NG-281-31-7-24 pdf
(ચાર પાનાં વાંચવા માટે અખબાર ની ઉપર ક્લિક કરી બાજુમાં બતાવેલ એરો ઉપર થી પાના પલટી શકાશે)
સુરત, તા.૩૦
સુરતના સારોલી-કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા છે. હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે, આ દરમિયાન મોટી ઘટના થવાની ભીતિ ઉભી થઈ હતી. આમ આ બ્રિજ ‘ઝૂલતો બ્રિજ’ હોય એવું લાગી રહ્યું છે. હાલમાં સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે. બેથી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિકજામ થયો હતો. જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે. આ સ્પાન હવે રાત્રે ઉતારી લેવામાં આવશે. સુરત મેટ્રોનું વર્ષ ૨૦૨૭માં ઉદ્ઘાટન થવાનું છે ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે. ભેસાણ થી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે ૧૮ કિમી એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૨૧થી મેટ્રોની કામીગીરી શરૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૨માં સુરત મેટ્રો લાઇન-૨ કોરિડોરનું નિર્માણકાર્ય માટે સીએસ-૬ પેકેજ હેઠળ મજૂરાથી સરોલી વચ્ચે ૮.૦૨ કિમીમાં નિર્મિત થનારા એલિવેટેડ માર્ગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે દિલીપ બિલ્ડકોન લિમિટેડને નિર્માણ માટે ૭૦૨ કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર (એલઓ) જારી કર્યો હતો.
આ અંગે ફાયર ઓફિસર ભુપેન્દ્રસિંહ રાજે જણાવ્યું કે, અમારા ડિવિઝનલ ઓફિસર મોઢ સર પર કોલ આવ્યો હતો કે,ભરત કેન્સરની સામે ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટનો સ્પાન તૂટી ગયો છે એવો મેસેજ આવ્યો હતો. જેથી ફાયર ફાઇટર સહિતના સ્ટાફને મોકલી દેવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ મેનેજર સાથે વાત કરતા તેઓએ અમને જણાવ્યું હતું કે રાત્રે આ કામ કરવામાં આવશે અને આ સ્પાન ઉતારી લેવામાં આવશે. આ રોડ બંધ કરવામાં આવશે. એ પડવાનો નથી અને તેને રાત્રે ઉતારી લેવામાં આવશે. મેટ્રોનો જે સ્પાન નમી ગયો છે, ત્યાં આગળ હવે અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો. સુરત શહેરનો ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જા રહ્યા છે. મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી રહી છે. મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો હતો, તેના કારણે આ ગમે ત્યારે ધરાશાયી થાયનો ડર પેસી ગયો હતો. સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.(સિટી ન્યૂઝ અહેવાલ.સુરત)