ભાજપ/ કોંગ્રસના વરિષ્ઠ નેતાઓને દુષ્કર્મ દેખાય પણ પોલીસને ન દેખાય એનો અર્થ શું કરવો?
અમરેલીમાં વિચિત્ર ઘટના બની છે. અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલા વિશ્વાસ એપાર્ટમેન્ટમાં એકલા રહેતા પ્રાથમિક શાળાના મહિલા આચાર્યના ઘરમાં ઘૂસી સ્થાનિક ભાજપના આગેવાને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો એક મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. મેસેજ વાઈરલ થયા બાદ ભાજપ-કોંગ્રેસના નેતાઓએ એકસૂરે આ મામલાની યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી. ભાજપના વરિષ્ઠ આગેવાન/ પૂર્વ કાયદા મંત્રી અને IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીએ તથા ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ 10 ઓક્ટોબર 2024ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને તથા મહિલા આયોગને પત્ર લખીને દુષ્કર્મની તપાસ કરવા વિનંતી કરેલ. ઉપરાંત, મહિલા કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ જેનીબેન ઠુમ્મરે પ્રેસ કોન્ફરન્સ કરી તપાસની માંગણી કરી હતી.
જેમની સામે આક્ષેપ થયેલ છે તેનું નામ સંદીપ માંગરોલિયા છે; તેઓ અમરેલી નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન છે અને અમરેલી મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી કરે છે. આક્ષેપ એવો છે કે તેઓ મહિલાને રાત્રે મળવા ગયા ત્યારે આજુબાજુના રહીશોએ બહારથી દરવાજો બંધ કરી, ઊહાપોહ કર્યો હતો અને આખી રાત તેમને એપાર્ટમેન્ટમાં પૂરી રાખેલ. પરંતુ પોલીસને આ આક્ષેપમાં તથ્ય જણાયેલ નહીં.
જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે 11 ઓક્ટોબર 2024ના રોજ પ્રેસ કોંફરન્સ યોજી જણાવેલ કે “મહિલા અને જે વ્યક્તિ પર આક્ષેપ થઈ રહ્યા છે તેમના નિવેદનો લેવામાં આવ્યા છે. જે સ્થળે આ ઘટના બની હોવાનો આરોપ છે ત્તે સ્થળ તપાસ કરવામાં આવી છે. આવી કોઈ ઘટના બની જ નથી !”
થોડાં પ્રશ્નો: [1] એવું ક્યારેય સાંભળ્યું છે કે સત્તાપક્ષના જુનિયર નેતા સામે દુષ્કર્મની તપાસ કરવાની માંગણી સત્તાપક્ષના વરિષ્ઠ નેતાઓએ કરી હોય? સાથે કોંગ્રેસ પણ દુષ્કર્મની તપાસ કરવાની માંગણી કરે, એવું બને ખરું? [2] શું છે મૂળ મામલો? શું ભાજપમાં અંદરોઅંદર ભયંકર ડખા થયા છે? અમરેલી ભાજપની સ્થિતિ તો જૂઓ; સરકારમાં જુનિયર નેતાનું ચાલે છે. ભાજપના વરિષ્ઠ નેતાને તો જિલ્લાના SP ખોટા માને છે ! આ શું સૂચવે છે? [3] આ કિસ્સામાં જો સહમતીથી સંબંધ હોય તો મહિલા ફરિયાદ કરે ખરી? મહિલા સાથે સંબંધ રાખનાર નેતા કબૂલ કરે ખરો? શું એપાર્ટમેન્ટના રહીશોને મોં નહીં ખોલવા ધમકીઓ મળી હશે? એપાર્ટમેન્ટ પાસે જોવા મળેલ GJ 14 AK 3798 અને GJ 14 AA 3631 નંબરની ગાડીઓની તપાસ પોલીસે કેમ કરી નહીં હોય? ઘટનાસ્થળ તથા આજુબાજુના CCTV ફૂટેજ શા માટે તપાસ્યા નહીં હોય? નેતાના મોબાઈલ ફોનના લોકેશનનો પુરાવો પોલીસે કેમ મેળવેલ નહીં હોય? પોલીસે નેતા-મહિલાની કોલ ડિટેઇલ મંગાવી અભ્યાસ કેમ કર્યો નહીં હોય? વિશ્વાસ એપાર્ટમેન્ટ સામે જ SBI છે, તેના CCTV ફૂટેજ પોલીસે કેમ મેળવ્યા નહીં હોય? ભાજપ/ કોંગ્રસના વરિષ્ઠ નેતાઓને દુષ્કર્મ દેખાય પણ પોલીસને ન દેખાય; એનો અર્થ શું કરવો? સ્પષ્ટ છે કે પોલીસ આંખ આડા કાન કરે છે ! [4] પૂર્વ સંસદસભ્ય નારણ કાછડીયાએ જે પત્ર લખેલ છે તેમાં દુષ્કર્મ કરનાર નરાધમનું નામ આપ્યું ન હતું. તેઓ નામ લખવાની હિંમત કરી શક્યા ન હતા ! પાછળથી દિલીપ સંઘાણીએ ‘કોંગ્રેસ ભાજપના આગેવાનને બદનામ કરે છે એટલે તપાસ થાય તો સત્ય બહાર આવે’ તેમ કહીને ફરી ગયા હતા ! જો ઉપરથી દબાણ આવતા દિલીપ સંઘાણી ફરી જતા હોય તો SP ઉપર કેટલું દબાણ આવ્યું હશે? ભાજપના જ સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરિયા ચૂપ છે; ભાજપના સ્થાનિક સંસદસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયા ચૂપ છે, એ સૂચક નથી?