19 ઓગસ્ટ.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો (IPS Transfar Order list/ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)janfariyadnews youtube channel links જૂવો.

19 Ng pdf (2)

IPS SPS Transfer Promotion Order 18.08.2025

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો 

[8/17, 10:35 AM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી, પ્રભુ મૂર્તિની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.

તેમણે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની ધાતુમૂર્તિનો પંચામૃત અભિષેક કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ભાવિક ભક્તો સાથે મંદિર મંડપમમાં બેસીને ધૂન કીર્તન તેમજ શ્રીજી દર્શનનો લાભ લીધો હતો.

અમદાવાદમા ઇસ્કોન મંદિર દ્વારા પ્રતિ વર્ષ કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.

મુખ્યમંત્રી શ્રી આ વર્ષે કૃષ્ણજન્મોત્સવના હર્ષોલ્લાસમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સૌના કલ્યાણ સાથે રાજ્ય અને દેશની પ્રગતિમાં પ્રભુ કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના શ્રી રાધાકૃષ્ણ ભગવાનના શ્રી ચરણોમાં કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઇ શાહ સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
…..
[8/17, 12:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025 મા સહભાગી થયા*
                        *****
*મુખ્યમંત્રીશ્રીએ આધ્યાત્મિક વર્ષાયોગ અને પ્રાકૃત ભાષાના સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહી પરમ પૂજ્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજીના આશીર્વાદ મેળવ્યા*
                        ******
*મુખ્યમંત્રીશ્રીએ ભારતની પ્રાચીન ભાષા એવી પ્રાકૃત ભાષાના ગ્રંથનું વિમોચન કર્યું*

       મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025માં સહભાગી થયા હતા.    

      મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ ગુજરાત યુનિવર્સીટી ખાતે યોજાયેલ આધ્યાત્મિક વર્ષાયોગ અને પ્રાકૃત ભાષાના સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહી ચાતુર્માસમાં અમદાવાદ શહેરમાં પધારેલા પરમ પૂજ્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજી અને દિગમ્બર મુનિશ્રીઓના આશીર્વાદ મેળવ્યા હતા.

        મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જે સેવા દાયિત્વ સાંભળવાનું આવ્યું છે એ ખૂબ નિષ્ઠા અને કર્તવ્યભાવથી સંભાળી શકીએ અને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાતની દિશામાં આગળ વધી શકીએ તેવા કૃપા આશિષ ની વાંછના આચાર્ય મુનિ શ્રી સુનિલ સાગરજી ના દર્શન દરમ્યાન કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સૌની સુખ, શાંતિ અને સમૃદ્ધિ ના આશીર્વાદ માટે આચાર્ય મુનિઓના ચરણોમાં પાર્થના કરી હતી.
      
મુખ્યમંત્રીશ્રીએ ભારતની પ્રાચીન ભાષા એવી પ્રાકૃત ભાષાના ગ્રંથનું વિમોચન કર્યું હતું અને પ્રાકૃત ભાષાના જ્ઞાની આચાર્ય શ્રી સુનિલ સાગરજીને પ્રાકૃત પ્રભાકરની વિશિષ્ટ ઉપાધિ એનાયત કરી તેમનું સન્માન કર્યું હતું.
    
      પરમ પૂજ્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજીએ જણાવ્યું કે, આપણા દેશની સૌથી પ્રાચીન ભાષા પ્રાકૃત છે એનું સન્માન થવું જોઈએ.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃત ભાષાને નેશનલ ક્લાસિક્લ લેંગ્વેજ જાહેર કરીને પ્રાકૃત ભાષા નું ઉચિત ગૌરવ કર્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, પૂર્વ મેયર શ્રી ગૌતમભાઈ શાહ, જૈન અગ્રણીઓ શ્રી રાજેશભાઈ શાહ, શ્રી કપિલભાઈ શાહ, શ્રી ઋષભ જૈન, શ્રી યોગેશભાઈ શાહ સહિત વિશાળ સંખ્યામાં જૈન સમાજના ભાવિકભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
000000
[8/17, 12:31 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1CXyOaRbJUyg1SQPb-6FKRZBf-KdYq3Xa?usp=sharing
[8/17, 4:22 PM] Dilip Gajjar.Mahiti.Press: *મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ગૌરવભેર ઉજવણી*
……..
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગરિમાપૂર્ણ માહોલમાં તિરંગાને સલામી આપી*
……..
*મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં પોરબંદરના પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું*
*-:મુખ્યમંત્રીશ્રી:-*

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યના આધારે વિકસિત ગુજરાત ૨૦૪૭ના વિઝનને સાકાર કરવા એજન્ડા ફોર ૨૦૩૫ હોલ ઓફ ગવર્મેન્ટના અભિગમ સાથે દિશાસૂચક બનશે
//—————
*ગુજરાત@75માં ગુજરાતને દેશના સર્વગ્રાહી વિકાસમાં વધુ નવી વૈશ્વિક ઊંચાઈઓ પાર કરવાનો સહિયારો સંકલ્પ લઈએ*
…….,…………………..
*નવા આયામો સિદ્ધ કરવા ‘સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિક’ના ધ્યેય સાથે એજન્ડા ફોર-૨૦૩૫ સરકાર લાવશે
:::::;;;:;;;

૧૦૦ કરોડ રૂપિયા ની જોગવાઈ સાથે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના ની જાહેરાત
::::::::::
તાલુકા મુખ્ય મથક હોય અને નગરપાલિકા માં ભળી ના હોય તેવી ગ્રામ પંચાયતોના સર્વાંગી વિકાસ માટે મહત્વ પૂર્ણ યોજના
::;;;;;;;;
શહેરી વિકાસ વર્ષ માં નાના નગરો ના આયોજન બદ્ધ વિકાસ માટે ૧૦૦ ટાઉન પ્લાનિંગ સ્કીમ બનશે
—————-
એક લાખ સુધીની વસ્તી ધરાવતા ૫૫ નગરોમાં જી આઈ એસ બેઝડ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાશે
************
*મહારાષ્ટ્ર રાજ્ય પોલીસ સહિત ૧૯ પ્લાટૂનના ૬૮૫ જવાનોએ રાષ્ટ્રધ્વજને શિસ્તબદ્ધ પરેડ દ્વારા સલામી આપી*
…..
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ૭૯મો સ્વતંત્રતા પર્વ પોરબંદર જિલ્લાવાસીઓ માટે યાદગાર બન્યો*
……
*દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર પ્રસ્તુતિથી પોરબંદરવાસીઓ મંત્રમુગ્ધ થયા*
……
*ગુજરાત પોલીસના જવાનોએ પ્રસ્તુત કરેલા અશ્વ શો, ડોગ શો, બાઈક શોના દિલધડક દ્રશ્યો નિહાળી લોકો રોમાંચિત થયા*

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૯મા સ્વાતંત્ર્ય પર્વે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં રાષ્ટ્રભક્તિમય માહોલમાં ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ૧૯૬૦માં ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના થઈ ત્યારથી શરૂ થયેલી વિકાસયાત્રાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૧મી સદીમાં નવી દિશા, નવી ઉર્જા અને વેગ મળ્યા છે, તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે રાજ્યના નાગરિકોને ૭૯મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવતા જાહેર કર્યું કે, વર્ષ ૨૦૩૫માં ગુજરાતની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થાય છે, ત્યાં સુધીમાં સર્વાંગી વિકાસ અને વધુ લોકાભિમુખ વહીવટના નવા આયામો સિદ્ધ કરવા ‘સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિક’ના ધ્યેય સાથે ‘એજન્ડા ફોર ૨૦૩૫’ સરકાર લાવી રહી છે.

વડાપ્રધાનશ્રીએ આપેલ ‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યના આધારે ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા માટે આ ‘એજન્ડા ૨૦૩૫’ હોલ ઓફ ગવર્મેન્ટના અભિગમ સાથે દિશાસૂચક બનશે એમ પણ તેમણે સ્વતંત્રતા દિવસ અવસરે નાગરિક સંબોધનમાં ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ ‘એજન્ડા ૨૦૩૫’ના ફ્રેમવર્કમાં રાજ્ય વ્યાપી આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવી, નાગરિકોને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ કરવા ઉપરાંત આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઇનોવેશન આધારિત વિકાસ માટેની ઇકો સિસ્ટમ અને નવી ઉભરતી ટેકનોલોજીના ઉપયોગ માટે યુવા વર્ગને તૈયાર કરવા સહિતના પાસાઓને આવરી લેવાની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય શ્રમ–રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવીયા, ભાગવત કથાકાર સંત પૂજ્ય રમેશભાઈ ઓઝા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય શ્રી અર્જુન મોઢવાડિયા અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ બેન્ડની રાષ્ટ્રગીત સુરાવલી અને પરેડ સાથે આ ધ્વજવંદના કરાવી હતી.

તેમણે આ અવસરે પોરબંદરને આંગણેથી રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને સમયબદ્ધ શહેરી વિકાસ આયોજનની મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ શહેરોની સાથે ગામોના પણ વેલ પ્લાન્ડ ડેવલપમેન્ટ માટે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ જાહેર કરતા જણાવ્યું કે જે ગ્રામ પંચાયતો તાલુકા મથક હોય અને નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરીને તેને શહેરી તર્જ ઉપર વિકસાવવા અને ભૌતિક સુવિધાઓ ઊભી કરવા રૂપિયા ૧૦૦ કરોડની ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ લાવ્યા છીએ.

મોટા ગામડાઓ શહેરોનો વિકલ્પ બને અને નાગરિકો શહેરો તરફથી આવા મોટા ગામો તરફ આવવા પ્રેરાય તેવો આ યોજનાઓનો હેતુ છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ નવી યોજનામાં ખાસ કરીને માળખાગત સુવિધાઓને લગતા કામો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સોલાર સ્ટ્રીટ લાઈટ તથા આરોગ્ય સુખાકારી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના કામો સમાવિષ્ટ કરાશે તેમ જણાવ્યું હતું.

રાજ્યમાં આ વર્ષે ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ દરમિયાન નાના નગરોના સુઆયોજિત વિકાસ માટે ૧૦૦થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ અને એક લાખ સુધીની વસ્તી ધરાવતા ૫૫ નગરો માટે GIS આધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવાની જાહેરાત મુખ્યમંત્રીશ્રીએ આ તકે કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે શહેરો હોય કે ગ્રામીણ વિસ્તાર, દરેક સુધી વિકાસ પહોંચે તેવી હોલીસ્ટિક ડેવલપમેન્ટની નેમથી સરકાર કાર્યરત છે.

આ સંદર્ભમાં તેમણે ડબલ એન્જિન સરકારના બેવડા લાભ સાથે રાજ્યમાં વિવિધ ક્ષેત્રે થયેલા વિકાસ અને જનહિત યોજનાઓની સિદ્ધિઓની વિશદ છણાવટ કરી હતી.
ગુજરાત આજે નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ NSDPમાં વ્યક્તિ દીઠ રૂપિયા ૧.૯૬ લાખ સાથે દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબલ’ માટે સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનો ખરીદવા, ઉપયોગ કરવાની ભારપૂર્વક હિમાયત કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે આપેલા કોલને સાકાર કરવા દરેક ક્ષેત્રે નિર્ભરતાથી પ્રભુત્વ તરફ આગળ વધી આત્મનિર્ભર થવા તેમણે આહ્વાન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ટીમ ગુજરાતે પણ વંચિત, ગરીબ, છેવાડાના અને અંત્યોદયને કેન્દ્રમાં રાખીને જ આવાસ, આહાર, આરોગ્ય, અભ્યાસ અને આર્થિક ઉન્નતિ માટેની અનેક યોજનાઓનું સફળ અમલીકરણ કર્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરી અને ગ્રામીણ મળીને ૧૧ લાખ આવાસ, ૨.૯૦ કરોડ લોકોને આયુષ્માન આરોગ્ય કાર્ડ, ૩ કરોડ ૨૬ લાખ અંત્યોદય લોકોને વિનામૂલ્યે અનાજ જેવી સિદ્ધિઓ વર્ણવી હતી.

તેમણે ઉમેર્યું કે, ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે બનેલી યોજનાઓનો લાભ ૧૦૦ ટકા તેમને મળે તે માટે સેચ્યુરેશન અપ્રોચ અને જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન શરૂ કર્યા છે.

આદિવાસીઓના સર્વગ્રાહી ઉત્કર્ષ માટે વનબંધુ કલ્યાણ યોજના – ૨માં આ વર્ષે ૩૦,૧૨૧ કરોડની માતબર ફાળવણી કરી છે.
અત્યાર સુધીમાં આદિજાતિના બાળકોના શિક્ષણ માટે ૪૩૦૦ કરોડથી વધુની શિષ્યવૃતિ સહાય આપી છે. તેની વિગતો તેમણે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી વર્ષના સંદર્ભમાં આપી હતી.

શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એમ ‘ગ્યાન’ આધારિત ચાર સ્તંભોના સશક્તિકરણના અનેક આયામો રાજ્ય સરકારે ઉપાડ્યા છે.
યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ મજબૂત કરી રહ્યા છીએ. પાંચ લાખ લખપતિ દીદી અને મહિલા સંચાલિત દૂધ મંડળીઓમાં ૨૧ ટકા મહિલા ભાગીદારીએ નારીશક્તિને સશક્ત કરી છે.
અન્નદાતાના હિતોને પણ અગ્રતા આપીને બીજથી બજાર સુધી સરકાર તેની પડખે ઊભી છે. માછીમાર ભાઈઓને ડીઝલ વેટની રાહત સહાય ડીબીટીથી ચૂકવવામાં આવે છે તેની વિગતો તેમણે આપી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે ૧૨ ‘ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર’, ડીસાથી પીપાવાવ ‘નમો શક્તિ એક્સપ્રેસ વે’ અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે વિકસાવવાના આયોજનની વાતો વર્ણવી હતી.
તેમણે ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મેપ પર ચમકાવનારી વાઇબ્રન્ટ સમિટ ની ઉત્તરોતર સફળતાને પગલે હવે રાજ્ય સરકાર રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવાની છે તેની ભૂમિકા આપતા કહ્યું કે આવનારા સમયમાં રાજ્યના મહાનગરોમાં વિશ્વ કક્ષાની રમતનું આયોજન થવાનું છે તે માટે વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવી રહ્યા છીએ.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં સુરક્ષા–સલામતી, આરોગ્ય સુખાકારી, બાળકોને પૌષ્ટિક પુરક આહાર માટેની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની સફળતાઓ પણ પ્રસ્તુત કરી હતી.

તેમણે કહ્યું કે વર્ષ ૨૦૪૭માં દેશની આઝાદીની શતાબ્દી ઉજવાય તે પહેલા ૨૦૩૫માં રાજ્યના ૭૫ વર્ષની ઉજવણી માટેનો અવસર આપણને મળવાનો છે. વિકસિત ભારત – ૨૦૪૭ માટે વિકસિત ગુજરાત – ૨૦૪૭ અને ગુજરાત@75 માં ગુજરાતને દેશના સર્વગ્રાહી વિકાસમાં વધુ નવી વૈશ્વિક ઊંચાઈઓ પાર કરાવવાનો સહિયારો સંકલ્પ ૭૯મા સ્વતંત્રતા પર્વે લેવાનો પણ તેમણે રાજ્યના પ્રજાજનોને કોલ આપ્યો હતો.

સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના પ્રારંભે મુખ્યમંત્રીશ્રીનું આગમન થતા મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય મુખ્યમંત્રીશ્રીને પોડીયમ તરફ દોરી ગયા હતા.
રાષ્ટ્રીય પર્વની આ શાનદાર ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પોલીસ દ્વારા દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પોલીસના જવાનો દ્વારા અશ્વ શો, બાઈક સ્ટંટ શો અને ડોગ શો સહિતના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતા. જેને નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. પરેડમાં મહારાષ્ટ્ર પોલીસ સહિત ૧૯ પ્લાટુનના કુલ ૬૮૫ કર્મચારી – જવાનોએ ભાગ લીધો હતો.
સંબોધન બાદ મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનારા કલાકારો, પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમના અંતે ફોટો પડાવી ઉત્સાહવર્ધન કર્યું હતું.
કાર્યક્રમના અંતે ‘એક પેડ મા કે નામ ૨.૦’ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, શ્રી રમેશભાઈ ઓઝાએ માધવાણી કોલેજના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વનાં રાજ્ય કક્ષાનાં આ સમારોહમાં કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ભાગવતાચાર્યશ્રી રમેશભાઈ ઓઝા, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય, અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર, અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, પૂર્વ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, કલેક્ટર શ્રી એસ.ડી.ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી.ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ.જે.પ્રજાપતિ, જિલ્લા પોલીસવડા શ્રી ભગીરથસિંહ જાડેજા, અગ્રણીશ્રી ચેતનાબેન તિવારી, શ્રી સાગર મોદી સહિત પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ગણમાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦ ૦૦
[8/17, 7:47 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યની જેલોમાં કેદ બંદીવાનોના બાળકો તથા વયસ્ક બંદીવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણય*

*બંદીવાનોના સંતાનોને સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે “વિકાસદીપ” યોજનાની જાહેરાત*

*સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવા બદલ રૂ.5,001, મેઇન્સ/લખિત પરીક્ષા પાસ કરવા બદલ ₹10,001 અને અંતિમ પસંદગી અને નિમણુંક બદલ ₹15,001નું ઇનામ બંદીવાનના બાળકોને આપવામાં આવશે*

*રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમત-ગમત ક્ષેત્રે વિજેતા બનેલા બાળકોને પણ ઇનામો આપવામાં આવશે*

*વૃદ્ધ તથા બીમાર બંદીવાનોને અલગ બેરેક, કેરટેકર તેમજ દવાખાનામાં અગ્રિમતા સહિતની સુવિધા આપવા ખાસ નિર્ણય*

*આ મહત્વપૂર્ણ નિર્ણયોથી જેલોમાં રહેલા બંદીવાન તથા તેમના પરિવારજનના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે*
…..
ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, આજે જેલ ડીજીપી શ્રી કે.એલ.એન રાવે બંદીવાનોના સંતાનો માટે અને જેલોમાં રહેલા વૃદ્ધ તથા બીમાર બંદીવાનો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.

રાજ્યની જેલોમાં રાખવામાં આવેલા બંદીવાનોના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે તેમજ રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા “વિકાસદીપ” યોજના અંતર્ગત રોકડ ઇનામ અને પુરસ્કારો આપવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા પર બંદીવાનના બાળકોને કુલ ત્રણ સ્તરે ઇનામો મળશે. જેમાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવા બદલ રૂ.5,001 અને પ્રમાણપત્ર, મેઇન્સ/લખિત પરીક્ષા પાસ કરવા બદલ ₹10,001 અને પ્રમાણપત્ર તેમજ અંતિમ પસંદગી અને નિમણુંક બદલ ₹15,001, મોમેન્ટો અને પ્રમાણપત્ર બંદીવાનના બાળકોને સિધ્ધિ બદલ આપવામાં આવશે.

બીજી તરફ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમત-ગમત ક્ષેત્રે વિજેતા બનેલા બાળકોને પણ ઇનામો આપવામાં આવશે. જે અંતર્ગત રાજ્ય સ્તરે બ્રોન્ઝ મેડલ માટે ₹3,001 અને પ્રમાણપત્ર, સિલ્વર મેડલ માટે ₹5,001 અને પ્રમાણપત્ર તથા ગોલ્ડ મેડલ માટે ₹7,001, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે વિજેતા થયેલા બાળકોને બ્રોન્ઝ મેડલ માટે ₹7,001 અને પ્રમાણપત્ર, સિલ્વર મેડલ માટે ₹10,001 અને પ્રમાણપત્ર
તેમજ ગોલ્ડ મેડલ માટે ₹15,001, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

જેલ અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોને પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા રમતગમત ક્ષેત્રે સફળતા માટે પણ ઇનામ પુરસ્કાર આપવામાં આવશે.

*60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ તથા બીમાર બંદીવાનો માટે ખાસ નિર્ણય લેવાયા*

– તેમની માટે અલગ બેરેક ફાળવવી
– દૈનિક પ્રવૃત્તિઓ માટે કેરટેકર આપવો
– સ્પેશિયલ રેમ્પ્સ, દવાખાનામાં અગ્રિમતા સાથે સુવિધા આપવી
– નિયમિત તબીબી ચકાસણી અને મેડિકલ કેમ્પનું આયોજન
– પોષણક્ષમ અને આરોગ્યપ્રદ આહાર ઉપલબ્ધ કરાવવો
– જરૂરી દવાઓ સમયસર પહોંચાડવી
– માનસિક આરોગ્ય માટે કાઉન્સેલિંગ સુવિધા આપવી
– જામીન પ્રક્રિયામાં અને દયા અરજી સંબંધિત કાયદેસર મદદ કરવી

આ મહત્વપૂર્ણ નિર્ણયોથી જેલોમાં રહેલા બંદીવાન તથા તેમના પરિવારજનના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અને તેમની ઉન્નતિના માર્ગો ખુલશે.
….
[8/18, 10:32 AM] Dilip Gajjar.Mahiti.Press: *ગ્રિમકો દ્વારા*

*છેલ્લા પાંચ વર્ષમાં લેધર-રેકઝીન આર્ટિકલ્સ મેકિંગના કુલ ૨ હજારથી વધુ લાભાર્થીઓ તાલીમબદ્ધ*
—–
*રાજ્ય સરકાર દ્વારા રૂ. ૬.૫૫ કરોડ કરતાં વધુના ખર્ચે વિવિધ સ્થળોએ ૭૩ તાલીમ વર્ગોનું કરાયું આયોજન*
—–
• *કુલ રૂ. ૭,૫૦૦ સ્ટાઇપેન્ડ, પ્રમાણપત્ર અને સિલાઇ મશીન આપીને તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરાય છે*
• *કુશળ તાલીમાર્થીઓને આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રકટર તરીકે રૂ. ૪૫,૦૦૦ અને ઇન્સ્ટ્રકટર તરીકે રૂ. ૬૦,૦૦૦ વેતન થકી રોજગારીની તક*
• *F.D.D.I. દ્વારા તાલીમાર્થીઓને માસિક રૂ. ૩,૦૦૦ સ્ટાઇપેન્ડ, પુસ્તકો માટે વાર્ષિક રૂ. ૫,૦૦૦ અને કોમ્પ્યુટર માટે રૂ. ૪૫,૦૦૦ સ્કોલરશીપની જોગવાઈ*
—–
ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ-ગ્રિમકો દ્વારા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા સ્વરોજગાર ઇચ્છુક ભાઈ-બહેનો માટે લેધર અને રેકઝીન આર્ટિકલ્સ મેકિંગના ત્રણ માસના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગ્રીમકો દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ થી વર્ષ ૨૦૨૪-૨૫ એમ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રૂ. ૬.૫૫ કરોડ કરતાં વધુના ખર્ચે વિવિધ ગ્રામ્ય કક્ષાએ કુલ ૭૩ તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લેધર અને રેકઝીન આર્ટિકલ્સ મેકિંગના કુલ ૨,૦૨૩ લાભાર્થીઓને તાલીમ આપી કૌશલ્યબદ્ધ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર કારીગરોને સ્વરોજગાર અને આર્થિક સશક્તિકરણની તકો પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. જે અંતર્ગત કુટિર-ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ગ્રિમકો દ્વારા તાલીમાર્થીઓ પર ભારણ ન પડે તે હેતુથી ત્રિમાસિક તાલીમ દરમિયાન કાચો માલ-સામાન, બેનર્સ અને સ્ટેશનરી કિટ પૂરી પાડવામાં આવે છે. જેમાં ૯૦ ટકા હાજરી ધરાવતાં તાલીમાર્થીઓને રૂ. ૨,૫૦૦ પ્રતિ માસ એમ કુલ રૂ. ૭,૫૦૦ સ્ટાઇપેન્ડ, પ્રમાણપત્ર અને સરકારની મંજૂરી બાદ સિલાઇ મશીન પણ આપવામાં આવે છે.

ગ્રિમકો દ્વારા આયોજિત આ તાલીમ કાર્યક્રમ ગ્રામીણ લાભાર્થીઓને આર્થિક રીતે સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે છે. તાલીમ દરમિયાન લાભાર્થીઓ બનાવેલી વસ્તુઓનું પોતે વેચાણ કરીને પણ આવક મેળવી શકે છે. જ્યારે તાલીમ વર્ગ પૂર્ણ કરેલ કુશળ અને ઉત્સાહી તાલીમાર્થીઓને નવા તાલીમ વર્ગમાં આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રકટર તરીકે નિમણૂક આપી તેઓને રોજગારી આપવામાં આવે છે, જેમાં રૂ. ૧૫,૦૦૦ પ્રતિ માસ લેખે ત્રણ માસના તાલીમ કાર્યક્રમ દરમિયાન રૂ. ૪૫,૦૦૦ વેતન આપવામાં આવે છે. તેવી જ રીતે તાલીમ કાર્યક્રમ પૂર્ણ કરી સંપૂર્ણ રીતે સક્ષમ થયા બાદ તેઓને ઇન્સ્ટ્રકટર તરીકે પણ નિમણૂક આપવામાં આવે છે, જેમાં રૂ. ૨૦,૦૦૦ પ્રતિ માસ લેખે ત્રણ માસના રૂ. ૬૦,૦૦૦ વેતન આપવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૮ તાલીમાર્થીઓને આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રકટર અને ૩ જેટલા તાલીમાર્થીઓને ઇન્સ્ટ્રકટર તરીકે નિમણૂક આપી રોજગારી આપવામાં આવી છે.

ગ્રામીણ કારીગરોને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓના ઉત્પાદન માટે વધુ સક્ષમ બનાવવા અને નિવાસ સ્થાન નજીક રોજગારીની તકો પૂરી પાડવાના હેતુસર ચેન્નાઈની સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-CLRIના ઇન્સ્ટ્રકટર્સ દ્વારા લેધર આર્ટિકલ્સ મેકિંગની તાલીમ લાભાર્થીઓના પોતાના રહેઠાણની નજીક જ આપવામાં આવે છે.

આ ઉપરાંત ગ્રિમકોના ઉપક્રમે ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ-F.D.D.I., અંકલેશ્વર ખાતે રેસિડેન્શિયલ તાલીમ વર્ગો યોજાય છે, જેમાં રહેવા-જમવાની સાથે પ્રમાણપત્ર, નોકરીની તકો અને રોજગાર શરૂ કરવા માર્ગદર્શન આપવામાં આવે છે. જે અંતર્ગત F.D.D.I.એ ત્રણ તાલીમાર્થીઓને ચાર વર્ષના રેગ્યુલર ડિગ્રી કોર્ષ માટે પસંદ કરી, રૂ.૩,૦૦૦ માસિક સ્ટાઇપેન્ડ, રૂ. ૫,૦૦૦ વાર્ષિક પુસ્તકો માટે અને રૂ. ૪૫,૦૦૦ કોમ્પ્યુટર માટે સ્કોલરશીપ પણ આપી છે. આમ, F.D.D.I. અને CLRI જેવી સંસ્થાઓ સાથેનો સહયોગ ઉચ્ચ ગુણવત્તાવાળી તાલીમ અને શૈક્ષણિક સહાય પૂરી પાડે છે, જે લાભાર્થીઓની કૌશલ્ય વૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લેધર અને રેકઝીન આર્ટિકલ્સ મેકિંગની ત્રણ માસની તાલીમ માટે ગ્રિમકો દ્વારા વિવિધ ગામડાઓમાં સર્વે કરી, ૧૮ થી ૪૫ વર્ષની વયના ઇચ્છુક ઉમેદવારો સાથે બેઠક યોજી તાલીમ વિશે માહિતી આપવામાં આવે છે.

આ ઉપરાંત ગ્રિમકો દ્વારા લાભાર્થીઓને જરૂરી સાધન સહાય ટૂલકિટ પૂરી પાડવી, સરસ્વતી સાધના યોજના અને વિદ્યા સાધના યોજના અંતર્ગત સાયકલો પૂરી પાડવી, સરકારી કચેરીઓનું આંતરિક સુશોભન-નવિનીકરણ કરવું, ગ્રામીણ કારીગરોને તેમના નિવાસ સ્થાન નજીક રોજગાર પૂરો પાડવા સક્ષમ બને તે માટે લેધર-રેકઝીન આર્ટિકલ્સ મેકિંગની તાલીમ આપવી જેવા વિવિધ કાર્યો પણ કરવામાં આવે છે.
—–
જીગર બારોટ
[8/18, 11:54 AM] Dilip Gajjar.Mahiti.Press: *સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના કુલ ૨૦૭માંથી ૭૬ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા*
…………………………..
*અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ ૬૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો :*
*સૌથી વધુ ૭૨ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો*
…………………………..
 *રાજ્યમાં ૮૭ ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું- ખરીફ વાવેતર પૂર્ણ*
 *રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૭૬ ટકાથી વધુ જળસંગ્રહ*
——————-
રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ ડેમમાંથી ૭૬ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૬ ડેમ એલર્ટ પર તેમજ ૨૨ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૭૬.૪૦ ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે.

ગુજરાતમાં અત્યારસુધીમાં સરેરાશ ૬૮.૯૧ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૨ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં ૭૧ ટકા, કચ્છમાં ૭૦ ટકા, પૂર્વ મધ્યમાં ૬૯ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૬૩ ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટના ધોરાજીમાં ૩ ઇંચથી વધુ, માળિયાહાટીમાં ૨ ઇંચથી વધુ જ્યારે ડાંગ આહવા, અબડાસા, કામરેજ અને સુબીર તાલુકામાં ૨ ઇંચથી વધુ આ ઉપરાંત ૨૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે.

ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૮૭ ટકાથી વધુ વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૦ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨.૭૩ લાખ હેક્ટરમાં સોયાબીન જ્યારે ત્રીજા ક્રમમાં ૮.૪૩ લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતના માછીમારોને તા. ૧૮ થી ૨૧ ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે. વરસ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.

જનક દેસાઈ ——————-
[8/18, 12:20 PM] Dilip Gajjar.Mahiti.Press: *કપાસના ઉભા પાકમાં ગુલાબી, ટપકાવાળી અને લીલી ઈયળના ઉપદ્રવને ઘટાડવા ખેડૂત મિત્રોએ આટલું જરૂર કરવું….!!*
*************
*ખેતી નિયામક કચેરીએ કપાસના પાકમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પગલા સૂચવ્યા*
*************
ખેડૂતો પોતાના ઉભા પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતોના હિતાર્થે વિવિધ રોગ-જીવતના વ્યવસ્થાપન માટેના પગલા સૂચવવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ સિઝનમાં કપાસના ઉભા પાકમાં ગુલાબી ઈયળ, ટપકાવાળી ઈયળ અને લીલી ઈયળ સહિતના રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે કેટલાક મહત્વપૂર્ણ પગલા સૂચિત કરવામાં આવ્યા છે.

*કપાસના પાકમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે આટલું જરૂર કરો:*
• ગુલાબી ઇયળની મોજણી માટે નર ફુદાને આકર્ષતા લ્યુર સાથેના ફેરોમોન ટ્રેપ પ્રતિ એકર બે લગાડવા, રોજ ફુદાની સંખ્યા તપાસવી અને શરૂઆતથી લઇ કપાસની છેલ્લી વીણી સુધી આવા ફેરોમોન ટ્રેપ કપાસ ઉગાડતા દરેક ખેડૂતોએ સામુહિક ધોરણે વાપરવા અને સમયાંતરે તેની લ્યુર બદલવી.

• લીંબોળીનો મીંજ ૪ ટકા + લીંબોળીનું તેલ ૫૦ મીલી અથવા લીમડાયુક્ત દવાનો (૦.૨૫ ટકા) પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ૫૦-૬૦ દિવસે તેનો છંટકાવ કરવો.

• ગુલાબી ઈયળના વ્યવસ્થાપન માટે ગોસીપ્લુર ૪ ટકા આરટીયુ ટ્યુબનાં વટાણાં કદનાં ટપકાંઓ (અંદાજિત ૮૦૦ છોડ/હેક્ટર અથવા ૨૦૦-૨૫૦ ગ્રામ/હેક્ટર) એકાંતરે કપાસની હાર છોડીને બે છોડની વચ્ચે ૫ મીટરનાં અંતરે છોડનાં અગ્ર ભાગે (૩-૪ ઈંચ નીચે) મૂકવા. આ માવજત વાવણીનાં ૪૫, ૭૫ અને ૧૦૫ દિવસે આપવી.

• ગુલાબી ઈયળના જૈવિક નિયંત્રણ માટે ઈંડાની પરજીવી ભમરી, ટ્રાયકોગ્રામેટોઈડી બેક્ટરી ૧ થી ૧.૫ લાખ પ્રતિ હેક્ટરે ૧૫ દિવસના અંતરે ૪ થી ૫ વખત પાનની નીચેની બાજુએ ચીપકાવી વાપરવા.

• કીટનાશકોના છંટકાવની જરૂરિયાત ઉપસ્થિત થાય તો પરજીવી ભમરી છોડ્યા બાદ ૭ દિવસનો ગાળો રાખી છંટકાવ કરવો.

• ક્રાયસોપાને ખેતરમાં હેક્ટર દીઠ ૧૦ હજાર ઈંડા અથવા પ્રથમ અવસ્થાની ઈયળોને બે થી ત્રણ વખત છોડવાથી જીંડવાની ઇયળોનું નિયંત્રણ કરી શકાય.

• ગુલાબી ઇયળના જૈવિક નિયંત્રણ માટે સાવજ એમડીપી ટેક્નોલોજીની ૪૦૦ ગ્રામ પેસ્ટ પ્રતિ હેક્ટર મુજબ (એકસરખા ૧,૦૦૦ ટપકાને બે ડાળીની વચ્ચેની જગ્યા પર), પ્રથમ માવજત જીવાતનો ઉપદ્રવ જણાય (ફૂલ અવસ્થા) ત્યારે અને પછીની બે માવજત, પ્રથમ માવજતના ૩૦ દિવસના અંતરે આપવાની ભલામણ છે.

• કાબરી ઇયળ કપાસના છોડની શરૂઆતની અવસ્થામાં ડૂંખમાં પેસી જઇ ડૂંખને નુક્શાન કરતી હોઇ, ખેતરમાં આવી નુક્શાન પામેલ ડૂંખને હાથથી દબાવી દેવાથી તેમાં રહેલી ઇયળનો નાશ થાય છે.

• લીલી ઇયળનું ફૂદુ કપાસના છોડની ટોચ પરનાં કુમળા ભાગ પર ઈંડા મૂકતી હોઇ, આવા ટોચના પાન ઉપર મુકાયેલા ઈંડા સહિતના પાન વીણી લેવા તથા લીલી ઇયળની મોટી અવસ્થાની ઇયળોનો હાથથી વીણી નાશ કરવો.

• પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોએ ઊભા પાકમાં ઈયળ નિયંત્રણ માટે વાનસ્પતિક કીટનાશકોનો (૬ થી ૮ લીટર કીટનાશક ૨૦૦ લીટર પાણીમાં એક એકર મુજબ) છંટકાવ કરવો.

• ફુલ અવસ્થાએ ફુલોમાં ગુલાબી ઈયળના ઉપદ્રવ અને નુકશાનની ચકાસણી કરવી. મોજણી દરમ્યાન ફુલોમાં ૧૦% નુક્શાન (વિકૃત/ રોસેટ/ બંધ પાંખડીવાળા) જોવા મળે તો ભલામણ કરેલ કીટનાશકોનો છંટકાવ કરવો અને છોડ ઉપર વિકૃત થયેલ (રોસેટ) ફુલો કે ખરી પડેલ ફુલ-ભમરીનો ઇયળ સહિત નાશ કરવો.

• કપાસમાં લીલી ઇયળ અને લશ્કરી ઈયળ માટેનું વિષાણુંયુકત દ્રાવણ અનુક્રમે (એચએનપીવી) ૪૫૦ અને (એસએનપીવી) ૨૫૦ ઇયળ યુનિટ પ્રતિ હેકટરે છાંટવાથી ઈયળોમાં રોગ ઉત્પન્ન થાય છે અને ઈયળ નાશ પામે છે. ખેતરમાં આવી રોગગ્રસ્ત ઈયળો છોડના ટોચના ભાગે ઉંધી લટકેલ જોવા મળે છે. એન.પી.વી. હંમેશા સાંજનાં સમયે છાંટવું.

• ઇયળોનાં નિયંત્રણ માટે કપાસનાં ખેતરમાં થોડા થોડા અંતરે પક્ષી બેસી શકે તે માટે ઝાડની ડાળીઓ ગોઠવવી અને તેની નીચે પાણી ભરી રાખવું જેથી જીવાત ખાનાર પક્ષી તેના પર બેસી ખેતરમાં રહેલી જીવાતો સહેલાઇથી શોધી ખાઇ શકે.

• ગુલાબી ઇયળના કુદરતી પરભક્ષીઓ જેવાં કે બ્રેકોન ગેલેચીડી અને ઇલાસમસ જહોનસ્ટોની કે કોશેટાના પરજીવી માઇક્રોબ્રેકોન લેફરોયની હાજરી જોવા મળે તો ઓછી હાનીકારક કીટનાશકોનો ઉપયોગ કરવો.

• પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાય તો આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.

જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ અથવા જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
*********
[8/18, 1:14 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા*
———-
*શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે પૌરાણિક શિવ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક દર્શન-પૂજનના ઉપક્રમમાં સોમનાથ દાદાના દર્શને શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———-
*સોમનાથ ટ્રસ્ટ દ્વારા આંગણવાડીના ભૂલકાઓ માટે લાડુના દૈનિક પોષણ પ્રસાદ વિતરણનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી*
———-
*સોમનાથ ટ્રસ્ટ અંદાજે ૧ કરોડના ખર્ચે લાડુ પ્રસાદના રૂપમાં ૨૮ ટન પોષણયુક્ત આહાર બાળકોને અપાશે*
———-
*આગામી એક વર્ષમાં ૭ લાખ લાડુ વિતરણ*
———-
*પ્રત્યેક લાડુ પ્રસાદ પેકિંગ ઇકોફ્રેન્ડલી મટીરીયલથી કરાય છે*
————-
*વડાપ્રધાનશ્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “પોષણ ભી પઢાઈ ભી” મંત્રને સોમનાથ મંદિર ટ્રસ્ટે સાકાર કર્યું*
———–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક એવા ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન-અર્ચન અને જલાભિષેક પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે પૌરાણિક શિવ મંદિરોના દર્શન-પૂજનનો ઉપક્રમ શ્રદ્ધાપૂર્વક પ્રયોજયો છે. તદઅનુસાર, શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ, ત્યારબાદ બીજા સોમવારે ભરૂચના કાવી-કંબોઇ ખાતેના સ્તંભેશ્વર મહાદેવ અને ત્રીજા સોમવારે ઐતિહાસિક ધરોહર સમાન વડનગરના હાટકેશ્વર મહાદેવના દર્શન-પૂજન તેમણે કર્યા હતા.

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે મુખ્યમંત્રીશ્રી દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શન પૂજન માટે પહોંચ્યા હતા અને ભોળાનાથના ચરણોમાં શિશ ઝુકાવીને શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને સૌના મંગલની તથા રાજ્ય-રાષ્ટ્રની પ્રગતિ અને સુખાકારીની પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આંગણવાડીના નાના ભૂલકાઓ માટેના લાડુપોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ પણ કરાવ્યો હતો.

વડાપ્રધાનશ્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “પોષણ ભી પઢાઈ ભી”નો મંત્ર આપીને ભૂલકાઓના અભ્યાસ સાથે પોષણની પણ ચિંતા કરી છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ અભિગમને આગળ ધપાવતા આગામી એક વર્ષ માટે ગીર સોમનાથ જિલ્લામાં ૭ લાખ લાડુ પ્રસાદ વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. અંદાજે ૧ કરોડ રૂપિયાના ખર્ચે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ ૨૮ ટન લાડુનો પોષણક્ષમ આહાર આંગણવાડીના બાળકો સુધી પહોંચાડશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવેલા આ દૈનિક પોષણ પ્રસાદ વિતરણમાં આપવામાં આવનારા લાડુના પેકિંગ માટે સોમનાથ ટ્રસ્ટે માનવ હસ્તક્ષેપ વિનાનું ઓટોમેટીક પેકેજીંગ મશીન વિકસાવ્યું છે. આ મશીનના ઉપયોગથી એર ટાઈટ રીતે અને સંપૂર્ણ સ્વચ્છતા સાથે લાડુ પેક કરવામાં આવે છે.

એટલું જ નહીં, પર્યાવરણ જાળવણીના વડાપ્રધાનશ્રીના સંકલ્પને અનુરૂપ આ લાડુના પેકિંગમાં બાયોડીગ્રેડેબલ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવેલો છે. સોમનાથ દાદાના પોષણ પ્રસાદનું વિતરણ આગામી એક વર્ષ સુધી અવિરત કરવાનું આયોજન પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટ સામાજિક સેવાની પરંપરા પણ નિભાવતું આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કેરીની સિઝનમાં “કેરી મનોરથ” યોજીને જિલ્લાની આંગણવાડીના બાળકોને અંદાજિત ૨૫૦૦ કિલો કેરીનું વિતરણ કરવામાં આવે છે. થોડા સમય પહેલાં જ કચ્છની મીઠી મધુરી ખારેકનો સોમનાથ દાદાને મનોરથ કરીને ૧૫૦૦ કિલો ખારેક આંગણવાડીમાં વિતરણ કરવામાં આવી હતી. વિશેષ રૂપે ગીર સોમનાથની આંગણવાડીઓમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા દૈનિક ૫૦ ગ્રામ મગફળી અને ગોળની ચિક્કી પોષણ આહાર સ્વરૂપે એક વર્ષ સુધી વિતરણ કરવામાં આવી હતી.

“સૌના નાથ સોમનાથ” એ ધ્યેય સાથે સમાજના દરેક વર્ગને સ્પર્શતી સેવાઓ સોમનાથ ટ્રસ્ટ પુરી પાડતું આવ્યું છે. સોમનાથ મહાદેવને અર્પિત થતા પીતાંબર તથા માતા પાર્વતીને અર્પિત થતી સાડીઓ વસ્ત્રપ્રસાદ સ્વરૂપે છેલ્લા બે વર્ષમાં ૧૭,૦૦૦થી વધુ જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવી છે.

દર મહિને દાંત રોગ નિદાન કેમ્પ, કૃત્રિમ અંગ વિતરણ, ફિઝિયોથેરાપી સેવા, સર્વ રોગ નિદાન કેમ્પની સેવાનો હજારો લોકોને લાભ મળે છે. ટ્રસ્ટની ગીર ગૌશાળામાં ઉત્તમ ગૌવંશનું સંવર્ધન તથા રાજ્યની ગૌશાળાઓમાં નંદી પ્રસાદ આપીને ગુજરાતની ગૌશાળાઓમાં ગીર ગાયોના વંશ સુદ્રઢીકરણનું કાર્ય પણ સોમનાથ ટ્રસ્ટ કરે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં અખંડ સેવાની ધૂણી ચલાવતું શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ ભક્તો માટે સ્વચ્છતા, પવિત્રતા, સ્વાસ્થ્ય અને સમાનતાનો પર્યાય છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ ટ્રસ્ટની બહુવિધ સેવાકીય પ્રવૃત્તિઓની પણ જાણકારી મેળવી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે. ડી. પરમાર અને સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈએ મુખ્યમંત્રીશ્રીનું સોમનાથ મદિર પરિસરમાં સ્વાગત કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીની સોમનાથ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય સર્વે શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાની, કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા, અગ્રણી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, શ્રી સંજય પરમાર, પૂર્વ ધારાસભ્ય સર્વ શ્રી જશાભાઈ બારડ, રાજશીભાઈ જોટવા, અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, માનસિંહ પરમાર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
———-
[8/18, 1:14 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1wwooq77bU7X9SfOaWcbQga2aZiS7EOLJ?usp=sharing
[8/18, 5:34 PM] Dilip Gajjar.Mahiti.Press: ગુજરાત પોલીસની વધુ એક પ્રશંસનીય કામગીરી

*ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં છલાંગ લગાવનાર યુવક-યુવતીને સી.એમ બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મચારીએ કેનાલમાં કૂદીને બચાવી લીધા*

*યુવક-યુવતીના જીવ બચાવી ‘જીવન આસ્થા કેન્દ્ર’ ખાતે લઈ જઈ તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું*

*ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ એ.એસ.આઈ. વિષ્ણુભાઈની આ પ્રસંશનીય અને સાહસિક કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા*
…..
ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ આજે બપોરે નર્મદા કેનાલના સર્વિસ રોડ પર પોતાની ફરજ દરમિયાન એક યુવક અને યુવતીને આત્મહત્યા કરવા માટે કેનાલમાં કૂદતા જોઈને ત્વરિત બચાવ કાર્યવાહી કરી હતી. તેમણે કોઈ પણ જાતના વિલંબ વિના કેનાલમાં કૂદીને સ્થાનિક લોકોની મદદથી બંનેનો જીવ બચાવ્યો હતો.

આ ઘટના ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોબાથી ઈન્દિરાબ્રિજ માર્ગ પર નભોઈ કેનાલ પાસે બની હતી, જ્યાં એ.એસ.આઈ. વિષ્ણુભાઈ નારણભાઈ મુખ્યમંત્રીશ્રીના બંદોબસ્તમાં ફરજ બજાવી રહ્યા હતા. બપોરે લગભગ દોઢ વાગ્યાના અરસામાં, તેમણે કેનાલમાં એક યુવક અને યુવતીને ઝંપલાવતા જોયા. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને, તેમણે તાત્કાલિક કેનાલમાં કૂદીને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, આસપાસના લોકો પણ મદદ માટે એકઠા થયા અને સંયુક્ત પ્રયાસોથી બંનેને સુરક્ષિત રીતે કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા.

જીવ બચાવ્યા બાદ, બંને યુવક-યુવતીને ગાંધીનગર જિલ્લાના ‘જીવન આસ્થા કેન્દ્ર’ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
એ.એસ.આઈ. વિષ્ણુભાઈની આ પ્રસંશનીય અને સાહસિક કામગીરી બદલ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમની આ કામગીરીએ પોલીસ દળની માનવતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
….
[8/18, 6:17 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫માં મહત્વપૂર્ણ નિર્ણય*
———–
*શહેરોને જોડતા – શહેરોમાંથી પસાર થતાં માર્ગ મકાન વિભાગ હસ્તકના ૯૧ માર્ગો વિકાસ પથ અંતર્ગત અદ્યતન સુવિધાસભર કરવા ૮૨૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા*
———–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરોને જોડતા, શહેરોમાંથી પસાર થતાં રસ્તાઓને વિકાસ પથ અન્વયે અદ્યતન સુવિધાયુક્ત બનાવવા માટે ૮૨૨ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે.

શહેરોના સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત વિકાસ પથ યોજનામાં આવા ૨૩૩ કિલોમીટર લંબાઇના ૯૧ માર્ગોને જરૂરિયાત અનુસાર કામગીરી કરીને અદ્યતન બનાવવામાં આવશે.

રાજ્યમાં શહેરોને જોડતા – શહેરોમાંથી પસાર થતા હોય અને માર્ગ મકાન વિભાગ હસ્તકના હોય તેવા માર્ગોનો આ વિકાસ પથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તદઅનુસાર, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વિકાસપથ યોજના હેઠળ શહેરી વિસ્તારમાંથી પસાર થતા આવા માર્ગોની જરૂરિયાત અનુસાર રસ્તાને પહોળા કરવા, ઈલેક્ટ્રિક પોલ, અદ્યતન રોડ ફર્નિચર, ફૂટપાથ, સ્ટ્રોમવોટર ડ્રેઈન, સ્ટ્રીટ લાઈટ, સી.સી. રોડ, રેલીંગ, જંકશન ડેવલોપમેન્ટ, બસ-બે, મીડિયન બ્યુટીફીકેશન તથા રોડ સેફટી સાથે મજબૂતીકરણ કરીને કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરેલી આ ૮૨૨ કોરોડની માતબર રકમમાંથી વિકાસપથ અન્વયે શહેરના રસ્તાઓ સુદ્રઢ, સુંદર, મજબૂત અને સુવિધાયુકત થવાથી અનેક પ્રકારના ફાયદાઓ થશે અને શહેરી જીવનની ગુણવત્તા સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

એટલું જ નહિ, વાહન વ્યવહારમાં સુરક્ષા વઘશે, ટ્રાફિક જામની સમસ્યા ઘટશે અને મુસાફરીનો સમય ઘટતાં ઇંઘણની પણ બચત થશે. અવાજ અને હવાનું પ્રદૂષણ ઘટતા પર્યાવરણ પર સકારાત્મક અસર થશે, સ્વચ્છ અને વ્યવસ્થિત રસ્તાઓથી જાહેર પરિવહનની સેવાઓ પણ વધુ અસરકારક બનશે.
———
[8/18, 6:38 PM] Dilip Gajjar.Mahiti.Press: *તરણેતરના મેળામાં તા. ૨૬ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન ‘૨૦મો ગ્રામિણ ઓલિમ્પિક’ યોજાશે*
*****************

યુવાનોને રમત ગમત પ્રત્યે વધુ પ્રોત્સાહિત કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા તરણેતરના મેળામાં ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૬ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન યોજાનાર ૨૦માં ગ્રામિણ ઓલમ્પિકમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ૧૦૦ મી.દોડ, ૪૦૦ મી.દોડ, ૮૦૦ મી.દોડ, ગોળાફેંક, લાંબી કુદ, ૪ x ૧૦૦ મી.રીલે દોડ, નારીયેળ ફેંક, સ્ટ્રોન્ગેસ્ટમેન, સાતોડી (નારગોલ), ખાંડના લાડવા ખાવાની હરીફાઇ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં તા.૨૬ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ૧૬ વર્ષ સુધીના ભાઈઓ – બહેનો માટે ૧૦૦ મી.દોડ, ૨૦૦ મી.દોડ, ૮૦૦ મી.દોડ, લાંબીકુદ અને ૧૨ વર્ષના બાળકો માટે લંગડી રમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.૨૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ રોપ સ્કીંપીંગ-દોરડાકુદ રમતનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ૧૨ અને ૧૬ વર્ષથી નાની વયના શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ પોતાની શાળાના આચાર્યના સહી-સિક્કા કરાવીને એન્ટ્રી ફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીને મોકલી આપવાનું રહેશે.

આ ઉપરાંત ઓપન વિભાગ રમતોમાં ભાગ લેવા ભાઈઓ-બહેનો માટે તા.૨૬ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ૧૦૦ મી.દોડ, ૪૦૦ મી.દોડ, ૮૦૦ મી.દોડ, ગોળાફેંક, લાંબી કુદ, ૪ x ૧૦૦ મી.રીલે દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ભાઈઓ માટે નારીયેળ ફેંક, સ્ટ્રોન્ગેસ્ટમેન, સાતોડી (નારગોલ), ખાંડના લાડવા ખાવાની હરીફાઇ, કુસ્તી રમતમાં ૪૫ થી ૫૫ કિ.ગ્રા, ૫૫ થી ૬૮ કિ.ગ્રા અને ૬૮ કિ.ગ્રાથી ઉપરનું વજન ધરાવતા ખેલાડીઓ માટે, વોલીબોલ અને કબડ્ડીમાં ૧૦ ખેલાડીઓની ટીમ માટે રમતનું આયોજન કરવામાં આવ્યું છે.

જ્યારે બહેનો માટે તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ૧૦ ખેલાડીઓની ટીમ માટે વોલીબોલ, કબડ્ડી તેમજ ૫૦ મી.અંતરની માટલા દોડ હરીફાઇનું આયોજન અને તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ૧૦ ખેલાડીઓની ટીમ માટે રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને તેના તાબા હેઠળની જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી –સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે ૨૦માં ગ્રામિણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન કરવામાં આવશે. ચાલુ વર્ષે આ ગ્રામિણ ઓલિમ્પિક ૨૦૨૫-૨૬ તરણેતર લોકમેળામાં તા.૨૬ થી ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન યોજાશે. જેમાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ એન્ટ્રીફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી સ્પોર્ટસ કોમ્પલેક્ષ, કૃષ્ણનગર સામે, મીલ રોડ, લીંબડી-સુરેન્દ્રનગર ખાતેથી તા.૨૦ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં મોકલી આપવાનું રહેશે તેમ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

– પ્રિન્સ ચાવલા

**Janfariyadnews youtube channel*

આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડીયો અને ફોટાઓ અમોને અમારા અખબારી માધ્યમ અને ચેનલમાં પ્રસિદ્ધ કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.

અહીંયા કોઈપણ વિડિયો ફોટાઓને સમાચાર માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરાવી શકે છે.તંત્રી :પ્રદીપ રાવલ