RESULT HIGHLIGHTS HSC GENERAL PURAK 2025
PRESS FOR SSC PURAK EXAM-2025 RESULT
(ગુજરાત સરકાર ના માહિતી ખાતાના સમાચારો)
[7/16, 7:27 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત*
————-
*રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટેની ઐતિહાસિક પહેલ ગણાવી : સંશોધનોથી સ્પષ્ટ થયું છે કે, પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઓછું નથી થતું*
————
આજે નવી દિલ્હીમાં, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ પ્રસંગે, બંને મહાનુભાવો વચ્ચે પ્રાકૃતિક કૃષિને જન આંદોલન બનાવવા અને તેને રાષ્ટ્રીય સ્તરે સફળતાપૂર્વક અમલી બનાવવા અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અમલી કરાયેલા ‘રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન’ની પ્રશંસા કરી અને તેને ભારતના કૃષિ ભવિષ્યની દિશામાં એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પહેલ ગણાવી હતી. તેમણે કહ્યું કે, આ મિશનથી દેશભરમાં પ્રાકૃતિક ખેતી અંગે અભૂતપૂર્વ જાગૃતિ આવી છે. ખેડૂતોમાં રાસાયણિક ખેતીના દુષ્પરિણામોની સમજણ વધી છે. ખેડૂતો વૈકલ્પિક અને ટકાઉ કૃષિ પદ્ધતિ; પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે.
રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રીને જાણકારી આપી હતી કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પદ્ધતિ અપનાવીને લાખો ખેડૂતોએ ખર્ચમાં ઘટાડો, જમીનની ફળદ્રુપતામાં વધારો અને ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો અનુભવ્યો છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો કે, આ દિશામાં રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને ગુજરાતના બિન-સરકારી સંગઠનોને સામેલ કરીને પ્રાકૃતિક ખેતીને એક વ્યાપક આંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેશના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને કૃષિ ક્ષેત્રમાં એક નવી હરિયાળી ક્રાંતિ લાવશે, જે રસાયણમુક્ત, પર્યાવરણને અનુકૂળ અને માનવ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, તેમના સશક્ત નેતૃત્વ હેઠળ ભારત આત્મનિર્ભરતા, જૈવવિવિધતા અને ગ્રામીણ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે, પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ, પ્રાકૃતિક ખેતી મિશન માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક આદર્શ મોડેલ સાબિત થશે.
———
[7/16, 7:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના વિકાસને ગતિ આપતા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરી પ્રગતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ*
——-
*રાજ્ય સરકારના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષાના ઉપક્રમમાં અંદાજે રૂ.૧૧,૭૩૫ કરોડના બહુવિધ ૧૨ પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી*
——-
_*::મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ::*_
* વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ ઈન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટના દિશા સૂચક છે.
* પ્રોજેક્ટ્સ તેના નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે અવશ્યપણે સુનિશ્ચિત કરીએ.
——-
_*મુખ્યમંત્રીશ્રીએ મુખ્યત્વે સમીક્ષા કરેલા પ્રોજેક્ટ*_
* વડાપ્રધાનશ્રીની વતનભૂમિ ઐતિહાસિક નગરી વડનગરનું ઇન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ
* હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ અંબાજી
* પાવાગઢ શ્રી મહાકાળી માતા મંદિર વિકાસ
* કચ્છના સરહદી વિસ્તારમાં ક્રિક ડેવલપમેન્ટ એન્ડ મેનગ્રુવ્ઝ પ્લાન્ટેશન
* પોરબંદર ઘેડના મોકર સાગર – કર્લી રિચાર્જનો વૈશ્વિક પ્રવાસન ધામ તરીકે વિકાસ
* દ્વારકા કોરિડોર
* શિવરાજપુર અને સોમનાથ બીચ ડેવલપમેન્ટ
* કંથારપુર મહાકાળી વડનો વિકાસ
* ધરોઈ ડેમનું ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ
* ધોલેરા SIRમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર – સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર એમિનીટીઝ ડેવલપમેન્ટ
* અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨ મોટેરાથી મહાત્મા મંદિર
* સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ
——–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વગ્રાહી વિકાસને ગતિ આપતા હાઈપ્રાયોરિટી પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષાના ઉપક્રમ અંતર્ગત કુલ રૂ. ૧૧,૭૩૫ કરોડના ૧૨ જેટલા બહુવિધ પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ વિભાગોના વરિષ્ઠ સચિવો અને અમલીકરણ અધિકારીઓને કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના વિઝનને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ ઈન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટના દિશાસૂચક છે.
આ પ્રોજેક્ટ્સ તેના નિર્ધારિત સમયમાં અવશ્યપણે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા તેમણે અધિકારીઓને સુચન કરવા સાથે પ્રોજેક્ટ્સના ક્વોલિટી વર્ક માટે સંબંધિત વિભાગો સતત ફોલોઅપ અને ફિલ્ડ વિઝીટ દ્વારા મોનિટરિંગ કરતા રહે તેવી તાકીદ પણ કરી હતી.
મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો સાથે મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં આ સમીક્ષા બેઠક યોજી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતન ભૂમિ અને ઐતિહાસિક નગરી વડનગરના ઈન્ટિગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે પાંચ જેટલા પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે તેની ચાલી રહેલી કામગીરીની વિગતો તેમણે મેળવી હતી.
વડનગરના આ પાંચ પ્રોજેક્ટ્સમાં શર્મિષ્ઠા તળાવ ખાતે એક્વા સ્ક્રિન પ્રોજેક્શન એન્ડ મ્યુઝીકલ ફાઉન્ટેન, રેલવે સ્ટેશન પાસે જાહેર કેન્દ્ર અને પરીવન કેન્દ્રનો વિકાસ, ઐતિહાસિક સપ્તર્ષિ આરો અને દાઈ તળાવનું બ્યુટીફિકેશન તેમજ તાના-રીરીના ભવ્ય સંગીત વારસાને શ્રદ્ધાંજલિ રૂપ સંગીત સંગ્રહાલયના કામોનો સમાવેશ કરવામાં આવેલો છે.
પ્રવાસન વિભાગ દ્વારા હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ અંબાજી, પાવાગઢ મહાકાળી માતા મંદિર વિકાસ કામો, ક્રિક ડેવલપમેન્ટ એન્ડ મેનગ્રુવ્સ, પોરબંદરના મોકર સાગરનો વૈશ્વિક પ્રવાસન ધામ તરીકે વિકાસ, દ્વારકા કોરિડોર, શિવરાજપુર અને સોમનાથ બીચ ડેવલપમેન્ટ તથા કંથારપુર મહાકાળી વડ અને ધરોઈ ડેમ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ મળીને કુલ અંદાજે રૂ.૪,૧૮૪ કરોડના બહુવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સીટી તરીકે વિકસી રહેલા ધોલેરા SIRમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ, એક્સપ્રેસવે, ધોલેરા ભીમનાથ રેલ્વે લાઈન જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ તેમજ હોસ્પિટલ, સ્કૂલ, ફાયર સ્ટેશન અને ફૂડ કોર્ટ જેવા સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સ મળીને ૭૫૫૧ કરોડ રૂપિયાના જે પ્રોજેક્ટ્સ નિર્માણાધિન છે તેની પ્રગતિની વિગતો મેળવી હતી.
આ ઉપરાંત ધોલેરામાં હોટેલ્સ, શોપીંગ મોલ્સ, લેન્ડ સ્કેપીંગ અને ગાર્ડન, ટેન્ટ સીટી અને આવાસીય સુવિધા જેવી સોશિયલ એમેનીટીઝ તેમજ દરિયા નજીકની જમીનમાં ગ્રીન વોલ અન્વયે ૫૧૬ હેક્ટરમાં મેનગ્રુવ્ઝ અને વન કવચ ઊભું કરવાના થનારા કામો અંગે પણ સમીક્ષા કરી હતી.
ધોલેરા સેમીકન્ડક્ટર સેક્ટરનું હબ બની રહ્યું છે અને વિશ્વની ખ્યાતનામ સેમીકન્ડક્ટર ચીપ ઉત્પાદન કંપનીઝ પોતાના એકમો ધોલેરામાં સ્થાપી રહી છે તે ધ્યાનમાં લેતા મુખ્યમંત્રીશ્રીએ આ બધા જ માળખાકીય સુવિધાના પ્રોજેક્ટ્સ ઝડપભેર પૂર્ણ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનું સૂચન પણ કર્યુ હતુ.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમીટેડ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-૨ની કામગીરી અંતર્ગત મોટેરાથી મહાત્મા મંદિર સુધીના પ્રગતી હેઠળના પ્રોજેક્ટ્સની વિગતો તેમજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના બે કોરીડોરના બાંધકામ નિર્માણ પ્રોજેક્ટની પણ આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા થઈ હતી.
મુખ્યમંત્રીશ્રીએ બધા જ હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની પ્રારંભિક કામગીરી અને પ્રગતિથી લઈને પ્રોજેક્ટ્સ પૂર્ણતા સુધી સંબંધિત વિભાગોના સંકલન માટે મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં રચેલી હાઈ લેવલ કમિટીની બેઠકો સમયાંતરે યોજીને મુખ્ય સચિવશ્રી કક્ષાએ સમીક્ષા હાથ ધરવા પણ સૂચન કર્યું હતું.
જે પ્રોજેક્ટ્સમાં કેન્દ્રીય એજન્સીઓ અને મંત્રાલયો પણ સંકળાયેલા છે તેની સાથે પણ સતત ફોલોઅપ અને સંકલન માટે રાજ્ય સરકારના જે તે વિભાગોના વરિષ્ઠ સચિવોને મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, પ્રોજેક્ટ્સ સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ.એસ. રાઠૌર, વિભાગોના અગ્ર સચિવશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તથા સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં સહભાગી થયા હતા.
—–
[7/17, 11:02 AM] Dilip Gajjar.Mahiti.Press: *શિક્ષણમાં સમરસતાની સાથે પારદર્શીતાનો સમન્વય*
***********************
*સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ૧૬૧ સરકારી-સમરસ છાત્રાલયોમાં ૧૬,૫૯૭ વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રથમ મેરીટ યાદી પ્રસિદ્ધ કરાઈ*
***************************************
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા અને રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ૧૬૧ સરકારી-સમરસ છાત્રાલયમાં નવા સત્રમાં પ્રવેશ મેળવનાર કુલ ૧૬,૫૯૭ વિદ્યાર્થીઓની ઓનલાઈન મેરીટ યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. આજે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એમાં નવા સત્રમાં અરજી કરનાર વિદ્યાર્થીઓ સિવાયના તમામ વિદ્યાર્થીઓની પ્રથમ રાઉન્ડની યાદી જાહેર કરવામાં આવી છે.
આ મેરીટ યાદીમાં અનુસૂચિત જાતિ કલ્યાણ હેઠળ ૮૦ છાત્રાલયોના ૨,૨૩૧ કુમાર અને ૧,૬૭૧ કન્યા મળીને કુલ ૩,૯૦૨ વિદ્યાર્થીઓ તેમજ વિકસતી જાતિ ક્લ્યાણ હેઠળ ૫૮ છાત્રાલયોના ૧,૮૫૫ કુમાર અને ૯૬૫ કન્યા મળીને કુલ ૨,૮૨૦ વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ છે. આ ઉપરાંત સમરસ છાત્રાલય સોસાયટી હેઠળના ૨૩ છાત્રાલયોના ૫,૩૨૨ કુમાર અને ૪,૫૫૩ કન્યા મળીને ૯,૮૭૫ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.
પસંદગી પામેલા વિદ્યાર્થીઓને જરૂરી દસ્તાવેજોનું વેરિફિકેશન કરી વર્ષ ૨૦૨૫-૨૬ માટે છાત્રાલયોમાં પ્રવેશ આપવામાં આવશે. આજે મેરીટ યાદીમાં પસંદગી પામનાર વિદ્યાર્થીઓને મોબાઈલમાં SMS માધ્યમથી જાણકારી આપવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના વિવિધ સરકારી છાત્રાલયો તેમજ સમરસ છાત્રાલયોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી, આ અરજીઓની ચકાસણી બાદ મેરીટ આધારે પ્રવેશ આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ જાતિના બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે અને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે રાજ્યમાં સરકારી છાત્રાલયો શરૂ કરાવવામાં આવ્યા છે. આ છાત્રાલયોમાં ધો-૧૧ થી લઈ પી.એચ.ડી સુધીના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધાઓ અને સગવડો સાથે પ્રવેશ આપવામાં આવે છે.
આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહીદ, અનુસુચિત જાતિ કલ્યાણ નિયામક શ્રી રચિત રાજ, વિકસતી જાતિ કલ્યાણ નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
********************************
ઋચા રાવલ
[7/17, 12:07 PM] Dilip Gajjar.Mahiti.Press: *સુધારેલી યાદી*
——
*’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવતા વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી*
************
*’અટલ લેક્ચર સિરીઝ’થી અટલજીના દ્રષ્ટિકોણને વધુ ઊંડાણપૂર્વક સમજવા અને રાષ્ટ્રપ્રથમની ભાવનાને વધુ બળ મળશે :- મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી*
************
*અટલજીનું જીવન દેશને સુશાસન તરફ જોડતી અમૂલ્ય કડી :- વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ*
***********
ARTD-GAD સ્પીપા, ગાંધીનગર દ્વારા આયોજિત અને ‘ધ સેક્રેટ્રીએટ’ના સહયોગથી પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે- ગુડ ગવર્નન્સને ધ્યાનમાં રાખીને ‘અટલ લેકચર સિરીઝ’નું શુભારંભ વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે,પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે, રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૫-૨૬માં સ્પીપા દ્વારા દેશ અને રાજ્યની પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે મળીને “અટલ સંસ્કાર વ્યાખ્યાન શ્રેણી”નું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. જેમાં દેશ અને રાજ્યભરના વિવિધ વિષયના નિષ્ણાંતો ભાગ લઈને ગુડ-ગવર્નન્સ અને દેશની નીતિઓને લગતા મુદ્દાઓ પર વ્યાખ્યાયન કરશે. જેના ભાગરૂપે ‘અટલ લેક્ચર સિરીઝ’ શ્રેણીનો પહેલો વ્યાખ્યાન સ્પીપા, ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવ્યો હતો.
વધુમાં તેમણે ઉમેર્યું કે, ‘અટલ લેક્ચર સિરીઝ’ પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતિ માત્ર એક વર્ષગાંઠની ઉજવણી નહીં, પરંતુ એક એવા જીવનની ઉજવણી છે કે, જે સંપૂર્ણ રીતે રાષ્ટ્રસેવામાં સમર્પિત રહ્યા છે. અટલજીના ગુડ-ગવર્નન્સના પરિણામે આજે ભારતભરમાં તા.૨૫ ડિસેમ્બરે ‘સુશાસન દિન’ની ઉજવણી કરવામાં આવે છે.
વધુમાં શ્રી જોશીએ કહ્યું કે, ‘અટલ લેક્ચર સિરીઝ’ અટલજીના વિચારો અને મૂલ્યોને માત્ર સ્મરણ કરવાનું સાધન નથી, પરંતુ દેશના વિદ્યાર્થીઓ,યુવાનો અને નાગરિકોને પ્રેરિત કરતી એક નવી દિશા છે. પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલજીના જીવનમાં લોકશાહી, વિકાસ અને વિદેશ નીતિ જેવા મુદ્દાઓ ખૂબ મહત્વના રહ્યા છે. આ તમામ વિષયો પર ચર્ચા અને વિચારમંથન કરવા માટે આ મંચ એક મહત્વપૂર્ણ અવસર છે. ‘અટલ લેક્ચર સિરીઝ’ અટલજીના દ્રષ્ટિકોણને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદરૂપ રહેશે અને રાષ્ટ્રપ્રથમની ભાવનાને વધુ બળ મળશે તેમ મુખ્ય સચિવશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર પરિષદના સભ્ય તેમજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રુપના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. સોમ્ય કાંતિ ઘોષે ભારતીય અર્થતંત્ર તથા પ્રશાસકીય સુધારામાં શ્રી બાજપાયીજીના યોગદાનને યાદ કર્યા હતા. તેમજ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીના સમયના ભારત તેમજ તેઓ દ્વારા ઘડવામાં આવેલી વિવિધ નીતિઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, અટલજીનું જીવન દેશને સુશાસન તરફ જોડતી અમૂલ્ય કડી છે જેના ભાગરૂપે દેશના વિવિધ ક્ષેત્રો જેમ કે, બેંકિંગ ક્ષેત્રના સુધારા, ટેલિકોમ ઉદ્યોગમાં ક્રાંતિ, પાવર ક્ષેત્રના સુધારા, ખાનગીકરણ, વીમા ક્ષેત્રની વૃદ્ધિ, પેન્શન અને પરિવહન ક્ષેત્રે વૃદ્ધિ ,દેશની મૂડી-ખર્ચ, રાજકોષીય નીતિ, ‘ઓપરેશન શક્તિ’ જેવા વિવિધ વિષયો પર પ્રકાશ પાડી દેશના વિકાસ વિશે આંકડાકીય માહિતી આપી હતી. તેઓએ વિકસિત ભારતમાં ટકાઉ કૃષિ બજારના અમૂલ્ય યોગદાન વિશે પણ સૌને માહિતગાર કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે,ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપાયીજીની 100 મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર સમગ્ર વર્ષ દરમિયાન ગુડ ગવર્નન્સ સંબંધિત વિષયો પર ‘અટલ વ્યાખ્યાનમાળા’નું આયોજન કરે છે. આ વ્યાખ્યાનમાળાનું પ્રથમ વ્યાખ્યાન સ્પીપા કેમ્પસ, ગાંધીનગર ખાતે તા. ૧૬ જુલાઈના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે,શ્રી ઘોષે ભારતમાં મુખ્ય આર્થિક નીતિઓને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે, તેમજ એક અગ્રણી અભ્યાસના સહ-લેખક તરીકે ભારતમાં ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારના પગારપત્રક ડેટાને એકત્રિત કર્યા છે. જેના કારણે EPFO અને ESIC દ્વારા માસિક પગારપત્રક ડેટા બહાર પાડવામાં આવ્યો હતો. ડો ઘોષ દ્વારા COVID-19 રોગચાળા દરમિયાન ખેડૂતો માટે PM-KISAN યોજના અને MSME તેમજ ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના (ECLGS)ને આકાર આપવામાં શ્રી ઘોષનું મહત્વનું યોગદાન રહ્યું છે.
આ પ્રંસગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર સહિત વિવિધ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી,સચિવશ્રી,વડાઓ તેમજ મોટી સંખ્યામાં અધિકારીઓ – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
– ધ્રુવિ ત્રિવેદી / પ્રિન્સ ચાવલા
*****************
[7/17, 1:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *તિહાર જેલ પરિસરમાં ‘એક કદમ પ્રાકૃતિક કૃષિ કી ઓર’ વિષયક વિશેષ કાર્યક્રમ યોજાયો*
————
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના અનુભવો વર્ણવીને કેદીઓ તથા જેલ સ્ટાફને માર્ગદર્શન આપ્યું*
————–
*પ્રાકૃતિક ખેતી એ માત્ર કૃષિ પ્રદ્ધતિ નથી, તે પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્ર નિર્માણ માટે એક વિશાળ જન આંદોલન છે : શ્રી આચાર્ય દેવવ્રતજી*
————
*તિહાર જેલમાં શરૂ થયેલી પ્રાકૃતિક ખેતી કેદીઓ માટે આત્મનિર્ભરતાનું માધ્યમ બનશે, પ્રાકૃતિક કૃષિ પેદાશોનું ‘તિહાર હાટ’ દ્વારા વેચાણ કરાશે : દિલ્હી સરકારના ગૃહમંત્રી શ્રી આશિષ સૂદ*
————–
નવી દિલ્હીની તિહાર જેલના પરિસરમાં ‘એક કદમ પ્રાકૃતિક કૃષિ કી ઓર’ વિષય પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાના પ્રાકૃતિક કૃષિ અંગેના અનુભવો વર્ણવ્યા હતા અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે, દિલ્હી સરકારના ગૃહ, ઉર્જા અને શિક્ષણ મંત્રી શ્રી આશિષ સૂદ, ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રી એ. અન્બરાસુ તેમજ જેલના ડિરેક્ટર જનરલ શ્રી સતીશ ગોલચા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તિહાર જેલ પરિસરમાં ઉપલબ્ધ ખેતીલાયક જમીન પર પ્રાકૃતિક ખેતી કરવા તથા જેલમાં રહેલા કેદીઓને પણ આ પદ્ધતિની તાલીમ આપવાનું સૂચન કર્યું હતું, જેથી જેલમાંથી બહાર આવ્યા પછી કેદીઓ ફરીથી સમાજમાં સન્માનજનક જીવન જીવી શકે અને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે.
પ્રધાનમંત્રીના આ સર્જનાત્મક અને પુનર્વસનલક્ષી વિચારને અનુલક્ષીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તિહાર જેલમાં જેલ વહીવટીતંત્ર અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે કેદીઓને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી થતા ફાયદાઓ સમજાવ્યા હતા. આ ઉપરાંત, તેમણે પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક આધાર, માટી અને પર્યાવરણનું રક્ષણ, માનવ સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન જેવા મહત્વપૂર્ણ પાસાઓ અંગે માહિતી આપી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમના પ્રેરણાદાયી સંબોધનમાં રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવો વિશે કહ્યું કે, રાસાયણિક ખેતી લાંબા ગાળે જમીનની ફળદ્રુપતાને તો નષ્ટ કરે જ છે, પણ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે પણ અત્યંત હાનિકારક છે. તેમણે કહ્યું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો અંધાધુંધ ઉપયોગ જમીનની જૈવિક રચનાને નુકસાન પહોંચાડે છે, પાણીને પ્રદૂષિત કરે છે અને તેનાથી ઉત્પાદિત અનાજમાં પોષક તત્વોની માત્રામાં પણ ઘટાડો કરે છે, જેનાથી આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે.
રાજ્યપાલશ્રીએ ઓર્ગેનિક-જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો મૂળભૂત તફાવત સમજાવતાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતી એ ઝીરો બજેટ, ટકાઉ અને સર્વાંગી ખેતી પદ્ધતિ છે, જે ખેડૂતની આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે અને પર્યાવરણના સંરક્ષણમાં પણ મદદ કરે છે. તેમણે કહ્યું કે, આ પદ્ધતિમાં ગાયના છાણ, ગૌમૂત્ર અને પ્રાકૃતિક ખાતર જેવા સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતાને પુનર્જીવિત કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી, માટે ખેતીનો ખર્ચ ઘણો ઓછો થાય છે. પરિણામે, ઉત્પાદન સ્વસ્થ, પૌષ્ટિક અને સંપૂર્ણપણે રસાયણમુક્ત બને છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
તેમણે એમ પણ કહ્યું કે, પ્રાકૃતિક ખેતી માત્ર ભૂગર્ભજળ અને જૈવવિવિધતાનું રક્ષણ જ નથી કરતી, પરંતુ ખેડૂતોને બાહ્ય ઇનપુટ્સ અને લોનના બોજમાંથી પણ મુક્ત કરે છે, જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બને છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કેદીઓને પ્રાકૃતિક ખેતીને માત્ર કૃષિ તકનીક તરીકે નહીં, પરંતુ પર્યાવરણીય સંરક્ષણ અને રાષ્ટ્ર નિર્માણ માટે એક વિશાળ જન આંદોલન તરીકે ગણવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ પદ્ધતિ માત્ર ખેતીનું ભવિષ્ય જ નથી, પરંતુ એક નવી જીવનશૈલીનો માર્ગ પણ પ્રશસ્ત કરે છે.
દિલ્હી સરકારના ગૃહ, ઉર્જા અને શિક્ષણ મંત્રી શ્રી આશિષ સૂદે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના અભિયાનની પ્રશંસા કરતાં કહ્યું કે, ગુજરાતમાં 9.5 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમણે કહ્યું કે, તિહારમાં શરૂ થયેલી પ્રાકૃતિક ખેતી કેદીઓ માટે ના માત્ર આત્મનિર્ભરતાનું સાધન બનશે, તેનાથી ઉત્પાદિત પેદાશોનો ઉપયોગ જેલના રસોડામાં પણ થશે અને વધારાની પેદાશોનું ‘તિહાર હાટ’ દ્વારા વેચાણ કરવામાં આવશે.
આ પ્રસંગે મહાનુભાવોએ સેન્ટ્રલ જેલ નંબર 1 ની મુલાકાત લીધી હતી, જ્યાં કેદીઓની મદદથી પ્રાકૃતિક ખેતી શરૂ કરવામાં આવી રહી છે. મહાનુભાવોએ સેન્ટ્રલ જેલ નંબર 4 ની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમને જેલમાં સ્થાપિત આર્ટ ગેલેરી અને જ્યુટ બેગ, LED યુનિટ વગેરે જેવી ઇન-હાઉસ ઉત્પાદન પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
જેલના ડિરેક્ટર જનરલ શ્રી સતીશ ગોલચાએ મહેમાનોનું સ્વાગત કરતાં, કેદીઓના કલ્યાણ માટે જેલ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિવિધ પહેલો અને જેલમાં શરૂ કરવામાં આવેલી પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી હતી.
——————-
[7/17, 2:51 PM] Dilip Gajjar.Mahiti.Press: ભારતના રાષ્ટ્રપતિએ સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો પ્રદાન કર્યા
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2145462
[7/17, 4:43 PM] Dilip Gajjar.Mahiti.Press: *કુરિવાજનો અંત અને એકતા પ્રત્યેનો વિજય*
________
*દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન કરાવતા ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી*
________
*ચડોતરુંના કારણે ૧૨ વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા ૨૯ આદિવાસી પરિવારોની સ્વમાનભેર ઘરવાપસી*
_________
*છેવાડાના ગામડાઓ સુધી પહોંચીને વિકાસને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર હંમેશા અગ્રેસર:- મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી*
_________
*બનાસકાંઠા પોલીસ વિભાગની સુરક્ષા સાથે સામાજિક કાર્યો માટે કરવામાં આવેલી પહેલ પ્રશંસાપાત્ર:-મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી*
_________
(માહિતી બ્યુરો, પાલનપુર)
સમાચાર સંખ્યા:- ૪૭૦/૫૦
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ આજરોજ બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના ૨૯ કોદરવી પરિવારના ૩૦૦ જેટલા સભ્યોનું પુનર્વસન કરાયું હતું. આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુંના કારણે મોટા પીપોદરા ગામમાંથી ૧૨ વર્ષ પહેલા હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને કોદરવી પરિવારના ૩૦૦ જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા. ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે આદિવાસી સમાજના આ પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ યોજાયો હતો.
મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને મહાનુભાવોએ “એકતા એ સમાજનો સાચો અવતાર, વેર એ અંધકારનો ભાર” તક્તિનું અનાવરણ કરીને બે સમાજના આગેવાનોને એક કર્યા હતા. મંત્રીશ્રીએ આદિવાસી સમાજના બંધુઓને કુમકુમ તિલક સાથે ગૃહ પ્રવેશ કરાવ્યો હતો તથા ભૂમિપૂજન સાથે ખેતરમાં મકાઈનું વાવેતર કરાવ્યું હતું. મંત્રીશ્રીએ આદિવાસી સમાજના બંધુઓને શૈક્ષણિક કીટ, રાશન કીટ, દિવ્યાંગ ભાઈને વ્હીલ ચેર તથા પ્રશંસાપાત્ર એનાયત કરાયા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશના આદિવાસી બાંધવો માટે ઐતિહાસિક દિવસ છે. આજનો દિવસ કુરિવાજની નાબૂદી, ઉન્નતિ, ખુશાલી અને પારિવારિક આદર સાથે પુનર્વસનનો મહત્વપૂર્ણ દિવસ છે. તેમણે તકરારને બદલે સમાધાન તરફ આગળ વધવા બદલ આદિવાસી સમાજના પંચના વડીલોને અભિનંદન પાઠવી સ્ટેજ પર બોલાવી સન્માન કર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકાસ સાથે આંતરિયાળ તથા છેવાડાના ગામડાઓ સુધી આજે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પહોંચી છે જેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
મંત્રીશ્રીએ બનાસકાંઠા પોલીસ વિભાગની સુરક્ષા સાથે સામાજિક કાર્યો માટે કરવામાં આવેલી પહેલને બિરદાવી હતી. તેમણે દરેક મુશ્કેલીમાં લોકોની સેવામાં સતત ખડેપગે રહેલ તથા સેવાનું બીજું નામ એટલે કે પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે રેન્જ આઈ.જી.શ્રી ચિરાગ કોરડિયા તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા અને ટીમ દ્વારા ૧૪ વર્ષના વેરને સમાધાન કરાવીને સામજિક વ્યવસ્થા માટે કરાયેલ કામગીરીને વધાવીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, આદિવાસી બાંધવો માટે હવે અહીં સરકારશ્રી તથા સામાજિક સંસ્થાઓના સહયોગથી આવાસ બનાવાશે તથા તમામ જીવન જરૂરિયાત સુવિધાઓ ઉભી કરાશે જેથી કરીને આ સમાજના લોકો ખેતી સાથે પોતાની માનભેર જિંદગી વિતાવશે.
ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડોતરું એટલે કે વેર લેવાની પરંપરા. આ ચડોતરું કુરિવાજને કારણે દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી ૧૨ વર્ષ પહેલા સ્થળાંતર કરીને કોદરવી સમુદાયના ૨૯ પરિવારોના ૩૦૦ જેટલા સભ્યો પાલનપુર તથા સુરત ચાલ્યા ગયા હતા. મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સંપર્ક કર્યો. ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠકો કરી આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરાઈ હતી.
આ પરિવારોની આ ગામમાં ૮.૫ હેક્ટર જેટલી જમીન પણ છે. બનાસકાંઠા પોલીસે આ જમીન ક્યાં છે તે જગ્યા અને તેની માપણી સહિતની કામગીરી ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ સાથે સંકલનમાં રહીને પૂર્ણ કરી હતી. ઝાડી ઝાંખરા ઊગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરી ખેતીલાયક કરી આપી. ઉપરાંત આ પરિવારો માટે હાલમાં બે મકાન તૈયાર કરાવી આપ્યા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે મળીને બાકીના પરિવારોને પણ ટૂંક સમયમાં મકાન તેમજ અન્ય જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે પ્રકારની કામગીરી થઈ રહી છે.
આ કાર્યક્રમમાં રેન્જ આઈ.જી.શ્રી ચિરાગ કોરડિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા દ્વારા આભાર વિધિ રજૂ કરાઈ હતી. કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સુમન નાલા, જિલ્લા અગ્રણીશ્રી કનુભાઈ વ્યાસ, શ્રી પી.એન.માળી સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના બાંધવો ઉપસ્થિત રહ્યા હતા.
***
[7/17, 5:26 PM] Dilip Gajjar.Mahiti.Press: પોલીસ, જેલ અને ન્યાયપાલિકાના સંકલનથી
*કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર*
…..
*૨૩ યુનિટ સોફ્ટવેર બેઝ્ડ વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ સહિત હાલમાં રાજ્યની જેલોમાં કુલ ૮૩ વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ કાર્યરત*
…..
*છ મહિનામાં ૫૩,૬૭૨ કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા: માનવ સંસાધન અને સમય ઉપરાંત ખુબ મોટી નાણાકીય બચત થઇ*
….
• *ન્યાયપ્રક્રિયામાં તેજ ગતિની સાથે પીડિતોને ઝડપી ન્યાય અને ગુનેગારને કડક સજા અપાવવામાં આ માધ્યમ પણ એક મહત્વનું પાસુ*
• *ગુજરાત સમગ્ર ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે*
….
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સમગ્ર ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે. પોલીસ, જેલ અને ન્યાયપાલિકાના સંકલનથી કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. રાજ્યની જેલોમાંથી મહત્તમ કેદીઓને નામદાર કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગ (VC) સિસ્ટમ દ્વારા રજૂ કરવાની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેના પરિણામે પોલીસ વિભાગને માનવ સંસાધન, સમય અને નાણાકીય બચત પણ થઈ રહી છે.
રાજ્યની જેલોમાં કેદીઓને નામદાર કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સ સિસ્ટમ મારફત રજૂ કરવાની પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા માટે, વર્ષ ૨૦૨૨માં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યભરની કોર્ટો ખાતે કુલ ૧૧૦૦ યુનિટ વીસી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી, જેમાં રાજ્યની જેલો ખાતે ૨૩ યુનિટ સોફ્ટવેર બેઝ્ડ વીસી સિસ્ટમ ફાળવવામાં આવી છે. હાલમાં, રાજ્યની જેલો ખાતે કુલ ૮૩ વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ કાર્યરત છે.
ગુજરાત જેલ વિભાગના આંકડા દર્શાવે છે કે આ પદ્ધતિ અપનાવવાથી સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે. વર્ષ ૨૦૨૪ (જાન્યુઆરી થી જૂન-૨૦૨૪) દરમિયાન ગુજરાત જેલ વિભાગના તાબા હેઠળની તમામ જેલો દ્વારા ૪૦,૬૩૩ કેદીઓને એટલે કે સરેરાશ ૨૯% કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ આંકડો વર્ષ ૨૦૨૫ (જાન્યુઆરી થી જૂન-૨૦૨૫) દરમિયાન વધીને સરેરાશ ૪૧% થયો છે, એટલે કે કુલ ૫૩,૬૭૨ કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જે આ પદ્ધતિની સફળતા અને વધતા ઉપયોગને સ્પષ્ટપણે દર્શાવે છે.
આ પ્રણાલીના અસરકારક અમલથી પોલીસ વિભાગમાં માનવ સંસાધનો, સમય અને નાણાકીય બચત થઈ છે. જાપ્તામાં રોકાયેલા કર્મચારીઓને અન્ય જગ્યાએ ફરજો સોંપવાનું પણ શક્ય બન્યું છે, જેનાથી વિભાગની કાર્યક્ષમતામાં વધારો થયો છે. આ પદ્ધતિ ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થઈ છે, જેના પરિણામે ભોગ બનનારને ઝડપી ન્યાય અને ગુનેગારને સજા મળે છે.
કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, જે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ન્યાય પ્રણાલીને સુધારવા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય અને જેલ ડીજીપી શ્રી કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ આ પહેલને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.
—
[7/17, 6:59 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાને રૂ.૧૧૦ કરોડના વિકાસ કામોના પ્રકલ્પોની ભેટ આપશે*
——–
૪૪ લાખ રૂપિયાની સહાય નું વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને વિતરણ અને વિદ્યા સહાયકોને નિયુક્તિ પત્ર અર્પણ કરાશે*
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાને શુક્રવાર, ૧૮મી જુલાઈએ ૧૧૦ કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે.
સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપુત પણ મુખ્યમંત્રીશ્રી સાથે સહભાગી થવાના છે.
મુખ્યમંત્રીશ્રી પાટણ જિલ્લાના ગામોના આરોગ્ય કેન્દ્ર, શાળાના ઓરડાઓ તથા ડ્રેનેજ સિસ્ટમ, પુર સંરક્ષણ દિવાલ અને સાંતલપુર ખાતે નવી સરકારી આર્ટસ કોલેજ ભવન સહિત આરોગ્ય, શિક્ષણ, માર્ગ મકાન, સિંચાઈ અને શહેરી વિકાસ વિભાગના કુલ ૧૦૧ જેટલા કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવાના છે.
કલ્યાણપુરાના ચામુંડા માતાજી મંદિર પરિસરમાં શુક્રવારે સવારે ૧૦ વાગ્યે યોજનારા આ કાર્યક્રમમાં તેઓ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને રૂપિયા ૪૪ લાખની સહાયનું વિતરણ કરશે.
સાંતલપુર તાલુકામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ માટે સ્થળ પસંદગી પ્રક્રિયા અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રતિક રૂપે વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતસિંહ ડાભી તેમજ રાધનપુર, ચાણસ્મા, પાટણના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
——
[7/17, 7:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના જિલ્લા – તાલુકા પંચાયતોના માળખાને વધુ સંગીન બનાવવાનો અભિગમ*
——-
*રાજ્યની ૨૧૧ તાલુકા પંચાયતો પોતાના ભવન ધરાવે છે હવે વધુ ૧૧ તાલુકા પંચાયતોને નવા તાલુકા પંચાયત ભવન નિર્માણ માટે મુખ્યમંત્રીશ્રીની વહીવટી મંજૂરી*
———
*ડાંગ-અમદાવાદ-ખેડા-છોટાઉદેપુર-પાટણ-બનાસકાંઠા-ભાવનગર-અમરેલી-ગીર સોમનાથ-મહીસાગર અને રાજકોટ જિલ્લામાં તાલુકા પંચાયતની નવી કચેરીઓ સોલાર રૂફટોપ અને વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર સાથે નિર્માણ થશે*
——–
*૧૦૪ તાલુકા પંચાયત ભવનમાં સોલાર રૂફટોપ – ૩૧માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સુવિધા*
——-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એવી જિલ્લા અને તાલુકા પંચાયતોના માળખાને વધુ સંગીન અને સુવિધાસભર બનાવવાનો અભિગમ અપનાવ્યો છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને પૂરતી સગવડ મળી રહે તેવા અદ્યતન અને મોકળાશવાળા તાલુકા પંચાયત ભવનોના નિર્માણ માટે ૨૦૨૫-૨૬ના બજેટમાં કુલ ૬૫ કરોડ રૂપિયાની જોગવાઈ સુનિશ્ચિત કરેલી છે.
મુખ્યમંત્રીશ્રીએ તાલુકા પંચાયતોના ભવનોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ દ્વારા સૂર્ય ઊર્જાના ઉપયોગની પ્રેરણા આપી છે. તાલુકા પંચાયતોનું વિજ બિલનું ભારણ ઓછું કરીને આત્મનિર્ભર બનાવવાના આ ઉદાત્ત હેતુસર ૧૦૪ તાલુકા પંચાયતોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ કાર્યરત છે અને વધુ ૨૭માં આવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું કાર્ય પ્રગતિમાં છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “કેચ ધ રેઈન” વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર પણ સરકારી ભવનોમાં નિર્માણ કરવાનું આહવાન કર્યું છે.
ગુજરાતે વડાપ્રધાનશ્રીના આ આહવાનને ઝીલી લઈને ૩૧ તાલુકા પંચાયત ભવનોમાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થાઓ ઊભી કરી લીધી છે. રાજ્યની ૨૧૧ તાલુકા પંચાયતો પાસે પોતાના ભવન છે તેમાં હવે વધુ ૧૧ તાલુકા પંચાયતોના નવા મકાન બાંધકામ માટે મુખ્યમંત્રીશ્રીએ વહીવટી મંજૂરી આપી છે.
તદઅનુસાર ડાંગના આહવા, અમદાવાદના દસક્રોઈ તથા દેત્રોજ, ખેડાના માતર, છોટાઉદેપુરના ક્વાંટ, પાટણના સાંતલપુર, બનાસકાંઠાના વાવ, ભાવનગરના પાલીતાણા અને શિહોર તથા મહીસાગરના લુણાવાડા અને રાજકોટના ગોંડલ તાલુકાઓને નવીન મકાનો માટે કુલ રૂ.૧૨.૪૫ કરોડની મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યના અન્ય જે ૬ તાલુકાઓ લાઠી, કુંકાવાવ, વેરાવળ, ડીસા, મહુવા અને ગાંધીનગર જ્યાં તાલુકા પંચાયતના મકાનો બનાવવાની કામગીરી પ્રગતિમાં છે ત્યાં મુખ્યમંત્રીશ્રીએ કુલ રૂ.૨૦.૫૫ કરોડની ફાળવણી કરી છે.
રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે આ અંગે જારી કરેલા ઠરાવ અને માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, મકાનની ડિઝાઇન અને યોજનાના અમલીકરણમાં સુરક્ષા- સેફ્ટીના ધારાધોરણો તથા GSDMAની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે તેમજ નવા બનનારા આવા ભવનોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવાની રહેશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયને પરિણામે તાલુકાથી લઈને જિલ્લા પંચાયત સ્તર સુધી વધુ સુવિધા સભર કચેરીઓનું નિર્માણ થતાં લોકોને પણ સુગમતા થશે અને વધુ સુદ્રઢ સેવા માળખું મળતું થશે.
મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણયો અંગે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે વિધિવત ઠરાવો પણ જારી કરી દીધા છે.
——-
[7/17, 10:07 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ*
*રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા વિસ્તારોમાં રિક્ષા, કેબ ટેક્સી તેમજ અન્ય જાહેર પરિવહનનું સુચારુ નિયમન કરી ટ્રાફિકની સમસ્યા નિવારવા જરૂરી એક્શન લેવા સૂચના અપાઈ*
….
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર સચિવાલય ખાતે એરપોર્ટ ઓથોરિટી, રેલવે, પોલીસ, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને RTO સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા વિસ્તારોમાં રિક્ષા, કેબ ટેક્સી તેમજ અન્ય જાહેર પરિવહનનું સુચારુ નિયમન કરી ટ્રાફિકની સમસ્યા નિવારવાનો હતો.
સામાન્ય નાગરિકોને ટ્રાફિકના કારણે થઈ રહેલી અગવડતાને ધ્યાનમાં રાખીને, મંત્રીશ્રીએ આવા સ્થળોએ થતા આડેધડ પાર્કિંગ સહિતના મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારણા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને આવા તમામ વાહનચાલકો વિરુદ્ધ કડક પગલાં લઈને દાખલારૂપ કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ નિર્ણયનો હેતુ ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવીને નાગરિકોને સરળ અને સુરક્ષિત પરિવહન પ્રદાન કરવાનો છે.
….
અહીંયા સમાચારો અને ફોટાઓ જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે. તંત્રી
*****************************
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સબલપુર બ્રિજ નું આજે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં માનનીય કલેક્ટરશ્રી ડીડીઓ નાયબ કલેકટર ની ટીમે નિરીક્ષણ કરીને ભારે વાહનો ન જવા માટે આજે એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે
લોકેશન મોડાસા
નોંધ: આપની આસપાસ બનતી ઘટનાઓ ના સમાચાર,ફોટાઓ,વિડિઓ અમોને 9861038840 વ્હોટ્સ અપ અથવા અમારા ઇમેઇલ prdpraval42@gmail.com ઉપર જન જાગૃતિ ખાતર પ્રસિદ્ધ કરવા મોકલી આપશો..કોઈપણ લીગલ કાર્યવાહી માં મોકલનાર જવાબદાર રહેશે.
