ફેબ્રુઆરીથી તેને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અનુસાર, 31 ઓગસ્ટ 2025 સુધી સમગ્ર ભારતમાંથી કુલ 95,658 મુલાકાતીઓએ વડનગર પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયની મુલાકાત લીધી છે.
આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમના મુલાકાતીઓનો આ આંકડો સાંસ્કૃતિક પ્રવાસન માટે દ્રષ્ટાંતરૂપ છે. આ મુલાકાતીઓમાં બાળકો, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે, મ્યુઝિયમમાં દરેક વ્યક્તિની સુલભતા સુનિશ્ચિત કરવામાં આવી છે અને આ સ્થળ શૈક્ષણિક હેતુ માટે પણ લોકપ્રિય બની રહ્યું છે.
*સંગ્રહાલય વડનગરના 2500 વર્ષ જૂના વારસાનું પ્રતિબિંબ*
આ સંગ્રહાલય વ્યાપક ખોદકામ દરમિયાન મળી આવેલી કલાકૃતિઓના માધ્યમથી વડનગરના 2500 વર્ષ જૂના વારસાનું પ્રતિબિંબ રજૂ કરે છે. 13,525 સ્ક્વેર મીટરમાં ફેલાયેલા આ મ્યુઝિયમમાં કલા, સ્થાપત્ય, વેપાર, શહેરી આયોજન, ભાષા વગેરે પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરી આવેલી છે. 4,000 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલા ખોદકામ સ્થળે પુરાતત્વીય અવશેષો 16થી 18 મીટરની ઊંડાઈએ જોઈ શકાય છે. મુલાકાતીઓને વડનગરના પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા અવશેષોનો અનુભવ પૂરો પાડવા માટે એક કાયમી શેડ બનાવવામાં આવ્યો છે તેમજ અન્ય પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે.
આ સંગ્રહાલયમાં માટીકામ, શેલવર્ક, સિક્કા, ઝવેરાત, શસ્ત્રો અને સાધનો, શિલ્પો, રમતગમતનો સામાન અને ખાદ્યાન્ન, હાડપિંજરના અવશેષો જેવી જૈવિક સામગ્રી સહિત 5,000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો ધરાવતું આ આર્કિયોલૉજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસના શોખીનો માટે એક ખાસ ભેટ છે.
*VGRCમાં આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય*
નોંધનીય છે કે, આગામી 9-10 ઑક્ટોબર, 2025ના રોજ મહેસાણામાં ઉત્તર ગુજરાત માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC) યોજાશે. આ પ્રાદેશિક પરિષદમાં વડનગર પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય આકર્ષણનું કેન્દ્ર બનશે, જે પ્રદેશનો ઐતિહાસિક વારસો ઉજાગર કરશે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં ભારતનો સમૃદ્ધ પુરાતત્વીય અને સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત થશે ત્યારે ગુજરાત પ્રવાસનની કામગીરીની નોંધ પણ લેવાશે.
***
[9/2, 4:01 PM] Dilip Gajjar.Mahiti.Press: નાગરિકોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
*નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા જુલાઈ-૨૦૨૫થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ ૧૫ પૈસાનો ઘટાડો કરાયો: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ*
****************
*નાગરિકોએ તા. ૦૧.૦૭.૨૦૨૫થી કરેલા વીજ વપરાશ ઉપર ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ રૂ. ૨.૩૦ના ઘટાડેલા દરે વસૂલવામાં આવશે*
****************
*આ નિર્ણયથી રાજ્યના ૧.૭૫ કરોડ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર-૨૦૨૫ દરમિયાન આશરે રૂ. ૪૦૦ કરોડથી વધુનો લાભ થશે*
***************
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ-૨૦૨૫થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે ૧૫ પૈસા ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી તા. ૦૧.૦૭.૨૦૨૫થી કરેલા વીજ વપરાશ ઉપર તમામ શ્રેણીના વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ રૂ. ૨.૩૦ના ઘટાડેલા દરે વસૂલાત કરવામાં આવશે. વીજ નિયમન આયોગ (GERC) દ્વારા કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ દર યથાવત રહેશે. ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર-૨૦૨૫ દરમિયાન વીજ વપરાશ ઉપર આશરે રૂ. ૪૦૦ કરોડથી વધુનો લાભ થશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુ વિગતો આપતાં ઊર્જા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગ્રાહકોને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ તાજેતરના વર્ષોમાં ફ્યુઅલ અને પાવર પરચેઝ પ્રાઈસ એડજસ્ટમેન્ટ (FPPPA)માં નોંધપાત્ર ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે, જે વીજ ખરીદ ખર્ચના અસરકારક સંચાલન અને ગ્રાહકો પરનો બોજ હળવો કરવા માટે રાજ્ય સરકારનું સક્રિય અભિગમ દર્શાવે છે.
જાન્યુઆરી ૨૦૨૪થી અમલમાં આવતા ફ્યુઅલ સરચાર્જના દરને પ્રતિ યુનિટ ૫૦ પૈસા ઘટાડીને રૂ. ૩.૩૫ થી રૂ. ૨.૮૫ કરવામાં આવ્યો હતો. આ રાહતને વધુ વિસ્તૃત કરતા ઓક્ટોબર-૨૦૨૪થી ફ્યુઅલ સરચાર્જના દરને વધુ ૪૦ પૈસા ઘટાડીને રૂ. ૨.૪૫ પ્રતિ યુનિટ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન-૨૦૨૫ દરમિયાન ફ્યુઅલ સરચાર્જના દરને રૂ. ૨.૪૫ પ્રતિ યુનિટ જાળવી રાખવામાં આવ્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન, સ્થિર વીજ ખરીદના દર તથા મજબૂત નાણાકીય વ્યવસ્થાપન તેમજ નોંધપાત્ર માળખાકીય કામગીરીમાં સુધારા અને દેખરેખ દ્વારા ટેકનિકલ અને વાણિજ્યિક લોસમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પ્રવર્તમાન ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે ૧૫ પૈસા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
****************
નિતિન રથવી
[9/2, 4:37 PM] Dilip Gajjar.Mahiti.Press: *“અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા- ૨૦૨૫”*
*********
*અંબાજી પદયાત્રા માર્ગ પર જોવા મળતા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાના*
*ઉદ્દેશ સાથે ૧૦૦ જેટલા સ્વયંસેવકો-વાહનોને ગાંધીનગરથી પ્રસ્થાન કરાવાયું*
…………………..
• *અંબાજી પદયાત્રીઓને ૧૦ પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવશે*
• *વિવિધ ઉદ્યોગો દ્વારા ૧૦,૦૦૦ સ્ટીલ બોટલની વિતરણ કરાશે*
• *GPCB દ્વારા વર્ષ ૨૦૧૧થી વિવિધ સંસ્થાઓની મદદથી પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવાનું મિશન*
• *પદયાત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે જાગૃતિ માટે ૫૦ થી વધુ શેરી નાટક ભજવાશે*
…………………..
લાખો માઈ ભક્તોની આસ્થા સાથે જોડાયેલી “અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા” બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો હજારો ટન વિવિધ ઘન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી રીસાઈકલ-નિકાલ કરવા અંદાજે છેલ્લા ૧૩ વર્ષથી GPCB દ્વારા એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવે છે. અંબાજી પદયાત્રા માર્ગ પર ગત વર્ષે ૭૬૦ ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ વર્ષે પણ અંબાજી પદયાત્રા માર્ગ પર જોવા મળતા વિવિધ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાના ઉદ્દેશ સાથે ૧૦૦ જેટલા સ્વયંસેવકોની ટીમ તેમજ ૧૦ બોલેરો ગાડીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-GPCBના ઉપક્રમે ક-રોડ ગાંધીનગર ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી પદયાત્રીઓને ૧૦ પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવશે. આ માટે વિવિધ ઉદ્યોગો દ્વારા ૧૦,૦૦૦ સ્ટીલ બોટલનું દાન કરવામાં આવ્યું છે. પદયાત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે જાગૃતિ માટે ૫૦ થી વધુ શેરી નાટક ભજવાશે.
મેળા અને ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે. ઉત્સવો થકી નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય છે. અંબાજી ખાતે વર્ષોથી યોજાતા ભાદરવી પૂનમના મેળામાં લાખો માઈ ભક્તો ચાલીને આસ્થા સાથે માં અંબાના દર્શન કરે છે. આ પદયાત્રીઓની સેવા માટે વિવિધ સંઘ, ગામ અને શહેરો દ્વારા પદયાત્રા માર્ગ પર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન સ્વાભાવિક ક્રમે ઉત્પન્ન થતા વિવિધ કચરાના નિકાલ માટે GPCB દ્વારા વર્ષ ૨૦૧૧થી વિવિધ સંસ્થાઓની મદદથી પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવાનું અવિરત મિશન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવો એ આપણા સૌની ફરજ છે.
આ અભિયાનમાં સહભાગી સ્વૈચ્છિક સંસ્થાઓ અને યુવાનોને અભિનંદન આપીને પદયાત્રાના માર્ગ પર આવતા ગામો અને શહેરો પર સ્વેચ્છાએ અભિયાનમાં જોડાય તેવો અનુરોધ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો.
દર વર્ષે GPCB અને સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી અંબાજી પદયાત્રાના માર્ગના સ્વચ્છ રાખવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઘન કચરાના નિકાલ અને રીસાઈકલ કરવાથી પર્યાવરણના જતનની સાથે રોજગારી પણ ઉપલબ્ધ થાય છે.
પદયાત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાના સંદેશા સાથે કલાકારો દ્વારા જાગૃતિ દર્શાવતું શેરી નાટક ભજવીને સૌને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી તેમ, GPCB ગાંધીનગરની યાદીમાં જણાવાયું હતું.
……………
જનક દેસાઈ
[9/2, 5:12 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*કાર્યક્રમ*: 50 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) વિહિકલ ફ્લેગ ઓફ કાર્યક્રમ
*મહાનુભાવ*: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
*તારીખઃ* ૦૩/૦૯/૨૦૨૫, બુધવાર
*સમયઃ* સવારે ૧૧.૩૦ કલાકે
*સ્થળઃ* હેલિપેડ ગ્રાઉન્ડ, સચિવાલય, ગાંધીનગર
• આ કાર્યક્રમના કવરેજ માટે સૌ મીડિયા મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
આભાર સહ
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
[9/2, 5:57 PM] Dilip Gajjar.Mahiti.Press: *હવામાન વિભાગ દ્વારા આગામી તા. ૪ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી*
*રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૧૧ જળાશયો હાઇએલર્ટ, ૨૭ જળાશયો એલર્ટ તથા ૦૯ જળાશયો વોર્નિંગ લેવલ પર*
*રાહત નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને SEOC-ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ*
*****************
રાહત નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને SEOC-ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીશ્રી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
હવામાન વિભાગના દ્વારા આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાંક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ તથા આગામી તા. ૪ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સિંચાઇ વિભાગના અધિકારીશ્રી દ્વારા રિઝિયન વાઈઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૧૧ જળાશયો હાઇએલર્ટ, ૨૭ જળાશયો એલર્ટ તથા ૦૯ જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીશ્રી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
બેઠકમાં NDRF અને SDRFના અધિકારીશ્રીઓના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ ૧૨ ટીમ અને SDRFની ૨૦ ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રીઝર્વ પણ રાખવામાં આવી છે.
આ બેઠકમાં રાહત નિયામકશ્રી દ્વારા તમામ વિભાગના નોડલ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ, ચોમાસામાં સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, સેન્ટ્રલ વોટર કમિશન, ISRO, GSRTC, કૃષિ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ, એનર્જી, ઈન્ડિયન આર્મી, પંચાયત, શહેરી વિકાસ અને પશુપાલન વિભાગના નોડલ અઘિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*********************************
ઋચા રાવલ
[9/2, 6:21 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે હરિયાણાના કેબિનેટ મંત્રી શ્રી રાવ નરબીર સિંહ*
———
હરિયાણા રાજ્ય સરકારના ઉદ્યોગો અને વાણિજ્ય,વન-પર્યાવરણ અને વન્યજીવન, વિદેશ સહકાર તથા સૈનિક અને અર્ધ સૈનિક કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાવ નરબીર સિંહે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હરિયાણા સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરી હતી.
મંત્રી શ્રી રાવ નરબીર સિંહે પ્રકૃતિ અને માનવ કલ્યાણ માટે રાજ્યપાલશ્રી દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રાકૃતિક કૃષિ મિશન તેમજ શિક્ષણ, આરોગ્ય તથા સંસ્કૃતિ પર આધારિત સમાજના નિર્માણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી અને મંત્રીશ્રી વચ્ચે કૃષિ, સહકાર, પર્યાવરણીય સંરક્ષણ, શિક્ષણ અને ગ્રામીણ વિકાસ જેવા વિષયો પર અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી.
———-
[9/2, 6:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આવતીકાલે ગાંધીનગર ખાતેથી ૨૩૩ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે*
********************
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આવતીકાલ તા. ૨ સપ્ટેમ્બરે ૨૩૩ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગાંધીનગર ખાતેથી કરાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત ગુજરાતના નાના ભૂલકાંઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે પોષણ મળી રહે તે હેતુસર રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે.
મંત્રીશ્રીના હસ્તે આંગણવાડીની કામગીરીને વધુ સક્ષમ બનાવવા માટે રૂ. ૩૭.૪૮ કરોડના ખર્ચે ૧ સેજા કચેરી, ૧ ઘટક કચેરી અને ૨૩૩ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે. ગુજરાતમાં પરંપરાગત પદ્ધતિથી અને GSPCના CSR ભંડોળ અંતર્ગત Light Guage Steel Frame (LGSF) ટેક્નોલોજીના ઉપયોગથી નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
***************
[9/3, 10:38 AM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*કાર્યક્રમ*: 50 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) વિહિકલ ફ્લેગ ઓફ કાર્યક્રમ
*મહાનુભાવ*: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
*તારીખઃ* ૦૩/૦૯/૨૦૨૫, બુધવાર
*સમયઃ* સવારે ૧૧.૩૦ કલાકે
*સ્થળઃ* હેલિપેડ ગ્રાઉન્ડ, સચિવાલય, ગાંધીનગર
• આ કાર્યક્રમના કવરેજ માટે સૌ મીડિયા મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
આભાર સહ
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
[9/3, 11:26 AM] Dilip Gajjar.Mahiti.Press: *શહેરી વિકાસ વર્ષમાં*
*રાજ્યના શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓ દ્વારા હાથ ધરાતા વિકાસ કામોને વધુ વેગવાન બનાવતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય*
———-
*વિવિધ યોજનાઓ અન્વયેની ગ્રાન્ટમાંથી નગરોમાં હાથ ધરવાના થતા કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની સત્તામાં ૫૦ ટકાનો વધારો કરતા મુખ્યમંત્રીશ્રી*
———–
*વિકાસ કામો શરૂ કરવામાં વિલંબ નિવારીને ગ્રાન્ટનો મહત્તમ સદુપયોગ સુનિશ્ચિત કરવાનો વહિવટી સરળીકરણ માટે મુખ્યમંત્રીશ્રીનો ઉદાહરણરૂપ નિર્ણય*
———–
*નગરપાલિકા કક્ષાએ સમિતિ દ્વારા તાંત્રિક અને વહિવટી મંજૂરી મળ્યા બાદ આર.સી.એમ. દ્વારા બે હપ્તામાં ૧૦૦ ટકા ગ્રાન્ટની ફાળવણી કરાશે*
———-
* ‘અ’ વર્ગની નગરપાલિકામાં હવે નગરપાલિકા કક્ષાની સમિતિ દ્વારા જ ૭૦ લાખ રૂપિયા સુધીના કામોની તાંત્રિક – વહીવટી મંજૂરી આપી શકાશે.
* ‘બ’ વર્ગમાં રૂ. ૫૦ – ‘ક’ વર્ગમાં રૂ. ૪૦ અને ‘ડ’ વર્ગમાં રૂ. ૩૦ લાખ સુધી કામોની તાંત્રિક-વહીવટી મંજૂરી આપી શકાશે
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષની સંકલ્પના સાકાર કરીને શહેરો-નગરોમાં સ્થાનિક સત્તા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવતા નાગરિકલક્ષી વિકાસ કામોને વધુ વેગવાન બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્યની નગરપાલિકાઓને શહેરી વિકાસ વિભાગની યોજનાઓ તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના આયોજન પ્રભાગ હસ્તકની ગ્રાન્ટમાંથી નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવાના થતા કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની સત્તા મર્યાદામાં ૫૦ ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષ ઉજવણીથી આયોજનબદ્ધ શહેરી વિકાસનો પાયો નાખ્યો હતો.
શહેરી વિકાસની બે દાયકાની આ સફળતાને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૨૦૨૫ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવીને શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણથી સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ સીટીઝ નિર્માણનું લક્ષ્ય રાખ્યું છે.
આ લક્ષ્યને સાકાર કરવા શહેરોમાં વિકાસ કામોમાં વધુ વેગ લાવીને શહેરી જન સુવિધાના કામો ઝડપથી હાથ ધરવા માટે નાણાંકીય સત્તા મર્યાદામાં કરવામાં આવેલો આ વધારો પરિણામકારી બનશે.
મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર ‘અ’ વર્ગની નગરપાલિકાઓના વિકાસ કામો માટે નગરપાલિકા કક્ષા સમિતિ દ્વારા તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની હાલની નાણાંકીય મર્યાદા રૂ.૫૦ લાખ છે તેમાં રૂ.૨૦ લાખ વધારીને હવે રૂ.૭૦ લાખ કરી છે.
એટલું જ નહિ, ‘બ’ વર્ગની નગરપાલિકાઓ માટે ૪૦થી વધારીને રૂ. ૫૦ લાખ, ‘ક’ વર્ગ માટે ૩૦થી વધારીને રૂ. ૪૦ લાખ, ‘ડ’ વર્ગ માટે ૨૦થી વધારીને રૂ. ૩૦ લાખ રૂપિયા સુધીના કામોની તાંત્રિક-વહીવટી મંજૂરી આપવાની સત્તા સોંપવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ વહિવટી સરળીકરણની દિશામાં એક ઉદાહરણરૂપ પગલું લઈને એવું સુનિશ્ચિત કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે કે, નગરપાલિકા કક્ષાએ સમિતિ દ્વારા તાંત્રિક તેમજ વહિવટી મંજૂરી મળ્યેથી પ્રાદેશિક મ્યુનીસીપલ કમિશ્નર આર.સી.એમ. ઓફિસ દ્વારા સંબંધિત નગરપાલિકાને દરખાસ્ત મળ્યાના પાંચ દિવસમાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે.
એટલું જ નહિ, આવી ગ્રાન્ટની બે હપ્તામાં ૧૦૦ ટકા ફાળવણી કરાશે. આના પરિણામે નગરપાલિકા વિસ્તારોમાં વિકાસ કામો શરૂ કરવામાં વિલંબનું નિવારણ અને ગ્રાન્ટનો મહત્તમ સદુપયોગ થશે.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ શહેરી વિસ્તારોના ધારાસભ્ય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ-અગ્રણીઓએ આ માટે કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે નાણાંકીય સત્તા મર્યાદામાં વધારો કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ સાથોસાથ “અર્નીંગ વેલ – લીવીંગ વેલ”નો અભિગમ પણ ચરિતાર્થ થશે અને શહેરી વિસ્તારોમાં જન સુખાકારી કામો સહિતના વિવિધ વિકાસ કામો ગુણવત્તા સાથે સમયબદ્ધ પૂર્ણ થશે.
——-
[9/3, 11:32 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાષ્ટ્રીય વન્યજીવ દિવસ-૨૦૨૫*
*એશિયાઈ સિંહ, યાયાવર પક્ષીઓ, ઘુડખર, ડોલ્ફિન,*
*ચિંકારા સહિત અનેક અબોલા જીવ માટે ગુજરાત ‘સુરક્ષિત’ રહેઠાણ*
…………………
*આ રહ્યો ગુજરાતનો વૈવિધ્ય પૂર્ણ વન્યજીવ વારસો :*
ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તી વધીને ૮૯૧ થઈ
વર્ષે અંદાજે ૧૮ થી ૨૦ લાખ દેશ-વિદેશી પક્ષીઓ રાજ્યની મુલાકાતે
છેલ્લી ગણતરી મુજબ ગુજરાતમાં ૭,૬૭૨ ઘુડખર નોંધાયા
ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ‘ડોલ્ફિન’ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ
ચાલુ વર્ષે ઉતરાયણ પર્વ પર કરૂણા અભિયાન થકી ૧૫ હજારથી વધુ પક્ષીઓને બચાવી લેવાયા
…………………
વન્યજીવના સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાત સરકાર જન ભાગીદારીથી અનેકવિધ નવતર અભિગમ અપનાવી રહી છે. જેના પરિણામ સ્વરૂપે એશિયાઈ સિંહ, યાયાવર પક્ષીઓ, ઘુડખર, ડોલ્ફિન, નીલગાય, ચિંકાર, ભારતીય સસલું, શિયાળ, રણ લોકડી, કાળીયાર, વરુ, રીંછ, ઝરખ, જંગલી બિલાડી સહિત અનેક લાખ્ખો અબોલા જીવ માટે વર્ષોથી ગુજરાત સૌથી ‘સુરક્ષિત’ રહેઠાણ બન્યું છે.
ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, વન્ય પ્રાણી સૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલી બનાવી છે. વન્ય જીવ સંરક્ષણ-સંવર્ધનના આ અભિયાનને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્ય વન મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં વન વિભાગ સુપેરે આગળ ધપાવી રહ્યો છે. આ સંયુક્ત પ્રયાસોના પરિણામે જ વન્ય અને જળચર પ્રાણીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય બન્યું છે.
વન્યજીવ પ્રત્યે સંવેદના, તેના રહેઠાણ અંગે જાગૃતિ અને સંરક્ષણના હેતુ સાથે ગુજરાત સહિત સમગ્ર દેશમાં દર વર્ષે તા. ૪ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વન્યજીવ દિવસની ઉજવણીમાં મુખ્યત્વે ‘લુપ્ત થતી પ્રજાતિઓ-પ્રાણીઓને બચાવવા અને તેમના ટકાઉ જીવન જીવવા’ અંગે વધુ જાગૃતિ આવે તેવા બિંદુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યભરમાં વિવિધ સ્વરૂપે ‘રાષ્ટ્રીય વન્યજીવ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.
*આ રહ્યો ગુજરાતનો વૈવિધ્ય પૂર્ણ વન્યજીવ વારસો :*
*એશિયાઈ સિંહ : ગુજરાતનું ઘરેણું :*
રાજ્યમાં તાજેતર મે-૨૦૨૫માં યોજવામાં આવેલી ૧૬મી સિંહ વસ્તી અંદાજના મુજબ સિંહોની સંખ્યા વધીને ૮૯૧ની થઈ છે. જેમાં ૧૯૬ નર, ૩૩૦ માદા તથા પાઠડા અને બાળ સિંહનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે ડાયરેકટ બીટ વેરિફિકેશન એટલે કે બ્લોક કાઉન્ટ પદ્ધતિથી સિંહની વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ વર્ષે તારીખ ૧૦ થી ૧૩ મે દરમિયાન ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના ૩૫ હજાર ચોરસ કિ.મી વિસ્તારમાં વનકર્મીઓ અને સરપંચો, ગ્રામજનો સહિત ૩૮૫૪નું માનવ બળ આ કામગીરીમાં જોડાયું હતું. ગુજરાતનું ‘ઘરેણું’ તરીકે ઓળખાતા એશિયાઈ સિંહની સંખ્યા વર્ષ ૨૦૦૧માં ૩૨૭, વર્ષ ૨૦૦૫માં ૩૫૯, ૨૦૧૦માં ૪૧૧, ૨૦૧૫માં ૫૨૩ અને વર્ષ ૨૦૨૦માં ૬૭૪ હતી તે હવે વધીને ૮૯૧ થઈ છે.
*વર્ષે અંદાજે ૧૮ થી ૨૦ લાખ દેશ-વિદેશી પક્ષીઓ રાજ્યની મુલાકાતે*
ગુજરાતમાં વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ‘બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ: ૨૦૨૩-૨૪’ મુજબ વન્ય જીવ સંરક્ષણ અને સુરક્ષા સહિત અનેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે ત્યારે અંદાજિત ૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત સાચા અર્થમાં ‘પક્ષી જીવન’ માટે પણ સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે.
ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ૪૫૬ પક્ષી પ્રજાતિઓની વિવિધતા નોંધાઈ છે જયારે સરહદી કચ્છ જિલ્લામાં ૧૬૧ પ્રજાતિઓના ૪.૫૬ લાખ જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે. આ સાથે જામનગર, મહેસાણા, બનાસકાંઠા તેમજ અમદાવાદ એ પક્ષી જગતમાં નોંધપાત્ર ફાળો આપે છે જે ગુજરાત માટે પક્ષી જીવનનો અતુલ્ય વારસો દર્શાવે છે. જામનગર વિવિધ ૨૨૧ પ્રજાતિઓની સાથે ૪ લાખથી વધુ પક્ષીઓની સંખ્યા ધરાવે છે.
*વર્ષ-૨૦૨૪ની ગણતરી મુજબ ગુજરાતમાં ૭,૬૭૨ ઘુડખર નોંધાયા*
ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર રાજ્યનું ગૌરવ છે. ભૂતકાળમાં ઘુડખર ઉત્તર – પશ્ચિમ ભારત, પાકિસ્તાનથી માંડીને મધ્ય- એશિયાના સુકા વિસ્તાર સુધી વિહરતા જોવા મળતા હતા. જોકે, આ ઘુડખર હાલ ભારતમાં એક માત્ર ગુજરાતના કચ્છના નાના-મોટા રણના વિસ્તારોમાં જ જોવા મળે છે. ગુજરાત સરકારના અવિરત પ્રયાસ તેમજ વિવિધ જાગૃતતા અભિયાનોના પરિણામે ૭,૬૭૨ ઘુડખરની વસ્તીમાં નોંધાઈ છે, એટલે કે અંદાજે ૨૬.૧૪ ટકાનો વધારો નોંધાયો છે. ઘુડખર મુખ્યત્વે રાજ્યના ૬ જિલ્લાઓમાં જોવા મળે છે.
વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વર્ષ-૨૦૨૪માં ૧૦મી ઘુડખર વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં ઘુડખરની કુલ વસ્તી અંદાજે ૭,૬૭૨ નોંધાઈ છે. જ્યારે, છેલ્લી ગણતરી મુજબ ગુજરાતમાં ૬,૦૮૨ ઘુડખર હતા. ગુજરાતના ઘુડખર વિશ્વમાં ‘Equus heminious khur’ અને “ખુર” તરીકે પણ ઓળખાય છે.
ઘુડખર વસ્તી ગણતરી અંદાજે WAPE-૨૦૨૪માં લગભગ ૧૫,૫૧૦ ચો. કિ.મી. વિસ્તારમાં ડાયરેક્ટ કાઉન્ટ મેથડથી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૪માં ઘુડખરની સાથે સાથે અન્ય વન પ્રાણીઓની ગણતરી પણ કરવામાં આવી હતી. આ ગણતરીમાં નીલગાય, ચિંકારા, કાળિયાર, જંગલી ભૂંડ, ભારતીય શિયાળ, રણ લોંકડી જેવા વન્ય જીવોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ ૨,૭૩૪ નીલગાય, ૯૧૫ જંગલી ભૂંડ, ૨૨૨ ભારતીય સસલું, ૨૧૪ ચિંકારા તેમજ ૧૫૩ ભારતીય શિયાળ નોંધાયા છે.
*ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ‘ડોલ્ફિન’ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ*
ગુજરાત સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતો હોવાના લીધે સમૃદ્ધ જળચર પ્રાણી વારસો એટલે કે, અનેક
દુર્લભ જળચર પ્રાણીઓ જોવા મળે છે. જેમાં સૌથી સુંદર અને આકર્ષક પ્રાણી છે ‘ડોલ્ફિન’.
ગુજરાત વન વિભાગ દ્વારા ગુજરાતમાં ‘ડોલ્ફિનની વસ્તી ગણતરી’ કરવામાં આવી હતી. જળચર- વન્ય જીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના પરિણામે ગુજરાતના ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે
૬૮૦ ડોલ્ફિન નોંધાઈ છે, ત્યારે જળચર તેમજ વન્યજીવ પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતે હરણફાળ ભરી છે. જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન ક્ષણ છે. ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીનો દરિયાકિનારો ડોલ્ફિનના ‘ઘર’ તરીકે પ્રસ્થાપિત થયો છે.
*ચાલુ વર્ષે ઉતરાયણ પર્વ પર ‘કરૂણા અભિયાન’ થકી ૧૫ હજારથી વધુ પક્ષીઓને બચાવી લેવાયા*
ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને તુરંત સારવાર આપી નવજીવન આપી શકાય તેવા ઉમદા હેતુથી દર વર્ષે રાજ્ય સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “કરૂણા અભિયાન”નું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યભરમાં અંદાજે કુલ ૧૭,૦૬૫ જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરી સમયસર સારવાર આપીને ૧૫,૫૭૨ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું છે.
રાજ્યમાં વર્ષ-૨૦૧૭થી ઉત્તરાયણ પર્વ દરમિયાન પ્રતિ વર્ષ તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે અને ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૧.૧૨ લાખથી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. જેમાંથી ૯૨ ટકા સાથે ૧.૩ લાખ જેટલા પક્ષીઓને જીવનદાન આપવામાં આવ્યું છે.
જનક દેસાઈ ……………………..
[9/3, 12:32 PM] Dilip Gajjar.Mahiti.Press: રાષ્ટ્રીય શિક્ષક દિવસ -૨૦૨૫ (શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ – ૦૨)
*****
ડીંગુચા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી જિજ્ઞાસા પ્રજાપતિને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા બદલ ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-૨૦૨૫’થી સન્માનિત કરાશે
****
“મારી માતૃભૂમિ એ જ મારી કર્મભૂમિ છે, જ્યાં મને બાળકોને ભણાવવાનું ગૌરવ પ્રાપ્ત થઇ રહ્યું છે :- શિક્ષક શ્રી જિજ્ઞાસા પ્રજાપતિ
****
કોરોનાના સમયગાળામાં બાળકોને ભણવવા ૭૭ જેટલા એપિસોડ ડીડી ગિરનાર પર પ્રસારિત થયા
*****
સૌ બાળકો ભણે, ગણે અને આગળ વધે તે માટે ડીંગુચા પ્રાથમિક શાળામાં વર્ષ-૨૦૦૭થી પ્રાથમિક શિક્ષિકા શ્રી જિજ્ઞાસા પ્રજાપતિ સતત પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ ડીંગુચા પ્રાથમિક શાળામાં બાળકોને નવીન પદ્ધતિઓ, ટેક્નોલોજી અને શૈક્ષણિક સાધનો આધારિત શૈક્ષણિક કામગીરી કરાવે છે.
બાળકોનું ભણતર છૂટે નહિ તે દિશામાં કામ કરનારી શિક્ષિકા શ્રી જિજ્ઞાસા પ્રજાપતિના જણાવ્યા અનુસાર, કોરોનાના સમયમાં જ્યારે શાળાઓ બંધ હતી, ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકે નહીં તે માટે હોમલર્નિંગની સામગ્રી તૈયાર કરી તેમણે સોશિયલ ડિસ્ટન્સ સાથે ભણાવવા તેમના ઘરે જતા હતા. કોરોનાકાળમાં ઓનલાઇન શિક્ષણના માધ્યમથી બાળકોને જોડવા અને તકનીકી સાધનોની મર્યાદા હોવા છતાં દરેક વિદ્યાર્થી સુધી વ્યક્તિગત પહોંચવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. આ સમયમાં રાજ્યના બાળકોને ભણાવવા સમગ્ર શિક્ષા-ગાંધીનગર દ્વારા ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા વર્ગ, ધોરણ – ૩ જ્ઞાનસેતુ તથા ધોરણ – ૩ થી ૫ “એક ભારત શ્રેષ્ઠ ભારત” અને જોયફુલ સેટર-ડે સહિતના એપિસોડ મળી કુલ ૭૭ જેટલા વિડીયો એપિસોડ ડીડી ગિરનાર પર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
શ્રી જિજ્ઞાસા પ્રજાપતિએ સરકાર દ્વારા આયોજિત PSE, NMMS, CET, CGMS, જવાહર નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ અભ્યાસક્રમ, પ્રશ્નપત્રો અને પ્રશ્નસમૂહો તૈયાર કરીને તેમને યોગ્ય દિશામાં અભ્યાસ પણ કરાવે છે. આ શિક્ષિકાએ ભણાવેલા અનેક બાળકો આ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા છે. તેમની શાળાના બાળકોને વર્ષ-૨૦૦૭થી અત્યાર સુધી એટલે કે, છેલ્લા ૧૮ વર્ષથી ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં તાલુકા, જિલ્લા તથા રાજ્યકક્ષા સુધી ભાગ લેવા વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહિત કરવામાં આવે છે. આમ, બાળકોએ વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડાઈને શાળાને તાલુકા, જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ પણ ગૌરવ અપાવ્યું છે.
આ શાળા દ્વારા લોક ભાગીદારી થકી સમાજ સાથે શિક્ષણનું સંતુલિત જોડાણ પ્રસ્થાપિત કરીને અંદાજિત રૂ.૨૦ લાખથી વધુ મૂલ્યની રોકડ રકમ અને શાળાને ઉપયોગી તેવી વિવિધ વસ્તુઓનું દાન એકત્રિત કરીને સારા શિક્ષણ માટે ઓરડા, પ્રોજેક્ટર જેવી વિવિધ વસ્તુઓ લાવવામાં આવે છે. આ શિક્ષિકા દ્વારા વ્યસનમુક્તિ તેમજ અંધશ્રદ્ધા નિવારણની મુહિમ ચલાવવામાં આવે છે અને લોકજાગૃતિના કાર્યક્રમ અને નાટકો કરવામાં આવે છે. જેથી ગામમાં નાગરિકો અંધશ્રદ્ધાથી દૂર રહીને પોતાની દીકરીઓને શાળાએ ભણવા મોકલે.
આ શિક્ષિકા દ્વારા મોડ્યુલ લેખનને ધ્યાનમાં રાખીને વિદ્યાપ્રવેશ-શિક્ષક આવૃત્તિ, વિદ્યાપ્રવેશ-વિદ્યાર્થી પ્રવૃતિપોથી, વિદ્યાપ્રવેશ-શિક્ષક પ્રશિક્ષણ મોડ્યુલ, પ્રારંભિક બાળ સંભાળ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ, ધોરણ ૩ થી ૫ ભાષા, જીવનકૌશલ્ય જેવા વિવિધ વિષયો માટે વિદ્યાર્થી કેન્દ્રિત મોડ્યુલો તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ધોરણ ૩ થી ૮ સ્વાધ્યાય પોથીમાં સમીક્ષક તરીકે તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી-ગાંધીનગરના સહયોગમાં ધોરણ ૧ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિ મોડ્યુલ્સ તૈયાર કરવામાં આવ્યા છે.
શ્રી જિજ્ઞાસા પ્રજાપતિ એક સંવેદનશીલ માર્ગદર્શક તરીકે શિક્ષણ ક્ષેત્રે ભગીરથ પ્રયત્નો કરીને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેમનાં આ ઉમદા કાર્ય બદલ રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ’ની ઉજવણી દરમિયાન ગાંધીનગરના પ્રતિભાશાળી શિક્ષિકા શ્રી જિજ્ઞાસા પ્રજાપતિને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવશે.
– પ્રિન્સ ચાવલા
******
[9/3, 12:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫*
___________
*”AI નજરે અંબાજી: અસામાજિક તત્વો પર પોલીસની ડિજિટલ પહેરેદારી”*
___________
*અંબાજી પોલીસનો નવો પ્રયોગ: માઈભક્તોની AI દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા*
_________
*અસામાજિક પ્રવૃતિઓ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની ઓળખ માટે એ.આઈ.હથિયાર*
__________
*ટેક્નોલોજીનો આ ઉપયોગ માઈભક્તોની સલામતીને વધુ સુરક્ષિત બનાવશે: પોલીસ અધીક્ષક શ્રી પ્રશાંત સુંબે*
___________
(માહિતી બ્યુરો, પાલનપુર)
વિશ્વવિખ્યાત અંબાજી મંદિરે ભાદરવી પૂનમ મહામેળા દરમ્યાન લાખો માઈભક્તો માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી પગપાળા આવે છે. યાત્રિકોની સુરક્ષા, સલામતી અને સુવ્યવસ્થિત આયોજન માટે બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા વિશેષ તકેદારી લેવામાં આવી રહી છે. આ વર્ષે પ્રથમવાર અંબાજીમાં પોલીસ વિભાગ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ તથા અસામાજિક તત્વોને ડામવા માટે કૃત્રિમ બુદ્ધિ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
AI આધારિત સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સમગ્ર મેળાના વિસ્તારમાં શંકાસ્પદ હલનચલન, ગુમ થયેલા યાત્રિકોની ઓળખ અને ભીડના સંચાલન પર તાત્કાલિક નજર રાખી શકાય છે. સ્માર્ટ કંટ્રોલ રૂમ મારફતે મેળા ક્ષેત્રના તમામ મહત્વના સ્થળો પર સીસીટીવી કેમેરાથી લાઇવ મોનીટરીંગ થાય છે. કોઈપણ પ્રકારની અણધારી ઘટના કે ગુનાહિત પ્રવૃત્તિ સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી શકે છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી પ્રશાંત સુંબેએ જણાવ્યું કે, સીસીટીવી સર્વેલન્સ સાથે એ.આઇ ટેક્નોલોજીનો સમન્વય સાધી મેળામાં યાત્રિકોને સલામતિ અને સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે. સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોમાંથી મેળવેલ ગુનેગારોના ચહેરા ઓળખી તેમને પકડવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત એક સમયે મંદિરમાં કેટલાં લોકોએ દર્શન કર્યા તેનો અંદાજ મેળવી ભીડને નિયંત્રણ કરી શકાય છે. “શો માય પાર્કિંગ” એપ દ્વારા પાર્કિંગ નિયોજન કરવામાં આવે છે. આમ મેળામાં આધુનિક ટેક્નોલોજી અને એ.આઈ.ના સમન્વયથી પોલીસ તંત્ર રાઉન્ડ ધ ક્લોક માઇભકતો માટે નિષ્ઠાપૂર્વક ખડેપગે સેવા બજાવી રહી છે. પોલીસ અધિક્ષકશ્રીએ કહ્યું કે “યાત્રિકોની જાનમાલની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. ટેક્નોલોજીનો આ ઉપયોગ ભક્તોની સલામતિને વધુ મજબૂત બનાવશે.”
*બોક્સ*
*માઈભક્તોની સુરક્ષા માટે આધુનિક ઉપકરણો દ્વારા પોલીસ વિભાગની રાઉન્ડ ધ ક્લોક કામગીરી*
અંબાજી ભાદરવી મેળામાં યાત્રિકોની સુરક્ષાના અન્ય ઉપકરણો જોઈએ તો પીપલ કાઉટીંગ કેમેરા – ૧૨, AI કેમેરા – ૧૨, સોલાર બેઝ AL કેમેરા – ૨૦, બોડી વોર્ન કેમેરા – ૯૦, પોલીસ વ્હીકલ માઉટીંગ કેમેરા, ક્રાઉડ મેનેજમેન્ટ સીસ્ટમ વિથ માઈક્રો ફોન સ્પીકર તેમજ હંગામી તમામ પાર્કિંગ કેમેરાની ફીડ GPYVB દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં આપવામાં આવે છે, જેના દ્વારા મેળામાં કોઇપણ અસામાજિક કે ગુનાહિત પ્રવૃતિ પર બાઝ નજર રાખી તેને ડામી શકાય છે.
***
[9/3, 12:39 PM] Dilip Gajjar.Mahiti.Press: *કચ્છ-ભુજમાં નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય માટે પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં પશુપાલન વિભાગ અને કામધેનુ યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર (MoU) સંપન્ન*
************************************
*MoUના માધ્યમથી ભુજ ખાતે પશુપાલન ખાતા હસ્તકની ૩૮ એકર અને ૨૩ ગુંઠા જમીન તથા તેના પરની મિલકત કામધેનુ યુનિવર્સિટીના હસ્તક સોંપાઈ*
************************************
રાજ્યમાં પશુપાલન ક્ષેત્ર અને પશુ સારવાર સેવાને વધુ સુદ્રઢ બનાવવા માટે ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છ-ભુજ ખાતે નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સ્થાપવા માટે પશુપાલન ખાતા અને કામધેનુ યુનિવર્સિટી-ગાંધીનગર વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ અને પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપકુમારની પ્રેરક ઉપસ્થિતિમાં પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર અને કામધેનું યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ડી. પી. ટાંક દ્વારા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા ભુજ-કચ્છ ખાતે નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયને મંજૂરી આપવામાં આવી હતી. આ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂજ ખાતે પશુપાલન ખાતાના માલિકી હેઠળની ૩૮ એકર અને ૨૩ ગુંઠા જમીન અને તેના પર આવેલી તમામ સ્થાવર-જંગમ મિલકતો કામધેનુ યુનિવર્સિટી હસ્તક સોંપવાનો છે. આ જમીન અને મિલકતનો ઉપયોગ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના શૈક્ષણિક, સંશોધન તથા વિસ્તરણ કાર્યો માટે કરવામાં આવશે.
વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા-નવી દિલ્હી દ્વારા નિર્ધારિત માપદંડો મુજબ જરૂરી જમીન, મકાન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આ સમજૂતી કરાર ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પહેલથી કચ્છ અને રાજ્યના અન્ય પશુપાલકોને આધુનિક પશુચિકિત્સા અને સંશોધનના લાભો મળશે.
આ મહાવિદ્યાલયને વહેલી તકે કાર્યરત કરવા માટે કામધેનુ યુનિવર્સિટી દ્વારા અંદાજે ૩૮ જેટલા સ્ટાફની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. ભુજ ખાતે આ નવીન મહાવિદ્યાલય કાર્યરત થતાં ગુજરાતમાં કુલ છ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયો કાર્યરત થશે, જે પશુપાલન ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને વધુ વેગ આપશે.
**********************
નિતિન રથવી
[9/3, 12:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે ગુજરાત સરકાર દ્વારા નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય પરિસંવાદ બેઠકનું આયોજન*
****
*માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ટોચના ઉદ્યોગપતિઓ, રાજદ્વારીઓ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે, ગુજરાતના પ્રાદેશિક વિકાસના નવા અધ્યાયનો શુભારંભ કરશે*
****
*ગાંધીનગર, 3 સપ્ટેમ્બર, 2025:* આગામી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો (VGRC)ના પરિપ્રેક્ષ્યમાં ગુજરાત સરકાર દ્વારા 4 સપ્ટેમ્બર 2025 ના રોજ નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય પરિસંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાદેશિક પરિષદોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સામેલ થશે જેમની સમક્ષ રાજ્યના સર્વાંગી પ્રાદેશિક વિકાસની પહેલોને પ્રસ્તૂત કરવામાં આવશે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ના ગૌરવમય વારસાને અનુરૂપ ગુજરાત સરકાર દ્વારા ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચાર પ્રાદેશિક પરિષદોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદો દરેક ક્ષેત્રની વિશિષ્ટ સંભાવનાઓને ઉજાગર કરવા, ક્ષેત્ર-વિશિષ્ટ તકોને ઓળખવા અને રોકાણોને તે ક્ષેત્રોમાં લાવવા પર કેન્દ્રિત છે.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવી દિલ્હીમાં યોજાનારી આ પરિસંવાદ બેઠકનું નેતૃત્વ કરશે. આ કાર્યક્રમમાં બે સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક સત્રમાં ઉદ્યોગપતિઓ જ્યારે બીજા સત્રમાં ફોરેન મિશનના વડાઓ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીશ્રી સંવાદ કરશે.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિશેષ સંબોધન ઉપરાંત, ઉદ્યોગપતિઓ સાથે બપોરે એક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ, IAS દ્વારા VGRC પર વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ તેમના અનુભવો શેર કરી શકે તેના માટે પણ એક સત્ર રહેશે.
ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (DPIIT) ના સચિવ શ્રી અમરદીપ સિંહ ભાટિયા, IAS અને ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, IAS પણ સત્ર દરમિયાન સંબોધન કરશે.
સાંજના સમયગાળામાં ફોરેન મિશનના વડાઓ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓના ખાસ સત્રમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ સંબોધન કરશે. આ સત્રમાં ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્મા, IAS દ્વારા VGRC પર એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ શ્રી સુધાકર દલેલા, IFS, સચિવ (ER), MEA અને શ્રી પંકજ જોશી, IAS, મુખ્ય સચિવ, ગુજરાત સરકાર દ્વારા સંબોધન કરવામાં આવશે.
વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો (VGRCs) ક્ષેત્ર-કેન્દ્રિત ચર્ચાઓ, B2B / B2G બેઠકો, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો, રિવર્સ બાયર સેલર મીટ, ટ્રેડ શો/પ્રદર્શન, નેટવર્કિંગ તેમજ MSMEs અને કારીગરોને પ્રોત્સાહન તેમજ ઓળખ આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે. પ્રાદેશિક આકાંક્ષાઓને વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ સાથે જોડવા માટે આ પ્લેટફોર્મની રચના કરવામાં આવી છે, જેથી ભારતના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતની ભૂમિકાને વધુ સશક્ત અને પ્રભાવી બનાવી શકાય.
*x-x-x*
[9/3, 2:00 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ 50 QRT ક્વિક રિસ્પોન્સ ટીમ વિહિકલને ફ્લેગ ઓફ કર્યું*
*ગુજરાત પોલીસના કાફલામાં 50 QRT બાઈકનો ઉમેરો: ગુનાખોરી અને ટ્રાફિક જેવી સમસ્યાઓમાં ક્વિક રિસ્પોન્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે*
…..
ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા તથા ક્વિક રિસ્પોન્સ માટે ગુજરાત પોલીસે એક નવતર પહેલ કરી છે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા આજે ગાંધીનગર સચિવાલય ખાતેથી 50 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) વિહિકલ-બાઈકને લીલી ઝંડી આપવામાં આવી છે. આ અત્યાધુનિક બાઈકને ગુજરાત પોલીસ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે.
આ બાઈકનો મુખ્ય ઉદ્દેશ ગુનાખોરીને અટકાવવા, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને પોલીસ વાનને જ્યાં પહોંચવામાં સમય લાગે તેવા સંવેદનશીલ સ્થળો પર તાત્કાલિક પહોંચીને કાર્યવાહી કરવાનો છે. આ બાઈક ગુનાખોરી અને ટ્રાફિક જેવી સમસ્યાઓમાં ક્વિક રિસ્પોન્સ આપવા માટે તૈયાર કરાયા છે.
QRT બાઈક હોન્ડા કંપનીના સહયોગથી તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં કેટલીક વિશેષતાઓ ઉમેરવામાં આવી છે. ૩૫૦ સીસીના આ બાઈકમાં ડ્યુઅલ ટોન સાયરન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, 360 ડિગ્રી વિઝિબિલિટી માટે રીઅર ડોમ્સ, ફ્રન્ટ પોલિકાર્બોનેટ વિન્ડશીલ્ડ, સી હોક લાઈટ્સ, અને સાઈડ તેમજ ટોપ બોક્સ જેવા ફિચર્સ છે. આ ઉપરાંત, બાઈકમાં પાછળના ભાગમાં બેન્ડેબલ બેટન છે જેમાં પોલીકાર્બોનેટ લેન્સવાળી લાઈટ પણ છે.
આ પહેલ પોલીસની ગતિશીલતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાની સાથે સાથે નાગરિકોની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરશે.
આ પ્રસંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ હોન્ડા કંપનીના સિનિયર ડાયરેક્ટર શ્રી વિજય ધિંગરા, ઓપરેટિંગ ઑફિસર શ્રી પ્રભુ નાગરાજ, CSR હેડ શ્રી રાજીવ તનેજા કંપનીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
……..
[9/3, 3:12 PM] Dilip Gajjar.Mahiti.Press: *આંગણવાડી એ માત્ર બાળ સંભાળનું કેન્દ્ર નહિ, બાળકોના સર્વાંગી વિકાસની પ્રથમ શાળા: મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા*
********************
*ગાંધીનગર ખાતેથી મંત્રીશ્રીના હસ્તે રૂ. ૩૭.૪૮ કરોડના ખર્ચે ૨૩૩ આંગણવાડીનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત*
************************
• *પરંપરાગત પદ્ધતિથી રૂ. ૨૦.૨૩ કરોડના ખર્ચે બનેલી ૯૯ આંગણવાડી, ૧ ઘટક કચેરી, ૧ સેજા કચેરીનું લોકાર્પણ તથા ૬૫ આંગણવાડી કેંદ્રોના ખાતમુહૂર્ત*
• *GSPCના CSR ભંડોળ અંતર્ગત Light Guage Steel Frame (LGSF) ટેક્નોલોજીના ઉપયોગથી ૧૭.૨૫ કરોડના ખર્ચે ૬૯ નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું પણ લોકાર્પણ*
• *ભૂલકામેળાના વિજેતા બાળકોના કૌશલ્યને મંત્રીશ્રીના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા*
*************************************
આંગણવાડી એ માત્ર બાળ સંભાળનું કેન્દ્ર નહિ, બાળકોના સર્વાંગી વિકાસની પ્રથમ શાળા છે તેમ જણાવતાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય છે. આંગણવાડીમાં ભવિષ્યના નાગરિકો-બાળકોનું સુયોગ્ય રીતે ઘડતર કરવામાં આવે છે. આંગણવાડીમાં અદ્યતન સુવિધાઓ, પોષણયુક્ત આહાર, રમત સાથે બાળકોને પ્રારંભિક શિક્ષણ આપવામાં આવે છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ગાંધીનગર ખાતેથી રૂ. ૩૭.૪૮ કરોડના ખર્ચે ૨૩૩ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રીશ્રીના હસ્તે રૂ. ૨૦.૨૩ કરોડના ખર્ચે પરંપરાગત પદ્ધતિથી બનેલી ૯૯ આંગણવાડી, ૧ ઘટક કચેરી, ૧ સેજા કચેરીનું લોકાર્પણ તથા ૬૫ આંગણવાડી કેંદ્રોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત GSPCના CSR ભંડોળ અંતર્ગત Light Guage Steel Frame (LGSF) ટેક્નોલોજીના ઉપયોગથી ૧૭.૨૫ કરોડના ખર્ચે ૬૯ નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું પણ લોકાર્પણ કરાયું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય કક્ષાએથી કરવામાં આવતી સતત સમીક્ષા, ફોલો-અપ અને સંકલન થકી આંગણવાડીના નવા મકાનોનું નિર્માણકાર્ય ઝડપથી પૂર્ણ થઇ રહ્યું છે. જેના પરિણામે રાજ્યના હજારો નાના બાળકોને અદ્યતન સુવિધાઓ સાથેના નવા આંગણવાડી કેન્દ્રો ઉપલબ્ધ થઇ રહ્યા છે. આગામી સમયમાં પણ આ જ ગતિશીલતા સાથે આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાનોને વધુ વિસ્તૃત કરી રાજ્યના દરેક બાળકને શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ અપાશે, તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોની કામગીરીને બિરદાવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આંગણવાડીની બહેનો બાળકોની પ્રેમ અને વાત્સલ્યથી સંભાળ રાખે છે. તેમને ધર જેવું જ વાતાવરણ આપવામાં તેમની ભૂમિકા ખૂબ અગત્યની છે. તેમના શ્રેષ્ઠ પ્રયાસોના કારણે આજે અનેક વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલતાં થયાં છે. આ બહેનો આંગણવાડીમાં જ પોષણયુક્ત આહાર બનાવીને બાળકોને તેમની માતાની જેમ જ પ્રેમથી જમાડે છે.
મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી રાકેશ શંકરે ખુબ જ ટૂંકા સમયગાળામાં આંગણવાડી કેન્દ્રોના બાંધકામની કામગીરી પૂર્ણ કરવા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. આગામી સમયમાં પણ આજ ગતિથી આંગણવાડી કેન્દ્રોના બાંધકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરાશે તેમ સચિવશ્રીએ જણાવ્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લાકક્ષાના ભૂલકામેળામાં ભૂલકાના કૌશલ્યને પ્રોત્સાહન આપતા વિજેતા થનાર બાળકોને મંત્રીશ્રીના હસ્તે ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, શ્રી જે. એસ. પટેલ, આઈ.સી.ડી.એસ કમિશનર શ્રી રણજીતકુમાર, GSPC ના CEO શ્રી ગૌતમ સાર્થક, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ભૂલકામેળામાં સહભાગી થનાર બાળકો, વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
****************
ઋચા રાવલ
[9/3, 3:49 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભારતીય થલસેનાના ૧૨ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડીંગ ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે*
———–
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતીય સેનાના ૧૨ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડીંગ લેફ્ટનન્ટ જનરલ શ્રી એ.વી.એસ. રાઠીએ ગાંધીનગરમાં લીધી હતી.
તેમણે ૧૭મી જૂન ૨૦૨૫થી ૧૨ કોર્પ્સના GoCનો પદભાર સંભાળ્યો છે.
આ કોર્પ્સના કાર્યક્ષેત્રમાં મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત રાજસ્થાન અને ગુજરાતનો સમાવેશ થાય છે.
———–
[9/3, 4:09 PM] Dilip Gajjar.Mahiti.Press: *૧૫મી ગુજરાત વિધાનસભાના સાતમાં સત્ર દરમિયાન કુલ ૫ વિધેયક રજૂ કરાશે: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ*
—–
*શ્રમ, કૌશલ્ય વિકાસ-રોજગાર, નાણા, ઉદ્યોગ-ખાણ , આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિધેયક રજૂ કરાશે*
—–
રાજ્યમાં આગામી તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ૧૫મી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. આ ત્રણ દિવસની સંભવિત કામગીરી સંદર્ભે પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે,તા. 8 મી ના રોજ સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે.
તારીખ ૯ અને ૧૦ ના રોજ વિધાનસભામાં પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત ૫(પાંચ) વિધેયક રજૂ કરાશે. ઓપરેશન સિંદુરની સફળતાના પગલે આ સત્ર દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે.
વધુ વિગતોમાં તેમણે કહ્યું કે, સત્ર દરમિયાન કુલ પાંચ વિધેયક રજૂ કરાશે. જેમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૫’, નાણા વિભાગનું ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વીતીય સુધારા) વિધેયક, ૨૦૨૫’, ઉદ્યોગ અને ખાણ વિભાગનું ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક’, ૨૦૨૫ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, ૨૦૨૫’ અને ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, ૨૦૨૫’ રજૂ કરવામાં આવશે.
વિધેયકની વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારની વધુ તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે કામદારો માટે ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે આવશ્યક લાભો-સુરક્ષાના પગલાંઓ સબંધી કાયદાકીય જોગવાઈઓ કરીને કામના કલાકોમાં સુધારા લાવવા માટે પગલાં લેવા જરૂરી હોઇ વટહુકમ લાવવામાં આવ્યો હતો. જેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરીત કરવા ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૫’ રજૂ કરવામાં આવશે.
વધુમાં, પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણોને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા અને કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (CGST Act) અને ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ, 2017 (GGST Act) ની જોગવાઈઓની એકરૂપતા જાળવવા માટે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017માં સુધારો કરવો જરૂરી હોઇ વટહુકમ કરવામાં આવ્યો છે. જેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરીત કરવા આ વિધેયક લાવવામાં આવશે.
આ ઉપરાંત ઉદ્યોગોમાં વ્યવસાય પ્રક્રિયાના પુનઃનિર્માણને પ્રોત્સાહન મળે અને લોકોના જીવનની સરળતામાં સુધારો થાય તે હેતુથી રાજ્ય સરકાર કાનુની નિયમનોને સરળ બનાવવા, ડિજિટાઇઝેશન અને તર્કસંગત બનાવવા જેવા શ્રેણીબદ્ધ પગલાં લેવા માટે તત્પર છે. જે અંતર્ગત સરકાર સરકાર જીવન અને વ્યવસાયોને સરળ બનાવવા અને કોર્ટ પરનો કેસોનો ભારણ ઘટાડવા માટે ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, ૨૦૨૫’ રજૂ કરશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની સૂચના મુજબ રાજ્યમાં આયુર્વેદિક અને યુનાની પ્રેક્ટિશનરોની પ્રેક્ટિસ-નોંધણીની નિયમનકારી સંસ્થાને સ્ટેટ મેડિકલ કાઉન્સિલ ફોર આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન તરીકે ઓળખવામાં આવશે. જેથી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, ૧૯૬૩માં “બોર્ડ” શબ્દને બદલે “કાઉન્સિલ” શબ્દનો ઉપયોગ કરીને યોગ્ય સુધારા લાવવા જરૂરી છે. જેના ભાગરૂપે ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, ૨૦૨૫’ લાવવામાં આવશે.
તદુપરાંત રાજ્ય સરકારે રાજ્યમાં ક્લિનિકલ સંસ્થાઓની નોંધણી અને નિયમન માટે ગુજરાત ક્લિનિકલ સ્થાપના (નોંધણી અને નિયમન) અધિનિયમ, ૨૦૨૧ લાગુ કર્યો છે. રાજ્યભરમાં આ કાયદાનો અસરકારક અમલ થાય તે માટે કાયદા દ્વારા ફરજિયાત નોંધણી માટે ક્લિનિકલ સંસ્થાઓને વધુ વ્યાજબી સમય પૂરો પાડવો જરૂરી માનવામાં આવે છે. જે અંતર્ગત ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, ૨૦૨૫’ રજૂ કરવામાં આવશે, તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
—–
[9/3, 4:11 PM] Dilip Gajjar.Mahiti.Press: I-PRAGATI પહેલ: નાગરિકોને પારદર્શકતાનો અનુભવ
*ત્રણ મહિનામાં લાખો ફરિયાદીને પોતાના કેસની પ્રગતિ અંગેના અપડેટ્સ ઘરે બેઠા SMS મારફતે આપવામાં આવ્યા*
*FIRના ૧.૫૯ લાખ SMS, પંચનામા અંગે ૧.૬૫ લાખ, આરોપી ધરપકડના ૧.૫૮ લાખ તેમજ ચાર્જશીટ થયા અંગે ૧.૬૩ લાખ SMS ઉપરાંત નોટિસ, આરોપીના જામીન અને મુદ્દામાલ રિકવર સહિતના અપડેટ્સ અંગે નાગરિકોને SMS કરવામાં આવ્યા*
*રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે હવે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડતા નથી: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*
*I-PRAGATI સિસ્ટમ નાગરિકોને તેમની ફરિયાદની સ્થિતિ વિશે સીધી માહિતી આપીને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારે છે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય*
……
રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રણેક માસ પહેલા I-PRAGATI (Intelligent Progress Reporting and Grievance Addressing through Technology Initiative) પહેલ શરૂ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શનમાં શરૂ થયેલી આ પહેલનો મુખ્ય હેતુ પોલીસ ફરિયાદ નોંધાવનારા નાગરિકોને તેમના કેસની પ્રગતિ વિશે ફરિયાદીના મોબાઈલ પર જ SMS મારફતે પારદર્શક અને સમયસર માહિતી પૂરી પાડવાનો છે.
I-PRAGATI પહેલ અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ સિસ્ટમ ફરિયાદીને ઓટોમેટિક SMS અપડેટ મોકલે છે, જેનાથી નાગરિકોને વારંવાર પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેતી નથી.
આ પહેલ શરૂ કરી ત્યારથી એટલે કે તા.14 મે, 2025 થી 28 ઓગસ્ટ, 2025 દરમિયાન, I-PRAGATI એ નાગરિકોને લાખોની સંખ્યામાં SMS મારફતે અપડેટ્સ મોકલી છે, જેમાં FIR દાખલ થઈ ગયા અંગે ૧.૫૯ લાખથી વધુ SMS, પંચનામા અંગે ૧.૬૫ લાખથી વધુ SMS, નોટિસ અંગે ૨૫ હજારથી વધુ SMS, આરોપીના જામીન અંગે ૨૬ હજારથી વધુ SMS, આરોપી ધરપકડ અંગે ૧.૫૮ લાખથી વધુ SMS, મુદ્દામાલ રિકવર અંગે ૮૯ હજારથી વધુ SMS અને ચાર્જશીટ થયા અંગે ૧.૬૩ લાખથી વધુ SMS મોકલી નાગરિકોને સમયસર તેમના કેસ અંગે અપડેટ આપવામાં આવ્યા છે. આ પહેલથી કાયદાકીય પ્રક્રિયા વધુ પારદર્શક અને સુલભ બની છે.
આ પહેલથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કેસની પ્રગતિ વિશે પૂછપરછ કરતા નાગરિકોના પ્રશ્નોનો જવાબ આપવામાં લાગતા સમયનો બચાવ કરી શકે છે અને તેમનું ધ્યાન કેસની તપાસ પર કેન્દ્રિત કરી શકે છે. આ સિસ્ટમ થકી પોલીસ તંત્રમાં દરેક પ્રક્રિયાનો રેકોર્ડ રાખવામાં આવે છે, જે ઉચ્ચ અધિકારીઓને દેખરેખ રાખવામાં મદદ કરે છે.
*નાગરિકોને થતા ફાયદા*
*પારદર્શકતા અને વિશ્વાસ*: I-PRAGATI સિસ્ટમ નાગરિકોને તેમની ફરિયાદની સ્થિતિ વિશે સીધી માહિતી આપીને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારે છે.
*સમય અને શક્તિનો બચાવ*: નાગરિકોએ તેમના કેસની પ્રગતિ જાણવા માટે પોલીસ સ્ટેશનના વારંવાર ધક્કા ખાવા પડતા નથી, જેનાથી તેમના સમય અને શક્તિનો બચાવ થાય છે.
*ઓટોમેટિક અપડેટ્સ*: આ સિસ્ટમ કેસ સંબંધિત દરેક મહત્ત્વપૂર્ણ તબક્કે (જેમ કે ધરપકડ, ચાર્જશીટ વગેરે) નાગરિકોને SMS દ્વારા આપોઆપ અપડેટ્સ મોકલે છે.
*સુરક્ષા અને સંતોષ*: નાગરિકોને સતત અપડેટ મળતી રહેવાથી તેઓ સુરક્ષિત અને સંતુષ્ટ અનુભવે છે કે તેમના કેસ પર કામ ચાલી રહ્યું છે.
I-PRAGATI પહેલ ગુજરાત પોલીસ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે નાગરિક-કેન્દ્રિત સુશાસન અને પારદર્શકતાને પ્રોત્સાહન આપે છે.
…..
[9/3, 4:29 PM] Dilip Gajjar.Mahiti.Press: *ટેકાના ભાવે ખરીદીની નોંધણી માટેનું પોર્ટલ પુનઃ કાર્યરત થયાના એક જ દિવસમાં ૨.૧૭ લાખ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરી: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
******************
*ગત વર્ષની સરખામણીએ પોર્ટલ પર ૧૦૦ ટકા વધારે લોડ આવતા સિસ્ટમ ક્રેશ થઈ હતી: કૃષિ મંત્રીશ્રી*
*******************
ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી શરૂ થયા બાદ પોર્ટલ ક્રેશ થયું હતું. પોર્ટલ ક્રેશ થવા પાછળનું કારણ સ્પષ્ટ કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે નોંધણી શરૂ થયા બાદ એક જ દિવસમાં ૪,૫૦૦ VCE લૉગિન થયા હતા અને અંદાજે ૫૯,૦૦૦ નોંધણી પૂર્ણ થઈ હતી. આ ટ્રેન્ડને ધ્યાને રાખીને ચાલુ વર્ષે પોર્ટલને ૪,૫૦૦ VCE ઉપરાંત ૩૦ ટકા વધારાની ક્ષમતા સાથે કાર્યરત કરવામાં આવ્યું હતું.
આ વર્ષે નોંધણીના પ્રથમ દિવસે જ એક સાથે ૯,૦૦૦ VCE લૉગિન થયા હતા. જેથી ગત વર્ષની સરખામણીએ લોડમાં ૧૦૦ ટકા એટલે કે બમણો વધારો થતા આ પોર્ટલ ક્રેશ થયું હતું. અચાનક વધી ગયેલા લોડથી સિસ્ટમ ક્રેશ થયા બાદ પોર્ટલની ક્ષમતા વધારીને તેને બીજા જ દિવસે સવારથી પુનઃ કાર્યરત કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પોર્ટલની ક્ષમતા વધાર્યા બાદ હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર સરળતાપૂર્વક નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. આજે તા. ૩ સપ્ટેમ્બરના રોજ બપોરે ૨.૦૦ કલાક સુધીમાં જ રાજ્યના ૨.૧૭ લાખથી વધુ ખેડૂતોએ ૯,૦૦૦ VCE મારફત ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરી છે.
રાજ્યના ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે કૃષિ વિભાગે તાત્કાલિક ધોરણે સિસ્ટમને મહત્તમ કાર્યક્ષમતાએ પુનઃસ્થાપિત કરી હતી, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
******************
નિતિન રથવી
[9/3, 5:40 PM] Dilip Gajjar.Mahiti.Press: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ એ.વી.એસ. રાઠી
——–
આર્મી મેડલ, વિશિષ્ટ સેવા મેડલ, ૧૨ કોર્પ્સ, જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ એ.વી.એસ. રાઠીએ આજે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.
બેઠક દરમિયાન રાજ્યપાલશ્રીએ લેફ્ટનન્ટ જનરલ શ્રી રાઠીની રાષ્ટ્ર પ્રત્યેની સેવા, શિસ્ત અને બહાદુરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ભારતીય સેના રાષ્ટ્રની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષાની અતૂટ ગેરંટી છે અને દેશવાસીઓનું ગૌરવ છે. રાજ્યપાલશ્રીએ ભારતીય સેનાની બહાદુરી અને સેવાની ભાવના પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
——————————————————————————–
9/2, 7:00 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી એક સુંદર વ્યવસ્થા ; ભક્તિ ભાવ પૂર્વક બાપાના ચરણે ધરાવેલ પ્રસાદ, ફૂલો અને પૂજાની અન્ય સામગ્રીનો યોગ્ય નિકાલ કરતા બાપાના આશીર્વાદ ફરી પાછા આપણા સુધી પહોંચી શકશે*
………………………………..
*બાપાની ફૂલ માળા અને પ્રસાદ વગેરે જેવી વસ્તુઓ જે બીજા દિવસે નકામી બની જાય છે, તેના ઉપયોગથી વર્મી કમ્પોસ્ટ બનાવાશે*
………………………
ગાંધીનગર જિલ્લામાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ જ સ્થાપિત થાય, તથા પર્યાવરણને નુકસાન પહોંચાડતી પીઓપીની મૂર્તિઓ સાથે, દસ દિવસની પૂજા સામગ્રી જળાશયમાં પધરાવતા તે ન ઓગળવાને લીધે રઝળતીથી થવાથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચવા સાથે પ્રકૃતિને થતું નુકસાન અટકાવવા એની કાર્યો હાથ ધરાયા છે.
જે અંતર્ગત મહાનગર પાલિકા ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી ભક્તિ ભાવ પૂર્ણ બાપાના ચરણે ધરાવેલ પ્રસાદ, ફૂલો અને પૂજાની અન્ય સામગ્રીનો યોગ્ય નિકાલ કરતા બાપાના આશીર્વાદ ફરી પાછા આપણા સુધી પહોંચી શકશે.
ન સમજાય ને! તો ચાલો સમજીએ સંપૂર્ણ પ્રક્રિયા ને…
દસ દિવસ સુધી ચાલનારા ગણેશોત્સવ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે, તંત્રના માણસો જ ગાંધીનગર ના પંડાલોમાં ફરી બાપાની ફૂલ માળા અને પ્રસાદ વગેરે જેવી વસ્તુઓ જે બીજા દિવસે નકામી બની જાય છે, તે એકત્રિત કરે છે. આ ઉપરાંત જ્યાં વિસર્જન કુંડો બનાવવામાં આવ્યા છે, ત્યાંથી પણ તંત્ર દ્વારા આ પ્રકારની વસ્તુઓ એકત્રિત કરી તેને સેક્ટર 30 ખાતે આવેલ વર્મી કમ્પોસ્ટ બનાવતા સ્થળે લાવવામાં આવે છે. આ બધી જ વસ્તુઓને ગાયના છાણીયા ખાતર સાથે એકત્ર કરી એક વિશિષ્ટ વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનો ઉપયોગ ગાંધીનગર જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા કરશે, અને આ પવિત્ર પૂજા સામગ્રીની સકારાત્મક ઉર્જા પણ તેમાં ભળશે.
પરિણામે બાપાને અર્પણ કરેલ વસ્તુઓ વેસ્ટ ન થતા બાપાના આશીર્વાદરૂપે ફરી આપણને જ અનાજ, શાકભાજી અને ફળો રુપે મળી રહેશે. છે ને અનોખો પ્રયાસ હવે સમજાયું …!
……
*નેહા તલાવિયા*
[9/3, 12:34 PM] Neha Talaviya.Mahiti: રાષ્ટ્રીય શિક્ષક દિવસ -૨૦૨૫ (શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ – ૦૨)
*****
ડીંગુચા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી જિજ્ઞાસા પ્રજાપતિને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા બદલ ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-૨૦૨૫’થી સન્માનિત કરાશે
****
“મારી માતૃભૂમિ એ જ મારી કર્મભૂમિ છે, જ્યાં મને બાળકોને ભણાવવાનું ગૌરવ પ્રાપ્ત થઇ રહ્યું છે :- શિક્ષક શ્રી જિજ્ઞાસા પ્રજાપતિ
****
કોરોનાના સમયગાળામાં બાળકોને ભણવવા ૭૭ જેટલા એપિસોડ ડીડી ગિરનાર પર પ્રસારિત થયા
*****
સૌ બાળકો ભણે, ગણે અને આગળ વધે તે માટે ડીંગુચા પ્રાથમિક શાળામાં વર્ષ-૨૦૦૭થી પ્રાથમિક શિક્ષિકા શ્રી જિજ્ઞાસા પ્રજાપતિ સતત પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ ડીંગુચા પ્રાથમિક શાળામાં બાળકોને નવીન પદ્ધતિઓ, ટેક્નોલોજી અને શૈક્ષણિક સાધનો આધારિત શૈક્ષણિક કામગીરી કરાવે છે.
બાળકોનું ભણતર છૂટે નહિ તે દિશામાં કામ કરનારી શિક્ષિકા શ્રી જિજ્ઞાસા પ્રજાપતિના જણાવ્યા અનુસાર, કોરોનાના સમયમાં જ્યારે શાળાઓ બંધ હતી, ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકે નહીં તે માટે હોમલર્નિંગની સામગ્રી તૈયાર કરી તેમણે સોશિયલ ડિસ્ટન્સ સાથે ભણાવવા તેમના ઘરે જતા હતા. કોરોનાકાળમાં ઓનલાઇન શિક્ષણના માધ્યમથી બાળકોને જોડવા અને તકનીકી સાધનોની મર્યાદા હોવા છતાં દરેક વિદ્યાર્થી સુધી વ્યક્તિગત પહોંચવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. આ સમયમાં રાજ્યના બાળકોને ભણાવવા સમગ્ર શિક્ષા-ગાંધીનગર દ્વારા ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા વર્ગ, ધોરણ – ૩ જ્ઞાનસેતુ તથા ધોરણ – ૩ થી ૫ “એક ભારત શ્રેષ્ઠ ભારત” અને જોયફુલ સેટર-ડે સહિતના એપિસોડ મળી કુલ ૭૭ જેટલા વિડીયો એપિસોડ ડીડી ગિરનાર પર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
શ્રી જિજ્ઞાસા પ્રજાપતિએ સરકાર દ્વારા આયોજિત PSE, NMMS, CET, CGMS, જવાહર નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ અભ્યાસક્રમ, પ્રશ્નપત્રો અને પ્રશ્નસમૂહો તૈયાર કરીને તેમને યોગ્ય દિશામાં અભ્યાસ પણ કરાવે છે. આ શિક્ષિકાએ ભણાવેલા અનેક બાળકો આ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા છે. તેમની શાળાના બાળકોને વર્ષ-૨૦૦૭થી અત્યાર સુધી એટલે કે, છેલ્લા ૧૮ વર્ષથી ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં તાલુકા, જિલ્લા તથા રાજ્યકક્ષા સુધી ભાગ લેવા વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહિત કરવામાં આવે છે. આમ, બાળકોએ વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડાઈને શાળાને તાલુકા, જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ પણ ગૌરવ અપાવ્યું છે.
આ શાળા દ્વારા લોક ભાગીદારી થકી સમાજ સાથે શિક્ષણનું સંતુલિત જોડાણ પ્રસ્થાપિત કરીને અંદાજિત રૂ.૨૦ લાખથી વધુ મૂલ્યની રોકડ રકમ અને શાળાને ઉપયોગી તેવી વિવિધ વસ્તુઓનું દાન એકત્રિત કરીને સારા શિક્ષણ માટે ઓરડા, પ્રોજેક્ટર જેવી વિવિધ વસ્તુઓ લાવવામાં આવે છે. આ શિક્ષિકા દ્વારા વ્યસનમુક્તિ તેમજ અંધશ્રદ્ધા નિવારણની મુહિમ ચલાવવામાં આવે છે અને લોકજાગૃતિના કાર્યક્રમ અને નાટકો કરવામાં આવે છે. જેથી ગામમાં નાગરિકો અંધશ્રદ્ધાથી દૂર રહીને પોતાની દીકરીઓને શાળાએ ભણવા મોકલે.
આ શિક્ષિકા દ્વારા મોડ્યુલ લેખનને ધ્યાનમાં રાખીને વિદ્યાપ્રવેશ-શિક્ષક આવૃત્તિ, વિદ્યાપ્રવેશ-વિદ્યાર્થી પ્રવૃતિપોથી, વિદ્યાપ્રવેશ-શિક્ષક પ્રશિક્ષણ મોડ્યુલ, પ્રારંભિક બાળ સંભાળ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ, ધોરણ ૩ થી ૫ ભાષા, જીવનકૌશલ્ય જેવા વિવિધ વિષયો માટે વિદ્યાર્થી કેન્દ્રિત મોડ્યુલો તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ધોરણ ૩ થી ૮ સ્વાધ્યાય પોથીમાં સમીક્ષક તરીકે તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી-ગાંધીનગરના સહયોગમાં ધોરણ ૧ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિ મોડ્યુલ્સ તૈયાર કરવામાં આવ્યા છે.
શ્રી જિજ્ઞાસા પ્રજાપતિ એક સંવેદનશીલ માર્ગદર્શક તરીકે શિક્ષણ ક્ષેત્રે ભગીરથ પ્રયત્નો કરીને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેમનાં આ ઉમદા કાર્ય બદલ રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ’ની ઉજવણી દરમિયાન ગાંધીનગરના પ્રતિભાશાળી શિક્ષિકા શ્રી જિજ્ઞાસા પ્રજાપતિને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવશે.
– પ્રિન્સ ચાવલા
******
[9/3, 5:08 PM] Neha Talaviya.Mahiti: *યોગબોર્ડ અધ્યક્ષશ્રી શિશપાલજી રાજપુતની વિશેષ ઉપસ્થિતિમાં ૭૬ માં વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા સ્થિત રાષ્ટ્રીય રક્ષાશ્ક્તિ યુનિવર્સિટી,લવાડ ખાતે કરવામાં આવી*
………………………………
*વૃક્ષોની વિશેષતાની વાત કરવામાં આવે તો વૃક્ષો માત્ર પ્રાણવાયુ નથી આપતા, પરંતુ માનસિક થાક ઓછો કરે છે, હવામાનને શુદ્ધ રાખે છે માટે પર્યાવરણ , પ્રકૃતિનું જતન કરવું ખૂબ જ જરૂરી – યોગબોર્ડ અધ્યક્ષશ્રી શિશપાલજી રાજપુત*
……………………..
*જિલ્લા કક્ષાના ૭૬ માં વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવો દ્વારા બિલ્વપત્ર, બોરસલી, લીમડા, આસોપાલવ, ખાખરો, આંબો જેવા બેસી કુળના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું*
……………………..
*વનરાજીને સશક્ત અને સુરક્ષિત રાખવાની જરૂર ઊભી થશે એવા વિચાર સાથે તેમણે વન મહોત્સવ ની શરૂઆત 75 વર્ષ પહેલા 1950 માં કનૈયાલાલ મુનશીજીએ આણંદથી કરી હતી- આઈ.એફ.એસ શ્રી એ.પી.સિંઘ*
………………………
*‘એક પેડમાં કે નામ 2.o’ અંતર્ગત આ વર્ષે ગુજરાતને 10.35 કરોડ રોપાનું લક્ષ્યાંક મળ્યું છે, જેમાંથી 6. 05 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે – આઈ.એફ.એસ શ્રી એ.પી.સિંઘ*
……………………
સમગ્ર રાજ્યમાં ૭૬ માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરમાં યોગબોર્ડ અધ્યક્ષશ્રી શિશપાલજી રાજપુતની વિશેષ ઉપસ્થિતિમાં ૭૬ માં વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા સ્થિત રાષ્ટ્રીય રક્ષાશ્ક્તિ યુનિવર્સિટી,લવાડ ખાતે ઉજવાયો હતો.
યોગબોર્ડ અધ્યક્ષશ્રી શિશપાલજી રાજપુત દ્વારા આ પ્રસંગે ઉપસ્થિત સર્વેને સંબોધન કરતા જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર સૃષ્ટિ તથા જીવ સૃષ્ટિ ના અસ્તિત્વ માટે વૃક્ષો ખૂબ જ જરૂરી છે. આપણા દેશમાં વિવિધ રાષ્ટ્રીય અને ધાર્મિક ઉત્સવ ઉજવાય છે, ત્યારે આ વનોઉત્સવ બધા ઉત્સવથી અનેરો ઉત્સવ છે. વૃક્ષએ જીવન છે, જેના માધ્યમથી આપણું જીવન ચાલે છે, જેના થકી આપણને પ્રાણ વાયુ મળી રહે છે, માટે સૌએ સાથે મળી સંકલ્પ કરવો જોઈએ કે, ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને આગળ વધારવા માં આપણે સૌ પણ સહયોગી બનીશું.
વૃક્ષોની વિશેષતાની વાત કરવામાં આવે તો વૃક્ષો માત્ર પ્રાણ વાયુ નથી આપતા, પરંતુ માનસિક થાક ઓછો કરે છે હવામાનને શુદ્ધ કરે છે. માટે પર્યાવરણ , પ્રકૃતિનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ લાવવા વૃક્ષોના માધ્યમથી થતા ફાયદાઓ જન સુધી પહોંચાડવા પણ જરૂરી છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘એક પેડમાં કે નામ’ અભિયાન અંતર્ગત થઈ રહેલા કાર્યથી ગુજરાતે ગયા વર્ષે સમય પહેલા લક્ષ્યાંક પૂર્ણ કર્યો હતો, અને આખા ભારતમાં ગુજરાત બીજા ક્રમે આવ્યું હતું, તે આપણા માટે સૌભાગ્યની વાત છે. ગાંધીનગરમાં પણ વન કવચનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં 1.70 હજાર રોપા રોપવામાં આવ્યા છે.
આ સાથે જ તેમણે યોગ અને પ્રકૃતિ સાથે વૃક્ષોનું સાયુજ્ય પણ સમજાવ્યું હતું. સાથે કોરોના કાળમાં સૌએ ઓક્સિજનનું મહત્વ કેટલું છે તે સમજ્યું જ હતું. માટે વૃક્ષોને વાવવા તથા તેમને બચાવવા એ સૌની નૈતિક જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું.
યોગ અંતર્ગત વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગામ, સોસાયટી કે તમારા ઘર આંગણે યોગ વર્ગ ચલાવવા માંગતા હોવ, તો યોગ બોર્ડનો સંપર્ક કરો. જેના માટે યોગ બોર્ડ ટ્રેનિંગ આપશે અને તેના પછી યોગ ટ્રેનર તરીકે તમને માનદવેતન પણ આપે છે, તેમણે આ અવસરે દેશને મેદસ્વિતાથી મુક્ત કરવાના સરકારના અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો, અને તેમાં યોગ એ ખૂબ જ પ્રબળ અને મજબૂત માધ્યમ હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, યોગ દ્વારા માત્ર મેદસ્વિતાથી મુક્તિ નથી મળતી પરંતુ શારીરિક અને માનસિક મનો રોગોથી પણ મુક્ત થઈ શકાય છે.
આ ઉપરાંત વિકસિત ભારત અંતર્ગત સ્વદેશી અભ્યાન માટે સ્વદેશી વસ્તુઓની જ ખરીદી કરવા માટે પણ તેમણે અનુરોધ કર્યો હતો. દેશને દુનિયામાં આર્થિક રીતે મજબૂત બનાવવા સ્વદેશી અપનાવવું ખૂબ જ જરૂરી છે તેમ તેમણે જણાવ્યું હતું.
અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત શ્રી એ.પી.સિંઘ દ્વારા આ અવસરે ઉદબોધન કરતા જણાવવામાં આવ્યું હતું કે, વન વિભાગના કર્મચારીઓ સહીટ દરેક નગરજનો માટે આ એક માત્ર ઉત્સવ નથી, પરંતુ મોટો મહોત્સવ છે, 75 વર્ષ પહેલા 1950 માં કનૈયાલાલ મુનશીજીએ આણંદ ખાતે પ્રથમ વન મહોત્સવ ની શરૂઆત કરી, ત્યારથી આ ઉજવણી સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહી છે. પરંતુ દિવસે ને દિવસે જનસંખ્યામાં વધારો થશે જ ,જેથી વનરાજીને સશક્ત અને સુરક્ષિત રાખવાની જરૂર ઊભી થશે એવા વિચાર સાથે તેમણે વન મહોત્સવ ની શરૂઆત કરી હતી.
આ સાથે જ શ્રી એ.પી.સિંઘે ઉમેર્યું હતું કે, મોટાભાગે વન મહોત્સવ પહેલા ગાંધીનગરમાં જ યોજાતો પરંતુ 2004 થી વિવિધ જિલ્લાના ધાર્મિક ઐતિહાસિક પૌરાણિક સ્થળો પર વન મહોત્સવ ની ઉજવણી તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી દ્વારા શરૂ કરવામાં આવી. ત્યારથી લગભગ પાંચ હેક્ટરમાં 10 કરોડ જેટલી રકમથી સાંસ્કૃતિક વનો નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 24 જેટલા સાંસ્કૃતિક વન નિર્માણ પામ્યા છે જેમાં છેલ્લું સાંસ્કૃતિક વન ખેડાના ગલતેશ્વર ખાતે નિર્માણ પામ્યું છે, અને 25માં વનની પોરબંદર ખાતે કામગીરી પણ શરૂ થઈ ચૂકી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત ગત વર્ષે પ્રધાનમંત્રી શ્રી દ્વારા એક પેડ મા કે નામ અંતર્ગત 140 કરોડ રોપા રોપવાનું લક્ષ્યાંક હતું, જેમાં ગુજરાતના ભાગે 17 કરોડ રોપાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું. આપણા માટે આનંદની વાત છે કે, આપણે 17.05 કરોડ રોપા રોપી આખા દેશમાં બીજા નંબરે રહ્યા હતા.
સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, ‘એક પેડમાં કે નામ 2.o’ અંતર્ગત આ વર્ષે ગુજરાતને 10.35 કરોડ રોપાનું લક્ષ્યાંક મળ્યું છે, જેમાંથી 6. 05 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. સાથે 17 સપ્ટેમ્બર થી 02 ઓક્ટોબર સુધી સેવા પર્વ યોજવા જઈ રહ્યું છે, ત્યારે તેમાં વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવશે જેમાં આપણે સૌ સહયોગી બની ગુજરાતને લીલુંછમ બનાવીશું તેઓ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઉપરાંત 1600 જેટલા છોડ આજે વાવી,જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ઉછેર કરવામાં આવશે તેનો આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આપણે સૌ પણ આપણાથી બનતું યોગદાન વૃક્ષારોપણના ભગીરથ કાર્યમાં આપીએ અને વૃક્ષોનો ઉછેર કરવાનો નિશ્ચય કરીએ.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા નાયબન સંરક્ષક શ્રી રવિરાજસિંહ રાઠોડ દ્વારા સ્વાગત પ્રવચન કરતા ક્લાઈમેટ ચેન્જની વિશ્વ સામેની સૌથી મોટી સમસ્યાનું નિરાકરણ વૃક્ષારોપણ હોવાનું જણાવતા ઉપસ્થિત સૌ આ કાર્યમાં જોડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
જ્યારે મદદનીશ વન સંરક્ષક શ્રી આર.જી જોષી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઉપસ્થિત સર્વે મહાનુભાવો ને આ પ્રસંગે ચંદનના રોપા આપી ગ્રીન કવરેજમાં વધારો કરવાના આશય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
તથા કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવો દ્વારા બિલ્વપત્ર, બોરસલી, લીમડા, આસોપાલવ, ખાખરો, આંબો જેવા બેસી કુળના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત સાંસદશ્રી અમદાવાદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યશ્રી દહેગામ બલરાજસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ, આર આર યુનિવર્સિટી ના નાયબ કુલપતિ શ્રી કલ્પેશ વનરાજ, કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી વૈશાલીબેન, પ્રાંત શ્રી પાર્થ કોટડીયા સહિત મહાનુભાવો તથા વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
………………………….
*નેહા તલાવિયા*
[9/3, 5:25 PM] Neha Talaviya.Mahiti: *ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડમાં જ કરવા જિલ્લા તંત્રનો અનુરોધ*
……
*નાગરિકોને શ્રી વિઘ્નહર્તાની વિદાય ભક્તિ ભાવપૂર્ણ અને સુરક્ષા સાથે કરવા કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે.દવે સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્રનો વિનમ્ર અનુરોધ*
આગામી તા.૦૬/૦૯/ર૦રપના રોજ ગણેશ વિસર્જનના દિવસે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવનાર છે. જેને લઇ જિલ્લા વહીવટી તંત્ર, ગાંધીનગર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, આ દિવસે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડોમાં જ કરવામાં આવે. વહીવટી તંત્રને આ કામગીરીમાં સાથ અને સહકાર આપવા કલેક્ટરશ્રી ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા નમ્ર અપીલ પણ કરવામાં આવી છે.
આ સાથે ફરીથી વહીવટી તંત્ર દ્વારા નિર્મિત કુત્રિમ કુંડોની માહિતી પણ આપવામાં આવી છે, અને નાગરિકોને શ્રી વિઘ્નહર્તા ની વિદાય ભક્તિ ભાવપૂર્ણ અને સુરક્ષા સાથે કરવા કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે.દવે સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્રનો વિનમ્ર અનુરોધ પણ છે.
*જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર તથા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગોઠવવામાં આવેલ વ્યવસ્થા આ મુજબ છે.*
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જે કૃત્રિમ કુંડ બનાવવામાં આવેલ છે તેની વિગતો આ મુજબ છે,
૧.સુખડેશ્વર મહાદેવ -પેથાપુર,૨.સે.30 સાબરમતી નદી બ્રીજ પાસે,3.ધોળેશ્વર મહાદેવ,૪.સંત સરોવર, ઈન્દ્રોડા,૫.કોટેશ્વર મહાદેવ,૬.ભાટ ટોલ પ્લાઝા,૭.સિગ્નેચર બ્રીજ, પી.ડી.પી.યુ રોડ.
જ્યારે દહેગામ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે દહેગામ નગરપાલિકા વિસ્તારમાં જે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવેલ છે તે મુજબ
૧.પાલૈયા તળાવ, નીલકંઠ મહાદેવ મંદિર,૨.ઊટડિયા મહાદેવ (ઉત્કંઠેશ્વર મહાદેવ) તા. ખેડા
અને માણસા નગરપાલિકા દ્રારા ગણપતિજીની મુર્તિના વિસર્જન માટે
હેત્વા તળાવ ખાતે અને કલોલ નગરપાલિકા દ્રારા ગણપતિજીની મુર્તિના વિસર્જન માટે
ઈન્દિરા બ્રીજ સાબરમતી નજીકના GMC દ્વારા બનાવેલ કૃત્રિમ કુંડનો ઉપયોગ કરવા કલેક્ટરશ્રી ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
……
*નેહા તલાવિયા*
[9/3, 5:51 PM] Neha Talaviya.Mahiti: *સેક્ટર 2-સી,ગાંધીનગર ખાતે આવેલા ગણેશ પંડાલના ખાતે બાળકોની આંખોમાં શૂરવીરતા અને પરાક્રમી ભારતીય સૈન્ય પ્રત્યે ખૂબ જ માનની લાગણી પણ ભારોભાર જોવા મળી*
………………………
*’ઓપરેશન સિંદૂર’ની ભવ્ય સફળતા તથા સૈનિકોના શોર્યને વંદન કરતી થીમ રાખવામાં આવી જેના પ્રભાવે બાળકોથી માંડી વૃદ્ધો સુધી અહીં આરતી બાદ ગણપતિ બાપ્પા મોરિયાની સાથે ભારત માતાકી જય અને વંદે માતરમ ના નારા લગાવતા દેશભક્તિના રંગે રંગાઈ રહ્યા છે*
……………………..
*૧૮૯૪માં ઘરેઘરે થતી ગણેશ પૂજાને ટિળકે સાર્વજનીક ગણેશોત્સવમાં ફેરવી દેશને એક જૂથ કરવાના નિર્ધાર સાથે દસ દિવસનો ઉત્સવ બનાવ્યો હતો, અને આ વર્ષે ગણેશ પંડાલની થીમ થકી વર્ષો જૂનો લોકમાન્ય તિલકનો એ પ્રયાગ ફરી સફળ થતો જોવા મળી રહ્યો છે*
……………………..
પ્રભુ ભક્તિમાં જ્યારે દેશભક્તિ નો રંગ ઉમેરાય છે, ત્યારે તે એક અદભુત શક્તિમાં પરિવર્તિત થાય છે. અને આ શક્તિના સંપર્કમાં આવનાર સૌને દેશભક્તિના એ અદભુત રંગની અસર થયા વગર રહેતી નથી.
આવા જ દ્રશ્યો સેક્ટર 2-સી,ગાંધીનગર ખાતે આવેલા ગણેશ પંડાલના જોવા મળ્યા છે. વર્ષો વરસથી અહીં માટીની શ્રીજીની મૂર્તિનું વિધિવત સ્થાપન થાય છે. દર વર્ષે સમાજને ઉપયોગી સંદેશા સાથે અહીં સજાવટ પણ કરવામાં આવે છે, જેમાં ગત વર્ષે સ્વચ્છતા અભિયાન અંતર્ગત પંડાલની થીમ ઉપરાંત કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા. જ્યારે આ વર્ષે છે. જેના કારણે બાળકોથી માંડી વૃદ્ધો સુધી અહીં આરતી બાદ ગણપતિ બાપ્પા મોરિયાની સાથે ભારત માતાકી જય અને વંદે માતરમ ના નારા લગાવતા દેશભક્તિના રંગે રંગાઈ રહ્યા છે. નાના બાળકોમાં પણ દેશ પ્રેમ અને દેશભાવના જાગૃત થઈ રહી છે સાથે સાથે આ બાળકો ની આંખોમાં શૂરવીરતા અને પરાક્રમી ભારતીય સૈન્ય પ્રત્યે ખૂબ જ માન ની લાગણી પણ ભારોભાર જોવા મળી છે.
ક્યારેક એવો પ્રશ્ન થાય કે, શું એક સજાવટ લોકો પર આવી ઊંડી છાપ છોડી શકે? તો જવાબ છે,હા કારણ કે ગણેશચતુર્થી માત્ર એક જ દિવસનું પર્વ છે, પરંતુ ૧૮૯૪માં ઘરેઘરે થતી ગણેશ પૂજાને ટિળકે સાર્વજનીક ગણેશોત્સવમાં ફેરવી દેશને એક જૂથ કરવાના નિર્ધાર સાથે દસ દિવસનો ઉત્સવ બનાવ્યો હતો. જેના કારણે લોકોની ધાર્મિક ભાવના સાથે દેશ પ્રત્યેની ભાવના પણ જોડી શકાય. અને આ વર્ષે ગણેશ પંડાલની થીમ થકી વર્ષો જૂનો લોકમાન્ય તિલકનો એ પ્રયાગ ફરી સફળ થતો જોવા મળી રહ્યો છે.
સેક્ટર 2 સીના ગણેશ પંડાલ આયોજન કર્તા જણાવે છે કે, આ ઉત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ ન બની રહેતા સમાજોઉત્સવ બને, ધર્મની સાથે સાથે સમાજના હીત કાર્યો, દેશહિતના કાર્યો પણ થાય તે જરૂરી છે. માટે જ અહીં દર વર્ષે સમાજ ઉપયોગી થીમ પ્રમાણે માત્ર પંડાલ જ નથી તૈયાર કરવામાં આવતો પરંતુ કાર્યક્રમ પણ એ જ રીતે કરવામાં આવે છે.
………………………..
*નેહા તલાવિયા*
[9/3, 6:48 PM] Neha Talaviya.Mahiti: *આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દ્વારા યોજાયેલ ભાદરવી પૂનમના પદયાત્રી કેમ્પનો ૧૩૦૦૦ થી વધુ ભાવિક ભક્તોએ લાભ લીધો* આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, ગાંધીનગર દ્વારા માનનીય પ્રમુખશ્રી જિલ્લા પંચાયત અને માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીની મંજૂરી અને માર્ગદર્શન થી જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી ભાદરવી પૂનમ ના પદયાત્રીઓ માટે આયુષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
જેની તારીખ અને સ્થળ ની વિગત નીચે મુજબ છે:
૧) ગિયોડ અંબાજી માતાજી મંદિર, તા. ૨૯/૮ થી ૧/૯
૨) મહાકાળી માતાજી મંદિર, ક -૭ સર્કલ, તા. ૩૦/૮ થી ૧/૯..
૩) ધેધુ ચોકડી, તા. ૩૦/૮ થી ૨/૯ સુધી આ કેમ્પ યોજાયેલ હતો.
જે પૈકી ગિયોડ મન્દિર ખાતે ના સેવા કેમ્પ નો શુભારંભ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ
જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી કવિતાબેન ઠાકોર
જિલ્લા પંચાયત સદસ્ય શ્રી શનાભાઈ પટેલ
તાલુકા પંચાયત પ્રમુખશ્રી મહોબતજી ઠાકોર
તાલુકા સદસ્ય શ્રીમતી દક્ષાબેન પટેલ.
જિલ્લા પંચાયત ભૂતપૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ
ચિલોડા સરપંચ શ્રીમતી શ્વેતલબેન
સામાજિક અગ્રણી શ્રી દશરથજી કાકોર તથા જૈમિનભાઈ પટેલ ના હાથે દીપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ હતો.
ધેધુ ચોકડી ખાતે જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ,
માનનીય ધારાસભ્યશ્રી માણસા શ્રી જે. એસ. પટેલ,
તાલુકા પંચાયત માણસા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રીમતી જાગૃતિબેન પરમાર,
સામાજિક અગ્રણી દિલીપભાઈ પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ આયુષ સેવા કેમ્પમાં તમામ તકલીફો જેવી કે પેટની તકલીફો, તાવ, શરદી, ખાંસી, પગના દુઃખાવા, પગમાં ફોલ્લા પડવા વગેરે માટે આયુર્વેદ અને હોમીયોપેથી સારવાર આપવામાં આવશે તથા પગના દુઃખાવા માટે આયુર્વેદ ઔષધ યુક્ત તેલની માલિશ અને શેક ની સેવા પણ આપવામાં આવેલ હતી. આ કેમ્પનો કુલ ૧૩૨૭૬ લોકોએ લાભ લીધેલ હતો. જેમાં ૪૦૭૭ દર્દીઓને આયુર્વેદ સારવાર, ૧૪૮૦ દર્દીઓને હોમીયોપેથી સારવાર, ૨૩૨૨ દર્દીઓને માલિશ અને શેક, ૨૯૮૯ દર્દીઓને રોગ પ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાવિતરણ, ૨૪૦૮ લોકોને સંશમની વટી નું વિતરણ કરવામાં આવ્યું હતું.
વૈદ્ય ભાવના પટેલ
જિલ્લા આયુર્વેદ અધિકારી
ગાંધીનગર
†***************************
આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો અને ફોટાઓ અમોને અમારા વ્હોટ્સ અપ નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા પ્રસિદ્ધ તથા સમાચાર ફોટા અને વિડીયો માત્ર ચંચ જાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરી શકે છે
