


[1/8, 12:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીએ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં થશે સામેલ, તેમના નેતૃત્વમાં આદિ જ્યોતિર્લિંગ સોમનાથનો ‘સુવર્ણ યુગ’ આવ્યો*
***
*દર વર્ષે અંદાજે 97 લાખ શ્રદ્ધાળુઓ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરે છે; મહા શિવરાત્રિ 2025માં જ 3.56 લાખ ભક્તો પહોંચ્યા*
***
*ફોર લેન હાઇવે, સાબરમતી–વેરાવળ વંદે ભારત, કેશોદ અને રાજકોટ ઍરપોર્ટથી સોમનાથ બન્યું વૈશ્વિક પ્રવેશદ્વાર*
***
*સોમનાથની ગાથા વર્ણવતા લાઇટ એન્ડ સાઉન્ડ શૉએ છેલ્લા ત્રણ વર્ષમાં 10 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા*
***
*નેટ-ઝીરો મંદિર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે ‘સ્વચ્છ આઇકોનિક પ્લેસ’ સોમનાથ*
***
*ગૂગલ પર ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરાયેલા ટોચના 10 સ્થળોમાં સોમનાથનો સમાવેશ*
***
*ગાંધીનગર, 8 જાન્યુઆરી 2026:* ‘સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જયિન્યાં મહાકાલમ ॐ કારમ અમલેશ્વરમ.’ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમની આ પંક્તિ દર્શાવે છે કે, ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગોનું વર્ણન થાય ત્યારે સૌથી પહેલાં સોમનાથનો ઉલ્લેખ આવે છે. આ ભારતની સંસ્કૃતિમાં સોમનાથનું અગ્રસ્થાન તથા તેના અવિનાશી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે. છેલ્લા બે દાયકામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સોમનાથ મંદિર “સુવર્ણ યુગ”માં પ્રવેશ્યું છે. તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા ત્યારથી સોમનાથના વિકાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026માં મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ પર 1026માં કરવામાં આવેલા પ્રથમ આક્રમણના હજાર વર્ષ પૂર્ણ થશે. આજે એક હજાર વર્ષ પછી પણ સોમનાથ મંદિર પૂરા ગૌરવ સાથે અડીખમ ઊભું છે. સંયોગવશાત્, 2026માં જ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના છે. 11 મે 1951ના રોજ આ ભવ્ય મંદિરનું પુનર્નિર્માણ સંપન્ન થયું હતું અને ફરી ભક્તો માટે ખુલ્યું હતું. આ સીમાચિહ્નરૂપ ઘટનાને વધુ વિશેષ બનાવતા વડાપ્રધાનશ્રી 11 જાન્યુઆરીએ સોમનાથની મુલાકાત લેશે અને ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં હાજરી આપશે.
*સોમનાથ: ભક્તિ અને ભવ્યતાનો સંગમ*
શિખર પર 1,666 સુવર્ણ કળશ અને 14,200 ધજાઓ સાથે સોમનાથ મંદિર ત્રણ પેઢીઓની અડગ શ્રદ્ધા, દ્રઢતા અને કલાત્મકતાના પ્રતિબિંબ તરીકે ઊભું છે. દર વર્ષે લાખો લોકો આ જ્યોતિર્લિંગના દર્શન માટે આવે છે. વર્ષ 2020થી 2024 સુધી વાર્ષિક અંદાજે 97 લાખ શ્રદ્ધાળુઓ સોમનાથના દર્શન માટે આવ્યા છે. બિલ્વ પૂજા માટે છેલ્લા 2 વર્ષમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 13.77 લાખ નોંધાઈ હતી, જેમાં મહા શિવરાત્રિ 2025 દરમિયાન 3.56 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આજે ઓનલાઇન બુકિંગ અને પોસ્ટલ પ્રસાદની સુવિધા એ સુનિશ્ચિત કરે છે કે સોમનાથની પવિત્રતા મંદિરની સીમાઓને પાર કરી તમામ ભક્તો સુધી પહોંચે.
*આસ્થા સાથે ઉત્સવનું કેન્દ્ર છે સોમનાથ યાત્રાધામ*
સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે લાઇટ એન્ડ સાઉન્ડ શૉ અને ઉત્સવોનું આકર્ષણ પણ રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં 10 લાખથી વધુ લોકોએ સોમનાથની ગાથા વર્ણવતો લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નિહાળ્યો છે. સોમનાથના આંગણે ઉજવાતા ઉત્સવની વાત કરીએ તો, ગત વર્ષે વંદે સોમનાથ કલા મહોત્સવમાં 1,500 વર્ષ જૂની નૃત્ય પરંપરાઓ પુનર્જીવિત થઈ હતી, જે દર્શાવે છે કે, સોમનાથ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, તે સાંસ્કૃતિક વારસાને પણ ઉજાગર કરે છે.
*આધુનિક પરિવહન સેવાઓ અને વૈશ્વિક કનેક્ટિવિટી*
સોમનાથની યાત્રા ભક્તો માટે વધુ સરળ અને આરામદાયક બને તે હેતુથી કનેક્ટિવિટીમાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે. ₹828 કરોડના પ્રોજેક્ટ- જેતપુર–સોમનાથ ફોર લેન હાઇવેના કારણે યાત્રિકોને એક્સપ્રેસવેની સુવિધા મળી છે. સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના કારણે અમદાવાદથી સોમનાથની યાત્રા હવે વધુ ઝડપી અને સુલભ બની છે. આ ઉપરાંત, વર્ષ 2022માં ફરી શરૂ કરવામાં આવેલ કેશોદ ઍરપોર્ટ અને 2023માં રાજકોટ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટના ઉદ્ઘાટન બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સોમનાથ પહોંચવું સુલભ બન્યું છે.
*નેટ-ઝીરો મંદિર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે સોમનાથ*
વર્ષ 2018માં ‘સ્વચ્છ આઇકોનિક પ્લેસ’ તરીકે માન્યતા પ્રાપ્ત કરનાર સોમનાથ આજે ટકાઉ વિકાસ અને નવીનતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. વેસ્ટ સેગ્રિગેશન કેન્દ્રોમાં હવે મંદિરના ફૂલોને વર્મીકમ્પોસ્ટમાં રૂપાંતરિત કરીને તેનો ઉપયોગ 1,700 બિલ્વ વૃક્ષોના સંવર્ધનમાં થાય છે. મિશન LiFE પહેલ હેઠળ પ્લાસ્ટિક કચરામાંથી દર મહિને પેવર બ્લોક્સ તૈયાર કરવામાં આવે છે. અહીં દર મહિને લગભગ 4,700 પ્લાસ્ટિક-ફ્લાય ઍશ બ્લોક્સનું ઉત્પાદન કરવામાં આવશે, જે સ્થાનિક મહિલા સ્વ-સહાય જૂથો માટે આવક ઉત્પન્ન કરશે અને વાર્ષિક 125 ટન પ્લાસ્ટિક રિસાઇકલ કરશે.
₹62 લાખના ખર્ચે પુન:સ્થાપિત કરવામાં આવેલ છ વરસાદી પાણી સંગ્રહના કુવાઓ અને એક જળાશય દર મહિને લગભગ 30 લાખ લિટર ગટરના પાણીને શુદ્ધ કરે છે, જેનો ઉપયોગ વનીકરણ માટે થાય છે. જ્યારે 2019-20માં ₹160 લાખના રોકાણ સાથે આઠ ગટર શુદ્ધિકરણ પ્લાન્ટે કૃષિ અને લેન્ડસ્કેપ સિંચાઈ માટે 20.53 કરોડ લિટર પાણી ફિલ્ટર કર્યું છે.
72,000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસિત 7,200 વૃક્ષો ધરાવતું મિયાવાકી વન દરિયાઈ અને ખારા પવનો સામે રક્ષણ આપે છે. IIT કાનપુરના અભ્યાસ મુજબ, આ વન બે વર્ષ બાદ વાર્ષિક 93,000 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ શોષી શકશે. એટલું જ નહીં, ટ્રસ્ટ દ્વારા સેવાભાવે અભિષેક માટેનું પવિત્ર પાણી નવ સ્તરીય શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરીને ‘સોમગંગાજલ’ તરીકે ₹15માં વિતરિત કરવામાં આવે છે. ડિસેમ્બર 2024 સુધીમાં 1.13 લાખથી વધુ પરિવારોને તેનો લાભ મળ્યો છે. આ તમામ પ્રયાસો દ્વારા સોમનાથ નેટ-ઝીરો મંદિર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
*ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરાયેલા ટોચના 10 સ્થાનોમાં સોમનાથ સામેલ*
ગૂગલ પર ભારતીયો દ્વારા સૌથી વધુ સર્ચ કરાયેલા ટોચના 10 સ્થાનોમાં સોમનાથનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 2025માં સોમનાથની સોશ્યલ મીડિયા ઇમ્પ્રેશન 1.37 અબજને વટાવી ગઈ છે, જે વિશ્વભરના ભક્તોમાં સોમનાથ પ્રત્યેની શ્રદ્ધા અને આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે. ભારતની આસ્થા અને સ્વાભિમાનનું પ્રતીક સમું સોમનાથ મંદિર વિકસિત ભારતના નિર્માણ માટે પણ આગળ વધવાની પ્રેરણા આપે છે. વડાપ્રધાનશ્રીએ આ બાબત પર ભાર મૂકતાં લખ્યું હતું કે, “જો હજાર વર્ષ પહેલાં ખંડિત થયેલું સોમનાથ મંદિર સંપૂર્ણ વૈભવ સાથે ફરીથી ઊભું થઈ શકે છે, તો આપણે હજાર વર્ષ પહેલાંનું સમૃદ્ધ ભારત પણ બનાવી શકીએ છીએ.”
*X-X-X*
[1/8, 1:36 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગૂગલ ઉપર જ્ઞાન પીપાસુઓ સર્ચ કરી રહ્યા છે ‘સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ‘ પુસ્તક*
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેમના લેખમાં ઉલ્લેખિત પુસ્તક વિશે જાણવા અંગે થઈ રહ્યું છે સર્ચ*
*સોમનાથ મંદિરના પુનરોદ્ધાર પ્રસંગે લખાયેલા પુસ્તકમાં આલેખાયો છે આપણી અસ્મિતાનો ઇતિહાસ*
આતતાયી મહંમદ ગઝનીના સોમનાથ મંદિર પર કરવામાં આવેલા હુમલા ને 1000 વર્ષ પુરા થવામાં આવ્યા છે. આ વિદેશી આક્રમણખોર દ્વારા થયેલો હુમલો ભારતની અસ્મિતા ઉપર કુઠરાઘાત સામાન હતો. આ એક હજાર વર્ષના સંદર્ભે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખવામાં આવેલા ખાસ લેખમાં એક વિશેષ પુસ્તકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પુસ્તક વિશે જાણવા માટે જિજ્ઞાસુઓ ગૂગલ સર્ચ એન્જિન ચલાવી રહ્યા છે.
આ પુસ્તક એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા 1951માં લખાયેલું ‘સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ‘ ! આ પુસ્તકમાં ભગવાન શ્રી સોમનાથના મંદિર વિશે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વનો પરિચય આપવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી દ્વારા થયેલા ઉલ્લેખના કારણે હાલમાં આ પુસ્તક ચર્ચા અને વાંચનના કેન્દ્રસ્થાને છે, ત્યારે આ પુસ્તક વિશે જાણવું રસપ્રદ બની રહેશે
ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર એવા ક. મા. મુનશીનો પરિચય ગુજરાતીઓને આપવો ન પડે. તેઓ રાજકીય પુરુષ ઉપરાંત એક સારા લેખક હતા. તેમના પુસ્તકોના કેન્દ્રસ્થાને ઇતિહાસ અને સાંસ્કૃતિક સહિતના વિષયો રહ્યા છે. ગુજરાતીઓ અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકો વાંચવાની બહુ ખાસ આદત ધરાવતા નથી. અંગ્રેજીમાં પણ ગુજરાત અને ગુજરાતના ઇતિહાસ વિશે ઘણું બધું લખાયું છે, તેમાં કનૈયાલાલ મુનશીને પણ શિરમોર ગણી શકાય.
તેમણે લખેલા પાટણની પ્રભુતા, જય સોમનાથ, ગુજરાતનો નાથ, ભગ્ન પાદુકા, કૃષ્ણાવતાર ભાગ 1 થી 7 જેવા પુસ્તકો વાંચવાથી ગુજરાતનો ઇતિહાસ ઉપરાંત ધાર્મિક વિભૂતિઓની રસપ્રદ વિગતો સ્થળકાળ સાથે જાણવા મળે છે.
સોમનાથ – ધ ઇન્ટર્નલ શ્રાઇન પુસ્તકમાં કનૈયાલાલ મુનશીએ ભગવાન શ્રી સોમનાથના મંદિરનો ઐતિહાસિક અને પુરાતત્વીય પરિચય આપ્યો છે. તેમણે સોમનાથ મંદિરને ભારતની અસ્મિતાનું પ્રતીક ગણાવ્યું છે. શા માટે આ મંદિર ભારતની સાંસ્કૃતિક ધરોહર રૂપ માટે મહત્વનું છે ? તેનો ખ્યાલ આ પુક્તક વાંચવાથી આવી શકે છે. હાલમાં સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે આ પુસ્તક વિશે પણ જાણવું મહત્વનું છે.
આ પુસ્તક ભારતીય વિદ્યા ભવનની ‘બુક્સ યુનિવર્સિટી’ શ્રેણી હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યોનું આધુનિક જ્ઞાન સાથે સંયોજન કરવાનો છે.
મુનશીજીએ આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ મે ૧૯૫૧માં સોમનાથ મંદિરના પુનઃસ્થાપન અને જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે લખી હતી. લેખક પોતે સ્વીકારે છે કે તેમણે શૈક્ષણિક વિદ્વત્તાના દાવા વિના, પરંતુ એક અત્યંત શ્રદ્ધાળુ અને ઇતિહાસના જિજ્ઞાસુ તરીકે આ પુસ્તક ખૂબ જ ટૂંકા સમયમાં તૈયાર કર્યું હતું. જેથી સોમનાથના ઇતિહાસને લોકો સમક્ષ મૂકી શકાય.
આ પુસ્તકનો હેતુ ઉચ્ચ શિક્ષણ અને સંસ્કાર આપવાનો છે. આ પુસ્તક દ્વારા માનવીની ગરિમા અને નૈતિક વ્યવસ્થા (Moral Order) ની સ્થાપના કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી મનુષ્ય ભગવાનનો સાચો અંશ બની શકે.
પુસ્તક મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ ભાગમાં સોમનાથની પૌરાણિક કથાઓ અને ઇતિહાસ છે; બીજા ભાગમાં ‘રોમાન્સ ઇન સ્ટોન’ એટલે કે પથ્થરોમાં કંડારાયેલું સ્થાપત્ય છે; ત્રીજા ભાગમાં પુરાતત્વીય ઉત્ખનન (Excavations) દ્વારા મળેલા પુરાવાઓ છે; અને ચોથા ભાગમાં મુસ્લિમ ઇતિહાસકારોના લખાણો અને વિવિધ શિલાલેખોની વિગતો આપવામાં આવી છે.
લેખકે સોમનાથને ‘ચંદ્રના દેવ’ (Lord of Soma) તરીકે વર્ણવ્યું છે અને પ્રભાસ ક્ષેત્રના ઐતિહાસિક મહત્વની ચર્ચા કરી છે. મંદિર રાખમાંથી ફરી બેઠું થતા ‘ફીનિક્સ’ પક્ષીની જેમ રાખમાંથી બેઠું થઈ અનેક વિનાશ પછી પણ અજેય રહ્યું છે. પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગના પવિત્ર સ્થાનનો પણ ઉલ્લેખ છે.
આ પુસ્તકમાં સોમનાથ પર થયેલા આક્રમણોનો વિગતવાર ઇતિહાસ છે. ૧૦૨૫માં ગઝનીના મહમૂદ દ્વારા કરવામાં આવેલા વિનાશથી લઈને અલાઉદ્દીન ખિલજી અને ઔરંગઝેબના સમય સુધીના કપરા કાળનું વર્ણન અહીં જોવા મળે છે. મુનશીજીએ આ વિનાશને માત્ર ઈમારતનો ધ્વંસ નહીં, પરંતુ રાષ્ટ્રીય આત્મા પર થયેલા આઘાત તરીકે રજૂ કર્યો છે.
પુસ્તકનો એક મહત્વનો હિસ્સો સોમનાથના આધુનિક પુનરુત્થાન પર કેન્દ્રિત છે. ૧૩ નવેમ્બર ૧૯૪૭ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે જર્જરિત મંદિરના પટાંગણમાં સમુદ્રના પાણી સાથે જે સંકલ્પ કર્યો હતો, તેને ક. મા. મુનશીએ ભારતના ગૌરવની પુનઃસ્થાપના તરીકે આલેખ્યો છે.
પુસ્તકમાં બી. કે. થાપર દ્વારા કરવામાં આવેલા વૈજ્ઞાનિક ઉત્ખનનનો રિપોર્ટ પણ સામેલ છે. આ વિભાગમાં પૃથ્વીના પેટાળમાંથી મળેલા પ્રાચીન મંદિરોના સ્તરો, શિલાલેખો અને મૂર્તિઓના આધારે મંદિરના પ્રાચીન સ્થાપત્યની કડીઓ જોડવામાં આવી છે, જે ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી છે.
પુસ્તકની નવી આવૃત્તિઓમાં નવા મંદિરના નિર્માણની પ્રગતિ વિશે પણ જણાવવામાં આવ્યું છે. નવા મંદિરને ‘કૈલાસ મહા મેરુ પ્રસાદ’ તરીકે ઓળખાવવામાં આવ્યું છે, જેની ઊંચાઈ ૧૫૫ ફૂટ છે. પુસ્તકમાં અનેક રેખાચિત્રો અને ફોટોગ્રાફ્સ છે. જે સોમનાથની કલાત્મક ભવ્યતાના દર્શન કરાવે છે.
‘સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ‘ એ માત્ર ઇતિહાસનું પુસ્તક નથી, પરંતુ તે ભારતીય પ્રજાની અખંડ શ્રદ્ધાનું પ્રતીક છે. મુનશીજીના મતે સોમનાથ એ ‘અનંત જ્યોતિ’ છે, જે પેઢી દર પેઢી ભારતને તેના સાંસ્કૃતિક મૂળ સાથે જોડી રાખે છે અને સ્વાભિમાનથી જીવવાની પ્રેરણા આપે છે.
જે રીતે ગંગા નદી પહાડોમાંથી નીકળીને અનેક વળાંકો લેવા છતાં સમુદ્ર સુધી પહોંચીને પોતાની પવિત્રતા ટકાવી રાખે છે, તે રીતે સોમનાથનો ઇતિહાસ પણ સંઘર્ષો છતાં પોતાની ગરિમા જાળવી રાખી ‘અનંત’ રહ્યો છે, જેનું સચોટ ચિત્રણ આ પુસ્તકમાં જોવા મળે છે.
[1/8, 4:30 PM] Dilip Gajjar.Mahiti.Press: ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’
—————-
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સોમનાથમાં બેઠક કરી
૦૦
વડાપ્રધાનશ્રીના કાર્યક્રમની તૈયારીઓ બાબતે સમિક્ષા કરતાં કેન્દ્રીય મંત્રી શ્રી
——————
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
૦૦૦
શૌર્ય યાત્રાના રૂટ શંખ સર્કલ થી હમીરજી ગોહિલ પ્રતિમા સહિત સોમનાથ પરિસરની પ્રત્યક્ષ મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રીશ્રી
——————
અવિનાશી સનાતન સંસ્કૃતિ અને અતૂટ આસ્થાનું પ્રતિક એટલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ – કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી
——————
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગની ભૂમિ પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા.૧૦ અને તા.૧૧ મી જાન્યુઆરીના રોજ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ માં સહભાગી થવા માટે પધારવાના છે, ત્યારે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીએ વડાપ્રધાનશ્રીના સોમનાથ પ્રવાસ અને શૌર્ય યાત્રાના રૂટ સહિત વિવિધ કાર્યક્રમો અંગે સ્થળ સમિક્ષા કરી અન્ય તૈયારીઓની વિગતો મેળવી હતી.
કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીએ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવ્યા બાદ સાગર દર્શન ખાતે એક બેઠક યોજી અને ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત તા.૮, ૯ અને ૧૦ના રોજ યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અન્ય તૈયારીઓ વિશે ઝીણવટપૂર્વકની માહિતી મેળવી હતી.
સાગર દર્શન ખાતેની બેઠક પૂર્ણ થયા પછી કેન્દ્રીય મંત્રીશ્રીએ શૌર્ય યાત્રાના રૂટ શંખ સર્કલ થી હમીરજી ગોહિલ પ્રતિમા થી મંદિર પરિસર સહિતના સ્થળોએ મંત્રીશ્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી એ જણાવ્યું હતું કે, બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ એ દેશના કરોડો લોકો માટે આસ્થાનું પ્રતીક છે. સોમનાથ એ અવિનાશી-શાશ્વત સનાતન સંસ્કૃતિ અને અતૂટ આસ્થાનું પ્રતિક છે. તલવારની તાકાત પર સનાતનને મિટાવવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ એમાં નિષ્ફળતા મળી અને સનાતનની શક્તિમાં ઉત્તરોતર વધારો થતો રહ્યો છે.
ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું પરંતુ વિદ્વંશ સામે નિર્માણની તાકાત જીતી ગઈ, સોમનાથ પર આટઆટલા આક્રમણ પછી પણ એ સનાતન, અખંડ અને અવિનાશી રહ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી ભવિષ્યની પેઢીને પણ સનાતન સંસ્કૃતિની-ભારતની પ્રાચીન ધરોહર ની ઓળખ મળે, વીરોના બલિદાન યોગદાનની ગાથા ની જાણકારી મળે એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે. એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
સોમનાથ પર ગઝનવીના આક્રમણના ૧૦૦૦ વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના ૭૫ વર્ષનો સુભગ સમન્વય સધાયો છે. જે તાકાતો એ ભારતમાં અવિનાશી ચેતનાને મિટાવવાની કોશિશ કરી હતી, એમના પ્રયાસો સદંતર નિષ્ફળ રહ્યાં. આમ સોમનાથ એ અતૂટ આસ્થાનું કેન્દ્ર અને સાંસ્કૃતિક ધરોહરોનું પુન: જાગરણનું કેન્દ્ર બન્યું છે.
ઉલ્લેખનીય છે કે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત તા.૦૮, ૦૯ અને તા.૧૦ દરમિયાન ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત શોર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
00 000 000 0000
[1/8, 5:47 PM] Dilip Gajjar.Mahiti.Press: *સોમનાથ સ્વાભિમાન પર્વ – ભારતના અખંડ સ્વાભિમાનની અભિવ્યક્તિ*
——
*સોમનાથ મંદિરમાં આવેલો બાણસ્તંભ ભારતની વૈજ્ઞાનિક દૃષ્ટિ, ભૂગોળીય સમજ અને અડગ આત્મવિશ્વાસનું પ્રતિક*
—-
*બાણસ્તંભ પર અંકિત શિલાલેખ મુજબ અહીંથી દક્ષિણ દિશામાં પૃથ્વીના અંત સુધી કોઈ ભૂખંડ નથી*
———
*આ પર્વ અંતર્ગત સોમનાથમાં સહભાગી થનારા મુલાકાતીઓ માટે જાણવા જેવો ઈતિહાસ*
——-
*તા.૮ જાન્યઆરી, ૨૦૨૫ સોમનાથ* – વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાનાર સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતની હજારો વર્ષ જૂની સંસ્કૃતિના અખંડ પ્રવાહને વર્તમાન અને ભવિષ્ય સાથે જોડતો રાષ્ટ્રીય સંકલ્પ બની રહેવાનો છે ત્યારે સોમનાથ મંદિરની ભવ્યતા સાથે વર્ષો જૂનો ઈતિહાસ વણાયેલો છે. ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ચેતનામાં સોમનાથ મંદિર એક મંદિર માત્ર નથી, પરંતુ તે અખંડ આસ્થા, રાષ્ટ્રીય અસ્મિતા અને સંસ્કૃતિના પુર્નઉત્થાનનું જીવંત પ્રતિક છે.
ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતના ઐતિહાસિક સ્વાભિમાન અને સાંસ્કૃતિક પુર્નઉત્થાનનો સશક્ત અભિવ્યક્તિરૂપ કાર્યક્રમ છે. આ પર્વના પરિપ્રેક્ષ્યમાં મંદિર પરિસરમાં સ્થિત બાણસ્તંભનું વિશેષ ઐતિહાસિક અને પ્રતીકાત્મક મહત્વ ઉજાગર થાય છે.
સોમનાથ મંદિરના પ્રાંગણમાં અરબી સમુદ્ર તરફ અભિમુખ બાણસ્થંભ પ્રાચીન ભારતની વૈજ્ઞાનિક દૃષ્ટિ, ભૂગોળીય સમજ અને અડગ આત્મવિશ્વાસનું પ્રતિક છે. બાણસ્તંભ પર અંકિત સંસ્કૃત શિલાલેખ મુજબ (आसमुद्रांत दक्षिण ध्रुव,पर्यंत अबाधित ज्योर्तिमार्ग) અહીંથી દક્ષિણ દિશામાં પૃથ્વીના અંત સુધી કોઈ ભૂખંડ-જમીન નથી, જે તત્કાલિન ભારતના વિદ્વાનોની વિકસિત ભૂગોળીય સમજને દર્શાવે છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત બાણસ્તંભ ભારતના અખંડ સ્વાભિમાન, અવિરત સંસ્કૃતિ અને પુનર્જાગૃતિના સંદેશનું પ્રતિક છે. આંક્રાતાઓના વારંવારના આક્રમણો અને વિધ્વંસ બાદ પણ સોમનાથ મંદિરનું પુન:ર્નિર્માણ અને તેની સાથે જોડાયેલી વિરાસત ભારતની અડગ આસ્થા અને આત્મ સન્માનને પ્રતિબિંબિત કરે છે.
સોમનાથ મંદિરના પુનર્નિર્માણથી લઈને વડાપ્રધાનશ્રીના દૃઢ સંકલ્પ સમાન સ્વાભિમાન પર્વ સુધીની યાત્રા ભારતની સાંસ્કૃતિક પુનઃસ્થાપનાની સાક્ષી છે. આ પરંપરાને વધુ મજબૂતી આપતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીની સોમનાથ પ્રત્યે વ્યક્ત થયેલી અતૂટ આસ્થા અને સન્માન, રાષ્ટ્રની સાંસ્કૃતિક ચેતનાને નવી ઊંચાઈ આપે છે. તેમના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ઐતિહાસિક વારસાના સંરક્ષણ અને પ્રચારને વિશેષ પ્રાધાન્ય મળ્યું છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત બાણસ્તંભનું સ્મરણ નવી પેઢીને ભારતના ગૌરવસભર ઇતિહાસ સાથે જોડે છે અને આત્મવિશ્વાસ, વૈજ્ઞાનિક વિચાર તથા રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપે છે. આ પર્વ માત્ર એક ઉજવણી નહીં, પરંતુ ભારતના અખંડ સ્વાભિમાન, સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાની જીવંત અભિવ્યક્તિ તરીકે વિશેષ મહત્વ ધરાવે છે.
જય મિશ્રા 000
[1/8, 6:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *સોમનાથ સ્વાભિમાન પર્વ*
*સોમનાથમાં જૂનાગઢના યોગબોર્ડ સહિત સંસ્થાઓની મહિલાઓ દ્વારા અખંડ શિવધૂનનો પ્રારંભ*
૦૦
*પર્વના પ્રથમ દિવસે 500 બહેનોએ ભજન કીર્તન શિવ ધૂનનો લાભ લીધો*
ગીર સોમનાથ તા.૮
સોમનાથ સ્વાભિમાન પર્વ સોમનાથમાં શિવ ભક્તિનું અનોખું પર્વ બન્યું છે. અતુટ આસ્થાના ૧૦૦૦ વર્ષ અંતર્ગત સોમનાથમાં ત્રિ દિવસીય કાર્યક્રમોમાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સ્વાભિમાન પર્વ શૌર્ય સભા-શોર્ય યાત્રા અને ઓમકાર મંત્ર સહિતના કાર્યક્રમોને લઈને સોમનાથ પરિસરમાં અખંડ ઓમકાર જાપ અને અખંડ શિવ ભજન ના કાર્યક્રમોનો આજે પ્રારંભ થયો હતો. જેમાં જુનાગઢ થી યોગ બોર્ડના મહિલા સભ્યો તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના મહિલા પ્રતિનિધિઓ યોગ, વ્યાયામ શિક્ષકો અને મહિલા કાર્યકર્તાઓ સહિત ૫૦૦ બહેનોએ અખંડ શિવધૂનમાં ભાગ લીધો હતો. કરતાલ, લોક કંઠના શિવ ભક્તિ ગીતો ભાવમય રીતે ગવાતા હતા ત્યારે સોમનાથ મંદિરે આવતા દર્શનાર્થીઓએ પણ અખંડ શિવ ધૂન સાંભળી શ્રદ્ધાની લાગણી વ્યક્ત કરી હતી. જુનાગઢ થી ખાસ બસ સોમનાથ આવી હતી. ત્રણ દિવસ સુધી વિવિધ વિસ્તારમાંથી શિવ ભક્તો શિવધૂનમાં સહભાગી થવાના છે. આજે પ્રથમ દિવસે શિવ શિવ ધૂન કાર્યક્રમનું સંકલન જૂનાગઢના યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા એ કર્યું હતું. યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર ચેતનાબેન ગજેરાએ શ્રદ્ધા સાથે જણાવ્યું હતું કે સોમનાથમાં સ્વાભિમાન પર્વ આધ્યાત્મિક ભાવનું પર્વ બન્યું છે અને તેમાં સહભાગી થવાનો આનંદ છે. તેમની સાથે કોર્ડીનેટર સોનલબેન પણ જોડાયા હતા.
[1/8, 7:08 PM] Dilip Gajjar.Mahiti.Press: *સોમનાથ સ્વાભિમાન પર્વ: વીર હમીરજી ગોહિલના શૌર્ય અને રાષ્ટ્રીય અસ્મિતાના પુનરુત્થાનનો ઉત્સવ*
*****
*અનંત જ્યોતિ સોમનાથ: સ્વાભિમાન પર્વમાં ગુંજશે ૧૦૦૦ વર્ષના સંઘર્ષ અને આસ્થાનો ઇતિહાસ*
*****
ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જ્યારે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ઉજવાઈ રહ્યું છે, ત્યારે એક એવા વીર યોદ્ધાનું સ્મરણ અનિવાર્ય બને છે જેમણે સોમનાથની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. એ નામ એટલે વીર હમીરજી ગોહિલ.
સોમનાથનો ઇતિહાસ માત્ર આક્રમણોનો જ નહીં, પરંતુ તે આક્રમણો સામે લડીને ખમીર બતાવનારા વીરોનો પણ ઇતિહાસ છે. જ્યારે આતતાયી ઝફરખાનની સેનાએ સોમનાથ પર આક્રમણ કર્યું, ત્યારે લાઠીના રાજકુંવર હમીરજી ગોહિલે સોમનાથના શિવલિંગની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો હતો.
નવી પરણેલી પત્નીનો સાથ અને રાજગાદીનો મોહ ત્યજીને તેઓ સોમનાથના રક્ષણ માટે નીકળી પડ્યા હતા. માર્ગમાં વેગડાજી ભીલ જેવા લડવૈયાઓ તેમની સાથે જોડાયા હતા. આ નાનકડી સેનાએ વિશાળ આક્રમણખોર સૈન્ય સામે જે પ્રતિકાર કર્યો, તે આજે પણ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત છે.
સોમનાથ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આજે પણ વીર હમીરજી ગોહિલની ખાંભી (સ્માર્ક) અને તેમની ભવ્ય પ્રતિમા અડીખમ ઉભી છે.
*વીર હમીરજી ગોહિલની ખાંભી:* આ એ પવિત્ર સ્થળ છે જ્યાં લડતા-લડતા હમીરજીએ વીરગતિ પ્રાપ્ત કરી હતી. દરેક શ્રદ્ધાળુ સોમનાથ દાદાના દર્શને જાય તે પહેલાં આ શહીદને નમન કરે છે.
*વીર હમીરજી ગોહિલની પ્રતિમા:*
હાથમાં તલવાર અને ચહેરા પર સ્વાભિમાન સાથેનું તેમનું સ્ટેચ્યુ આવનારી પેઢીને શીખવે છે કે રાષ્ટ્ર અને ધર્મના ગૌરવ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની પરંપરા આ ધરતીની તાસીર છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉજવાઈ રહેલું ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ એ માત્ર ભૂતકાળને યાદ કરવાનો ઉત્સવ નથી, પરંતુ હમીરજી ગોહિલ જેવા શહીદોના બલિદાનથી સિંચાયેલી આ ધરતીની ‘અજેયતા’નો જશ્ન છે.
૧૧ જાન્યુઆરીએ નીકળનારી ભવ્ય શૌર્ય યાત્રા, જે હમીરજી ગોહિલની પ્રતિમાથી સભાસ્થળ સુધી જશે, તે ખરા અર્થમાં શહીદોના વારસાને આપવામાં આવેલી અંજલિ છે. ૧૦૮ ઘોડેસવારો અને ‘જય સોમનાથ’ના નાદ સાથે આ યાત્રા દર્શાવશે કે હમીરજીનું શૌર્ય આજે પણ ભારતની યુવા પેઢીમાં જીવંત છે.
ક. મા. મુનશીએ તેમના પુસ્તક ‘સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ’ માં જે અસ્મિતાની વાત કરી છે, તે અસ્મિતાનું જીવંત લોહી એટલે વીર હમીરજી ગોહિલ. સોમનાથ મંદિર રાખમાંથી ફરી બેઠું થયું કારણ કે હમીરજી જેવા વીરોએ તેને પોતાના રક્તથી સિંચ્યું હતું. આજે જ્યારે સોમનાથ ‘સુવર્ણ યુગ’માં પ્રવેશી રહ્યું છે, ત્યારે વીર હમીરજીની ખાંભી આપણને યાદ અપાવે છે કે આઝાદી અને આસ્થા મફતમાં નથી મળતી, તેના માટે શૌર્ય અને બલિદાનની જરૂર પડે છે.
**********
*માહિતી સંદર્ભ :- ક. મા. મુનશીનું પુસ્તક ‘સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ’માંથી*
[1/8, 7:21 PM] Dilip Gajjar.Mahiti.Press: *’સોમનાથ સ્વાભિમાન પર્વ’ ભારતના અખંડ સ્વાભિમાનની અભિવ્યક્તિ*
——
*નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત રેલવે સ્ટેશનથી સુરત જિલ્લાના ૧૩૦૦ જેટલા શ્રદ્ધાળુઓની સુરત-વેરાવળ સ્પેશ્યલ ટ્રેનને ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યુંઃ*
———-
*સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત શ્રદ્ધાળુઓ કરશે સોમનાથ દાદાના દિવ્ય દર્શન*
——-
*માહિતી બ્યુરો:સુરત:ગુરૂવાર:* ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા છે. આજ રોજ સુરત રેલ્વે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
‘ભારત માતા કી જય, હર હર મહાદેવ, ઓમ નમઃશિવાય’ના નાદ સાથે સુરત જિલ્લાના ૧૩૦૦ જેટલા વડીલો, યુવાનો સહિતના શ્રદ્ધાળુઓ સાથેની ટ્રેનને રવાના કરાઈ હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતના સ્વાભિમાન, ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક પુર્નઉત્થાનનો સશક્ત અભિવ્યક્તિરૂપ કાર્યક્રમ છે. જેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ પધારી રહ્યા છે. ૭૨ કલાકના સામુહિક ઓમકાર નાદ સાથે શિવમંદિરો ગુંજી રહ્યા છે. ઋષિકુમારોના શંખનાદ અને સંતોના સાન્નિધ્યમાં ઓમ નમઃશિવાયના જાપ સોમનાથ મંદિરમાં થઈ રહ્યા છે એમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ સૌ યાત્રાળુઓને શુભકામનાઓ પાઠવી હતી.
આ વેળાએ મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, અગ્રણી ઝંખનાબેન પટેલ, વી.ડી.ઝાલાવાડીયા, અનિલકુમાર શુકલા તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, સોમનાથ પર ગઝનવીના આક્રમણના ૧૦૦૦ વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના ૭૫ વર્ષનો સુભગ સમન્વય સધાયો છે ત્યારે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત તા.૦૮, ૦૯ અને તા.૧૦ દરમિયાન ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત શોર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આગામી તા.૧૦ અને ૧૧ જાન્યુ. દરમિયાન સોમનાથ મંદિર ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થશે.
*ગુજરાત પ્રદેશ ભાજપા*
*પ્રેસનોટ- 01*
*તા.- 08/01/2026*
——-
*પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા હેઠળ ગુજરાત સહિત દેશભરમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘નો આજથી પ્રારંભ*
——-
*ગાંધીનગર સ્થિત પૌરાણિક ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવની પૂર્જા અર્ચના કરી સૌના મંગલ માટે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*
——-
*અમદાવાદના અસારવા સ્થિત નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શિશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક પૂજા કરી સર્વજનના કલ્યાણની કામના કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા*
——–
*મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર ખાતે અને પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અસારવા ખાતે અવિરત ૭૨ કલાક ચાલનારા ઓમકારનાદ મંત્ર ધ્વનિ કાર્યક્રમમાં સહભાગી થયા*
——-
*ગુજરાતના ૨૪૩ શિવ મંદિરોમાં ૭૨ કલાક અને ૧૦૦૦ શિવ મંદિરોમાં એકદિવસીય ઓમકાર જાપ અને કીર્તનનું આયોજન*
——-
*સમગ્ર રાજ્યમાં શિવ મંદિરોમાં યોજાનાર ઓમકાર જાપ અને કીર્તનના કાર્યક્રમોમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક સંગઠન અને ચૂંટાયેલી પાંખ સહિત ભાજપાના કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાશે*
——–
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા હેઠળ ગુજરાત સહિત દેશભરમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘નો આજથી શુભારંભ થયો છે. એક હજાર વર્ષ પૂર્વે સોમનાથ મંદિરે મહમૂદ ગઝનવી દ્વારા કરાયેલું ઇતિહાસનું પહેલું આક્રમણ સહન કર્યું હતું. ત્યારબાદ થયેલા અનેક હુમલાઓ પણ દેશવાસીઓની શાશ્વત આસ્થા અને શ્રદ્ધાને ડગાવી શક્યા નહી અને તેના પરિણામે ભારતની સાંસ્કૃતિક એકતાની ભાવનાની પ્રતીતિ કરાવતું ગગનચુંબી સોમનાથ મંદિર આજે આપણી સમક્ષ ઊભું છે.
‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સ્થિત પૌરાણિક ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવની પૂર્જા અર્ચના કરી સૌના મંગલ માટે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ધોળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણમાં ૭૨ કલાક સુધી ચાલનારા ઓમકારનાદ મંત્ર ધ્વનિ કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. આશિષકુમાર દવે, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ સહિત સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, અસારવા, અમદાવાદ ખાતે દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શિશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક પૂજા કરી સર્વજનના કલ્યાણની કામના કરી હતી. પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ મોટી સંખ્યામાં નગરજનો અને શિવભક્તોની ઉપસ્થિતિમાં અવિરત ૭૨ કલાક ચાલનારા શિવ ધુન અને કીર્તનના કાર્યક્રમમાં સહભાગી થયા હતાં. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીશ્રી પ્રશાંતભાઈ કોરાટ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા, પ્રદેશ મુખ્ય પ્રવક્તાશ્રી ડૉ. અનિલભાઈ પટેલ, મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી પ્રેરકભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદશ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ અંતર્ગત તા. ૮ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન ગુજરાતના ૨૪૩ શિવ મંદિરોમાં ૭૨ કલાક અને ૧૦૦૦ શિવ મંદિરોમાં એકદિવસીય ઓમકાર જાપ અને કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક સંગઠન અને ચૂંટાયેલી પાંખ સહિત ભાજપાના કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાશે.
પ્રશાંત વાળા
પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ
ભાજપા ગુજરાત
અહીંયા કોઈપણ સમાચાર,વિડિઓ,ફોટાઓ જન જાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે
