
(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)
[8/8, 2:49 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ૧૫મી વિધાનસભાના સાતમાં સત્રનું આહ્વાન કર્યું*
—–
*ગુજરાત વિધાનસભામાં આગામી તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ‘ચોમાસું સત્ર’ યોજાશે: વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી*
—–
ગુજરાત વિધાનસભાના ‘ચોમાસુ સત્ર’નું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા આહ્વાન થયું છે. જે અંતર્ગત તારીખ ૮ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી ત્રણ દિવસ ૧૫મી વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. ગુજરાત વિધાનસભાએ ચોમાસું સત્ર સંબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ સંદર્ભે વિગતો આપતાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ૧૫મી વિધાનસભાના સાતમાં સત્રનું આહ્વાન કર્યું છે. જે અંતર્ગત આગામી તા. ૮, ૯ અને ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ત્રણ દિવસ ‘ચોમાસું સત્ર’ યોજાશે. ગુજરાત વિધાનસભા ખાતે આગામી તા. ૨૦ ઓગસ્ટ સુધી ધારાસભ્યશ્રીઓ પોતાના પ્રશ્નો ઓનલાઇન તેમજ પ્રત્યક્ષ એમ બંને પદ્ધતિથી આપી શકશે.
વધુમાં અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન સરકારી કામકાજમાં જી.એસ.ટી. સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયકના વટ હુકમ વિધાનસભામાં રજૂ થશે. જો સરકાર પાસે અન્ય કોઈ બાકીનું કામકાજ હશે તો તે પણ રજૂ થતાં આગળ લેવામાં આવશે. આ ઉપરાંત તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ શનિવારના રોજ બોલાવવામાં આવેલી કામકાજ સલાહકાર સમિતિની મીટિંગમાં વિધાનસભા કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
—–
જીગર બારોટ
[8/8, 3:44 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગાંધીનગર ખાતે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરપર્સન, નવા નિમણુંક પામેલા સભ્યો અને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યો માટે બાળ સુરક્ષા વિષયક વર્કશોપ યોજાયો*
*મિશન વાત્સલ્ય હેઠળ આયોજિત વર્કશોપનો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા અને રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે શુભારંભ કરાવ્યો*
**********
*રાજ્ય સરકાર ગંભીર ગુનાઓથી પીડિત બાળકોને યોગ્ય રક્ષણ આપીને, તેમના જીવનમાં નવી આશાનો સંચાર કરે છે: મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા*
*બાળ સંરક્ષણ ગૃહમાં આવેલા બાળકોનું પુનર્વસન કરી તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ આપણે સૌએ કરવાનું છે: મંત્રીશ્રી*
*કાયદાના સંઘર્ષમાં આવતા બાળક માટે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ આશાનું કિરણ છે: રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર*
**********
મિશન વાત્સલ્ય હેઠળ બાળ સુરક્ષા વિષયક વર્કશોપનો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા અને રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો હતો. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગ તથા સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી તેમજ સ્ટેટ એડોપ્શન રિસોર્સ એજન્સીના સંયુક્ત ઉપક્રમે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં નવ નિમણૂંક પામેલા સભ્યોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કાર્યનું અભિન્ન અંગ ગણાવતાં જણાવ્યું હતું કે, દેશના ભવિષ્યના નાગરિક એવા આજના બાળકોને ઉછેર કરીને તેમને શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટેની શરૂઆત તમારે કરવાની છે. કોઈ કારણસર ખોટી દિશામાં ગયેલા બાળકોને યોગ્ય દિશામાં લાવવા તેમને કાઉન્સેલિંગ કરી યોગ્ય શિક્ષણ આપવાનું સેવાકીય કામ પણ આપણે સૌએ કરવાનું છે. કોઈ બાળક સંજોગોવસાત ભુલ કરે અને તે કાયદાના સંઘર્ષમાં આવે છે, ત્યારે તેને ન્યાય અપાવવાનું કામ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ (JJB)નું છે.
બાળ સંરક્ષણ ગૃહમાં આવેલા બાળકોનું પુનર્વસન કરી તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાના છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું હતું કે, તમારે બાળકોને સંરક્ષણ ગૃહમાં પરિવાર જેવું વાતાવરણ પૂરું પાડવાનું છે. બાળ મજૂરી, બાળ લગ્ન કે બાળ તસ્કરી જેવા ગંભીર ગુનાઓથી પીડિત બાળકોને યોગ્ય રક્ષણ આપીને, તેમના જીવનમાં એક નવી આશાનો સંચાર કરવાનો છે. આપનું દરેક પગલું બાળકના શ્રેષ્ઠ હિતને પ્રાધાન્ય મળે તે જોવાનું છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તમારી ભૂમિકા માત્ર ન્યાય આપવા પૂરતી નથી, પરંતુ બાળકના પુનર્વસન, શિક્ષણ અને સમાજમાં પુનઃસ્થાપન માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની પણ છે. આપ સૌએ બાળકના વાલી બનીને તેમને યોગ્ય સલાહ, માર્ગદર્શન અને તાલીમ આપવાની છે. તમારા યોગ્ય માર્ગદર્શન થકી તે ભવિષ્યમાં એક જવાબદાર નાગરિક બની દેશને ઉપયોગી સાબિત થઈ શકશે.
બાળકોને કાયદાકીય ગૂંચવણોથી બચાવવા અને તેમને ઝડપી ન્યાય આપવા માટે સતર્ક રહેવા જણાવી મંત્રીશ્રીએ કહ્યું હતું કે, બાળ કલ્યાણ સમિતિ અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ વચ્ચેનું સંકલન મજબૂત હોવું ખુબ જ જરૂરી છે. આજના વર્કશોપનો મુખ્ય ઉદેશ્ય બાળ કલ્યાણ સમિતિના સભ્યોમાં બાળ અધિકાર આધારિત અભિગમ અપનાવવો અને બાળકો સાથે મૈત્રીપૂર્ણ વાતાવરણ કેળવી તેમના પ્રત્યે સંવેદનશીલતા અને સુરક્ષાના વિષયો પ્રત્યે ચેતના લાવવાનો છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે પ્રાસંગિક ઉદબોદન કરતા જણાવ્યું હતું કે, જ્યારે કોઈ બાળક કાયદાના સંઘર્ષમાં આવે છે, ત્યારે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ તેના માટે આશાનું કિરણ બને છે. રાજ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, અહીં ઉપસ્થિત સૌનો ઉદ્દેશ દરેક બાળકને તેનો યોગ્ય હક મળે, તેનું બાળપણ સુરક્ષિત રહે અને તે એક સન્માનજનક જીવન જીવી શકે તેવો જ હોવો જોઈએ. અંતે તેમણે જણાવ્યું હતું કે ચાલો આપણે એવા સમાજનું નિર્માણ કરીએ જ્યાં કોઈ પણ બાળક તેના અધિકારોથી વંચિત ન રહે.
બાળ અધિકાર આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, જ્યારે બાળકોને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે ત્યારે તમારે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના મહત્વના આ કાર્યમાં પોતાનું યોગદાન આપવાનું છે. તમારે બાળકોના શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાને પ્રાધાન્ય આપી કાર્ય કરવાનું છે. બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બને તેના માટે કાર્યરત રહેવા તેમણે અનુરોધ કર્યો હતો.
વિકસતી જાતિ પ્રભાગના નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ દ્વારા આ પ્રસંગે સ્વાગત ઉદ્બોધન કરતા સર્વ મહાનુભાવો સહિત તાલીમાર્થીઓનું સ્વાગત કરી, નવી નિમણૂક પામેલા સભ્યોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સી. ડબ્લ્યુ. સી અને જે. જે. બી.ના સભ્યો માટેના આ કાર્યક્રમમાં તેમણે તેમની કામગીરીની રૂપરેખા આપી હતી.
ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરપર્સન, નવા નિમણુંક પામેલા સભ્યો અને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યો માટે બાળ સુરક્ષા વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહીદે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ તથા સમાજ સુરક્ષા પ્રભાગના સંયુક્ત નિયામક શ્રી હંસાબેન વાળા તથા ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના નવા નિમણૂંક પામેલા સભ્યો હાજર રહ્યાં હતા.
****************
ઋચા રાવલ
[8/8, 8:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *તાપી કે તારે: તાપી જિલ્લાના ૨૮ આદિવાસી વિદ્યાર્થીઓનો એક અનોખો શૈક્ષણિક પ્રવાસ*
*આગામી તા. ૧૦ થી ૧૩ સુધી તાપી જિલ્લાની સરકારી શાળાના ૨૮ આદિવાસી બાળકો શ્રીહરિકોટા સ્થિત ઈસરોના શૈક્ષણિક પ્રવાસે*
*આદિવાસી બાળકો જિંદગીની પહેલી ફલાઈટમાં ભરશે સપનાની ઉડાન*
*માહિતી બ્યૂરો, તાપી. તા. ૮ ઓગસ્ટ* આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી વહીવટી તંત્ર દ્વારા પ્રોજેક્ટ ‘વિજ્ઞાન સેતુ – તાપી કે તારે’ અંતર્ગત અનોખા શૈક્ષણિક અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના આદિજાતી સમાજના ૨૮ તેજસ્વી તારલાઓને ૧૦મી ઑગસ્ટ ૨૦૨૫ના રોજ સુરતથી હવાઈમાર્ગે ચેન્નઈ લઈ જવામાં આવશે, જ્યાં તેઓ ભારતની અંતરિક્ષ સંસ્થા ઈસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરની મુલાકાત લેશે.
*1. પ્રવાસનો હેતુ*
આ શૈક્ષણિક પ્રવાસ દ્વારા તાપી જિલ્લાના આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ISROના સંશોધન કાર્ય અને અવકાશ વિજ્ઞાન વિશે સીધો અનુભવ અપાવવાનો છે. જેથી તેઓમાં વૈજ્ઞાનિક વિચારશક્તિ વિકસે, રાષ્ટ્રીય ગૌરવની ભાવના મજબૂત થાય અને ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરણા મળે.
*2. પસંદગી પ્રકિયા*
ઈસરોના એક્સપોઝર વિઝીટ માટે પસંદગીની પ્રક્રિયામાં તાપી જિલ્લાના આદિજાતિ વિભાગ હસ્તકની શાળા અને સરકારી શાળા મળી કુલ ૧૫ શાળાઓના ધોરણ ૧૧-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં ધોરણ ૦૯ અને ૧૦ના વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તક માંથી ૧૦૦ ગુણની પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી હતી, જેમાં કુલ ૫૦ પ્રશ્નો સામેલ હતા. બાળકો માટે આ પરીક્ષા જ્ઞાન અને તર્કબુદ્ધિની ચકાસણીનું એક અનોખું મંચ બન્યુ હતુ. ઉત્તમ ગુણ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને આ ગૌરવપૂર્ણ શૈક્ષણિક પ્રવાસ માટે પસંદગી મળી — જે તેમને સીધા અવકાશ વિજ્ઞાનની દુનિયાના અનુભવ માટે યાદગાર બની રહેશે.
*3. આરોગ્ય સંભાળ માટે સ્ટાફ નર્સ પણ પ્રવાસમાં સામેલ*
વિદ્યાર્થીઓના આરોગ્યની સંભાળ અને જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવાની જવાબદારી માટે ઇન્દુ નર્સિંગ કોલેજના સ્ટાફ નર્સ હિરલ ગામીત ઇસરો એક્સપોઝર વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે આરોગ્યલક્ષી અને ઇમરજન્સી સેવા માટે સતત સાથે રહેશે.
*4. પ્રવાસમાં જોડાનાર પ્રતિનિધિઓ*
આ અભ્યાસ પ્રવાસમાં કુલ ૨૮ વિદ્યાર્થીઓ સાથે તેમની સુરક્ષા, માર્ગદર્શન અને સંચાલન માટે ૦૭ વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષકની પસંદગી કરવામાં આવી છે.
પ્રવાસમાં જોડાનાર પ્રતિનિધિઓમાં ઈન્દુ એકલવ્ય મોડેલ રેસિડેનશિયલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી સુરેન્દર કુમાર,સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ડોલવણના પ્રિન્સિપાલ શ્રી રાજેશ્રી ચિત્તે,આદર્શ નિવાસી શાળા ઉકાઈના પ્રિન્સિપાલ શ્રી નિતિક્ષા ચૌધરી,એકલવ્ય મોડેલ રેસિડેનશિયલ સ્કૂલ ઉકાઈના શિક્ષક શ્રી સુનિલ ચૌધરી,એકલવ્ય મોડેલ રેસિડેનશિયલ સ્કૂલ ઉકાઈના શ્રી સુનિલ કુમાર તથા સમગ્ર પ્રવાસ દરમિયાન પ્રચાર પ્રસારની કામગીરી માટે તાપી જિલ્લા માહિતી કચેરીના માહિતી અધિકારી શ્રીમતી સંગીતા ચૌધરી પણ જોડાશે.
આ પ્રવાસ તાપી જિલ્લાના આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે માત્ર શૈક્ષણિક અભ્યાસ નહીં પરંતુ જીવનમાં નવી દિશા આપનારી એક મજબૂત સોપાન બની રહેશે. જીવન પરિવર્તન માટે એક ક્ષણ જ કાફી હોય છે ત્યારે આટલી નાનકડી વયે ઈસરોની મુલાકાત બાળકોના કોમળ હૃદયમાં વિજ્ઞાન પ્રત્યેનો ઉત્સાહ પ્રગટાવી દેશે અને કદાચિત કોઈ બાળક ભવિષ્યમાં નિષ્ણાંત વૈજ્ઞાનિક બની તાપીનું ગૌરવ સમગ્ર દેશનું ગૌરવ બનશે તેમાં કોઈ બે મત નથી.
૦૦૦૦૦૦૦
[8/9, 10:40 AM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં*
*ભાણવડ તાલુકાના બરડા વિસ્તારમાં આવેલા ટીંબડી*
*ખાતે રાજ્યકક્ષાના ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરાશે*
……………………
*કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા ખાસ ઉપસ્થિત રહેશે*
……………………
*વન વિભાગ દ્વારા તા. ૧૦ ઓગસ્ટ-‘વિશ્વ સિંહ દિવસ’ નિમિતે*
*ગુજરાતમાં સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં પણ ‘સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાશે*
……………………
*રાજ્યના ૧૧ જિલ્લાઓમાં ૩૫,૦૦૦ ચો. કિમી વિસ્તારમાં સિંહની અવર-જવર નોંધાઈ*
*વર્ષ ૨૦૦૭-૦૮થી અત્યાર સુધીમાં ગીર, દેવળિયા અને આંબરડીમાં કુલ ૯.૬૧ લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાતે*
*બરડા વિસ્તારમાં ઇકો ટુરીઝમ વિકાસ માટે રૂા.૧૦ કરોડની જોગવાઇ*
……………………
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં, કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ તેમજ ગુજરાતના વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિમાં આવતીકાલે તા. ૧૦ ઓગસ્ટ-૨૦૨૫ના રોજ સવારે ૧૦ કલાકે દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના ટીંબડીમાં કપૂરડી-ઘુમલી રોડ ખાતે રાજ્યકક્ષાના ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા તેમજ વન-પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે તેમ, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જણાવાયું છે.
વન વિભાગ દ્વારા વધુ વિગતો આપતાં કહ્યું છે કે, ‘જંગલના રાજા સિંહ’ પ્રત્યે નાગરિકોમાં વધુને વધુ જાગૃતિ આવે, તેનું યોગ્ય સંવર્ધન-સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે તા. ૧૦ ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ઘરેણા-ગૌરવ સમાન છે.
એશિયાઇ સિંહ દેશમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજે ૧૧ જિલ્લાઓમાં કુદરતી વાતાવરણમાં મુક્ત રીતે વિહરતા જોવા મળે છે.
વન વિભાગના ઉપક્રમે સૌરાષ્ટ્રના જૂનાગઢ,ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ,મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ ૧૧ જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં વન વિભાગે ગુજરાતમાં સિંહના સંરક્ષણ-સંવર્ધન માટે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી વર્ષ ૨૦૧૩થી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણીને વર્ષ ૨૦૧૬માં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા, વર્ષ ૨૦૧૭માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ,વર્ષ ૨૦૧૯માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ તેમજ વર્ષ ૨૦૨૨માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
‘બરડા વન્યજીવ અભયારણ્ય’, જેને સ્થાનિકોમાં ‘બરડો’ તરીકે ઓળખવામાં આવે છે, આ સ્થળ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા અતિમહત્વપૂર્ણ જૈવવિવિધતાવાળા પ્રદેશોમાંથી એક છે. વર્ષ ૧૯૭૯માં અભયારણ્ય તરીકે જાહેર થયેલું બરડા, ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું. આજે તે એશિયાટિક સિંહના સંરક્ષણ માટે વિકસાવવામાં આવેલા વ્યાપક દ્રષ્ટિકોણ હેઠળનું મહત્વપૂર્ણ રહેઠાણ બની ગયું છે.
બરડા વિસ્તાર સિંહોના બીજા નિવાસસ્થાન તરીકેની ઓળખ મેળવી રહ્યો છે. આ બરડા અભયારણ્યનો કુલ વિસ્તાર ૧૯૨.૩૧ ચો.કિ.મી.છે. વર્ષ ૧૮૭૯ બાદ એશિયાઇ સિંહ વર્ષ ૨૦૨૩માં એક પુખ્ત નર સિંહ કુદરતી રીતે આ વિસ્તારમાં આવીને સ્થાયી થયો ત્યારથી આજે આ વિસ્તારમાં સિંહની વસ્તી ૬ વયસ્ક અને ૧૧ બાળ મળી કુલ ૧૭ જેટલી નોંધાઈ છે.
આ વિસ્તારમાં જંગલ સફારી શરૂ કરવાની સાથે રોજગારીની નવી તકો ઉભી થઇ છે. માર્ચ ૨૦૨૫ સુધી ૨,૨૭૧ પ્રવાસીઓ આ સુવિધાનો લાભ લીધો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા દેવલીયા અને આંબરડી ઉપરાંત બરડા વિસ્તારમાં કુલ ૨૪૮ હેક. જમીનની ફાળવણી કરવામાં આવી છે. જ્યાં આશરે રૂા. ૬૦ કરોડના ખર્ચે સફારી બનાવવાનું આયોજન કરાયું છે. વધુમાં બરડા વિસ્તારમાં ઇકો ટુરીઝમ વિકાસ માટે રૂા.૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મે-૨૦૨૫ દરમિયાન રાજ્યમાં થયેલ સિંહ ગણતરી અંદાજ પ્રમાણે સિંહોની કુલ વસ્તી વર્ષ ૨૦૨૦ની સરખામણીએ ૩૨ ટકા જેટલી વધવા પામી છે એટલે કે ૬૭૪ થી વધીને ૮૯૧ નોંધાઈ છે. પ્રવાસનની રીતે જોઈએ તો વર્ષ ૨૦૦૭-૦૮થી ૨૦૨૪-૨૫ સુધીમાં ગીર અભયારણ્ય, દેવળિયા અને આંબરડીની મુલાકાત દરમિયાન કુલ ૯.૬૧ લાખથી વધુ પ્રવાસીઓને એશિયાટીક સિંહને નજીકથી નિહાળવાની તક મળી છે.
વધુમાં હાલ રાજ્યમાં કુલ ૧૧ જિલ્લામાં ૩૫,૦૦૦ ચો.કિ.મી.જેટલા વિસ્તારમાં સિંહ વસ્તીની અવર – જવર નોંધાઈ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓગષ્ટ ૨૦૨૦માં ૭૪માં સ્વાતંત્ર્ય દિવસ પર લાલ-કિલ્લા પરથી સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ માટે કામ કરવાના સરકારના સંકલ્પ અને પ્રતિબદ્ધતા દર્શાવીને દેશમાં એશિયાટીક સિંહના ભવિષ્યને સુરક્ષિત કરવા ‘‘પ્રોજેક્ટ લાયન’’ની જાહેરાત કરી હતી. ભારત સરકારના વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા ૧૦ વર્ષ માટે અંદાજે કુલ રૂા.૨,૯૨૭.૭૧ કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગીરનું જંગલ ભવ્ય એશિયાઈ સિંહોના એકમાત્ર ઘર તરીકે જાણીતું છે. ગીર વન્યજીવ અભયારણ્યની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી, ત્યારબાદ ૧૯૭૫માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરાઈ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર ૨૫૮.૭૧ ચોરસ કિલોમીટર છે, જ્યારે ગીર વન્યજીવ અભયારણ્ય ૧,૧૫૧.૫૯ ચોરસ કિલોમીટર આવરી લે છે. ગીર જંગલમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર વન્યજીવ અભયારણ્ય, પાણિયા વન્યજીવ અભયારણ્ય, મિતિયાળા વન્યજીવ અભયારણ્ય અને જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી એમ ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલા વિસ્તારોનો સમાવેશ થાય છે. ગીર જંગલનું અનોખું અને વિવિધતાપૂર્ણ ઇકોસિસ્ટમ ૬૩૧ નોંધાયેલી પ્રજાતિઓ સાથે વનસ્પતિની અતિ સમૃદ્ધ વિવિધતા ધરાવે છે. પ્રાણીસૃષ્ટિની વિવિધતામાં સસ્તન પ્રાણીઓની ૪૧ પ્રજાતિઓ, પક્ષીઓની ૩૩૮ પ્રજાતિઓ, સરિસૃપની ૪૭ પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
વધુમાં કેન્દ્ર સરકાર દ્વારા વન્ય પ્રાણીના આરોગ્ય માટે રાષ્ટ્રીય સ્તરનો ‘‘નેશનલ રેફરલ સેન્ટર’’નો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા નવા પીપળીયા ખાતે ૨૦.૨૪ હેક. જમીન ફાળવણી પણ કરવામાં આવી છે જેનું કામ હાલમાં પ્રગતિમાં છે. સાસણ ખાતે ગીર વિસ્તારના વન્ય પ્રાણીઓના મોનીટરીંગ માટે એક હાઇ ટેક મોનીટરીંગ કેન્દ્ર તેમજ વેટરનરી હોસ્પિટલ બનાવવામાં આવી છે.
—————
જનક દેસાઈ
[8/9, 11:29 AM] Dilip Gajjar.Mahiti.Press: * મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી .
******************
¤ *સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા અને મહિલા ધારાસભ્યશ્રીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીશ્રીને રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા*
****************
¤ *અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનની ઝાંખી કરાવતી ૧૦૦ ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરી*
***********
ભાઇ- બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ સમાજ વર્ગોની બહેનોએ રક્ષા સૂત્ર રાખડી પ્રદાન કરી હતી.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા, મહિલા ધારાસભ્યશ્રીઓ અને મહિલા પોલીસકર્મીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીશ્રીને રક્ષાસૂત્ર બાંધીને દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે સદાય કર્તવ્યરત રહેવાની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીશ્રી સમક્ષ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનની ઝાંખી કરાવતી તૈયાર કરેલી ૧૦૦ ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી.
આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ભાજપ પ્રદેશ મહિલા મોરચાની ટીમ, બ્રહ્માકુમારી તેમજ અન્ય સંસ્થાની બહેનો, વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ, પ્રજ્ઞાચક્ષુ બહેનો, દિવ્યાંગ બહેનો સહિત મોટી સંખ્યામાં બહેનોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષાસૂત્ર બાંધીને આ પાવન પર્વની ઉજવણી કરી હતી..
*********************
[8/9, 11:32 AM] Dilip Gajjar.Mahiti.Press: 09-08-2025 RAKSHA BANDHAN CELEBRATION AND TREE PLANTETION – HON. CM
https://photos.app.goo.gl/uvhEYzo5iLffcxok9
[8/9, 3:28 PM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ, 15મી નવેમ્બરને દેશભરમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી નવતર પરંપરા સમગ્ર આદિવાસી સમાજનું મોટું સન્માન છે.
એટલું જ નહીં દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતાની રક્ષા માટે સેંકડો વર્ષ સુધી આદિવાસીઓએ ચલાવેલી લડતના યોગદાન પણ તેમણે ઉજાગર કર્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડાની આ વર્ષે ઉજવાઈ રહેલા ૧૫૦મી જન્મ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં સુરતના માંડવી ખાતે આયોજિત સમારોહના અધ્યક્ષસ્થાનેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા.
તેમણે આ અવસરે રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં કુલ 480 કરોડના 2500 જેટલા વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.
આ ઉપરાંત આદિવાસી વિભાગના વિવિધ યોજનાઓના સવા કરોડ રૂપિયાના લાભ સહાયનું વિતરણ અને 1 કરોડની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એનાયત કરી હતી.
રક્ષાબંધનના પવિત્ર પર્વે યોજાયેલા આ કાર્યક્રમમાં આદિજાતિ બહેનોએ મુખ્યમંત્રીશ્રીને રક્ષાબંધન પણ કર્યું હતું
મુખ્યમંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાએ “અબુઆ દિશુમ – અબુઆ રાજ” એટલે કે આપણો દેશ આપણું રાજના મંત્ર સાથે આદિવાસી યુવાઓને આઝાદી જંગ માટેની પ્રેરણા આપી હતી તેનું સ્મરણ કરીને ભગવાન બિરસા મુંડા ની ભાવ વંદના કરી હતી.
તેમણે ઉમેર્યું કે, આદિવાસી સમાજના ઉત્થાન માટે અત્યંત સંવેદનશીલ એવા ભગવાન બિરસા મુંડાના કાર્યો, જીવન કવનને આઝાદીના દશકો સુધી ઉપેક્ષિત રાખવામાં આવ્યા અને આદિવાસી સમાજ વિકાસથી વંચિત રહ્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસ માટે અનેક યોજનાઓ સાકાર કરીને વિકાસની મુખ્ય ધારામાં તેમને લાવી દીધા છે એમ શ્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવ સાથે જણાવ્યું હતું.
આ સંદર્ભમાં તેમણે દેશમાં 24 હજાર કરોડની પી.એમ. જનમન યોજના તેમજ ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અન્વયે રાજ્યના 102 તાલુકાના 4,265 ગામોને યોજનાકીય લાભ અને વન અધિકાર અધિનિયમ-2006 અંતર્ગત 68 હજાર હેક્ટર વન જમીનના અધિકારપત્રો રાજ્યમાં આપવામાં આવ્યા છે તેની ભૂમિકા આપી હતી.
રાજ્ય સરકારે આદિજાતિ વિદ્યાર્થીઓને એક દસકા માં 4300 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ અભ્યાસ માટે આપી છે તેમ પણ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના આદિવાસીઓએ આઝાદી ની લડતમાં આપેલા યોગદાન અને એમની શહાદતની સ્મૃતિમાં વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી માનગઢમાં ગોવિંદ ગુરુ શહીદ વન, પાલદઢ વાવમાં વિરાંજલી વન તેમજ આદિવાસી સમાજનાં આસ્થા કેન્દ્રોના વિકાસ માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીએ આપેલા વિકસિત ભારત@2047ના સંકલ્પને પાર પાડવામાં આદિવાસીઓના સહયોગને મહત્વનો ગણાવતા કહ્યું કે, વનબંધુ કલ્યાણ યોજનાથી આદિવાસીઓ માટે વૈશ્વિક વિકાસની તકો ખુલી છે.
તેમણે “વોકલ ફોર લોકલ” સ્વદેશીના વધુને વધુ ઉપયોગની વડાપ્રધાનશ્રીની હાકલ આદિવાસી સમાજ સ્થાનિક ઉત્પાદનો, કલાકારીગરીની ચીજવસ્તુઓ, મિલેટ અન્નના વ્યાપક ઉપયોગથી ઝિલી લે તેવો પ્રેરક અનુરોધ પણ કર્યો હતો
આદિજાતિ વિકાસ અને શ્રમ, રોજગાર રાજ્ય મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિ, સાંસદ શ્રી પરભુ ભાઇ વસાવા તથા ધારાસભ્યો, પદાધિકારીઓ વરિષ્ઠ અધિકારીઓ અને લાભાર્થી પરિવારો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
[8/9, 3:28 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1ONGLzTt7gIxeorkqho89_y0J32kRj5SN?usp=sharing
અહીં કોઈપણ સમાચાર.વિડિયોફોટાઓ માત્ર જન જાગૃતિ ન ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે. કેમ છતાં કોઈને વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છેતંત્રી (પ્રદીપ રાવલ 9824653073)
