

[7/19, 11:24 AM] Dilip Gajjar.Mahiti.Press: *આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ -૨૦૨૫*
*****
*ચેસની રમતમાં ગુજરાતે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય કક્ષાએ ૧૭ જેટલા સુવર્ણ,રજત અને કાસ્ય પદક હાંસલ કર્યા*
******
• *ગુજરાતમાં ચેસની રમતમાં બે ગ્રાન્ડ માસ્ટર,ત્રણ ઇન્ટરનેશનલ માસ્ટર, બે મહિલા ઇન્ટરનેશનલ માસ્ટર,ચાર ફિડે માસ્ટર અને એક મહિલા ઇન્ટરનેશનલ માસ્ટર*
******
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ખેલ મહાકુંભ’ના માધ્યમથી ગુજરાતના છેવાડાના યુવાનોને રમત-ગમત સાથે જોડ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે ગુજરાતીઓએ ચેસમાં ‘ગ્રાન્ડ માસ્ટર’ની સિદ્ધિ હાંસલ કરી હતી. જેમાં ભારતના ૧૧મા, ગુજરાતના પ્રથમ ‘ગ્રાન્ડ માસ્ટર’ શ્રી તેજસ બાકરે તથા ભારતના ૩૬મા તેમજ ગુજરાતના દ્વિતિય ગ્રાન્ડમાસ્ટર અંકિત રાજપરાનો સમાવેશ થાય છે.
આજે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં આજે શાળા કક્ષાએથી જ ચેસ સહિતની અન્ય રમતો માટે ખેલાડીઓમાં જાગૃતિ આવી રહી છે. ચેસની રમત બાળકોમાં ધીરજ, સ્થિતિ સ્થાપકતા અને ખેલદિલી જેવા મૂલ્યવાન જીવન કૌશલ્યો અને મૂલ્યો શીખવે છે. ગુજરાતમાં ચેસની રમત માટે એવી જાગૃતિ આવી છે કે, ખેલ મહાકુંભ ૩.૦ માં ચેસની રમતમાં ૯૨ હજારથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. આ ઉપરાંત હાલમાં જ રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળકોને રમત –ગમત ક્ષેત્રે રસ વધે તે માટે ‘સ્પોર્ટ્સ કીટ’ આપવાનો પણ મહત્વનો નિર્ણય કર્યો છે,જેમાં ચેસનો પણ સમાવેશ થાય છે.
ચેસની રમતમાં ગુજરાતમાં અત્યારસુધીમાં બે ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરે અને અંકિત રાજપરા થઇ ચૂક્યા છે. ઇન્ટરનેશનલ માસ્ટર (IM) ફેનિલ શાહ, માનુષ શાહ, તથા મોક્ષ દોશી છે. મહિલા ઇન્ટરનેશનલ માસ્ટર (WIM) ધ્યાની દવે અને વિશ્વા વાસણવાલા, ફિડે માસ્ટર કુશલ જાની, જીત જૈન, જ્વલ પટેલ અને વિવાન શાહ છે. જેમાંથી વિવાન શાહે એક ઇન્ટરનેશનલ માસ્ટરની ખ્યાતિ મેળવી ઇન્ટરનેશનલ માસ્ટર બનવાનું પ્રથમ સોપાન હાંસલ કર્યું છે. મહિલા ફિડે માસ્ટર ધ્યાના પટેલ (WFM) છે.
આ ઉપરાંત દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડી દર્પણ ઈનાની-૨૦૨૩ પેરા એશિયન ગેમ્સમાં વ્યક્તિગત રમતમાં તથા ટીમમાં સુવર્ણપદક હાંસલ કર્યું હતું તેમજ દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડી હેમાંશી રાઠીએ પેરા એશિયન ગેમ્સમાં-૨૦૨૨માં કાંસ્ય પદક મેળવ્યો હતો. વર્લ્ડ ગર્લ્સ સ્કૂલ અંડર-૭ શાળાકીય સ્પર્ધામાં લક્ષ્મી પ્રજ્ઞિકા વાકાએ સુવર્ણ પદક, હાન્યા શાહે વેસ્ટર્ન એશિયન યુથ ચેમ્પિયનશીપ શ્રીલંકામાં સુવર્ણ, રજત તથા કાંસ્ય પદક, અસુદાની રુહાનીરાજ ૧૧ મી એશિયન અમેચ્યોર ચેમ્પિયનશીપ ૨૦૨૪-૨૫માં રજત તથા કાંસ્ય પદક, આશીતા જૈન રાષ્ટ્રીય સબજુનિયર સ્પર્ધા -૨૦૨૪માં રજત પદક, યતિ અગ્રવાલે એશિયન સ્કૂલ ચેમ્પિયનશીપ -૨૦૨૪ ટીમમાં રજત પદક તેમજ જ્વલ પટેલે કોમનવેલ્થ સ્પર્ધા-૨૦૨૪માં સુવર્ણ પદક મેળવી ગુજરાતનું નામ દેશ અને વિશ્વ કક્ષાએ ઉજ્જવળ કર્યું હતું.
આ ઉપરાંત રાષ્ટ્રીય શાળાકીય રમતોત્સવમાં (SGFI)માં ૨૦૨૪-૨૫માં ૧૪ વર્ષથી ઓછી આયુ અવધિ વાળી ટીમ સ્પર્ધામાં ભાઈઓની ટીમે કાંસ્ય પદક તથા બહેનોની ટીમે રજત પદક પ્રાપ્ત કર્યો હતો. વ્યક્તિગત શ્રેણીમાં અદીત્રી શોમે સુવર્ણ પદક, અર્પિતા પાટણકરે કાંસ્ય પદક, દીના પટેલે રજત પદક તથા જ્વલ પટેલે સુવર્ણ પદક અને મીકદાદે કાંસ્ય પદક મેળવ્યો હતો. વર્ષ- ૨૦૨૩માં સિનીયર સામૂહિક રાષ્ટ્રીય ચેસ સ્પર્ધામાં ગુજરાતની ટીમ દ્વારા કાંસ્ય પદક પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ- ૨૦૨૫ દર વર્ષે તા. ૨૦ જૂલાઈના રોજ ઉજવવામાં આવે છે. ૨૦ જૂલાઈ, ૧૯૨૪ના રોજ પેરિસ, ફ્રાંસમાં આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE)ની સ્થાપનાને ચિહ્નિત કરે છે. આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE)ની સ્થાપના આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધાઓનું આયોજન, દેખરેખ તેમજ વૈશ્વિક સ્તરે ચેસની રમતને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. આ વર્ષે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ- ૨૦૨૫ ‘Every Move Counts’ની થીમ પર ઉજવવામાં આવશે.
– પ્રિન્સ ચાવલા
*****************
[7/19, 12:54 PM] Dilip Gajjar.Mahiti.Press: *કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનના અનેક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી*
*******************************
• ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૧.૩૭ ટકા નોંધાયો
• કોઈપણ કટોકટીને પહોંચી વળવા NDRFની ૧૨ અને SDRFની ૨૦ ટુકડીઓ વિવિધ જિલ્લામાં તૈનાત
• રાજ્યના માછીમારોને તા. ૨૨ જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ
• ચોમાસા દરમિયાન GSRTCની એક પણ બસનો રૂટ કે ટ્રીપ બંધ કરાઈ નથી
****************************
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લા ઉપરાંત કચ્છ જિલ્લાના મોટાભાગના સ્થળોએ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના અમૂક સ્થળો ખાતે આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૧.૩૭ ટકા નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દ્રષ્ટીએ અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૫૮.૪૬ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઝોનમાં ૫૫.૨૯ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૪૯.૫૦ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૯.૩૮ ટકા જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં ૪૯ ટકા વરસાદ નોંધાયો છે.
ચોમાસાની કોઇપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની ૧૨ ટુકડીઓ અને SDRFની ૨૦ ટુકડીઓ વિવિધ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે NDRFની ૩ ટુકડીઓને રીઝર્વ રાખવામાં આવી છે. ચોમાસા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ધરાવતા સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ ૪,૨૭૮ નાગરિકોનું સ્થળાંતર અને ૬૮૯ નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યના માછીમારોને પણ આગામી તા. ૨૨ જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
આ ચોમાસાની સીઝન દરમિયાન ભારે પવન સાથે વરસેલા વરસાદમાં રાજ્યના કુલ ૧૪,૪૯૦ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ, પ્રભાવિત થયેલા વિવિધ ફીડર, વીજપોલ અને ટ્રાન્સફોર્મર સેન્ટરને પણ તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવામાં આવ્યા છે.
અત્રે સરાહનીય છે કે, ચોમાસાની સીઝન દરમિયાન ભારે વરસાદ વચ્ચે પણ રાજ્યમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમની એક પણ એસ.ટી.બસનો રૂટ કે ટ્રીપ બંધ કરવામાં આવી નથી. GSRTC દ્વારા નિર્ધારિત રાજ્યના કુલ ૧૪,૫૯૮ એસ.ટી. રૂટ પરની ૪૦,૨૬૪ ટ્રીપમાંથી વરસાદના કારણે એક પણ રૂટ કે ટ્રીપ બંધ કરવામાં આવી નથી. GSRTCની બસો દ્વારા નાગરિકોને વરસાદ વચ્ચે પણ સુરક્ષિત પોતાના ગંતવ્ય સ્થાનો સુધી પહોંચાડવામાં આવ્યા છે.
**************************
નિતિન રથવી
[7/19, 1:26 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના ખેડૂત જોગ:*
*કપાસના પાકમાં ચૂસિયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી બાદ આટલું જરૂર કરો…!!!!*
*************************
કપાસના પાકમાં જીવાતોના નિયંત્રણ માટે લેવાના પગલા સૂચવતી ખેતી નિયામક કચેરીની માર્ગદર્શિકા જાહેર
******************************
ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ બાદ મોટાભાગના ખેડૂતોએ હોંશભેર ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ ઉગી નીકળેલા પાકોને રોગ-જીવાતથી સુરક્ષિત રાખવા ખેડૂતો દ્વારા પાક માવજત માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર પણ રોગ-જીવાતથી પાકને થતા નુકશાનને અટકાવવા હરહંમેશ ખેડૂતોની પડખે રહી છે. એ જ અનુક્રમને જાળવી રાખતા ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા કપાસની વાવણી બાદ ચૂસીયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટેના મહત્વપૂર્ણ પગલાઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
*કપાસમાં વાવણી બાદ થતી ચૂસીયા જીવાતોના વ્યવસ્થાપન માટે આટલું જરૂર કરો:*
• શેઢાપાળા ઉપર નિંદામણો ખાસ કરીને ગાડર, કાંકસી, જંગલી ભીંડા, કોંગ્રેસ ઘાસ અને જંગલી જાસૂદ જેવા છોડ-ઘાસને નિંદામણ કરીને તેનો નાશ કરવો.
• મોલોમશી તથા તડતડીયાનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાયસોપા)ની ૨ થી ૩ દિવસની ઇયળો હેકટરે ૧૦,૦૦૦ની સંખ્યામાં ૧૫ દિવસના ગાળે બે વખત છોડવી.
• લીમડાનાં મીંજનું પ ટકા દ્રાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનરાસાયણિક તત્વ ધરાવતી ૧૫૦૦, ૩૦૦૦ કે ૧૦,૦૦૦ પીપીએમ અનુક્રમે ૫ લીટર, ૨.૫ લીટર અને ૭૫૦ મી.લી પ્રતિ હેકટરે ઉપયોગ કરવી.
• મોલો મશી, સફેદ માખીની મોજણી અને નિયંત્રણ માટે પીળા ચીકણાં પિંજરનો ઉપયોગ કરવો.
• રાતા ચૂસિયાં અને રૂપલાંના નિયંત્રણ માટે કેરોસીનવાળા પાણીમાં અર્ધ ખુલેલા કે આખા ખુલેલા જીંડવાઓ ખંખેરી રૂપલાં ભેગા કરી નાશ કરવો અથવા છોડ હલાવી અને બે છેડેથી દોરડું પકડી હારમાં ઝડપથી ચાલવાથી આ રૂપલાઓને નીચે પાડી નાશ કરવો.
• પ્રાકૃતિક કૃષિમાં ચૂસિયા જીવાતોના નિયંત્રણ માટે ૨૦૦ લિટર નિમાસ્ત્ર (પાણી ભેળવ્યા વિના) એક એકર મુજબ છાંટવું. બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક જેવી બિનરસાયણિક જંતુનાશકો ૬ થી ૮ લીટર માત્રામાં ૨૦૦ લિટર પાણીમાં ભેળવી એક એકર મુજબ છંટકાવ કરવો.
• ચૂસિયા જીવાતોના જૈવિક નિયંત્રણ માટે સુક્ષ્મ જૈવિક નિયંત્રકો જેવા કે, વર્ટીસીલીયમ લેકાની અથવા બુવેરીયા બાસીયાના ૫૦ ગ્રામને ૧૦ લીટર પાણીમાં પાકની શરૂઆતની અવસ્થાએ વાતાવરણમાં ભેજ હોય ત્યારે છંટકાવ કરવો.
• સફેદમાખીના ઉપદ્ગવની શરૂઆત જણાયેથી તેના નિયંત્રણ માટે એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ ૫૦ મીલીને ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• ટી મોસ્કીટો બગથી થયેલ નુક્શાનનો ભાગ તોડીને નાશ કરવો તથા ખેતરની અંદર છાંયડો ન પડે તેની કાળજી રાખવી. જીવાતની શરૂઆત જણાય તે વખતે એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ ૫૦ મીલી અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામને ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• કપાસના પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.
• જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા.
***********************
[7/19, 3:14 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRITની નવનિર્મિત કચેરીનું ઉદઘાટન-વેબસાઈટ તથા ડિજિટલ ડેશબોર્ડના લોન્ચિંગ કર્યા*
—————–
: મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને વરિષ્ઠ સચિવોની પ્રેરક ઉપસ્થિતિ : :*
————–
*રાજ્યની વિકાસ વ્યૂહરચનાઓના નેતૃત્વ માટેની થીંક ટેન્ક તરીકે ‘‘ગ્રીટ’’ની કાર્યપદ્ધતિથી વિકસિત ભારત@2047 માટે ગુજરાત લીડ લેશે:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
—
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવામાં ‘ગ્રીટ’ GRITની કાર્યપદ્ધતિ અને સફળતાપૂર્ણ વ્યૂહરચનાઓના પરિણામે ગુજરાત લીડ લેવા સજ્જ છે.
રાજ્યની વિકાસ વ્યૂહરચનાઓના નેતૃત્વ માટે થીંક ટેન્ક તરીકે કાર્ય કરવાના હેતુસર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRITની રચના કરવામાં આવેલી છે.
મુખ્યમંત્રીશ્રીએ ‘ગ્રીટ’ની નવનિર્મિત કચેરીનું ગાંધીનગરમાં ઉદઘાટન કર્યું હતું. તેમણે મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીની ઉપસ્થિતિમાં ‘ગ્રીટ’ની વેબસાઈટ તેમજ ડિજિટલ ડેશબોર્ડના લોન્ચિંગ અને ‘ગ્રીટ’ દ્વારા ઊંડાણપૂર્વક તૈયાર કરાયેલા પોલીસી પેપર્સ, વર્કશોપ અહેવાલો અને સેક્ટર સ્પેસિફિક ડીપ ડાઇવ સ્ટડી રિપોર્ટ્સના અનાવરણ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત જે સેક્ટર્સમાં આગળ છે તેને વધુ ગતિએ અગ્રેસર બનાવવામાં તેમજ અન્ય જરૂરિયાતવાળા સેક્ટરમાં વધુ આગળ વધવા માટેના આયોજનબદ્ધ સુઝાવો માટે ‘ગ્રીટ’ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે તેમ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના આપેલા સંકલ્પમાં વિકસિત ગુજરાતથી છેવાડાના માનવીને પણ વિકાસની મુખ્ય ધારામાં સાંકળી લેવાની આપણી પ્રતિબદ્ધતામાં ‘ગ્રીટ’ જેવા ઇન્સ્ટિટ્યૂટના સૂચનો-ભલામણો માર્ગદર્શક બનશે તેમ પણ તેમણે ‘ગ્રીટ’ની યુવા કર્મયોગીઓની ટીમને પ્રોત્સાહિત કરતાં ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ લોન્ચ કરાવેલી વેબસાઈટ પર ‘ગ્રીટ’નું વિઝન અને મિશન, ગવર્નિંગ બોડી અને ‘ગ્રીટ’ના કાર્યોની વિગતો, નીતિવિષયક પેપર, સંશોધન અહેવાલ, ઇકોનોમિક માસ્ટર પ્લાન્ટ અન્વયેના પ્રોજેક્ટ્સની વિગતો વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
‘ગ્રીટ’નું ડિજિટલ ડેશબોર્ડ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની નિયમિત સમીક્ષા માટે કાર્યરત કરવામાં આવ્યું છે.
GRIT દ્વારા તૈયાર કરાયેલા મહત્વપૂર્ણ દસ્તાવેજોનું પણ જે અનાવરણ મુખ્યમંત્રીશ્રીએ કર્યુ તેમાં બ્લુ સ્કાય પોલિસી અને ઇ-વેસ્ટ મેનેજમેન્ટ પોલિસી પર નીતિ નોંધો, પાકની લણણી પછીના નુકસાન, ફાર્મા સેક્ટર ગ્રીન મેન્યુફેક્ચરિંગમાં વર્તમાન પરિસ્થિતિ અને તકો, પ્રથમ ૧૦૦૦ દિવસોમાં પોષણ, મૂલ્યાંકન ક્ષમતાને મજબૂત બનાવવી જેવા વિષયો પરના વર્કશોપ અહેવાલનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ GRIT દ્વારા ગુજરાતમાં મેડિકલ વેલ્યુ ટુરિઝમ (MVT) વધારવા, રાજ્યની ફિનટેક ઇકો સિસ્ટમને મજબૂત બનાવવા અને નિકાસ કામગીરીમાં સુધારો કરવા અને રાજ્યના અર્થતંત્રમાં સેવા ક્ષેત્રના ઝડપી વિકાસ માટે સંસ્થાકીય પદ્ધતિઓ બનાવવા જેવા વિષયો પર હાથ ધરવામાં આવેલા ડીપ ડાઇવ સ્ટડીઝ પરના અહેવાલોનું પણ અનાવરણ કર્યું હતું.
GRITના મુખ્ય કારોબારી અધિકરીશ્રી એસ. અપર્ણા IAS (નિવૃત્ત) એ તમામ ઉપસ્થિતોનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં કહ્યું કે, GRIT રાજ્ય સરકાર માટે વ્યૂહાત્મક દૂરંદેશી, ડેટા-આધારિત ભલામણો અને અહેવાલો વિકાસ માટે એકીકૃત અભિગમ સાથે કાર્ય પ્રદાન કરશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આવી ભવિષ્યલક્ષી પહેલો ગુજરાતના લાંબા ગાળાના વિકાસ લક્ષ્યો તરફ સતત પ્રગતિને પ્રતિબિંબિત કરવા સાથે વિકસિત ભારતના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણમાં અર્થપૂર્ણ યોગદાન આપશે તેવા વિશ્વાસ સાથે ‘ગ્રીટ’ની નવનિર્મિત કચેરીની કામગીરી તથા ડિજિટલ ડેશબોર્ડ પર ડેટા નિરીક્ષણ પણ કર્યું હતું.
આયોજન પ્રભાગના સચિવ આગ્રવાલે સૌ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સચિવશ્રીઓ તેમજ નોલેજ પાર્ટનર્સ અને રિસચર્સ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
—-
[7/19, 3:14 PM] Dilip Gajjar.Mahiti.Press: https://photos.app.goo.gl/nAdbK2D6XUNuJXDD8
[7/19, 3:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *શહેરી વિકાસના 20 વર્ષ : મુખ્યમંત્રીનો ‘ઈઝ ઑફ લિવિંગ’ માટે સતત પ્રયાસ*
***
*નાના શહેરો માટે ‘મોટી સરકાર’ બની ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’, નાગરિકોને રૂ. 4 હજાર કરોડના ખર્ચે મળી પાયાની સુવિધાઓ*
***
• *જીયુડીસી અંતર્ગત નાના શહેરોમાં છેલ્લા 10 વર્ષમાં પાણી-ગટર સાથે સંકળાયેલા સેંકડો કામો હાથ ધરાયા*
• *અંદાજે 100થી વધુ શહેરોમાં માળખાકીય સુવિધાઓ મળતા નાગરિકોનું જીવન બન્યું સરળ*
• *હાલમાં 54 શહેરોમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજનાના કાર્યો પ્રગતિ હેઠળ*
***
*ગાંધીનગર, 19 જુલાઈ:* ગુજરાત 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન 2005ને પહેલી વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યો હતો. ત્યારથી શરૂ થયેલી રાજ્યની શહેરી વિકાસ યાત્રાને આજે 20 વર્ષ પૂરા થઈ ચુક્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાવેલી શહેરી વિકાસ યાત્રાને વઘુ વેગથી આગળ ધપાવવા સંકલ્પબદ્ધ છે અને એટલે જ તેમણે 20 વર્ષ બાદ 2025ને પુનઃ એક વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં; મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ‘‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’’ (એસજેએમએસવીવાય) હેઠળ રાજ્યના નાના-મોટા તમામ શહેરોના નાગરિકો માટે ‘ઇઝ ઑફ લિવિંગ’ના સતત પ્રયત્ન કરી રહ્યા છે.
ગુજરાત જ્યારે વર્ષ 2010માં પોતાની સ્થાપનાની સુવર્ણ જયંતી ઉજવી રહ્યુ હતું, ત્યારે તે વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2009-10માં ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ લાગુ કરી હતી અને આ યોજના વડે રાજ્યના મોટા નહીં, પણ નાના શહેરોના વિકાસને પણ મોટો વેગ આપવાનો પ્રયત્ન કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ શહેરી નાગરિકોનાં ઈઝ ઑફ લિવિંગમાં વધારો કરવા સતત અને ખુલ્લા મને નાણા ફાળવતા આવ્યા છે. એટલું જ નહીં; મુખ્યમંત્રી શહેરી વિકાસ માટેની નાણાકીય ફાળવણીમાં નાના શહેરો પર ખાસ ધ્યાન આપે છે. આ જ કારણ છે કે આજે રાજ્યના મોટા-મોટા શહેરોની જેમ નાના શહેરોમાં પણ વિકાસનો ધમધમામટ છે.
રાજ્ય સરકારે ‘‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’’ વડે ખાસ તો નાના શહેરોમાં પાયાના સ્તરની જન સુવિધાઓ ઊભી કરવા માટે ખાસ પ્રયત્ન કર્યા છે. તેના પગલે આજે ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ રાજ્યના નાના શહેરો માટે ‘મોટી સરકાર’ બની ગઈ છે. આ યોજના હેઠળ રાજ્ય સરકારે વર્ષ 2014-15થી 2024-25 એટલે કે છેલ્લા 10 વર્ષમાં રૂ. 3924.97 એટલે કે અંદાજે રૂ. 4 હજાર કરોડના ખર્ચે જળ વ્યવસ્થાપન તથા ભૂગર્ભ ગટર યોજના જેવી પાયાની સુવિધાઓના કાર્યો શરૂ કર્યા હતા. તેમાંથી રૂ. 2526.98 કરોડના કાર્યો પૂર્ણ થતાં અનેક નાના શહેરોના નાગરિકો માટે પાણી-ગટર જેવી પાયાની સુવિધાઓ સુલભ બની છે અને તેમના ઈઝ ઑફ લિવિંગમાં વધારો થયો છે. હાલમાં પણ રાજ્યના 54 શહેરોમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજનાના રૂ. 1398.19 કરોડના કામો પ્રગતિ હેઠળ છે.
નોંધનીય છે કે ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ના અમલીકરણ માટે અલગ-અલગ નોડલ એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી છે અને તેમાંની એક નોડલ એજન્સી છે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (જીયુડીસી) કે જેને નાના શહેરોની કામગીરી સોંપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ જીયુડીસી દ્વારા આ યોજના હેઠળ મુખ્યત્વે રાજ્યના નાના શહેરોમાં છેલ્લા 10 વર્ષોમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી), પાણી પુરવઠા યોજના તથા ભૂગર્ભ ગટર યોજનાના વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાયા છે.
*જળ વ્યવસ્થાપનના કાર્યોએ નાના શહેરોને નાની-નાની મુશ્કેલીઓથી મુક્ત કર્યા*
‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ છેલ્લા 10 વર્ષમાં કરાયેલા જળ વ્યવસ્થાપના કાર્યોએ નાના શહેરોને ગંદા પાણીના નિકાલ અંગેની નાની-નાની મુશ્કેલીઓમાંથી મુક્ત કર્યા છે. તેમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મહત્વની કામીગીરી છે. જીયુડીસી દ્વારા રુ. 283.80 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કુલ 16 પ્રોજેક્ટો પર કામગીરી શરુ કરવામાં આવી હતી. તે અંતર્ગત મહેસાણા તેમજ વડનગર જેવા શહેરોમાં કુલ રૂ. 58.74 કરોડના ખર્ચે આ બે પ્રોજેક્ટોની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે 14 પ્રોજેક્ટ હેઠળ રૂ. 225.06 કરોડના ખર્ચે ગઢડા, કઠલાલ, પાટડી, ઉપલેટા, સાવરકુંડલા, બાયડ, સિદ્ધપુર, સોજિત્રા, વલ્લભ વિધાનગર, વંથલી, મોડાસા, વિરમગામ, ઠાસરા, તરસાડી ખાતે કામગીરી પ્રગતિ હેઠળ છે.
*પાણી પુરવઠા યોજનાઓએ વધાર્યું ઇઝ ઑફ લિવિંગ*
જીયુડીસીએ છેલ્લા 10 વર્ષમાં રાજ્યના 8 શહેરોમાં રૂ. 216.8 કરોડના ખર્ચે પાણી પુરવઠાના 10 પ્રોજેક્ટો હાથ ધર્યા હતાં. તેમાં વિજલપોર, તરસાડી, દાહોદ ફેજ-2, વેરાવળ-પાટણ, પાટણ, તરસાડી ભાગ-2, કનકપુર કનસાડ, સુરેન્દ્રનગર, તરસાડી ભાગ-3 તથા કલોલ (ઈમરજન્સી વોર્ડ નં. 6)નો સમાવેશ થાય છે. આ 10 કામો પૈકી 9 પ્રોજેક્ટ હેઠળ કુલ રુ. 212.95 કરોડના કામો પૂર્ણ થયા છે. આ ઉપરાંત; રૂ. 3.85 કરોડના ખર્ચે તરસાડી ભાગ-3ના પ્રોજેક્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ યોજનાઓથી હજારો શહેરીજનોને નિયમિત પાણી પુરવઠો મળતો થયો છે અને તેમના ઈઝ ઑફ લિવિંગમાં વધારો થયો છે.
*ભૂગર્ભ ગટર યોજનાઓએ સ્વચ્છતા તથા આરોગ્ય સુવિધાઓ વધારી*
જીયુડીસીએ ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ ભૂગર્ભ ગટર યોજનાના હેઠળ રૂ. 2255.29 કરોડના કાર્યો પૂર્ણ કર્યા છે. આ કાર્યો થતાં આ શહેરોના નાગરિકોની સ્વચ્છતા તથા આરોગ્ય સુવિધાઓમાં વધારો થયો છે. જીયુડીસીએ જે શહેરોમાં ભૂગર્ભગટર યોજનાઓના કાર્યો પૂર્ણ કરાય છે; તેમાં ધોળકા, વિરમગામ, બગસરા, અમરેલી, પેટલાદ, ખંભાત, આણંદ, બોરસદ, ડીસા, પાલનપુર, અંક્લેશ્વર, ભરૂચ, પાલીતાણા, મહુવા, છોટા ઉદેપુર, દેવગઢબારિયા, દાહોદ, ઝાલોદ, કલોલ, વેરાવળ-પાટણ, નડિયાદ, અંજાર, ભચાઉ, સંતરામપુર, ઉંઝા, કડી, મહેસાણા, વિસનગર, વડનગર, રાજપીપળા, નવસારી, વિજલપોર, બિલિમોરા, ગણદેવી, ગોધરા, શહેરા, કાલોલ, સિદ્ધપુર, પાટણ, હિંમતનગર, ખેડબ્રહ્મા, તરસાડી, બારડોલી, કનકપુર-કનસાડ, માંડવી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, વઢવાણ, સોનગઢ, વ્યારા, ડભોઈ, વલસાડ, વાપી, ધરમપુર, ઉમરગામ, પારડી, ધોળકા, રાજપીપળા અને ગાંધીધામ ભૂગર્ભ ગટર યોજનાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત; કુલ 49 અન્ય શહેરો માટે રૂ. 1100.83 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાના વિવિધ કાર્યો પ્રગતિ હેઠળ છે. તેમાં કઠલાલ, મોડાસા, ધરમપુર, પારડી, બાવળા, મોરબી, મુંદ્રા-બરોઈ, ઉમરેઠ, ધોળકા, વંથલી, જંબુસર, ઉપલેટા, કરજણ, પાલીતાણા, ઉના, ગોધરા, વિસનગર, વીજાપુર, અંજાર, ધ્રાંગધ્રા, વ્યારા, રાધનપુર, તલાલા, ઠાસરા, ચાણસ્મા, થરાદ, ધોરાજી, વેરાવળ, ગારિયાધાર, વલ્લ્ભીપુર, બાયડ, રાજુલા, જાફરાબાદ, વાપી, કોડીનાર, બોરસદ, હાલોલ, હારિજ, ઇડર, ઉંઝા, અંક્લેશ્વર, સાવરકુંડલા, તરસાડી, વડાલી, શિહોર, આમોદ, માંડવી (કચ્છ), બાલાસિનોર અને વિરમગામ ખાતે ભૂગર્ભ ગટર યોજનાઓના કાર્યો પ્રગતિ હેઠળ છે, તો વાપી અને વિરમગામમાં રૂ. 68.25 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ (સ્ટ્રોમ વોટર ડ્રેનેજ)ના કામો પ્રગતિ હેઠળ છે.
*X-X-X*
[7/19, 4:44 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી*
****
*અમ્યુકો દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો*
****
*સ્વચ્છતા સર્વેક્ષણ વર્ષ ૨૦૨૪-૨૫માં અમદાવાદને દેશનું નંબર-૧ સ્વચ્છ શહેર જાહેર કરાતાં સ્વચ્છતામાં પાયાનું યોગદાન આપનારા સફાઈ પ્રહરીઓનું સન્માન કરાયું*
****
*-:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-*
– વર્ષ ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી થકી શ્રી નરેન્દ્રભાઈએ અસરકારક શહેરી વ્યવસ્થાપનની શરૂઆત કરાવી
– આપણાં નગરોને ગ્રોથ હબની સાથે સાથે ગ્રીન હબ પણ બનાવીએ
****
*સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક ખાતે રિવરફ્રન્ટ મૂન ટ્રેલ તથા ઈલેક્ટ્રિક બસો માટે સૌર ઊર્જાથી ચાલતા ઓન-રૂટ ચાર્જિંગ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરાયું*
****
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાગોર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
દેશમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અમદાવાદ મહાનગરપાલિકા અને સૌ નગરજનોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોની કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવું, એ ગૌરવપૂર્ણ બાબત છે.
સૌને સાથે લઈને ચાલનારું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા જેવી બાબતને કેવું મોટું જનઆંદોલન બનાવી શકે છે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે, એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે દેશમાં આજે બાળકોથી લઈને વૃદ્ધો સહિત સૌ કોઈ સ્વચ્છતા માટે સજાગ બન્યા છે. સ્વચ્છતા આજે સહજ સ્વભાવ બની ગઈ છે. નાનાં ગામડાંથી લઈને મહાનગર સુધી હવે ‘સ્વચ્છતા જ પ્રભુતા’નો મંત્ર ગૂંજે છે.
શહેરોમાં વધતી જતી વસ્તી અને શહેરીકરણના વ્યાપના પડકારોને સમસ્યા તરીકે નહીં, પણ અવસર તરીકે જોવાનો અભિગમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌમાં વિકસાવ્યો છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે અસરકારક શહેરી વ્યવસ્થાપનની શરૂઆત ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી કરી હતી.
શહેરી વિકાસ અંગે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ૨૦૦૫ના શહેરી વિકાસ વર્ષથી ઝડપી શહેરી વિકાસનો નક્કર પાયો નાખવાનું જે કામ થયું તેને આપણે ૨૦૨૫માં શહેરી વિકાસ વર્ષ ઊજવીને વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટનો આધાર બનાવ્યો છે. અમદાવાદ આવનારા દિવસોમાં વિશ્વ કક્ષાની રમતોનું આયોજન કરવા સજ્જ થઈ રહ્યું છે, ત્યારે શહેરમાં તેને અનુરૂપ માળખાકીય સુવિધાઓ ઊભી થાય તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. આજનો કાર્યક્ર્મ આ વિઝનને દિશા આપતો કાર્યક્રમ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત લોકાર્પણ કરવામાં આવેલા વિવિધ વિકાસ પ્રકલ્પો અંગે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં અમદાવાદ પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ અને અર્બન ગ્રીનિંગ પોલિસી જાહેર થઈ છે. આ બંન્ને પોલિસીના અમલથી નગરજનોને સસ્ટેનેબલ, ક્લીન એન્ડ ગ્રીન એન્વાયરમેન્ટ મળશે. આજે રિવરફ્રન્ટમાં મૂન ટ્રેલ પાર્ક, ગ્લો ગાર્ડનનું એક નવું નજરાણું ઉમેરાઈ રહ્યું છે.
વડાપ્રધાનશ્રીના નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના લક્ષ્યની દિશામાં આપણે ઇ-મોબિલિટી પર ખાસ ભાર મૂક્યો છે. ઇ મોબિલિટીને વધુ સુદૃઢ બનાવતું દેશનું પહેલું ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન આજે અમદાવાદમાં કાર્યરત થઈ રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આજના આ કાર્યક્રમમાં મોટા ભાગના પ્રકલ્પો પર્યાવરણ જાળવણી સાથે શહેરી વિકાસને વેગ આપનારા છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે અમદાવાદ શહેરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૭૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને વિવિધ ઝોનમાં કુલ ૩૨૦ જેટલા ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટ તૈયાર થયા છે. આપણે નગરોને ગ્રોથ હબની સાથે સાથે ગ્રીન હબ પણ બનાવવાનાં છે.
મુખ્યમંત્રીશ્રી વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ પૂરો કરવા માટે ગુજરાતે ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના મંત્ર સાથે શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને વિકસિત ગુજરાત @ ૨૦૪૭ રોડમેપ બનાવ્યો છે. શહેરો અને આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન તૈયાર થયો છે.
આપણે વિકસિત ભારત ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે, એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ નગરો-મહાનગરો અને ગામો ગ્રીન, ક્લીન અને સ્વચ્છ બને તથા ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત અને ક્લાયમેટ રિઝીલયન્ટ શહેરો બને તે માટે સૌ કટિબદ્ધ બનીએ એવો અનુરોધ કર્યો હતો.
અમદાવાદ શહેરનાં મેયર શ્રી પ્રતિભાબહેન જૈને આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકસિત ભારત ૨૦૪૭નો સંકલ્પ આપ્યો છે, જે અંતર્ગત તેમણે શહેરી વિકાસ વર્ષ ઊજવવાનું આહવાન કર્યું છે એ દિશામાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આજના પ્રસંગે શહેરી વિકાસ ક્ષેત્રે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું છે.
સ્વચ્છતા સર્વેક્ષણ વર્ષ ૨૦૨૪-૨૫માં અમદાવાદને ભારતનું નંબર-૧ સ્વચ્છ શહેર તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું છે, આ સિદ્ધિ સ્વચ્છ ભારત મિશન અને શહેરીજનોની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાની ફલશ્રુતિ છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અને મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધી પાનીએ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત પ્રાપ્ત થયેલ એવોર્ડ મુખ્યમંત્રી શ્રી સમક્ષ પ્રસ્તુત કર્યો હતો. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ અમદાવાદ શહેરમાં સફાઈની ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા અને શહેરની સ્વચ્છતામાં પાયાનું યોગદાન આપનારા સફાઈ પ્રહરીઓને આ તકે મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અમદાવાદના સાંસદશ્રીઓ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, AMCના અધિકારીઓ-પદાધિકારીઓ, સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
*બોક્સ મેટર*
*શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત લોકાર્પણ કરાયેલા વિકાસ પ્રકલ્પો*
– અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત તૈયાર કરેલ એક્શન પ્લાનનું અનાવરણ
– પોલીસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસનું અનાવરણ
– અર્બન ગ્રીનીન્ગ પોલીસી મેઝર્સ ફોર એ ગ્રીનર અમદાવાદનું અનાવરણ
– સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક ખાતે ૩.૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ રિવરફ્રન્ટ મૂન ટ્રેલનું લોકાર્પણ
– RTO ખાતે ૨.૬૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ દેશના પ્રથમ ‘ઈલેક્ટ્રિક બસો માટે સૌર ઊર્જાથી ચાલતા ઓન-રૂટ ચાર્જિંગ સ્ટેશન’નું ઈ-લોકાર્પણ
– સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન ફંડેડ “કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી ડેવેલપમેન્ટ ઇન ઇન્ડિયા” ફેઝ-૩ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા અને ICLEI સાઉથ એશિયા વચ્ચે MoU કરાયા.
****************
[7/19, 7:47 PM] Dilip Gajjar.Mahiti.Press: *મેરિટાઈમ સેક્ટરમાં અપાર અવસરો છે અને ભારત મેરિટાઈમ સેક્ટરમાં ખૂબ ઝડપથી અગ્રણી ટેલેન્ટપૂલ સપ્લાયર બનવા તરફ આગળ વધ્યું છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
——————-
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શીપૂર્ણ આયોજનથી કાર્યરત થયેલી ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ સંપન્ન*
——————-
*13 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સહિત 250ને ડિગ્રી એનાયત થઈ*
——————-
*મેરિટાઈમ સેક્ટરમાં કારકિર્દી શરૂ કરતા યુવાઓને રાષ્ટ્ર હિત સાથે આપણી સામુદ્રિક વિરાસતની પ્રતિષ્ઠાના સંવર્ધન-સંરક્ષણ માટે કર્તવ્યરત રહેવા મુખ્યમંત્રીશ્રીનું આહવાન*
——————-
_*:: મુખ્યમંત્રીશ્રી ::*_
* મેરિટાઈમ સેક્ટરમાં વર્લ્ડ ક્લાસ ટ્રેઈન્ડ વર્ક ફોર્સ ઉપલબ્ધ કરાવવાની વડાપ્રધાનશ્રીની નેમ ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીથી સાકાર થશે.
* વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં શરૂ થયેલા સાગરમાલા, પી.એમ. ગતિશક્તિ જેવા કાર્યક્રમો પોર્ટ્સ, લોજિસ્ટિક્સ અને કોસ્ટલ ઈકોનોમિકની વાસ્તવિક ક્ષમતા ઉજાગર કરે છે.
* લોથલનું નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ ‘વિરાસત ભી, વિકાસ ભી’ના મંત્રનું દ્રષ્ટાંત
——————-
મેરિટાઈમ સેક્ટરમાં કારકિર્દી શરૂ કરનારા યુવાઓ રાષ્ટ્રહિત અને આપણી સામુદ્રિક વિરાસતની પ્રતિષ્ઠાના સંવર્ધન-સંરક્ષણના વિચાર સાથે કર્તવ્યરત રહે તેવું પ્રેરક આહવાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું છે.
ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રથમ દિક્ષાંત સમારોહના દિક્ષાંત પ્રવચનમાં મુખ્યમંત્રીશ્રી કહ્યું કે, આજે મેરિટાઈમ સેક્ટરમાં અપાર અવસરો છે અને આ સેક્ટર માટે ભારત ખૂબ ઝડપથી અગ્રણી ટેલેન્ટ પૂલ સપ્લાયર બની રહ્યું છે.
એટલું જ નહિ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશાગ્ર નેતૃત્વને કારણે વિશ્વની અપેક્ષાઓ પણ ભારત પાસેથી વધી ગઈ છે ત્યારે દેશના મેરિટાઈમ સેક્ટરને નવી ઊંચાઈઓ સર કરાવવાનું દાયિત્વ આ સેક્ટરમાં પદાર્પણ કરી રહેલી યુવા શક્તિએ નિભાવવાનું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને પોર્ટ લેડ ડેવલપમેન્ટનું કેન્દ્ર બનાવવા સાથે પોર્ટ અને મેરિટાઈમ વિરાસતને આધુનિક જ્ઞાન કૌશલ્યથી સંવર્ધિત કરીને આ સેક્ટરમાં વર્લ્ડ ક્લાસ ટ્રેઈન્ડ વર્કફોર્સ ઉપલબ્ધ કરાવવા ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીની શરૂઆત કરાવી હતી.
આ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં એલ.એલ.એમ. વિદ્યાશાખાના 188 અને એમ.બી.એ.ના 62 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ વિદ્યાશાખાઓમાં ઉત્કૃષ્ટતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 8 વિદ્યાર્થીનીઓ સહિત કુલ 13 છાત્રોને ગોલ્ડ મેડલથી સન્માનિત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાત પાસે 4 હજારથી વધુ વર્ષ જૂના પુરાતન ઇતિહાસ અને સમુદ્રી વિરાસત ધરાવતું લોથલ બંદર છે. વડાપ્રધાનશ્રીએ ‘વિરાસત ભી, વિકાસ ભી’ના મંત્રને ચરિતાર્થ કરતા લોથલમાં નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કાર્યરત કરાવ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના 11 વર્ષના સફળ કાર્યકાળમાં ભારત સમુદ્રી અર્થવ્યવસ્થાના પુનરુદ્ધારનું સાક્ષી રહ્યું છે.
વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા પી.એમ. ગતિશક્તિ, સાગરમાલા અને બ્લુ ઇકોનોમી મિશન જેવા કાર્યક્રમો દેશના પોર્ટ્સ, લોજિસ્ટિક્સ અને કોસ્ટલ ઇકોનોમીની વાસ્તવિક ક્ષમતાને ઉજાગર કરે છે. મુખ્યમંત્રીશ્રી આ ક્ષમતાને વિશ્વ ફલક પર ઝડપભેર પહોંચાડવાના સંવાહક બનવાની પ્રેરણા ડિગ્રી પ્રાપ્ત કરી રહેલા યુવાનોને આપી હતી.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ આઝાદીની શતાબ્દી તરફ આગળ વધી રહ્યો છે અને આ અમૃતકાળની અમૃત પેઢી તરીકે યુવાઓએ વિકસિત ભારત@2047ના ભાગ્યવિધાતા બનવાનું છે. મુખ્યમંત્રીશ્રીએ ડિગ્રીધારક યુવાઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પણ પાઠવી હતી.
રાજ્યના મુખ્ય સચિવ અને ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પંકજ જોષીએ સ્વાગત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીએ ઇનોવેશન્સ, કોલોબ્રેશન અને એક્સેલન્સથી નવા સીમાચિહ્નો સર કર્યાં છે.
તેમણે કહ્યું હતું કે, ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણીની સાથે સાથે આપણે મેરિટાઈમ સેક્ટર્સમાં લીડ લઈ શકે તેવી નવી પેઢી વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યાં છીએ. આ પેઢી વૈશ્વિક મંચ પર ભારતના ભવિષ્યનો માર્ગ નક્કી કરશે. આજે ડિગ્રી મેળવી રહેલા વિદ્યાર્થીઓ ભારતની મેરિટાઈમ સ્કીલનું ભવિષ્ય છે.
ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીએ યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, ઈન્ટરનેશનલ ગૃપ ઓફ પ્રોટેક્શન એન્ડ ઈડેમ્નિટી ક્લબ્સ, ઈન્ટરનેશનલ સી ફેરર્સ વેલ્ફેર એન્ડ આસિસ્ટન્સ નેટવર્ક, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર સહિતના વિશ્વવિખ્યાત સંગઠનો સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે યુનિવર્સિટીની સિદ્ધિઓની રૂપરેખા આપતા કહ્યું હતું કે, યુનિવર્સિટીએ તાજેતરમાં જે મહત્વપૂર્ણ કોન્ફરન્સીસ સફળતાપૂર્વક યોજી હતી તેની અને યુનિવર્સિટીએ 20થી વધુ એમ.ઓ.યુ. કર્યાં છે તેની પણ તેમણે વિગતો આપી હતી. તેમણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રાજ્યમાં પર્યાપ્ત માત્રામાં ટ્રેઈનીંગ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા 100થી વધુ રિસર્ચ પેપર્સ પ્રતિષ્ઠિત જર્નલ્સમાં પ્રકાશિત થયા છે. આ ઉપરાંત જી.એમ.યુ.ને સ્ટાર એવોર્ડ્સ 2024 દ્વારા ભારતમાં ‘મેરિટાઈમ કેપેસિટી બિલ્ડીંગ ચેમ્પિયન’ તરીકે માન્યતા મળવા બદલ સન્માનિત કરવામાં આવી છે.
ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના ઇન્ચાર્જ ડીન પ્રો. ડૉ. એસ. શાંતાકુમારે સ્વાગત પ્રવચન તેમજ સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો.ચિરાગ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતિ જયંતિ રવી, પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ્ના અગ્ર સચિવ શ્રી આર.સી.મીના, ગુજરાત મેરીટાઈમ બોર્ડના સી.ઈ.ઓ. રાજકુમાર બેનિવાલ, યુનિવર્સિટીની વિદ્યાશાખાઓના ડીન અને અધ્યાપકો, આમંત્રિત શિક્ષણવિદો તથા પદવીધારક યુવા વિદ્યાર્થીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
[7/19, 7:47 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1VWJjAKIBqYCFaygoe5Y-uOyrEkTw9c2W?usp=sharing
****†***********************
અહીંયા કોઈપણ સમાચાર ફોટાઓ અને વીડિયો માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધિ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરી શકે છે.
